Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376835
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિવર મુજને હરી ગયો!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|23 August 2018

હૈયાને દરબાર

નિરંજન ભગતની કંઈક જુદી જ છાપ મારા મન ઉપર હતી. એક તો એ અનુગાંધીયુગના આધુનિક કવિ. ઉપરથી પાશ્ચાત્ય સાહિત્યનો એમના પર ખૂબ પ્રભાવ. ગીત કવિ તરીકે જરાયે પ્રખ્યાત નહીં. એટલે આ ગીત નિરંજન ભગતનું હોઈ શકે એવો વિચાર સુધ્ધાં ન આવે. જ્યારે ખબર પડી ત્યારે કુતૂહલવશ નિરંજન ભગતનાં કાવ્યો અને એમના વિશે ખૂબ માહિતી મેળવી લીધી. એમનું સાહિત્ય, એમની પ્રતિભા ખરેખર પ્રભાવક.

શ્રાવણી સરવરિયાંની ઝરમર સાથે તહેવારોની મોસમ છલકાય ને ઉત્સવોમાં ગીત હરિનાં ગવાય. મહિનો શ્રાવણ છે અને પવિત્રતાનું વાતાવરણ ચોમેર ફેલાયેલું છે ત્યારે ચાલો હવે થોડાં ભક્તિરસમાં ભીંજાઈએ. ભક્તિરસ એવો છે કે એની લગની જેને લાગે એ ભવસાગર તરી જાય. આપણે તો જો કે સાત સૂરોના સાંનિધ્યમાં જ ઈશ્વરની ભક્તિ કરવાની છે. કવિ તુષાર શુક્લ કહે છે તેમ :

સાત સૂરોંકે સાથ
મેં
પાવન સાત સોપાન
જટાજૂટ સે બહ રહા
પરમ પાવની ગાન
શિવ શિવ હરાય
નમ: શિવાય
હર હર શિવાય
નમ: શિવાય

નરસિંહ, મીરાંના પ્રાચીન ભક્તિ સંગીતથી લઈને મધ્યકાલીન ધાર્મિક સંગીત અને આધુનિક સુગમ સંગીતમાં ઈશ્વરભક્તિ આધારિત અનેક ગીતો લખાયાં છે. પ્રાચીન-મધ્યકાલીન સમયમાં માત્ર કાવ્યશૈલી એટલે કે પદ્ય શૈલી જ પ્રચલિત હતી. વાતચીતની બોલી પણ મોટેભાગે પદ્ય. સંગીતમાં મૂર્તિપૂજકોની સગુણ ધારા તથા મૂર્તિપૂજામાં ન માનનારા નામી-અનામી કવિઓની રચનાઓ નિર્ગુણ ધારા તરીકે પ્રચલિત થઈ હતી. એ રીતે વિચારીએ તો પારંપરિક ભક્તિગીતો કે હરિગીતો આપણાં સાહિત્ય-સંગીતમાં અઢળક મળી આવે. પરંતુ, મને જે કેટલાંક હરિગીતો સ્પર્શ્યા છે અથવા તો કાવ્યની દૃષ્ટિએ, કવિત્વની કે કલ્પનાની દૃષ્ટિએ કોઈક રીતે એ જુદાં છે એવાં સરસ મજાનાં નોખાં હરિ ગીતોની વાત અહીં કરવી છે.

અમારા પરિવારમાં મૂર્તિપૂજા અને પારંપરિક ઈશ્વરભક્તિ ક્યારે ય થઈ નહોતી એટલે ઈશ્વરનો પરિચય મને સાહિત્ય અને સંગીત દ્વારા જ થયો હતો. મા-બાપને પરમ તત્ત્વમાં પૂરી શ્રદ્ધા પણ, ધાર્મિક રીત-રિવાજોનો મહિમા ઓછો. અઢી વર્ષની વયે પિતાએ મને શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ બરાબર શીખવ્યો હતો. માતાના મધુર કંઠે રાધા-કૃષ્ણનાં ગીતો અને મીરાંની ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણને પીછાણ્યા હતા. રામકથા રામાયણના માધ્યમે વડીલો પાસેથી સાંભળી હતી અને ગણેશજી તો સુખ-દુ:ખમાં સાથ આપે એવા જિગરી દોસ્ત. ગીત-સંગીત દ્વારા જ પૂરી નિષ્ઠાથી ઈશ્વરની આરાધના કરી છે આજ સુધી. સંગીત એ સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની યાત્રા જ છેને!

એ જ રીતે મારા કોલેજકાળ દરમ્યાન કવિ નિરંજન ભગતનું એક સુંદર અને સરળ હરિગીત પહેલી વાર મેં મારી બાળપણની મિત્ર કાલિન્દી પાસેથી સાંભળ્યું હતું. એ ગીત હતું હરિવર મુજને હરી ગયો ..! નિરંજન ભગતે માંડ એક-બે ગીતો ઈશ્વરને સંબોધીને લખ્યાં હશે કારણ કે, આજીવન એમણે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યો ન હતો. એટલે આ ગીત ચોક્કસ એમની આરંભિક કવિતાઓમાંનું જ એક હશે. પરંતુ શબ્દો જેવું જ સરળ અને મીઠું સ્વરાંકન અમદાવાદના સ્વરકાર અતુલ દેસાઈએ એવું સરસ કર્યું કે પહેલાં શ્રવણે જ જચી ગયું હતું. એ પછી અમેરિકા સ્થિત ઉત્તમ સ્વરકાર હરેશ બક્ષીએ સ્વરબદ્ધ કરેલું આ જ ગીત અમદાવાદનાં ગાયિકા બંસરી ભટ્ટ પાસેથી પણ સાંભળ્યું. બંને સ્વરાંકનોનું પોતપોતાનું સૌંદર્ય છે, પરંતુ હું અને કાલિંદી અતુલ દેસાઈનું સ્વરાંકન અસંખ્યવાર ગાઈ ચૂક્યાં છીએ. પછી તો બંને સ્વરાંકન ભેગાં કરીને ગાવાનો પ્રયોગ પણ અમે કરેલો. એટલે સ્વાભાવિકપણે હરિગીતોમાં મને સૌથી પહેલું આ જ ગીત યાદ આવે. જો કે, આ ગીત નિરંજન ભગતે લખ્યું છે એ બહુ મોડી ખબર પડી હતી.

નિરંજન ભગતની કંઈક જુદી જ છાપ મારા મન ઉપર હતી. એક તો એ અનુગાંધીયુગના આધુનિક કવિ. ઉપરથી પાશ્ચાત્ય સાહિત્યનો એમના પર ખૂબ પ્રભાવ. ગીત કવિ તરીકે જરાયે પ્રખ્યાત નહીં. એટલે આ ગીત નિરંજન ભગતનું હોઈ શકે એવો વિચાર સુધ્ધાં ન આવે. જ્યારે ખબર પડી ત્યારે કુતૂહલવશ નિરંજન ભગતનાં કાવ્યો અને એમના વિશે ખૂબ માહિતી મેળવી લીધી. એમનું સાહિત્ય, એમની પ્રતિભા ખરેખર પ્રભાવક. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજી વિષયના એ પ્રાધ્યાપક. કદ બધી રીતે ઊંચું. એ સમયગાળાના લેખકો-કવિઓ ભાષાકીય રીતે ખૂબ સજ્જ હતા. એમની ભાષા થોડી અઘરી લાગે પણ એક વખત સમજાય પછી એ ભાષાનો નશો ચડવા લાગે. નિરંજન ભગત ઉપર રવીન્દ્રનાથ ટાગોર, રિલ્કે, એલિયટ અને ફ્રેન્ચ કવિ બોદલેરનો ખૂબ પ્રભાવ હતો. ટાગોર, બોદલેર અને નિરંજન ભગત આ ત્રણેયમાં અમુક હદે સામ્ય પણ હતું જેના વિશે પ્રબુદ્ધ લેખક પ્રબોધ પરીખે થોડા સમય પહેલાં જ ‘ઝરુખો’ના એક કાર્યક્રમમાં બહુ સરસ તુલના કરી હતી. એ બધું જાણ્યા પછી થાય કે જીવનની મહાન ફિલસૂફીઓ સાંપડે એવું ઉત્તમ સાહિત્ય જગતમાં રચાયું છે. સમસ્યાઓના ઉકેલ માટે બાબા-ભૂવાઓ પાસે જવા કરતાં ઉચ્ચ સાહિત્યકારો પાસે જવાથી ફાયદો જ થાય એવું હું નક્કરપણે માનું છું. નિરંજન ભગત આવા જ એક સજ્જ કવિ હતા. ૧૮મી મે ૧૯૨૬માં નિરંજન ભગતનો જન્મ. કૌટુંબિક અટક ગાંધી પણ, એમના દાદા ઉત્તર વયમાં ભજનકીર્તનમાં રત રહ્યા હોવાથી એમનું કુટુંબ ત્યારથી ભગત અટકથી ઓળખાવા લાગ્યું. નાનપણના સંસ્કારોની વાત કરતાં નિરંજન ભગત લખે છે, "નાનપણમાં અમારે વૈષ્ણવ મંદિરમાં રોજ રમવાનું અને જમવાનું. રોજેરોજ મંગળા, ભોગ, ઉત્થાપન અને શયનનાં દર્શન. વસંતમાં અબીલ-ગુલાલ અને વર્ષામાં હિંડોળા. જન્માષ્ટમી અને જાગરણ બધું ઉજવાય. આંખમાં હજી એવાં દૃશ્યો ઝબકે છે.

‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ના જયઘોષ તથા હવેલીનું કીર્તન સંગીત હજુ ય કાનમાં ગુંજે છે. પરંતુ, ભજન કરતાં ભોજનમાં મને વધારે રસ પડતો. જીવનમાં એક વાર ભગવાનને ખાતર ચોરીનો અપરાધ કર્યો હતો. ભગવાનની આબરુ ઢાંકવા ગયેલાને ઉઘાડો પાડયો હતો. પણ પછીથી એનું કાવ્ય રચીને પ્રાયશ્ચિત કર્યું હતું કે, મારા ભગવાન નાગા, તે મેં ઓર્યા વાઘા …! પણ પછી ક્યારે ય ભગવાન સાથેના સંબંધની અભિવ્યક્તિ શક્ય બની જ નથી.

આમ આપણે જોઈ શકીએ છીએ કે નિરંજન ભગતની અટક જ ભગત હતી. બાકી, હકીકતે એમણે ભગવાનની નહીં, વિશ્વ સાહિત્યની જ ભક્તિ કરી છે. નગર કાવ્યો, પ્રકૃતિ કાવ્યો તેમ જ સોનેટ એમને ગમતા કાવ્યપ્રકારો હતા. કવયિત્રી નલિની માડગાંવકરના જણાવ્યા મુજબ ‘ગવાય એ ગીત’ એવું એ માનતા નહોતા. એટલે એમણે ગીતો સાવ ઓછાં લખ્યાં છે. સાહિત્યમાં સામાન્ય રૂચિ ધરાવતા ગુજરાતીઓ પણ નિરંજન ભગતને ફક્ત એમનાં બે-ત્રણ કાવ્યો જેમ કે, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?, કાળની કેડીએ ઘડીક સંગ આપણો, ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી અને બહુ બહુ તો રોમેન્ટિક કાવ્ય લાવો તમારો હાથ મેળવીએ … થી જ પિછાણે છે. પરંતુ હરિવર મુજને હરી ગયો … એ પ્રેમનું મંગળ ગાન છે. કવિ મીરાંને પણ નજીકથી જાણે છે એટલે જ આ કાવ્યમાં મીરાંની ભક્તિ જુદા સ્વરૂપે દેખાય છે. મીરાં કહે છે, ‘મેં તો વહાલ કીધું ન્હોતું ને, તો ય મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો.’ નિજ કથા આગળ વિસ્તારતા મીરાં કહે છે, "હું તો અબુધ અંતરની નારી છું. મને પ્રીતની શું ખબર પડે? પણ હરિ પોતે જ મારે કંઠે વરમાળા ધરી ગયો. સાવ સરળ બાનીમાં મજાની કેફિયત આ ગીતમાં રજૂ થઈ છે. કાવ્યની સુંદરતા એની સરળતામાં છે.

નિરંજન ભગત ૯૦ વર્ષે પણ મિત્રોને લગભગ રોજ મળતા, કવિતાઓ લખતા અને વ્યાખ્યાનો આપતા. છેલ્લે કોઇક પ્રસંગે તેમણે ‘હરિવર મુજને હરિ ગયો .. અને હું તો બસ ફરવા આવ્યો છું’ કવિતાનું પઠન કર્યું હોવાનો ઉલ્લેખ પણ ક્યાંક વાંચ્યો હતો. રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય એકૅડેમી સહિત અનેક એવૉર્ડ્સ મેળવનાર ભગતસાહેબ ઉત્તમ અંગ્રેજીના પુરસ્કર્તા હતા. અંગ્રેજી દ્વારા પશ્ચિમની કવિતા એમણે આપણને સુલભ કરી આપી. દેશ-વિદેશના પ્રવાસો દ્વારા જીવનની સમજણ તેમણે પાકી કરી હતી. જે સ્થળે જાય એની રજેરજ માહિતી મેળવતા. કોલકાતા અને પેરિસ એમના પ્રિય સ્થળો, કારણ કે એમના પ્રિય રવીન્દ્રનાથ ટાગોર અને ચાર્લ્સ બોદલેર આ બે સ્થાનોએ વસતા હતા. લંડનના પોએટ્સથી માંડીને પબ્સ સુધીની તમામ જાણકારી એમની પાસે રહેતી.

સાહિત્યકાર ચંદ્રકાંત ટોપીવાળાએ એક સ્થાને નોંધ્યું છે કે, "ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્ત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લય કસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતી આકૃતિઓ આસ્વાદ્ય છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયોનો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો વિસ્ફોટ છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃિતની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કોંક્રેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુિઝયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલેન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટની લોકલમાં થતો અનુભવ – આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોનાં માધ્યમે સંવેદનરૂપે ઊતર્યું છે.

ભગતસાહેબને લાગે છે કે મુંબઈ એ ડૂબતો દ્વીપ છે. મુંબઈના ભાવિનો ચિત્કાર એટલે જ ‘પ્રવાલદ્વીપ’માં શબ્દદેહે અવતરે છે. કહેવાય છે કે મગરનું જોર પૂછડીમાં હોય. આ મહાનગરીનો વિનાશ થાય એ પહેલાં એમને એ ભરપૂર જોઈ લેવી હતી. એમનાં કાવ્યોમાં, ફ્લોરા ફાઉન્ટન, કોલાબા પર સૂર્યાસ્ત, એપોલો પર ચંદ્રોદય તથા કેફે રોયલ્સમાં ખખડતાં પ્યાલા રકાબી, મુંબઈની નશીલી રાતો, નિશાચર પ્રાણીની જેમ વ્યવસાય માટે નીકળી પડતી વેશ્યાઓ મુંબઈની સાંજનું વિરાટ ચિત્ર છે. નગર સંસ્કૃિતનો ક્ષોભ, એકલતા, અજાણ્યાપણું, હતાશા, વિવશતા એમનાં નગરકાવ્યોમાં સંવેદનશીલ રીતે પ્રગટે છે. આ કાવ્યો ગુજરાતી કવિતાના સિદ્ધિશિખર સમાન છે. આમ છતાં આજે આપણે નિરંજન ભગતના ઓફબીટ કહી શકાય એવા જ ગીતની વાત કરી. કારણ માત્ર એ જ કે આ ગીત મારા હૃદયની નજીક છે અને બીજું, આવા શ્રેષ્ઠ સાહિત્યકાર અને કવિ ગુજરાતી ભાષામાં આપણી પાસે છે એ ગૌરવાન્વિત ઘટના પણ તમારા સૌ સુધી પહોંચે તેવી ઈચ્છા પૂરી કરી. બાકી, ઉત્તમોત્તમ સાહિત્યની આપણને ક્યાં ગતાગમ છે? આ વર્ષે, ૧ ફેબ્રુઆરી ૨૦૧૮માં ૯૧ વર્ષની વયે અવસાન પામેલા નિરંજન ભગતને અંજલિ આપતાં લેખક દીપક સોલિયાએ સાચું જ લખ્યું હતું :

ઓહોહો, બૌ મોટા માણા ભગતસાયબ. તો ય હજુ ગઈ કાલ લગી લોકો એવું ય પૂછતાતા કે ભગત? નિરંજન? ઇ કોણ? હવે હૌને જવાબ મળી જાહે કે ઇ બહુ મોટા ગજાના ‘કંઈક’ હતા ‘કંઈક’, યૂ સી? માસ્તર, પ્રોફેસર, કવિ, લેખક ને એવું બધું સમથિંગ સમથિંગ એમણે જ કીધેલું આપડો ઘડીક સંગ. ઇ તો એમ જ હોય. આમાં કોઈનો વાંક કાઢવો નહીં દુનિયા એમ જ ચાલે ગુજરાતી કળા-સાહિત્યનો ખેલ એમ જ ચાલે ભગત-ભાવ રાખવો, બીજું શું?

વેલ, ભગત સાહેબની કલમને સમજી શકીએ તો સારું જ છે. ન સમજાય તો બીજું કંઈ નહીં, પણ આ ગીત જરૂર માણજો. સરસ મ્યુિઝકલ એરેન્જમેન્ટ સાથે બંસરી ભટ્ટના મધુર અવાજમાં યુ ટ્યૂબ પર  તમે એ સાંભળી શકશો.

—————————–

હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે
મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ
એ તો મુજ કંઠે નિજ કરથી
વરમાળા રે ધરી ગયો

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું
આ તે સુખ છે કે દુ:ખ મીઠું
રે હસવું કે રોવું
ના સમજું તોયે સ્હેવાતું એવું
કંઈ એ કરી ગયો
હરિવર મુજને હરી ગયો

કવિ : નિરંજન ભગત  • ગીતકાર : હરેશ બક્ષી • ગાયિકા : બંસરી ભટ્ટ

https://m.youtube.com/watch?v=IRflZyHDLxQ

———————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમચાર”, 23 અૉગસ્ટ 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=437121

Loading

23 August 2018 નંદિની ત્રિવેદી
← ટોળાશાહી : લોકશાહી સામેનો પડકાર
Which party cares for Dalits Today? →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved