દેશના જુદા જુદા ખૂણામાંથી આવેલાં સુગંધા અને હું બેંગલોરની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવીને ભેગાં થયાં. બે વર્ષ થયાં અમને એક ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે સાથે રહેતાં રહેતાં. હજી બેઉ કુંવારાં હતાં એટલે માથે બીજી કોઈ જવાબદારી નહોતી. સારા એવા પેકેજની, સુખેથી મોજ-શોખ પૂરાં કરી શકીએ એવી નોકરી હતી. હોળીની રજાઓ નજીક આવતી હતી ને અચાનક મને વિચાર આવ્યો, “સુગંધા, રજાઓમાં જેસલમેર જવું છે? મને ત્યાંનું રણ અને રણમાં થતો સૂર્યાસ્ત જોવાનું બહુ મન છે.”
“એમ તો મને પણ રણ જોવાનું બહુ મન છે.”
“ચલ, તો હો જાય?”
આજે તો અમારા આ પ્રવાસનો આખરી દિવસ પણ આવી પહોંચ્યો છે. અમારા ઊંટવાળો આરીફ ઊંટની લગામ પકડીને ચાલતાં ચાલતાં કેટલી ય વાતો કરી રહ્યો છે : “સાવ આઠ-નવ વર્ષનો હતો ત્યારથી મારા બાબા સાથે ઊંટની સવારી કરવા આવતો. આ જ અમારું કામ. આ મારો શેરો છે, એ અમારી જીવાદોરી છે. એ બહુ વફાદાર પ્રાણી છે. વેરી ફેઈથફુલ.” ઊંટ જાણે એના પરિવારનું સભ્ય હોય એ રીતે પોરસાઈને એને માટે વાત કરી રહ્યો હતો.
“તું કેટલું ભણ્યો છે?” સુગંધાએ પૂછ્યું.
“મેડમજી, મૈંને તો બસ, ફીફ્થ તક પઢાઈ કી.”
મેં કહ્યું,”બસ? ફીફ્થ તક? તો પણ તું હિંદી, અંગ્રેજી, ગુજરાતી બધી ભાષા કેવી સરસ રીતે બોલી શકે છે?”
“એમ તો મેડમ, ભાંગીતૂટી ડચ, ને ચીની પણ આવડે છે.”
“આટલી બધી ભાષાઓ કેવી રીતે આવડે છે?”
“અહીંયાં તો આખી દુનિયામાંથી ટુરિસ્ટો આવે. એ બધા પાસે કંઈ ને કંઈ શીખવા મળે.”
એનામાં કંઈક તો એવું હતું કે જે એને વિશે વધુ જાણવા લલચાવતું હતું. “કોણ કોણ છે તારા ઘરમાં?”
“અમ્મા હૈ, અબ્બુ હૈ, અમે મિયાં-બીબી બે, ત્રણ બેટા અને સૌથી છોટી મારી બિટિયા રોશની.” રોશનીનું નામ લેતાંની સાથે એનો આખો ચહેરો ઝળકી ઊઠ્યો.
“કેટલાં વર્ષની થઈ તારી દીકરી?” સુગંધાએ જિજ્ઞાસાથી પૂછ્યું.
“કાલે ત્રણ સાલ પૂરાં થશે. કાલે જ એની સાલગીરા છે.”
અમે બંને પહેલી જ વાર ઊંટ પર બેઠાં હતાં. ઊંટ સવારીનો રોમાંચ પણ હતો ને થોડો ડર પણ લાગતો હતો. અમે પહોંચ્યાં ત્યારે સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી. આકાશમાં સંધ્યાની લાલી છવાયેલી હતી. રણનું સૌંદર્ય એવું તો મંત્રમુગ્ધ કરનારું હતું કે અમે ફોટા પાડવાનું પણ ભૂલી ગયાં. કોઈ સ્થાનિક કલાકાર બોણી મેળવવાની આશામાં સારંગીના સૂર છેડી રહ્યો હતો. ડૂબતો સૂરજ મનમાં વિષાદ ઊભો કરતો હોય એવું લાગ્યું. સૂર્ય પૂરેપૂરો ક્ષિતિજમાં ખોવાઈ ગયો પછી અમે પાછાં ફરવા આરિફને શોધવા લાગ્યાં. ત્યાં તો એક ઊંટવાળો મારી અને સુગંધાની સામે ઊભો રહી ગયો.
“મેડમ, ઊંટસવારી કર લી ના? અભી બક્ષિસ દે કે જાના.”
અમે નવાઈથી પૂછ્યું, “સવારીના જેટલા નક્કી કરેલા એટલા રૂપિયા તો અમે આપીએ જ છીએ હવે બક્ષિસ વળી શેની?”
“યહાં બારબાર કૌન આતા હૈ? એક બાર આયે હૈં તો બક્ષિસ દેના તો બનતા હૈ.”
અમને એ માણસ જરા વિચિત્ર લાગ્યો. વાત કરતાં કરતાં ગભરાઈને જોતો હોય એમ એ પાછળ ફરીને જોયા કરતો હતો. એનાથી પીછો છોડાવવા મેં કહ્યું, “અમારે બક્ષિસ આપવી જ હશે તો આરિફને આપીશું. તને શા માટે આપીએ?”
વળી પાછો પાછળ નજર કરી લીધા પછી ધીમો સાદ કરીને બોલ્યો, “વો તો નહીં લેગા બક્ષિસ. ઉસકે હિસ્સે કી બક્ષિસ મુઝે દે દો ના!”
હું કંઈ બોલવા જાઉં ત્યાં તો આરિફ આવી પહોંચ્યો એટલે પેલો દોડીને પોતાના ઊંટ પાસે જતો રહ્યો. ઊંટ પર હાલક-ડોલક થતાં અમે પાછાં ફરતાં હતાં ત્યારે મેં પૂછ્યું, “આરિફ, પેલો પાછળ આવે છે એ ઊંટવાળો અમારી પાસે પૈસા માગતો હતો. અમે કહ્યું કે આરિફને આપીશું તો એણે કહ્યું કે, તું બક્ષિસ નથી લેતો. સાચી વાત?”
“હા મેડમ, અપને હક કા તો મિલ હી જાતા હૈ તો ફિર ક્યું લે બક્ષિસ? સરકારે પણ મનાઈ કરી છે. બક્ષિસ માંગ કે ટુરિસ્ટ લોગોં કો પરેશાન નહીં કરનેકા.”
“સવારીની આવકમાંથી તારા આખા કુટુંબનું પૂરું થઈ જાય છે? ખર્ચો નીકળી જાય છે?”
“અમારો ખર્ચો તો ગમેતેમ કરીને નીકળી જાય છે પણ ખર્ચાનો તો કોઈ અંત જ નથી. કરોડો કમાવાવાળાને પણ તમે પૂછો તો કહેશે કે, પૈસા ઓછા પડે છે. ને તૂટી-ફૂટી ઝોંપડીમાં રહેવાવાળા મીઠું ને રોટલો ખાઈને સંતોષથી રહે છે.”
એનો જવાબ સાંભળીને હું ને સુગંધા બંને ચૂપ થઈ ગયાં. કેટલી સાચી વાત છે એની? અમારા બેઉનો આટલો સારો પગાર છે તોયે બ્રાંડેડ કપડાં, મોંઘી હોટેલોમાં પાર્ટી કરવી ને વારંવાર બ્યુટી પાર્લરની મુલાકાત લેવી એ બધાને લીધે મહિનાને છેડે હાથ ખેંચમાં જ રહેતો હોય છે.
અમે હોટેલ પર પહોંચી ગયાં. છૂટાં પડતી વખતે સુગંધાએ પર્સમાંથી પાંચસોની નોટ કાઢીને એને આપવા માંડી. જાણે કરંટ લાગ્યો હોય એમ એણે હાથ પાછો ખેંચી લીધો ને કહ્યું, “મૈં નહીં લે સકતા, મેડમ.” “તને નથી આપતી. કાલે રોશનીનો જન્મદિવસ છે ને, એને અમારા તરફથી ભેટ.”
“એમ કરો મેડમ, કાલે મારે ઘરે આવીને તમારે હાથે જ આપી જજો.”
અમે નવાઈ પામી ગયાં. એ જાણતો હતો કે, કાલે વહેલી સવારે તો અમે નીકળી જવાનાં છીએ, છતાં ય કેટલી નિસ્પૃહતા! અમારા ઝંખવાણા પડી ગયેલા ચહેરા જોઈ એને કંઈક યાદ આવ્યું, “આપકે પાસ ટોફી હૈ?”
સુગંધાએ પર્સમાંથી મુઠ્ઠી ભરીને ઈમ્પોર્ટેડ ચોકલેટો કાઢીને આપવા માંડી. એમાંથી એક જ ચોકલેટ લેતાં એણે હસીને કહ્યું, “બિટિયા કે લિયે આપકી દુઆ સમજ કર લે લેતા હું.” પાછા ફરી રહેલા આરિફની પીઠ તરફ જોતાં મને થયું કે, આ માણસને ફકીર કે ઓલિયો ન કહી શકાય?
(સરિતા કુમારીની અંગ્રેજી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 24