લયમાં થયો શિકાર
લયમાં સુકાયું માંસ
લયમાં તણખો ઝર્યો
લયમાં શેકાયું માંસ
બફાયું માંસ.
ધરી પર ફરીને ગોળ
લયમાં આગળ વધાય
લયમાં લોઢું ટિપાય
લયમાં ખેતી કરાય
લયમાં રોટલા ઘડાય
ગીતો ગવાય
પ્રેમ કરાય
સદીઓથી રોજ રોજ વધ્યા કરે
કુદરતી નિયમ લયમાં વિસ્તર્યા કરે.
નિયમમાં લય જેણે શોધી કાઢ્યો
જીવન એનું ન લયમાં રહ્યું
રુંધાતું રહ્યું રિબાતું રહ્યું ભીંસાતું રહ્યું.
સદીઓ વીતી
લયમાં
પીળું આવ્યું
લાલ આવ્યું
આકાશ જેવું ભૂરું આવ્યું
આવીને જીવન સ્હેજ સરખું કર્યું
પેટને લયમાં ઊંચું કર્યું નીચું કર્યું,
પેટનો લય છાતીમાં લાવી
આંગળીઓ લયમાં સહિયારી કરી
આમતેમ વધેલી ફાંદને
લયમાં લાવવાની તૈયારી કરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 09