આજકાલ ટોળાશાહી દ્વારા હિંસાની અને હત્યાની ઘટનાઓ ભારતમાં ચારેકોર બની રહી છે. લોકોને એમાં કંઈ અજુગતું લાગતું નથી. સરકારને પણ તે અંગે નક્કર પગલાં ભરવાનું સૂઝતું નથી. બીજી તરફ સર્વોચ્ચ અદાલત આ બાબતને ગંભીરતાથી જુએ છે. તે માટે ઉચિત એવો કાયદો ઘડવા પણ કહે છે. સંવેદનશીલ નાગરિકો અને તટસ્થ નિરીક્ષકો ટોળાશાહીની અરાજકતાથી અતિશય ચિંતિત છે.
રોજેરોજ અખબારો વાંચનારા, ટી.વી. જોનારા, સ્માર્ટફોન પર સમાચારો વાંચીને કે વાંચ્યા વિના ફૉરર્વર્ડ કરનારા કે તેને વાજબી કે ગેરવાજબી ઠેરવનારા માટે ઘટનાઓની વિગતો આપવાની જરૂર રહેતી નથી. આપણે ઘણું બધું જાણતા હોવા છતાં ક્યાં તો આંખ આડા કાન કરીએ છીએ ક્યાં તો એવી બાબતોને અતિશય રસપ્રદ બનાવીને તેની અતિશયોક્તિ પણ કરીએ છીએ. દેશમાં ન થવાનું વધુ થયા કરે, ત્યારે સરકારોએ તેને ગંભીરતાથી નોંધ લેવી ઘટે.
ટોળું એ સમૂહ છે. વ્યક્તિ તેમાં ઓગળી જાય છે. એ પછી વ્યક્તિની પોતાની બુદ્ધિ સક્રિય રહેતી નથી. ટોળું કરે તેમાં પણ વ્યક્તિ સામેલ થઈ જાય છે. ટોળું કરે એ જ પ્રવૃત્તિ એનાથી પણ થઈ જાય છે. એ સમૂહમાં હોય, ત્યારે સલામતી અનુભવે છે. એકલો પડી જાય ત્યારે ડરવા લાગે છે. ટોળાની શક્તિ એ સામૂહિક શક્તિ છે. ટોળું કંઈક કરતું હોય અને મોટે ભાગે ન કરવાનું જ કરતું હોય ત્યારે પણ એકલ-દોકલ વ્યક્તિ તેની સામે પડવામાં અસલામતી અનુભવે તે સ્વાભાવિક છે. આ આખો વિષય માનસશાસ્ત્રનો છે. માનસિકતાની તપાસનો છે. તેના પર ઓછા લેખો લખાયા નથી કે ઓછાં પુસ્તકો પ્રગટ થયાં નથી. તેમ છતાં ટોળું એ આપણા સમાજની વાસ્તવિકતા છે.
લોકશાહી અને સામ્યવાદ જેમ પરસ્પર વિરોધી વિચારસરણી છે, તે જ રીતે લોકશાહી અને ટોળાશાહી પણ એકબીજાથી વિરોધી છે. ટોળામાં ભલે લોક હોય છતાં એ લોકશાહી નથી. લોકશાહી એટલો તો સરસ વિચાર છે કે તે ટોળાને સ્વીકારતો નથી પણ વ્યક્તિગત બુદ્ધિમત્તાને સ્વીકારે છે. લોકશાહી ભલે બહુમતીથી ચાલતી હોય, પરંતુ નવ્વાણું જણે પણ જુદો વિચાર ધરાવતી એક વ્યક્તિને કચડી નાખવાની તો નથી, ને તેની બોલતી પણ બંધ કરવાની નથી. લોકશાહીનું આ સત્ત્વ જે સમાજમાં ઊંડે ન ઊતર્યું હોય, ત્યાં જ ટોળાશાહીનો જન્મ થતો હોય છે.
ટોળું મોટે ભાગે સાત્ત્વિક હોવાનો દાવો કરે છે, પરંતુ ઊંડા ઊતરીએ તો ટોળાએ સત્ત્વ પિછાણ્યું નથી. તાજેતરની એક ત્રિપુરાની ઘટનામાં ટોળું જ લોકો બાળકો ઉઠાવી જાય છે તેની સામે કામ કરવાનો દાવો કરતું હતું. કોઈ બાળકની મળેલી લાશમાંથી કિડની કાઢી લેવામાં આવી છે. એવી અફવા ફેલાઈ હતી. પાછળથી તે અફવા ખોટી સાબિત થઈ હતી. જો કે ત્યાં સુધીમાં ટોળાએ ત્રણ વ્યક્તિઓનો ભોગ લઈ લીધો હતો! કરુણ બાબત તો એ હતી કે આ ત્રણ પૈકીની એક વ્યક્તિની નિમણુક સરકારે આવી જે અફવાઓ પ્રસરે છે, તેનું ખંડન કરવા માટે કરી હતી.
મોટેભાગે બાળકોની સુરક્ષા, ગૌહત્યા, કાયદાથી પ્રતિબંધિત એવા ગોવંશની હેરાફેરી જેવાં ઉદ્દાત કારણોને લઈને થતું હોવાનું કહેવાય છે. ઉદાત્ત બાબત પણ ટોળાના હાથમાં આવતાં કેટલી દૂષિત બની જાય તે તપાસીએ તો જ ખબર પડે. અફવાને પ્રસાર જેટગતિએ થતો હોય છે. પછી તેનું મૂળ શોધવામાં નિષ્ફળતા મળે છે. જેમ પવનની ડમરી સર્જાય, તેમ અફવાની આસપાસ ટોળું સર્જાઈ જતું હોય છે. નિર્દોષ લોકો પણ સાંભળેલી અફવાને તપાસ્યા વિના ગતિ આપવામાં નિમિત્ત બનતા હોય છે. આપણે પ્રત્યેક વખતે જરૂરી સભાનતા ધરાવતા હોતા નથી. ગતાનુગતિક દોરવાઈ કે ખેંચાઈ જતા હોઈએ છીએ.
કવિ દલપતરામે દોઢ-બે સદીપૂર્વે અફવા વિશે કવિત કર્યું હતું, જે નીચે મુજબ હતુંઃ
વા વાવાથી
નળિયું ખસ્યું
તે દેખીને
કૂતરું ભસ્યું;
ત્યાં તો થયો
કંઈ શોરબકોર
કોઈ કહે મેં
દીઠો ચોર!
એટલે અફવાનું આવું છે. પછી આખી સોસાયટી ચોરની શોધમાં નીકળી પડે. કોઈ એકલ-દોકલ વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળી ગઈ અને પોતાની પર્યાપ્ત ઓળખ સ્પષ્ટ ન કરી શકીએ, તો ટોળાનો ભોગ બનતા બચી ન શકે.
સરકારે શું કરવું જોઈએ? સરકાર લોકકલ્યાણને વરેલી હોય છે. સમાજે એ કામ માટે તો તેને ચૂંટીને બેસાડી હોય છે. સરકારી તંત્રો એટલાં સાવધ અને જાગૃત હોવાં જોઈએ, જેથી બિનજરૂરી બાબતે અફવાઓને ફેલાતી રોકી શકે. જ્યાં માહિતી નથી મળતી, જ્યાં સ્પષ્ટતાઓ નથી થતી, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી, જ્યાં અદાલતોના ચુકાદા સમયસર આવતા નથી, એવા વાતાવરણમાં અફવાઓને જન્મથી રોકી શકાતી નથી. મચ્છર ત્યારે જ પેદા થાય, જ્યારે પાણીનાં ખાબોચિયાં હોય. અફવા ત્યારે જ જન્મે અને ફેલાય, જ્યારે સંવેદનશીલ બાબતો અંગે ઢાંકપિછોડા કરાતા હોય. ટોળું ત્યારે જ સર્જાય અને ન કરવાનું કરી શકે, જ્યારે સરકાર અને તેનું તંત્ર સલામતી જાળવવામાં નબળું પુરવાર થાય.
આમાં આ કે તે સરકારને દોષ દેવાનો સવાલ નથી. અફવાઓ દલપતરામ અને તેના પહેલાંના સમયથી ફેલાતી રહી છે. ટોળાશાહીનો જુગજૂનો અને લાંબોલચક ઇતિહાસ છે. એકવીસમી સદીની સરકારો અદ્યતન ટૅક્નોલૉજીના સહારે પણ વ્યાાપક સુરક્ષા જાળવવામાં જ્યારે નબળી પુરવાર થાય, ત્યારે જ ટોળશાહી આકાર લેતી હોય છે. તેટલે અંશે જે-તે સરકારની જવાબદારી ટાળી શકાતી નથી.
કાયદાથી કે ટૅક્નોલૉજીથી બધું થઈ જતું નથી. તેમ છતાં દેશની સૌથી ઊંચી અદાલત આ અંગે કંઈક કરવા કહે અને કશું ન થાય, તો લોકોને સૂઝે તેવું વિચારે તો ખરા. રાજ્ય સરકારે કાયદો કરવો કે કેન્દ્ર સરકારે એ કંઈ મહત્ત્વનો મુદ્દો નથી, પરંતુ બેમાંથી એકેય તે કરે નહીં અને પ્રજાને લાચાર બનીને જોયા કરવું પડે, ત્યારે ટોળાશાહી સબળ બનતી રોકવી મુશ્કેલ હોય છે. લોકશાહીની નિષ્ફળતા એ જ ટોળાશાહીની સફળતા છે. માત્ર સરકારોએ જ નહિ, સમાજે અને સમાજ હિતચિંતકોએ પણ પોતાના યોગદાન સાથે આગળ આવવાની જરૂર છે.
E-mail : dankesh.03920@gmail.com
સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 12