ચૂંટણી માથે હોય અને એમાં પણ ખાસ કરીને જીતવાની શક્યતા ધૂંધળી હોય ત્યારે કહેવાતા દુશ્મન દેશ પર લશ્કરી હુમલો કરવાની ઘટના કોઈ નવી નથી. અનેક દેશોના શાસકોએ આ માર્ગ અપનાવ્યો છે અને તેમાં અમેરિકન પ્રમુખો અગ્રેસર છે. એશિયાના અને આફ્રિકાના દેશોમાં તો કોમી કે વાંશિક અથડામણો કરાવીને સામાજિક ધ્રુવીકરણનો પણ માર્ગ અપનાવવામાં આવે છે. અમેરિકા અને યુરોપના પ્રગતિશીલ દેશોમાં હુલ્લડો કરાવવામાં આવતાં નથી, કારણ કે ત્યાં ન્યાયતંત્ર સાબદું છે, એટલે હુલ્લડો કરાવનારાઓને જેલમાં જવાનો ડર લાગે છે.
આ દૃષ્ટિએ જોતાં દેશના દુશ્મન અને દેશની સુરક્ષાનો માર્ગ સુરક્ષિત છે. દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, દેશને અસ્થિર કરવાનાં કાવતરાં અને દેશની ભૂમિ પર દુશ્મનની નજર અગર તો દુશ્મનનો કબજો જેવાં બહાનાંને સહેજે પડકારી શકાતાં નથી. જો કોઈ પડકારે કે શંકા કરે તો તેને ગદ્દાર, રાષ્ટ્રદ્રોહી, રાજ્યદ્રોહી, દુશ્મનનો એજન્ટ, પાંચ કતારિયો એમ ધારો એ લેબલ ચોડી શકાય અને જેલમાં ધકેલી શકાય. દેશની સુરક્ષા માટે કરવામાં આવતાં આક્રમણ, હિંસા અને સત્તાનો દુરુપયોગ એ કાયદો અને વ્યવસ્થાની અંતર્ગત આવતાં નથી, એટલે અદાલતમાં લશ્કરી આક્રમણોને પડકારી શકાતાં નથી. કોઈ પણ દેશમાં દેશની સુરક્ષા એ પવિત્ર ગાય છે એટલે તો સંરક્ષણ ખાતામાં અને લશ્કરમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. શંકા કરો તો દેશદ્રોહી કહીને જેલમાં ધકેલી દેવામાં આવે.
પહેલા વિશ્વયુદ્ધ વખતે વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલે યુદ્ધનો વિરોધ કર્યો તો બ્રિટિશ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. ૧૯૬૧માં અણુ શસ્ત્રોનો વિરોધ કર્યો ત્યારે તેમને ૮૯ વર્ષની ઉંમરે એક અઠવાડિયું જેલમાં રહેવું પડ્યું હતું. એરિકાના વિએતનામ યુદ્ધનો વિરોધ કરનારાઓને અમેરિકન સરકાર જેલમાં મોકલતી હતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લીન્ટન અને તેમનાં પત્ની હિલેરી ક્લીન્ટન વિએતનામ યુદ્ધનો વિરોધ કરવા માટે જેલમાં જઈ આવ્યાં હતાં, પરંતુ બીલ ક્લીન્ટન જ્યારે પ્રમુખ બન્યા ત્યારે તેમણે એ મૂલ્યોનું જતન નહોતું કર્યું જેની તેઓ વિદ્યાર્થી અવસ્થામાં વકીલાત કરતા હતા.
માટે ગાંધીજીએ બ્રિટિશ ભારતીય સામ્યવાદી સંસદસભ્ય શાપુરજી સકલાતવાલાને કહ્યું હતું કે જો રાષ્ટ્રીય હિતના નામે પ્રજાનું શોષણ કરનારી આધુનિક રાજ્યવ્યવસ્થાનો કાયમી અંત આવતો હોય તો હું કારમી હિંસા આચરવા તૈયાર છું, પણ મને ખાતરી છે કે હિંસાથી શાસકોનો અંત આવવાનો છે, વ્યવસ્થાનો નહીં. અને મને એ વાતની પણ ખાતરી છે જે હિંસાનો માર્ગ અપનાવીને શાસકોનો વિનાશ કરનારાઓ પણ પોતે પાછા એ જ માર્ગ અપનાવવાના છે. લોકશાહી રાજ્ય પણ હિંસા પર આધારિત છે અને શાસકો સત્તા સુધી પહોંચવા હિંસાનો આશરો લે છે.
ટૂંકમાં શાસકોને એક દુશ્મનની જરૂર પડે છે કે જેથી મત આપનારી પ્રજાને એક દુશ્મન પકડાવી શકાય અને જો દુશ્મન ઘરની અંદર જ પકડાવી શકાય તો એનાથી વધારે રૂડું શું! અમેરિકામાં, બ્રિટનમાં અને બીજા લોકશાહી દેશોમાં ઘરની અંદર દુશ્મન પેદા કરીને પ્રજાને લડાવી મારવી એ અત્યાર સુધી અઘરું હતું, કારણ કે આંતરિક વિખવાદ અને લડાઈ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન બને છે અને ન્યાયતંત્ર ત્યાં ચુસ્ત દૂરુસ્ત છે. પણ હવે આજના યુગમાં અમેરિકા અને યુરોપના કેટલાક દેશો ઘરમાં દુશ્મન શોધતા થઈ ગયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આનું ઉદાહરણ છે. તેઓ અમેરિકન સમાજની અંદર ધ્રુવીકરણ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે, પણ તેમાં જોઈએ એવી સફળતા મળી નથી અને ચૂંટણી માથે છે એટલે હવે ઈરાન નામના બાહ્ય દુશ્મન શોધવામાં આવ્યો છે.
એમાં આજના યુગમાં જગતમાં ચારે બાજુ એવા લોકો શાસન કરી રહ્યા છે જેમનામાં મર્યાદાનો અને સભ્યતાનો અભાવ છે. બૌદ્ધિક ક્ષમતા તો નહીંવત છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવા શાસકોમાંના એક છે. તેમની સામે મહાઅભિયોગ (ઈમ્પીચમેન્ટ) ચાલી રહ્યો છે. એક ગૃહમાં ઈમ્પીચમેન્ટની દરખાસ્ત પસાર પણ થઈ ગઈ છે. મહિના પછી રિપબ્લિકન પાર્ટીમાં પ્રાઈમરી શરૂ થશે. સાધારણ રીતે અમેરિકન શાસક પક્ષ વર્તમાન પ્રમુખને બીજી મુદ્દત માટેની ઉમેદવારી આપે છે, પરંતુ ટ્રમ્પને મળશે કે નહીં તેની તેમને ખાતરી નથી. અત્યાર સુધી તેમણે બેવકૂફી અને માથાભારેપણાનો જ પરિચય કરાવ્યો છે, આવડતનો પરિચય કરાવવાનો બાકી છે અને હવે સમય પૂરો થઈ ગયો છે. માટે વિકલ્પ માત્ર એક જ બચ્ચે છે; દેશનો દુશ્મન. દેશના દુશ્મનને હું પીંખી નાખીશ. મરદનો દીકરો છું, અમેરિકન છું અને પાછો ગોરો છું. સમજો છો શું? તમે માત્ર વોટ આપો, પછી જુઓ, હું કેવો દુશ્મનની નિંદ હરામ કરું છું.
આવા શાસકો એમ માનતા હોય છે કે મતદાતાઓમાં ખાસ્સી મોટી સંખ્યામાં દેશપ્રેમના નામે આંસુ સારનારા બેવકૂફો હોય છે. આવા મતદાતાઓના દેશપ્રેમ પર ભરોસો રાખીને ટ્રમ્પે ઈરાન પર હુમલો કર્યો છે જેમાં ઈરાનના લશ્કરી વડા કાસીમ સુલેમાની માર્યો ગયો છે. ઈરાન પર હુમલો કરવા માટે કોઈ તાત્કાલિક કારણ નહોતું. સુલેમાની અને અમેરિકા વચ્ચે કોઈ સીધી દુશ્મની નહોતી. બરાક ઓબામા જ્યારે પ્રમુખ હતા ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે અણુ-સમજુતી થઈ હતી. ઈરાને ઘણી બાંધછોડ કરી હતી. ઉત્તર કોરિયાના જંગલી શાસક સાથેની અમેરિકાની દોસ્તીની કિંમત અમૂલ્ય છે, પણ ઈરાન શેતાન છે. આ બધો ચૂંટણી જીતવાનો ખેલ છે અને યુનો એટલું નિર્બળ છે કે સભ્ય દેશો જો માથાભારે થઈને વર્તે તો તેમાં તે કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી અને જો માથાભારે દેશ અમેરિકા હોય તો પૂછવું જ શું!
ઈરાન તાત્કાલિક બદલો વાળે એવી શક્યતા ઓછી છે, પણ તેલના ભાવ જો ભડકે બળશે તો બીજા દેશો તો ઠીક ભારતને ભારે પડશે. એક ભારત એ હતું જેણે અમેરિકા અને ઈરાન વચ્ચે અણુસંધિ કરાવવામાં મદદ કરી હતી. આજનું ભારત ઈરાનથી દૂર જઈ રહ્યું હોય એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ જોતાં લાગે છે અને એ ભારત માટે નુકસાનકારક નીવડી શકે છે. કોઈ અંગત સ્વાર્થ માટે આક્રમણ કરે ત્યારે દૂર ઊભા રહીને મોઢું ફેરવી લેતા આવડવું જોઈએ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 જાન્યુઆરી 2020