કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વરસની ઉંમરની સ્ત્રીઓને પ્રવેશ મળતો નથી. મુંબઈની હાજી અલીની દરગાહ અને બીજાં પણ કેટલાંક ધર્મોનાં એવાં સ્થાનો છે, જેમાં સ્ત્રીઓ પ્રવેશી શકતી નહોતી. હવે સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની પીઠ વિવિધ ધર્મસ્થાનો પર સ્ત્રીઓ પ્રત્યે આચરાતા ભેદભાવની સુનાવણી કરવાની છે. સામાજિક, રાજકીય, ધાર્મિક નેતાઓએ મળીને જે સવાલોનો હલ શોધવાનો હોય તે આપણે અદાલતો પર ઢોળી દઈએ છીએ તે અયોધ્યાના કેસમાં પણ બન્યું છે. આ સંજોગોમાં પંજાબ વિધાનસભાએ અમૃતસરના સુવર્ણમંદિરમાં સ્ત્રીઓને શબદ કીર્તનની મંજૂરી આપવા વિનંતી કરતો જે સર્વસંમત ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કર્યો છે, તે નવી હવાની લહેરખી સમાન છે. પંજાબના તમામ ફિરકાઓએ એક અવાજે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું તે બહેતરીન બદલાવ તરફનું કદમ છે.
ગુરુ નાનકે (ઈ.સ.૧૪૬૯-૧૫૩૯) જીવનભર જાતિ અને લિંગ આધારિત ભેદભાવ વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. તેમના ૫૫૦મા પ્રકાશ પર્વે તેમના આ વિચારોને ધ્યાનમાં રાખીને પંજાબ વિધાનસભામાં મંત્રી રાજિંદરસિંહ બાજવાએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં અકાલ તખ્ત અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિને વિનંતી કરવામાં આવી છે કે અમૃતસરના સુવર્ણ મંદિરમાં શીખ મહિલાઓને પણ પુરુષોની જેમ શબદ કીર્તન કરવાની છૂટ મળે. જ્યારે વિધાનસભામાં આ પ્રસ્તાવ ચર્ચા માટે આવ્યો ત્યારે આરંભે અકાલી દળના નેતાઓએ વિરોધ કર્યો હતો. તેમના વિરોધનું કારણ એ હતું કે આ પ્રસ્તાવથી દુનિયા જાણશે કે સુવર્ણ મંદિરમાં સ્ત્રીઓને જાણી બૂઝીને કીર્તન કરવા દેવામાં આવતું નથી! રહત મર્યાદા કહેતાં આચાર સંહિતા મુજબ શીખ મહિલાઓને કીર્તનની મંજૂરી ન હોવાની વાત પણ અકાલી નેતાઓએ નકારી હતી. જો કે વાસ્તવિકતા એ પણ છે કે ૨૦૦૫માં જ્યારે બીબી જાગીર કૌર શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હતાં, ત્યારે તેમણે પણ સ્ત્રીઓની શબદ કીર્તનની પરવાનગી માટે પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહોતાં. શીખોના ઇતિહાસમાં મહિલાઓ વિરુદ્ધના કોઈ ભેદભાવની જિકર નથી. તો પણ શીખ મહિલાઓ સુવર્ણ મંદિરમાં શબદ કીર્તન કરી શકતી ન હોવાની હકીકત છે. હવે વિધાનસભાના સર્વસંમત પ્રસ્તાવ પછી સ્ત્રીઓના શબદ કીર્તનનાં દ્વાર ખૂલ્યાં છે.
શીખ ધર્મના સ્થાપક, ધર્મ અને સમાજ સુધારક ગુરુ નાનકના જન્મ સમયનું, એટલે કે પંદરમી સદીનું ભારત, ખાસ તો ઉત્તર ભારત, ધર્મના નામે કર્મકાંડ અને અંધશ્રદ્ધાથી ગ્રસ્ત હતું. લોકોના જીવનમાં કટ્ટરતા, દ્વેષ, વેરઝેર, ઊંચનીચની ભાવના અને અનૈતિકતા પ્રસરેલાં હતાં. ધર્મ કર્મકાંડ કે રીતરસમ બની ગયો હતો. કેન્દ્રિત ધર્મ કે સંઘશક્તિનો અભાવ હતો. આવા માહોલમાં ગુરુ નાનકે ધર્મ અને સમાજ સુધારણાનું કામ હાથ પર લીધું હતું. આજે દુનિયાના પાંચમા ક્રમના શીખ ધર્મમાં જે અનેક સારી બાબતો જોવા મળે છે, તે આદિગુરુ નાનકની દેણ છે. સ્ત્રી સન્માન અને જાતિભેદ મિટાવવાની વાત ગુરુ નાનકે સ્પષ્ટપણે કહી હતી. “નાનક ઉત્તમ, નીચ ન કોઈ”નો જપુજીનો નાનકદેવનો સંદેશ આચરણમાં પણ મુકાયો હતો. તેમના અનેક સાથીઓ અને અનુયાયીઓ સમાજના કહેવાતા નીચલા વર્ણના હતા. ગુરુ નાનકે તેમના વિચારો કે ઉપદેશ કવિતાની શૈલીમાં વ્યક્ત કર્યા હતા. પંજાબી, સિંધી, અરબી, ફારસી, વ્રજ અને ખડી બોલીના પ્રયોગોવાળા તેમના ઉપદેશ “ગુરુ ગ્રંથસાહિબ”માં સમાવવામાં આવ્યા છે. પૂજારી અને મૌલવી બેઉ પાસે શરૂઆતનું શિક્ષણ મેળવનાર નાનકદેવે તેમના ઉપદેશમાં હિંદુ અને ઈસ્લામ બેઉ ધર્મની કુરીતિઓની આલોચના કરી છે તો બંને ધર્મોની સારી બાબતો પોતાના ધર્મમાં સમાવી છે.
સ્ત્રી સન્માન અને સ્ત્રી સમાનતા ગુરુ નાનકના ધર્મોપદેશમાં કેન્દ્રસ્થાને હતી. “સો ક્યા મંદા જાનિએ, બિન જનમેં રાજાન” અર્થાત્ જેણે રાજાઓને અને મહાપુરુષોને જન્મ આપ્યો છે તે સ્ત્રીને નીચી ન માનો, એમ તેમણે કહ્યું હતું. શીખ ધર્મને મજબૂત કરવામાં શીખ સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. પરંતુ ઈ.સ. ૧૫૭૪માં સ્થપાયેલા અને ઈ.સ. ૧૬૦૪માં જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હતો તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં એકવીસમી સદીના બીજા દાયકાના અંત ભાગના વરસોમાં સ્ત્રીઓ શબદ કીર્તન ન કરી શકતી હોય તે ભારે અચરજભરી અને શોચનીય બાબત છે. માત્ર ભારતીય જ નહીં વિદેશવાસી શીખોની પણ લાગણી અને અને માગણી હતી કે શીખ મહિલાઓ જેની હકદાર છે તે સમાનતા ધોરણે તેમને શબદ કીર્તન કરવા મળવું જોઈએ. ગુરુ નાનકના જન્મની ૫૫૦મી જયંતીએ હવે તે શક્ય બનવાનું છે.
શીખ ગુરુ રામદાસે અમૃત સરોવર બંધાવેલું તેની મધ્યમાં અને અમૃતસર શહેરની વચ્ચોવચ્ચ સુવર્ણમંદિર આવેલું છે. ઓગણીસમી સદીમાં અફઘાન હુમલાખોરોએ તેને સંપૂર્ણ નષ્ટ કરી દેતાં મહારાજા રણજિતસિંહે તેને પુન:સ્થાપિત કર્યું હતું. તેનો બહારનો ભાગ સુવર્ણે મઢેલો છે. શીખો પોતાના ધર્મમંદિરને ગુરુદ્વારા કહે છે. પંદરમી સદીની સંત પરંપરામાંથી ઉદ્દભવેલા શીખ ધર્મ અને તેના અનુયાયીઓ માટે સુવર્ણ મંદિરનું હરમંદિર, કે દરબારસાહિબ અગત્યનું ધાર્મિક શ્રદ્ધા સ્થાનક છે. ગુરુ નાનક સામાજિક સદ્દભાવના અને પ્રેમનો સંદેશ આપતા હતા. તેઓ બહુદેવોપાસનાને અનાવશ્યક માનતા હતા. અને મૂર્તિપૂજાના વિરોધી હતા. એટલે ગુરુદ્વારાઓમાં તેમના ધર્મ પુસ્તક ગુરુ ગ્રંથ સાહિબની પૂજા અર્ચના અને કીર્તન થાય છે. ગુરુદ્વારા ન માત્ર ધર્મમંદિર છે તે ક્ષુધાતુર માટે ભોજન શાળા, જિજ્ઞાસુ માટે જ્ઞાનશાળા, બીમાર માટે ઔષધાલય, વિદ્યાર્થી માટે પાઠશાળા અને મહિલા સલામતી, સુરક્ષા અને સન્માન માટે રક્ષણહાર દુર્ગ છે. એટલે સ્ત્રી મુખે ગુરુદ્વારામાં શબદ કીર્તન ન કરવા દેવાનો તર્ક સમજવો કઠિન છે.
સૌ સાથે મળીને જમતા હોય તેવા “લંગર”, સૌ સાથે મળીને ગાતા હોય, સંવાદ કરતા હોય તેવી “સંગત” શીખ ધર્મની આગવી ઓળખ છે. જ્યાં શીખોની સવિશેષ વસ્તી છે તે પંજાબમાં ૨૦૧૧માં સ્ત્રી સાક્ષરતાનો દર ૭૧.૩૪ ટકા હતો. અનેક ક્ષેત્રોમાં શીખ મહિલાઓ ટોચના સ્થાને છે શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખપદે શીખ મહિલા વિરાજી ચૂક્યાં છે. એટલે સુવર્ણ મંદિરના ગર્ભગૃહમાં શીખ મહિલાઓનું શબદ કીર્તન ન માત્ર આવશ્યક છે અનિવાર્ય પણ છે. ગુરુનાનકના ૫૫૦મા પ્રકાશ પર્વે તેનું શક્ય બનવું તે ગુરુ નાનકને આપવામાં આવેલી સાચી આદરાંજલિ છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના તાજેતરના સ્ત્રી-પુરુષ અસમાનતા સંબંધી રિપોર્ટમાં ભારતનું સ્થાન નીચે ધકેલાયું હોવાનું જણાવાયું છે, ત્યારે સ્ત્રી સમાનતાની દિશામાં આ નાનું પણ નોંધપાત્ર કદમ છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 08 જાન્યુઆરી 2020