Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345109
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 May 2021

હૈયાને દરબાર

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલદી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

•   શાયર : મરીઝ    •   સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય    •   ગાયિકા : બેગમ અખ્તર

https://www.youtube.com/watch?v=fXCJ-oV9WGI

—————

વૈશાખી બપોરની દાહકતામાં લીલુંછમ ડિપ્રેશન પજવી રહ્યું હોય ત્યારે અથવા તો કોઈક નિ:સ્તબ્ધ રાતે સ્મરણોએ મન પર કબજો લઈ લીધો હોય ત્યારે ગઝલ યાદ આવે છે. ક્યારેક ગાલિબની, મીરની, સાહિર લુધિયાનવીની કે પછી આપણા ગુજરાતી શાયરો મરીઝ, શૂન્ય કે બેફામની. ગુજરાતના ગાલિબ ગણાતા ‘મરીઝ’ની ગઝલ વિશે લખવા બેસીએ તો પાનાંનાં પાનાં ભરાય. અવાજ અને ઉચ્ચારો સારા નહીં તેથી ગઝલની નબળી રજૂઆત છતાં મરીઝને સબળ ચાહકવૃંદ મળ્યું હતું. એમના પ્રબળ શેરોને દિલ ખોલીને એ દાદ આપતું હતું. સૈફ પાલનપુરીએ એમને ગુજરાતના ગાલિબનું બિરુદ આપ્યું એ પછી ગુજરાતી સાહિત્યની નજર મરીઝ પર પડી. એમના જીવનનાં છેલ્લાં દસ-પંદર વર્ષમાં મરીઝને લોકોએ ભરપૂર પ્રેમ, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ આપ્યાં હતાં. ગુજરાતી સંગીતના ઘણા કલાકારોએ મરીઝની ગઝલો ગાઈ છે, પરંતુ આજે એ ગઝલની વાત કરવી છે જે મલિકા-એ-તરન્નુમ કહેવાતાં ગઝલક્વીન બેગમ અખ્તરે ગાઈ છે. આ ગઝલ સ્વરબદ્ધ કરી છે સુગમ સંગીતના સમ્રાટ પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયે.

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક ખૂબસૂરત સ્વરાંકનોમાંનું એક એટલે, ‘મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે… !’ આ ગઝલ કયા સંજોગોમાં બેગમ પાસે આવી એની બહુ રસપ્રદ કહાણી પુરુષોત્તમભાઈએ એક વખત કહી હતી. ‘બેગમ પોતે ઇચ્છતાં હતાં કે ગુજરાતી પ્રજાએ એમને કપરા સમયમાં ઘણી મદદ કરી છે એટલે ગુજરાતીઓ માટે એમણે કંઈક નજરાણું આપવું છે. એક કલાકાર પોતાની કલા સિવાય બીજું શું આપી શકે? સંગીતકાર મદન મોહનને બેગમ પોતાના ભાઈ માનતાં હતાં. બેગમે એમને કહ્યું કે મારે ગુજરાતી ગઝલ ગાવી છે. એ માટે કોઈ સરસ કમ્પોઝર શોધી આપો. મદનજીએ આ વાત બેગમની સંભાળ લેતા ગુજરાતી બિઝનેસમેન અને સંગીતના પ્રખર ચાહક મધુકર દેસાઈને કરી. દરમિયાન મારો પ્રોગ્રામ શાંતિલાલ સોમૈયાને ઘરે યોજાયો હતો. મધુકર દેસાઈ બેગમને પ્રોગ્રામ સાંભળવા લઈ આવ્યા. લખનવી તેહઝીબ સાથે બેગમે મને સાંભળ્યો અને મારી પ્રતિભા કબૂલ કરી. જો કે તેમણે કહ્યું કે ગુજરાતી કે અલ્ફાઝ મેરે પલ્લે નહીં પડતે, ફિર ભી મૈં ગુજરાતી ગઝલ ગાના ચાહતી હૂં. બીજે દિવસે સાઉથ મુંબઈની ગ્રીન હોટેલમાં મીટિંગ નક્કી થઈ. હું, મારાં પત્ની ચેલના અને મધુકરભાઈ એમને મળવા માટે ગ્રીન હોટેલ ગયાં. એમણે બહુ સરસ રીતે સ્વાગત કર્યું. સ્વભાવ જ એમનો પ્રેમાળ અને ગુજરાતીઓ પ્રત્યે વિશેષ માન. લેમિંગ્ટન રોડ ઉપરના એમના નિવાસસ્થાન ‘નીલમ મેન્શન’માં ઘણી વાર સંગીતની બેઠકો થાય ત્યારે બે ઘોડાવાળી શણગારેલી બગીમાં ગુજરાતી કલાપ્રેમીઓ આવે અને મેહફિલના અંતે નજરાણું પણ મૂકતા જાય. એ રીતે એમને ગુજરાતીઓ પ્રત્યે વિશેષ લાગણી હતી. અમે ગયાં એટલે એમણે મને કોઈ એક ગઝલ સંભળાવવાનું કહ્યું. એ દિવસે તો મેં કોઈક બીજી જ ગઝલ સંભળાવી હતી, પરંતુ એમને એટલી બધી ગમી કે મને કહ્યું કે હું તમારું કમ્પોઝિશન જ ગાઇશ. પછીથી મને થયું કે રાગ જોગ પર આધારિત મરીઝની ગઝલ, ‘મેં તજી તારી તમન્ના …’ એમના કંઠને અનુરૂપ ગઝલ છે. તેથી મેં એના શબ્દો લખાવ્યા અને પહેલાં તો એ જ કહ્યું કે તમે પહેલાં ગુજરાતી ઉચ્ચારો બરાબર શીખી લો પછી આપણે ગાયકી ઉપર જઈશું. એ તો તૈયાર અને સુપ્રસિદ્ધ ગાયિકા હતાં એટલે કમ્પોઝિશન તો તરત શીખી જાય. છેવટે મારી સ્વરબદ્ધ કરેલી ગઝલ, ‘મેં તજી તારી તમન્ના …’ એમણે ગાઈ અને ખૂબ લોકપ્રિય થઈ.

ગઝલના એક એક શેરમાં જબરજસ્ત ઊંડાણ છે. શાયર કહે છે કે તમારી સાથે સોદો ભલે મફતમાં થઈ ગયો પણ આમ તો અમારા દામ ઘણા ઊંચા છે. માણસ ગમે તેટલો મહાન હોય, પ્રતિષ્ઠિત હોય છતાં જીવનમાં કેટલાંક સ્ખલનો થઈ જતાં હોય છે. અનિયંત્રિત બે-ચાર ભૂલોને લીધે આખી જિંદગી બદનામ થઈ જાય છે. તો ય, શાયરને વીતેલા પ્રસંગો ફરી ઊજવવા છે. છેલ્લા શેરમાં તો શાયર આખી ગઝલનો અર્ક સમજાવી દે છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી એટલે જે કરવાનું છે એ તાત્કાલિક કરો. ‘આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી! જિંદગીના રસને પીવામાં જલદી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે …!’

બેગમે ગાયેલી આ ગઝલ સાથે એક યાદગાર સંભારણું પણ છે. ૧૯૭૪ની ઓક્ટોબરની ૩૦મી તારીખે અમદાવાદમાં બેગમનો કાર્યક્રમ હતો. એક પછી એક ઉર્દૂ ગઝલો બેગમે ગાયા બાદ લોકોએ આ ગુજરાતી ગઝલ ગાવાની ફરમાઇશ કરી. એ દિવસે એમની તબિયત બહુ સારી નહોતી છતાં લોકલાગણીને માન આપીને એમણે ‘મેં તજી તારી તમન્ના’ ગઝલ ગાવાની શરૂ કરી. ગઝલનો છેલ્લો શેર ચાલી રહ્યો હતો; ‘જિંદગીના રસને પીવામાં જલદી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે …’ શેરનો મિસરો પૂરો થયો અને બેગમને હાર્ટ એટેક આવ્યો. મરીઝની આ ગુજરાતી ગઝલને અંતિમ ઘડીએ અમર કરીને બેગમે દુનિયામાંથી અલવિદા લીધી, એ ય ગુજરાતની ભૂમિ પર.

આ વાત સાંભળીને સ્વાભાવિકપણે આપણું મગજ સુન્ન થઈ જાય, પરંતુ મરીઝની આ ગઝલને તેમણે અમર કરી દીધી. બેગમ વિશે બીજી પણ કેટલીક અજાણી કે ઓછી જાણીતી વાતો છે.

૭ ઓક્ટોબર, ૧૯૧૪માં જન્મ. અખ્તરીબાઈ ફૈઝાબાદી મૂળ નામ. એમને બાળપણથી જ સંગીતનો શોખ. મોટા મોટા ઉસ્તાદો પાસે એમણે તાલીમ લીધી હતી. તેમનું ગળું કોઈ એક ઘરાનામાં બંધાયેલું નહોતું. ગ્વાલિયર, કિરાના, પટિયાલા અંગ એમની ગાયકીમાં છલકતું. શાયરોમાં સ્પર્ધા રહેતી કે બેગમ તેમની ગઝલો ગાય. કેટલાક કવિઓ તો માત્ર ને માત્ર બેગમ અખ્તરને ધ્યાનમાં રાખીને ગઝલ લેખન કરતા હતા. ફિરાક ગોરખપુરી, જિગર મુરાદાબાદી પ્રત્યે બેગમ કૂણી લાગણી ધરાવતાં હતાં. ૧૯૪૫માં બેગમે બેરિસ્ટર ઇશ્તિયાખ અહેમદ અબ્બાસી સાથે લગ્ન કર્યાં. એ પછી પાંચ વર્ષ સુધી તેમનું ગાયન બંધ હતું, કારણ કે બેરિસ્ટર સાહેબને પસંદ નહોતું. કહેવાય છે કે બહઝાદ લખનવી જેમની ગઝલ દ્વારા બેગમને પહેલવહેલી પ્રસિદ્ધિ મળી હતી, એમને આ ખબર પડી તો તેમણે ગઝલ લખવાનું બંધ કરી દીધું હતું. પછી બેગમની તબિયત બગડતાં ડોક્ટરે કહ્યું કે સંગીત જ એમનો ઉપચાર છે. ત્યાર બાદ પતિએ ગાવાની પરમિશન આપતાં થોડાં વર્ષોના અંતરાલ પછી બેગમે ગાવાનું શરૂ કર્યું હતું.

બેગમ અખ્તર ૧૯૫૧માં એક વાર મુંબઈના સંગીત જલસામાં આવ્યાં હતાં. જલસામાં તેમણે દાદરા, ઠૂમરી અને ગઝલ ગાઈને મહેફિલને ચાર ચાંદ લગાવ્યા હતા. બીજા દિવસે એમને લખનઉ જવાનું હોવાથી તેઓ તેમના સાજીંદાઓ સાથે લખનઉની ટ્રેન પકડવા માટે વી.ટી. (સી.એસ.ટી.) સ્ટેશન પહોંચ્યાં. ટ્રેનમાં બેસીને ટ્રેન શરૂ થવાનો ઇંતેજાર કરી રહ્યાં હતાં એવામાં અખ્તરી ફૈઝાબાદીને શોધતા એક શાયર વી.ટી. સ્ટેશન પહોંચ્યા. શાયરસાહેબ ટ્રેનના દરેક કોચમાં ડોકિયું કરીને બેગમને શોધી રહ્યા હતા. અચાનક શાયરની નજર ટ્રેનની બારી પાસે બેઠેલાં બેગમ અખ્તર ઉપર ગઈ. ટ્રેન ચાલુ થવાનું સિગ્નલ અપાઈ ગયું હતું. સામાન્ય પરિચય હોવાથી બંને વચ્ચે ઔપચારિક દુઆ-સલામ થઈ અને શાયરે તરત જ પોતાના ખિસ્સામાંથી એક કાગળનો ટુકડો કાઢીને બેગમને આપ્યો. ટ્રેન શરૂ થઈ ગઈ. બેગમે કાગળના ટુકડાને જોયા વિના પર્સમાં મૂકી દીધો. આખી રાત ટ્રેન ચાલતી રહી, બેગમ ઊંઘી ગયાં. ટ્રેન સવારે ભોપાલ પહોંચી તો ચાની ચૂસકી લેતી વખતે બેગમ અખ્તરને બટવામાં મૂકેલા કાગળના ટુકડાની યાદ આવી. બેગમે કાગળ ખોલીને જોયું તો એમાં ગઝલ હતી. સવારનો સમય હતો એટલે અનાયાસે એમના મનમાં રાગ ભૈરવીના સ્વરો ગુંજવા લાગ્યા. રાગ ભૈરવીમાં એમણે એ ગઝલ ગણગણવાનું શરૂ કર્યું. એ ગઝલ હતી ‘અય મહોબ્બત તેરે અંજામ પે રોના આયા …!’ લખનઉ પહોંચતાં પહેલાં ટ્રેનમાં જ તેમણે હાર્મોનિયમ પર આખી ગઝલ કમ્પોઝ કરી દીધી હતી. લખનઉના ઓલ ઇન્ડિયા રેડિયો પર બેગમ અખ્તરનો પ્રોગ્રામ હતો. તેમણે આ ગઝલ ગાઈ તો આ સુરીલી ગઝલ તરત જ લોકોના દિલોદિમાગમાં છવાઈ ગઈ. એમાં ય આખરી શેર લોકોએ સાંભળ્યો; ‘જબ હુઆ ઝિક્ર ઝમાને મેં મુહોબ્બત કા શકીલ …’ ત્યારે લોકોને ખબર પડી કે આ ગઝલ તો શાયર શકીલ બદાયુનીએ લખી હતી. સ્ટેશન પર બેગમ અખ્તરને કાગળ પકડાવનાર શાયર શકીલ બદાયુની જ હતા. શકીલ બદાયુની વર્ષો સુધી બેગમને તેમની ગઝલ મોકલતા રહ્યા, પણ બેગમ તેમની ગઝલોને હાથ અડાડતાં નહોતાં. શકીલની એ જ ગઝલ પછી તો ગઝલ જગતમાં સિગ્નચર ટ્યુન બની ગઈ હતી.

રેહાન ફઝલ નામના સંવાદદાતાએ બેગમ અખ્તર વિશે એમની શિષ્યાઓ તથા અંગત મિત્રો પાસેથી કેટલીક રસપ્રદ વિગતો ભેગી કરી હતી. એમણે લખ્યું કે, ‘બેગમ અખ્તરે ત્રીસના દાયકામાં કોલકાતામાં સ્ટેજ પર પહેલી વાર પોતાનું ગાયન પ્રસ્તુત કર્યું હતું. એ કાર્યક્રમનું આયોજન બિહારના ધરતીકંપગ્રસ્તોની મદદ માટે કરવામાં આવ્યું હતું. એ દિવસોમાં બેગમ અખ્તરને જેમણે સાંભળ્યાં હતાં એ શ્રોતાઓમાં ભારતનાં કોકિલા સરોજિની નાયડુ પણ હતાં.

સરોજિની બેગમના ગાયનથી એટલાં તો પ્રભાવિત થયાં કે તેમણે બેકસ્ટેજમાં જઈને બેગમ અખ્તરને અભિનંદન આપ્યાં અને પછી ખાદીની એક સાડી ભેટસ્વરૂપે મોકલાવી હતી.

પાંચ ફૂટ, ત્રણ ઈંચ ઊંચાં બેગમ અખ્તર હાઈ હીલનાં ચંપલ પહેરવાનાં એટલાં શોખીન હતાં કે ઘરમાં પણ ઊંચી એડીનાં ચંપલ પહેરતાં હતાં. ઘરમાં તેઓ પુરુષોની માફક લુંગી, કુરતા અને મેચિંગ દુપટ્ટો પહેરતાં હતાં.

બેગમનાં શિષ્યા શાંતિ હીરાનંદ કહે છે કે રમઝાનમાં બેગમ આઠ-નવ રોજા જ પાળી શકતાં હતાં, કારણ કે તેઓ સિગારેટ વિના રહી શકતાં ન હતાં. એકલતા દૂર કરવા એ સિગારેટને રવાડે ચડી ગયાં હતાં. ઈફ્તારનો સમય થતાંની સાથે જ તેઓ ઊભાં ઊભાં નમાજ પઢતાં હતાં. એક કપ ચા અને સિગારેટ પીધા પછી આરામથી બેસીને તેઓ નમાજ અદા કરતાં હતાં.

બેગમે સત્યજિત રેની ફિલ્મ ‘જલસાઘર’માં શાસ્ત્રીય ગાયિકાની ભૂમિકા ભજવી હતી એ બહુ ઓછા લોકો જાણતા હશે. બેગમ અખ્તર ૧૧ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા મુશ્તરી તેમને બરેલીના પીર અઝીઝ મિયાં પાસે લઈ ગયાં હતાં. તેમના હાથમાં એક નોટબુક હતી, જેમાં તમામ ગઝલો લખેલી હતી. પીરે નોટબુકના એક પાના પર હાથ રાખીને કહ્યું કે આ ગઝલ પઢો. બેગમ અખ્તરે બહઝાદ લખનવીની એ ગઝલ ઊંચા અવાજમાં સંભળાવી.

ગઝલના શબ્દો હતા –

દીવાના બનાના હૈ તો દીવાના બના દે,
વરના કહીં તકદીર તમાશા ન બના દે.

ઐ દેખનેવાલે મુઝે હંસ હંસ કે ન દેખો,
તુમકો ભી મહોબ્બત કહીં મુજસા ન બના દે.

પીરસાહેબે કહ્યું હતું કે આગલા રેકોર્ડિંગમાં આ ગઝલનું ગાયન સૌથી પહેલાં કરજો. બેગમ કોલકાતા પહોંચતાંની સાથે જ તેમની રેકોર્ડિંગ કંપની પાસે ગયાં હતાં અને આ ગઝલ રેકોર્ડ કરી હતી.

તેમાં સારંગી પર તેમની સંગત ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંએ કરી હતી. (બન્ને પટિયાલા ઘરાનાનાં હતાં) ૧૯૨૫ની દુર્ગા પૂજા દરમ્યાન એ રેકોર્ડ બહાર પાડવામાં આવી હતી અને એ રેકોર્ડે સમગ્ર બંગાળમાં ધમાલ મચાવી હતી.

એ પછી અખ્તરી ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તરે ક્યારે ય પાછું વળીને જોયું ન હતું. બેગમ આને બહઝાદ બન્ને ફેમસ થઇ ગયાં હતાં.’

આવું રસપ્રદ વ્યક્તિત્વ ધરાવનાર બેગમે મરીઝની ગુજરાતી ગઝલ ગાવાની ઈચ્છા દર્શાવીને ગુજરાતી ભાષા પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું તેમ જ ગુજરાતી સંગીત ક્ષેત્રે એવું જ ઉચ્ચ સ્થાન ધરાવનાર સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે કમ્પોઝ કરેલી એ ગઝલ એમણે ગાઈ એ પણ એટલી જ સન્માનનીય ઘટના. કહેવાય છે કે અમદાવાદથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલા બજાણા ગામમાં ગઝલક્વીનને કરિયરની શરૂઆતમાં આશરો આપવામાં આવ્યો હતો, જ્યારે તેઓ માત્ર અખ્તરીબાઈ હતાં. એમનો અંત પણ ગુજરાતમાં જ આવ્યો. એટલે ગુજરાત સાથેની એમની લેણાદેણી હતી એ નિશ્ચિત હતું. આજે ય આ ગઝલ ગુજરાતીઓના દિલમાં કાયમ માટે વસેલી છે.

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 મે 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=691496   

Loading

27 May 2021 નંદિની ત્રિવેદી
← ‘ભૂલી ગયો’
તમામ પદો માટે રાજકીય વગ સિવાયની તમામ લાયકાતો રદ્દ કરવી જોઈએ … →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved