ડરી ગયો શશી પછી સરી ગયો સ્વદાગમાં
બધા ય તારલા વળી ઠરી મર્યા ગુમાનમાં
અતાગ રાત છે અઠંગ શ્યામ રંગની બધે
ભળે કશું ય તુર્ત ત્યાં જ શ્યામ રંગનું ઠરે
મળે ન વૃક્ષ વૃક્ષનો અભાવ ના મળે હવે
મળે સુગંધ ફૂલનો પ્રભાવ ના મળે હવે
અવાજ અંધકાર છે અવાચ અંધકાર છે
અભાન તો અભાન આજ ભાન અંધકાર છે
દયા હયા લગાવ ઘાવ જીવ અંધકાર છે
નખે ઠરેલ હિંસ્ર શ્યામ વર્ણનો પ્રકાર છે
પ્રકાર અંધકારનો અઘોર અંધકાર છે
ડરામણી ક્ષણો અપાર કૈંક સૂક્ષ્મપાર છે
કશું ન દૂર ભાસતું કશી ન ભ્રાંતિ લાગતી
બહાર-માંહ્ય એક રીત આંખ શાંતિ પામતી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 13