ચાલ આપણે વાદળ વાદળ રમીએ
રૂપ ત્યજી આકાર ત્યજીને અંજળના આકાશ મહીં બસ અમથાં અમથાં ભમીએ
આજ આપણે વાદળ વાદળ રમીએ
કોણ વરસિયું ક્યાં, ક્યાં ઘૂમ્યું પવન સંગ એ ભૂલી
બસ તારું ને મારું હોવું હળવે હાથ કબૂલી
વણબોલાયાં ઇજન સુણી સંચરીએ સજલ સુવાસે
વણપાંખે પણ ઊડીએ આઘે ઓરે વણઆયાસે
આછું ઘેરું ઘેરું આછું એકમેકને ભૂખરું ભૂરું નામ વગરનું ગમીએ
આવે તું તો વાદળ વાદળ રમીએ
તારું મારું ગમવું સો સો રૂપ ધરીને ઊગે
ત્યાંથી ત્યાંથી ત્યાંથી ઇચ્છા આભ લગી જૈ પૂગે
ઇચ્છાઓના જંગલ ઉપર આછુંઆછું તરીએ
સંજોગોના સઢ સંકોરી સાવ અમસ્તું સરીએ
નહીં-કશું-ને-કંઇક-હોય-છે કેરા અસમાની રંગોમાં ઝીણું ઝીણું ઝમીએ
બોલ શું ક્હે છે, વાદળ વાદળ રમીએ?
http://thismysparklinglife.blogspot.in/search?updated-max=2013-04-19T20:35:00%2B05:30&max-results=7