મારે વળાંક લેતી
ખળખળ કરતી નદી, નથી બનવું
નથી બનવું ચંદ્રને ચોંટેલું ઉછીનું અજવાળું
ફૂલની કોમળતામાં હવે ખપવું નથી
ભમવું નથી હવે પવિત્રતાના અડકાદડકામાં
મોરપિચ્છને પણ આઘું રાખજો
થશે નહીં તો, એ ઘડીકમાં ભડકો
સંસ્કૃતિનું તો ન નામ જ લેતા
સદીઓ વીતી, પછી, ઠેઠ આજે જાણ્યું છે
ગરે છે મારા બે પગ વચ્ચે જે જગ્યા શોધી
એનું જ તો છે નામ સંસ્કૃતિ
ને ત્યારે, મારું પેટ શમે છે
એ બીજું શું છે, છે પ્રકૃતિ
પણ સાંભળો,
સમાજના ઠેકેદારો, સાંભળો,
ધર્મના ધુરંધરો, સાંભળો,
રાષ્ટ્રના ફણીધરો, સાંભળો,
હવે, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ
સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ
હા, સંસ્કૃતિને હું પ્રકૃતિ કરીશ.
e.mail : umlomjs@gmail.com