હૈયાને દરબાર
વનની તે વાટમાં તું ભૂલી પડી રે …
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી
ફાટ ફાટ થાતા જોબનના તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે …
કાંટા બાવળના એ વીંધ્યે જોબનિયું ને …
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકના નંદાતા હીરા …
વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ
વનની તે વાટમાં તું ભૂલી પડી રે
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી
ફાટ ફાટ થાતા જોબનના તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે …
***
• કવિ : ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ • સંગીતકાર : એફ.આર. છિપા • ગાયિકા : પરાગી પરમાર
અમદાવાદની સંસ્કારી અને બહુપરિમાણીય શિક્ષણ સંસ્થાઓમાં સી.એન. વિદ્યાલયનું નામ લેવું જ પડે. આ શાળાના સંવર્ધનમાં જેમનું સૌથી મોટું યોગદાન રહ્યું એ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સતત રસ લેતા હતા. એમણે શાળામાં અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિકસાવી તેમ જ પ્રાર્થના મંદિરનો અમૂલ્ય વારસો આપ્યો. સ્નેહરશ્મિની કવિતાઓ, હાઈકુ શાળા સ્તરે ભણવામાં આવતાં હતાં એટલે એ વખતે તો એનું મૂલ્ય પરીક્ષાલક્ષી જ રહેતું, પરંતુ સમજણ વિકસતાં સ્નેહરશ્મિની કવિતાઓ ગમવા લાગી. કેટલાંક સરસ ગીતો જાણ્યાં-માણ્યાં પછી સમજાયું કે ઊર્મિશીલતા, રંગદર્શિતા, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના કાવ્યજગતને પોતીકી વિશિષ્ટતા અર્પે છે. અલબત્ત, સ્વાધીનતા અને દેશભક્તિનો સૂર એમના પ્રારંભના સંગ્રહોમાં મુખ્ય છે, પણ પછી કવિસહજ સૌન્દર્યાભિમુખ વલણ સ્પષ્ટ થતું આવે છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાતે એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ પ્રેર્યા અને એથી એમના હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ સુપ્રતિષ્ઠ થયું છે.
સ્નેહરશ્મિની ‘સકલ કવિતા’માંથી માધવ રામાનુજ, સંગીત નિર્દેશક શ્રી છીપા તથા સ્નેહરશ્મિના પુત્ર સિદ્ધાર્થ દેસાઈ દ્વારા પસંદ કરાયેલી રચનાઓ ‘સ્નેહનિકેતન’ દ્વારા સંગીતબદ્ધ કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે. સંગીત નિર્દેશન એફ.આર. છીપા અને સંગીત સંચાલન અમિત ઠક્કરનું છે. અગિયાર ગીતોના આ સંકલનનાં બે ગીતો વિશે આજે વાત કરીશું. પહેલું ગીત છે, ‘વનની તે વાટમાં તું ભૂલી પડી રે …!’
આ ગીતમાં નવયૌવનાના ફાટ ફાટ થતા જોબનની વાત છે. યુવાની હોય છે જ એવી કે ઝવેરચંદ મેઘાણીએ સાચું જ કહ્યું છે, ‘ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’ આ ગીતની નાયિકા જુવાનીના તોરમાં આમ જ કોઈ અજાણ વનની વાટે લહેરાતી ચૂંદડી ઓઢીને જાય છે ત્યારે કવિ લખે છે કે રસ્તામાં આવતાં કાંટા-બાવળ અને ઝાડી-ઝાંખરાં તારી ચૂંદડી અને એની અંદર તસતસતા યૌવનને પણ વીંધી કાઢશે. જોયું ન જોયું કરીને તું ભલે આગળ દોડતી રહે પણ આગળ ક્યાંક તને તકલીફો ન નડે એનું ધ્યાન રાખજે. ગીતનો કદાચ એવો પણ કોઈક સંકેત હોય કે જુવાનીના જોશમાં સ્ત્રી કે પુરુષને પ્રેમ-લાગણીનું ભાન નથી રહેતું. ઘણી વખત કોઈક અવળી દિશામાં તેઓ આગળ વધતાં હોય છે. કંઈક એવી જ લાગણી એક સ્ત્રીની અહીં કવિએ અભિવ્યક્ત કરી છે તથા એને વારવાની કોશિશ કરી છે.
સ્નેહરશ્મિના પુત્ર સિદ્ધાર્થ દેસાઈ કહે છે, ‘૨૦૦૩માં મારા પિતાનું જન્મશતાબ્દી વર્ષ હતું ત્યારે અમે એમના સંકલિત ગીતોની ઓડિયો કેસેટ બહાર પાડી હતી. એમાંનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં હતાં. સી.એન.ના સંગીતશિક્ષક ભાઈલાલભાઈ શાહના અવસાન પછી આ ગીતો કોની પાસે કરાવવાં એ વિચારતો હતો એવામાં એક કાર્યક્રમમાં મને શ્રી છીપા મળી ગયા. એમણે આ ગીતો સ્વરબદ્ધ કરવાની ઇચ્છા પ્રદર્શિત કરી. છીપાભાઈ એ વખતે અમદાવાદમાં ઘણા વિદ્યાર્થીઓને સંગીત શીખવતા હતા એટલે મને એમનામાં શ્રદ્ધા હતી. એમણે પિતાજીનાં ગીતો સરસ કમ્પોઝ કર્યાં. આ બધાં ગીતોની એરેન્જમેન્ટ અમિત ઠક્કરે કરી. જાણીતાં ગાયિકા આરતી મુન્શી સી.એન. વિદ્યાલયમાં ભણેલાં તથા સંગીતની વિધિવત્ તાલીમ લીધી હોવાથી પછીથી એમણે છેક ગયા વર્ષ સુધી સંગીત વિભાગનાં અધ્યક્ષ તરીકે સ્કૂલમાં કામગીરી બજાવી હતી. આ અગિયાર ગીતોમાં એમણે ગાયેલો એક સરસ ગરબો પણ છે. જુદા જુદા કલાકારોએ ગાયેલાં ગીતોમાં નયન પંચોલીનું ગીત પણ કર્ણપ્રિય છે. મારા પિતાજીનું ‘જાગ રે જાગ મુસાફિર વહેલો …’ ગીત ઘણું લોકપ્રિય થયું હતું. રાગ ભટિયારમાં ભાઈલાલ સાહેબે કંપોઝ કર્યું હતું. સી.એન.નું સ્કૂલ એન્થમ ‘નમીએ તને ચિર સાથી …’ તો આજે ય વિદ્યાર્થીઓ યાદ કરે છે. તાજેતરનો જ એક કિસ્સો કહું. સી.એન. વિદ્યાવિહાર શું છે એ ખ્યાલ આવશે. કેનેડામાં મારી ભત્રીજી ટોરેન્ટ યુનિવર્સિટીમાં સંગીત શિક્ષિકા છે. તે વિદ્યાર્થીઓને પિયાનો શીખવે છે. વાર્ષિક સમારોહમાં ચાન્સેલરે ન્યુ યોર્કના પ્રોફેસરને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પહેલાં કેનેડા પછી ભારતનું રાષ્ટ્રગીત વગાડ્યું. ત્યારબાદ તેઓએ અમારું મુખ્ય શાળાગીત ‘અમે નમીએ તને ચિર સાથી …’ વગાડ્યું. મુખ્ય મહેમાન તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તે અમારી શાળા સી.એન.ના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. ત્યાર બાદ તેમણે કુલપતિને તેના વિશે પૂછ્યું ત્યારે તેમણે મારી ભત્રીજી પ્રજ્ઞાને બોલાવી અને તેમની સાથે પરિચય કરાવ્યો. પ્રજ્ઞાએ ઝીણાદાદા સાથેના પોતાના સંબંધ વિશે જણાવ્યું. આમ પરદેશમાં ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ ગીત આજે પણ યાદ કરે છે.’
આ સ્કૂલ એન્થમ તાજેતરમાં જ સી.એન. વિદ્યાવિહારના વિદ્યાર્થી રહી ચૂકેલા યુવા ગાયક પ્રહર વોરાએ શાળાના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફને સમર્પિત કરીને સરસ રીતે રેકોર્ડ કર્યું અને શાળા પ્રત્યેનું ઋણ અદા કર્યું.
લેખક જયંત પંડ્યાએ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ના વ્યક્તિચિત્રનું સરસ આલેખન એમના પુસ્તક ‘સ્મરણો ભીનાં ભીનાં’માં કર્યું છે. એ લખે છે, ‘ઝીણાભાઈ દેસાઈ પ્રકૃતિનું સંતાન હતા અને એટલે જ નિસર્ગપ્રેમી પણ ખરા. દક્ષિણ ગુજરાતની હરિત ભૂમિના આવિષ્કાર જેવા ચિખલી ગામમાં ૧૯૦૩ની ૧૬મી એપ્રિલે એમનો જન્મ થયો હતો. સમજણા થયા તે દિવસથી એક મધુર ચિત્રમાળા એમના સંવિતમાં દોરાયેલી પડી છે. એમાં ચિતરાયેલું દેખાય છે એમનું ઘર. તેની સામે વાયુને ખભે માથું ઢાળીને ઊભેલાં વૃક્ષો, ગીચ ઝાડીથી ભરેલો ઘર પાછળનો વાડો, વાડાને ભેટીને વિસ્તરતી ક્યારીઓ, નિત્યના ભેરુ જેવાં ગાય, ભેંસ, બળદ અને વાછરડાં. કવિ નાનાલાલે જેને કમળવનના સરોવર તરીકે બિરદાવેલું તે ગામનું તળાવ, બંને કેડે વનરાજી તેડીને વહેતી પ્રાણપૂર્ણ કાવેરી નદી, બામણવેલની ટેકરી પરથી નજરે પડતા વાંસદા-ધરમપુરના ભવ્ય પહાડો. આવી રમણીયતાથી જ ઝીણાભાઈનું ચિત્ત ભર્યું ભર્યું હતું.
કવિતા માટે જોઈતાં આલંબનો અને ઉદ્દીપન વિભાવો ઝીણાભાઈને ઘરઆંગણેથી જ મળ્યાં હતાં. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા ઉપરાંત અનેક સાહસો ઝીણાભાઈએ કર્યાં હતાં. ૧૯૨૧ પછી કવિ તરીકે જાણીતા થયા. ૧૯૩૮થી ઝીણાભાઈ અમદાવાદની સી.એન. વિદ્યાવિહારમાં આચાર્ય તેમ જ માહિતી નિયામક પદે બેઠા અને છેવટ સુધી વિદ્યાવિહારના લાલન-પાલન-સંવર્ધનના યશભાગી થઈને રહ્યા. એમના હૃદયમાં ઊભરાતો સ્નેહ રાષ્ટ્રધર્મી કેળવણીનું સમાધાન કરતાં કરતાં વિદ્યાર્થીઓના મનમાં પ્રસન્નતાના માળા રચતો ગયો. સી.એન. વિદ્યાવિહારને ગુજરાતની એક ઉત્તમ શિક્ષણ સંસ્થાનો મોભો મળ્યો.’
ઝીણાભાઈનું દિવ્યાંગ અંજારિયાએ ગાયેલું ગીત, ‘રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત …’ પણ સરસ રીતે સ્વરબદ્ધ થયેલું છે. જેમ પ્રેમની ભાવનાને શબ્દોમાં બાંધવી અશક્ય છે એમ વિરહમાં ઝૂરવાની સ્થિતિને આલેખવા માટે પણ શબ્દો હંમેશાં ઓછા જ પડે છે. છતાં કવિ લખે છે;
રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત …
સાંભળી વાત રે વાલમ, સાંભળી છાની રાત …
એનો ચાંદો એના તારા, પૂછે એકબીજાને,
દિશા શાથી ભૂંસાઈ સઘળી, ધુમ્મસ ચોગમ શાને?
નો’ય ધુમ્મસ સજની મારી, નો’ય એ ઘેરા વાદળ,
નેણેના નિશ-દી, એ તો ઝાકમળ
રુએ મારી રાત આ વાલમ, રુએ મારી રાત …!
૧૯૬૧માં સ્નેહરશ્મિને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
છેલ્લે, એક રસપ્રદ વાત સાથે આ લેખ પૂરો કરીએ. સી.એન. વિદ્યાવિહારનું મૂળ નામ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર. ચીમનલાલ નગીનદાસ અમદાવાદના સંસ્કારપ્રેમી શ્રીમંત હતા. ૧૯મી સદીના અંતિમ દસકામાં ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સપનાં સેવનાર અમદાવાદના રંગકર્મી ડાહ્યાભાઈ ધોળશાજીને શહેરમાં કોઈ નાટ્યશાળા કે રંગમંચ ન હોવાથી બહુ દુ:ખ થતું. એ જમાનામાં થિયેટર કે નાટ્યશાળાઓ નહોતી. ખુલ્લી જગ્યા કે વાડીમાં મંડપ બાંધી નાટકો ભજવાય. ડાહ્યાભાઈ ધોળશાજીને રંગમંચના આ પછાતપણા પર લાગી આવતું. તેમની આ વ્યથા ચીમનલાલ નગીનદાસ મહેતાને કાને પહોંચી. ડાહ્યાભાઈ ધોળશાજીએ ચીમનલાલના સહયોગથી ૧૮૯૪માં ગુજરાતનું પહેલું પાક્કું ‘આનંદ ભુવન’ થિયેટર અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં બનાવ્યું હતું. આમ ગુજરાતી રંગભૂમિ આ બંનેની ઋણી રહેશે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 જૂન 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=691959