Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 January 2020

હૈયાને દરબાર

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

એ હે સનસનન
ચગે રે ચગે ચગે રે ચગે
હે કાયપો છે!!

અલગ અલગ રંગોના પતંગો ચારે તરફ તરવરતા
ભુરા આ આકાશી આંગણમાં રંગોળી ભરતા
કોઇ સનન … ધસે તો, કોઇ ધીમે ધીમે સરતા ..
રંગબેરંગી માછલીઓની જેમ ગગનમાં ઉડતા

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

મસ્તીનો તહેવાર ઉજવતી, સઘળી ન્યાતિ-જાતિ
ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતી
પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી
પતંગ થઇને આખો દિવસ ઉડે સૌ ગુજરાતી

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

હળવા થઇએ પવનની સાથે થોડું ઊડી લઇએ
મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ
હું ગુજરાતી ચેતનવંતો મારો આ તહેવાર
રંગીલું આકાશ કરે ગુજરાતનો જયજયકાર ..

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો …

•   કવિ : રઈશ મનીઆર   •   સંગીતકાર : મેહુલ સુરતી   •   ગાયક કલાકારો : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, નૂતન સુરતી, દ્રવિતા ચોક્સી

———————–

નવા વર્ષનું પહેલું પર્વ એટલે ઉતરાણ. સુરતીઓ મોજ-મસ્તી, ખાણી-પીણીમાં અગ્રેસર. આ વર્ષે ન્યૂ યર સેલિબ્રેશન સુરતમાં ઉજવવાનો યોગ હતો. સુરત એ જલસાનગરી છે. મોજ-મસ્તી અને યજમાનોની મીઠાશ તમને સુરત જવા મજબૂર કરે જ. સુરત જબરજસ્ત બદલાઈ ગયું છે. સરસ મજાના પોશ વિસ્તારો, વિશાળ રસ્તાઓ અને આંખે ઊડીને વળગે એવી આધુનિકતા. એમાં ય ખાણી-પીણીના કેવા જલસા! પોંક અને ઊંધિયાની સિઝન હોય પછી પૂછવું જ શું? ગોટાળો આઈસક્રીમથી લઈને લીલવાના લિજ્જતદાર ઘુઘરા, લીલુંછમ ઊંધિયું, લીંબુ મરીની સેવ સાથે કૂમળો પોંક, પોંકવડાં, તાજ્જી ઘારી અને મજેદાર ખારી. માત્ર દોઢ દિવસની ટૂંકી મુલાકાતમાં હૂંફાળા મિત્રો એષા દાદાવાળા, વિક્રમ વકીલ, કાશ્મીરા, તરવરિયા સંગીતકાર મેહુલ સુરતી અને ડૉ. મુકુલ ચોક્સી જેવા સંગીત પ્રેમી મિત્રોને મળી કાવ્ય-સંગીતની મહેફિલ સાથે નવા વર્ષે આનંદ બેવડાયો. લહેરીલાલા સુરતીઓના મોજીલાપણા સાથે નવા વર્ષનો શુભારંભ થયો. એક મિત્રે તો ઉતરાણ કરીને જ જવાનું અલ્ટીમેટમ આપી દીધું હતું. હા, સુરતીઓના ચટાકેદાર જમણ સાથે સુરતની સંક્રાંત કેવી રીતે ભૂલાય? સુરતી માંજો જોયો છે? ભલભલા સુપર સ્ટારના હાથ કપાઈ જાય!

વાત છે ફિલ્મ ‘રઈસ’ની. ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય … ગીત યાદ છે ને? આપણી ભૂમિ ત્રિવેદીએ ખૂબ લોકપ્રિય બનાવ્યું હતું.

ગુજરાતી ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. એક સ્થાને એમણે કહ્યું હતું કે, "ઉતરાણ ગુજરાતમાં ખૂબ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવે છે અને ગરબા અમારા રાજ્યની ઓળખ છે. ગુજરાતમાં બનેલી કોઈ પણ ફિલ્મ ગરબા અને ઉતરાણ વગર અધૂરી છે. આ ફિલ્મના લેખકો પણ ગુજરાતી છે એથી અમે આ ફિલ્મમાં એક સ્પેશ્યલ ગીત ઍડ કરવાનું નક્કી કર્યું હતું જેનાથી સ્ટોરી આગળ વધે. શાહરુખનું પાત્ર આ ફિલ્મમાં અન્ય લોકોની પતંગ કાપવામાં એક્સપર્ટ હોય છે. આ ફિલ્મમાં તેનો ડાયલોગ છે, "અગર કટને કા ડર હોતા ના, તો પતંગ નહીં ચડાતા, ફિરકી પકડતા. આ ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે અમે સ્પેશ્યલ સુરતથી પતંગની દોરી મગાવી હતી. સુરતી માંજા ખૂબ ફેમસ છે અને આ શૂટિંગ દરમ્યાન શાહરુખની આંગળીઓ પર ઘણી વાર કાપા પણ પડી ગયા હતા.

હમ દિલ દે ચુકે સનમનું ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે ગીત પણ એવું જ ધમાકેદાર, પરંતુ આપણાં ગુજરાતી પતંગ ગીતો કંઈ કમ છે?

સુરતી માંજા જેવું એક ધારદાર ગીત સુરતી કવિ ડૉ. રઈશ મનીઆરે લખ્યું છે :

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો …!

પતંગની રંગતની મજેદાર વાત થોડીક ફિલોસોફી સાથે રઈશભાઈએ આ ગીતમાં કરી છે. રઈશ મનીઆર ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર છે. આ ઉપરાંત તે એક નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. ઈંડિયન નેશનલ થિયેટરે એમને ૨૦૦૧માં શયદા એવોર્ડ અને ૨૦૧૬માં કલાપી એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને નર્મદ સાહિત્યસભા તરફથી નર્મદ ચંદ્રક તેઓ મેળવી ચૂક્યા છે. ગાલિબ અને ગુલઝારની કવિતાઓનો સુંદર અનુવાદ કરનાર રઈશભાઈ આ ગીત વિશે કહે છે, ’વાયબ્રન્ટ ગુજરાત’ના આરંભનાં વર્ષોમાં આ ગીત લખાયું હતું જેમાં ગુજરાતીઓના મિજાજ અને પતંગની વાત વણી લેવાઇ છે. મેહુલ સુરતીએ આ ગીતને ઝમકદાર રીતે સંગીતબદ્ધ કર્યું હતું. સુરતની અગાશીઓ પર ઉતરાણને દિવસે હિન્દી પોપ્યુલર ગીતો સાથે આ ગીત પણ લોકો વગાડે છે. વાયબ્રન્ટ ગુજરાતના ફંકશનમાં નૃત્ય સાથે આ ગીત રજૂ થયું હતું. હળવા થઇએ પવનની સાથે થોડું ઊડી લઇએ, મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ … જેવી પંક્તિઓ દ્વારા માનવજીવનના ચિંતનની વાત પણ વણી લીધી છે. ઉત્સવ થીમ સાથેના કાર્યક્રમમાં આ ગીત શ્રોતાઓ મોજથી સાંભળે છે.

પતંગનો ઇતિહાસ પ્રાચીન છે. તુલસીદાસ કૃત રામ ચરિત માનસમાં પણ એનો ઉલ્લેખ છે. બાલકાંડમાં લખ્યું છે કે રામ એક દિન ચંગ ઉઠાઈ …! ચંગ એટલે પતંગ. મકર સંક્રાંતિ દેશ વિદેશમાં જુદા જુદા નામે પ્રચલિત છે. આકાશ-પ્રકાશ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું પર્વ કહેવાતા આ તહેવારની શરૂઆત ૧૭૫૦માં શાહઆલમના કાળમાં થઈ હોવાનું મનાય છે. એ પહેલાં ઇ.પૂર્વે ૨૦૬માં ચીને ભમરાના આકારની પહેલવહેલી પતંગ બનાવી હતી. લશ્કરમાં સંકેત તરીકે એનો ઉપયોગ કરાતો હોવાનો ઉલ્લેખ પણ છે. ચીનથી એ વિશ્વ આખામાં વ્યાપ્ત થઈ. પતંગ કાવ્યોની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પતંગ’ વિષય પર કવિતા લખી છે. આ કવિતામાં નરેન્દ્ર મોદીએ પતંગ અને માનવ જીવનની તુલના કરી છે. તેમણે કવિતામાં લખ્યું છે કે જીવનની આંટીઘૂંટીઓમાં પતંગની ઉડાન જેવો અનુભવ કેવી રીતે કામ લાગે છે. નરેન્દ્ર મોદીની કવિતાની કેટલીક પંક્તિઓ વાંચો.

પતંગ…
મારી માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ
મારું સૂર્ય તરફનું પ્રયાણ.
પતંગ…
મારું ભવોભવનું વૈભવ,
મારો જ દોર મારા હાથમાં…
પદચિહ્નો આ પૃથ્વી પર,
ને આકાશમાં,
જાણે કોઇ વિહંગમ દ્રશ્ય.
મારો પતંગ…
અનેક પતંગો વચ્ચે પણ મારો પતંગ અટવાતો નથી…
કોઈ વૃક્ષની ડાળીઓમાં ક્યાં ય ભેરવાતો નથી…
પતંગ…
જાણે કે મારો ગાયત્રી મંત્ર….!

ઉતરાણ એ એવો તહેવાર છે જેમાં આપણો થનગનાટ, તરવરાટ, મસ્તીનો મિજાજ સોળે કળાએ ખીલી ઊઠે છે! માણસ સઘળી સ્ટ્રેસ બાજુએ મૂકીને, દુ:ખો ભૂલીને પતંગબાજીના નામે ધાબે ઠેકડા મારે છે. અરે, ધાબા ઉપર પ્રણયના ફાગ ખેલાય, ‘કન્યા’ બંધાય, ક્યારેક પેચ લડી જાય ને પતંગ કપાઈ પણ જાય. પણ, એ જ તો છે જિંદગી!

માત્ર ગુજરાતી-હિન્દી જ નહીં અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં પણ પતંગ ગીતો છે. જો કે, ગુજરાતી પતંગ કાવ્યો રંગબેરંગી પતંગ જેવાં કલરફૂલ છે. આ રમેશ પારેખની જ કવિતા જુઓ ને!

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !
નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો –
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.
ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !
હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા!

સુરતના જ અન્ય કવિ ભગવતીકુમાર શર્માનું સુંદર પતંગકાવ્ય છે :

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!
પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

અવિનાશ વ્યાસનું આ ગીત સાંભળો :

કટ્ટમ કટ્ટી કટોકટી
ઊંધી ચત્તી કટોકટી
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર
કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો ..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર!

વાગ્ગેયકાર નિનુ મઝુમદારે પતંગનો ગરબો લખ્યો હતો જેમાં પતંગને કવિએ નારી સ્વરૂપે કલ્પી હતી. આ ગરબો વીણા મહેતાના ગરબા ગ્રુપે તથા વંદના દેસાઈના ‘કલાસંગમ’ દ્વારા પણ રજૂ થયો હતો. ઉદય મઝુમદાર તથા ફાલ્ગુની દલાલ-શાહના કંઠે ગવાયેલો આ પતંગનો ગરબો ઘણો લોકપ્રિય થયો હતો, જેના શબ્દો છે :

વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરના વૃંદ
મલય ત્યજી લાવે રવિ શીતલતાનો અંત
અરૂણે વાળ્યા અશ્વને અલકાપુરીને પંથ
દક્ષિણથી ઉત્તર ફર્યા ભાનુદેવ ભગવંત
સચરાચર ચેતનનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યા મેઘ વિના મેઘધનુ રંગો
દોડી આવી ગગનમાં પતંગો …!

આપણી આસપાસ પતંગ ચગાવવાની હરીફાઇઓ સાથે પતંગ ‘કાપવા’ની ય સ્પર્ધાઓ જોવા મળે છે, પરંતુ છેવટે તો આ ઉમંગ-ઉલ્લાસનું જ પર્વ છે જે જીવનની કેટલી ય ગતિવિધિઓ આપણને સમજાવી જાય છે. એટલે જ રંગીન પર્વને પૂરી રંગીનિયતથી માણો અને મહારાષ્ટ્રમાં છીએ એટલે આ તો કહેવું જ પડે : તિલ-ગુળ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા! આવતા અઠવાડિયે આવતી ઉતરાણની આગોતરી શુભેચ્છાઓ. હેપી ઉત્તરાયણ!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 જાન્યુઆરી 2020

 http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=618559  

Loading

9 January 2020 નંદિની ત્રિવેદી
← સુવર્ણમંદિરમાં સ્ત્રીઓને શબદ કીર્તનની છૂટ સ્ત્રી-સમાનતાની દિશામાં નાનું પણ નોંધપાત્ર કદમ
બચ્ચાંને આવી પાંખ! →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved