પદ્મશ્રી સન્માનિત કેળવણીકાર રઘુભાઈ નાયકનાં સર્વાર્થે જીવનસાથી એવાં જશીબહેન નાયક વાત્સલ્યમય શિક્ષક, ઉત્તમ સંચાલક, અને પુસ્તકોનાં લેખક છે. તેઓ રવિવારે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરશે.
અમદાવાદના શ્રમજીવીઓના એક વિસ્તાર સરસપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક સરસ્વતી વિદ્યાલય તરીકે ઓળખાતી શાળાઓનું સંકુલ આવેલું છે. તેમાં બાળમંદિરથી બારમાં ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે. આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું ટ્રસ્ટ કરે છે. આ ટ્રસ્ટની મૂળ શાળા આ મહિનામાં ત્રીસમી નવેમ્બરે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરશે; અને તેના એક આદ્ય શિક્ષિકા તેમ જ (અ)પૂર્વ આચાર્ય જશીબહેન એકસો એકમાં વર્ષમાં અઢારમી તારીખના રવિવારે પ્રવેશ કરશે.
મંગળવારે જશીબહેને ખુરશીમાં સીધાં બેસીને મીઠા અને ધીમા અવાજે કરેલી સરસ વાતો, ગુલબાઈ ટેકરા વિસ્તારની મૈત્રી સોસાયટીના તેમનાં ઘરે સાંભળવા મળી. આજે ય જશીબહેન વિદ્યામંડળનાં પ્રમુખ તરીકે સંસ્થાની બેઠકોમાં હાજર રહે છે. શાળાનાં બાળકોની નૃત્યનાટિકામાં માર્ગદર્શન આપે છે. એકાદ દાયકાથી, દર વર્ષે છ-આઠ મહિના ઇન્ગ્લેન્ડના લિવરપૂલમાં તેમનાં તબીબ ચિરંજીવી પ્રશાંતભાઈને ત્યાં રહે છે. લાંબો પ્રવાસ ખેડી શકે છે, હવામાન સાથે તરત મેળ પાડી શકે છે. એ જ્યાં હોય ત્યાંથી સંસ્થાના માસિક ‘ઘરશાળા’ માટે લેખો લખાવી મોકલે છે. સંસ્થા તેમની જિંદગીનો અવિભાજ્ય હિસ્સો છે. એવું જ એમના પતિનું પણ હતું.
જશીબહેનના પતિ એટલે પદ્મશ્રી સહિત અનેક સન્માનો મેળવનાર કેળવણીકાર રઘુભાઈ નાયક(1907-2003). સરસ્વતી વિદ્યામંડળના સ્થાપક રઘુભાઈ અને સર્વાર્થે તેમનાં જીવનસાથી જશીબહેને અમદાવાદમાં મિલકામદારોનાં અને દિલ્હીમાં ત્યાંના ગુજરાતીઓનાં બાળકોને ભણાવ્યાં. રઘુભાઈ દેશનાં પાટનગરનાં સરદાર પટેલ વિદ્યાલયમાં પહેલા આચાર્ય બન્યા, કારણ કે એ વખતના દૂરંદેશી અર્થમંત્રી અને ગૃહમંત્રી રાજપુરુષ એચ.એમ. પટેલ રઘુભાઈની કેળવણીકાર તરીકેની ક્ષમતાને બરાબર પારખી ગયા હતા. દિલ્હીની આ ગુજરાતી શાળા બહુ પ્રતિષ્ઠા પામી છે. દિલ્હીની શાળામાં પણ, અમદાવાદની શાળાની જેમ, રઘુભાઈની સાથે જશીબહેન શિક્ષિકા અને સહઆચાર્ય હતાં.
જશીબહેનને ‘પતરાંની શાળા’ સહુથી વધારે સાંભરે છે. રઘુભાઈએ સ્થાપેલી આ પહેલી શાળા. વાત એમ હતી કે કાળુપુર સ્ટેશનની પાછળના વિસ્તારમાં, બંધ પડી ગયેલી માધુભાઈ મિલનાં કમ્પાઉન્ડનાં કેટલાંક મકાનો અને ગોડાઉનોમાં પતરાંના શેડમાં કારખાનાં ચાલતાં. તેમાંથી બે-ત્રણ શેડમાં એક શાળા ચાલતી હતી. સગવડો અને સંખ્યાને અભાવે બંધ પડવા આવેલી એ શાળા રઘુભાઈએ તેના સંચાલક પસેથી લઈ લીધી. તેના માટે તેમણે પોતાના અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા. રઘુભાઈનું ધ્યેય પૂર્વ અમદાવાદના અભાવગ્રસ્ત લોકોને શિક્ષણ આપવાનું હતું. આવી નિસબત ધરાવતા રઘુભાઈએ આઝાદીની ચળવળમાં જેલ વેઠી હતી, રવીન્દ્રનાથ પાસે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું હતું, જર્મનીની ફ્યૂબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉકટરેટ પ્રાપ્ત કરી હતી, સારી નોકરી માટેના પ્રસ્તાવ સ્વીકાર્યા ન હતા. ગામડાંમાં શિક્ષણનું કામના કરવાનાં ઉદ્દેશ્યથી ભાવનગરની અનોખી શાળા ‘ઘરશાળા’માં નજીવા પગારે આચાર્ય બન્યા. સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં દીકરી એવાં શિક્ષિકા જશીબહેન સાથે લગ્ન કર્યાં.
અમદાવાદનાં ગરીબ બાળકોને ભણાવવાના આદર્શ સાથે રઘુભાઈએ કામ શરૂ કર્યું એટલે સરસપુરમાં ડઝનેક મિલોનાં સાયરનો, ધૂળ, ધૂમાડા અને કોલસાની રજ વચ્ચે આવેલાં બિસ્માર મિલ કમ્પાઉન્ડમાં જ ઘર માંડ્યું. દમની બીમારી ધરાવતાં જશીબહેન આઠ મહિનાના દીકરા પ્રશાન્તને લઈને પતિને સાથ આપવા લાગ્યાં. ભાવેણાની સુંદર ‘ઘરશાળા’, સુખી ગૃહજીવન, વ્યાવસાયિક કારકિર્દી અને સ્નેહીઓને છોડી દીધાં. પાણી, અનાજ, જાજરૂ-બાથરૂમ, વીજળી, આવકનાં અભાવો સહિતની અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરસંસાર ચલાવ્યો, સાથે શાળા પણ વિકસાવી. નાયક દંપતીએ સરસ્વતી શાળાને વિષય શિક્ષણ ઉપરાંત બાળકના સર્વાંગીણ રુચિસંપન્ન વિકાસ સાધવા માટેની ‘નૂતન શિક્ષણ’ની વિભાવના મુજબ આકાર આપ્યો. શાળાની જમીન રેલવેએ સ્ટેશનના વિસ્તરણ માટે સંપાદિત કરી. એટલે ખૂબ મહેનતથી 1959માં નવી જમીન મેળવી, જ્યાં શાળાની બે મોટી ઇમારતો અત્યારે ઊભી છે. શાળામાં ઉત્તમ શિક્ષકો તો રોક્યા જ. ઉપરાંત તેને સંગીત, નૃત્ય, નાટ્ય, સામયિક, ભીંતપત્ર, રમતગમત, સામાજિક કાર્ય, વિદ્યાર્થીમંડળ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી. તેની માહિતી શિક્ષણક્ષેત્ર પરના પીઢ લેખક હરિત પંડ્યાએ આલેખેલાં રઘુભાઈનાં વાચનીય ચરિત્ર ‘સપનાં થયાં સાકાર’માં મળે છે. આ પુસ્તક ઑસ્ટ્રેલિયાના અગ્રણી શિક્ષણવિદ્દ ફ્રેડા વિટલૅમે (1920-2018) લખેલાં રઘુભાઈના ‘લાઇટ ઇન ધ ઇસ્ટ’ (1996) નામના જીવનચરિત્ર પર આધારિત છે. જશીબહેનનાં સંસ્મરણો ‘સ્મરણયાત્રા’ (2001) પુસ્તક તરીકે વાંચવા મળે છે. તેમાં તેમણે શાળાની શરૂઆતનાં કપરાં વર્ષોનાં પ્રસંગો વિશે સહજભાવે અને શાળાને મદદરૂપ થનાર અનેક નાની-મોટી વ્યક્તિઓ વિશે કૃતજ્ઞતાથી લખ્યું છે. ઉપેક્ષા કે ગેરસમજનો ભોગ બનેલાં વિદ્યાર્થીઓની કથાઓ ‘કાળી વાદળી ઉજળી કોર’ (1987) સંચયની વાર્તાઓમાં મળે છે.
જશીબહેન પોતે ભાષા, સમાજવિદ્યા અને સંગીતનાં શિક્ષિકા તેમ જ સહઆચાર્ય પણ રહ્યાં. મુંબઈથી વર્ષો પહેલાં બી.એ. થઈ ચૂકેલાં તેમણે ભણાવવાની સાથે ભણવાનું ફરીથી શરૂ કર્યું. મૉન્ટેસરી ટ્ર્રેઇનિન્ગ કોર્સ કરીને પછી એમ.એડ. સુધી ભણ્યાં. ચાલીઓ-ખોલીઓમાં વસતાં વિદ્યાર્થીઓ તેમ જ પોતાનાં સંતાનો પ્રશાન્ત અને ઇરા વચ્ચે ભેદ ન રાખ્યો. રઘુભાઈને 1952માં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અમેરિકા જવાનું થયું ત્યારે એક વર્ષ આખી શાળાનું સંચાલન કર્યું. સરસ્વતી વિદ્યાલયની સુવાસ પ્રસરતાં અસારવા વિસ્તારના લોકોની માગણીને પગલે ત્યાં શરૂ થયેલી શાળામાં 1958 સુધી છ વર્ષ માટે આચાર્યપદે રહ્યાં. તે પછી અઢાર વર્ષ દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલયમાં રઘુભાઈ સાથે સહઆચાર્ય તરીકે 1976 સુધી રહ્યાં.
જશીબહેનની અત્યારની યાદોમાં વારંવાર આવે છે તે શાળામાં કરાવેલાં ગીત-સંગીતનાં કાર્યક્રમો. શાળાની પ્રાર્થના સહિત અનેક વાર રવીન્દ્રસંગીત ચાલતું. તદુપરાંત પ્રહ્લાદ પારેખની ‘વર્ષામંગલ’ની રચનાઓ હતી. એ બધું દિલ્હીમાં ચાલુ રહ્યું, અને તેમાં ઉમેરાઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પરની નૃત્યનાટિકાઓ. તેની સ્ક્રિપ્ટ્સ્ લખવા માટે જશીબહેન ખૂબ મહેનત લેતાં. કાર્યક્રમોની પદ્યરચનાઓ જાણીતા કવિઓ પાસે પોતાના માર્ગદર્શન હેઠળ કરાવતાં. તેમાંની એકની પંક્તિઓ જશીબહેન બોલી બતાવે છે : ‘ભારતમેં જન્મા થા ઐસા પુરુષ મહાન, લોગ ઉસે કહતે થે લોહે કા ઇન્સાન’. યાદો કેટલી ય છે : રઘુભાઈએ ઇન્દિરા ગાંધીને પુનાની ‘પિપલ્સ સ્કૂલ’માં કેટલોક સમય ભણાવેલાં, દિલ્હીની સ્કૂલમાં રાજેન્દ્રપ્રસાદ આવેલાં, સરદાર પરની સ્ક્રિપ્ટ માટે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં જતાં, અસારવા વિદ્યાલયની શાળામાં જશીબહેન સાઇકલ પર જતાં-આવતાં. જશીબહેનનું એક સાંભરણ છે : ‘એક વખત રઘુભાઈ રસોડામાં ચમચીઓ ગણતા હતા. કોઈએ અંચબો વ્યક્ત કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘એ સ્કૂલમાં ધ્યાન આપે તો મારે ઘરમાં થોડુંક ન આપવું જોઈએ’. તેમનાં લગ્નની પચીસમી વર્ષગાંઠે સ્નેહરશ્મિએ હાઇકુ કર્યું:
વીતી વસન્ત –
રૂસણે તારે તોય –
હજી તે તાજી !
‘પતરાંવાળી સ્કૂલ’ ના કમ્પાઉન્ડમાં રહેતો, મદદ કરતો, જશીબહેનનાં બાળકોને વહાલ કરતો ‘કાબૂલીવાલા જેવો’ ગફૂર પઠાન યાદ છે. અમદાવાદનાં અનેક તોફાનોમાં ‘કોણ જાણે કેમ’ પણ શાળા સલામત રહી. ભાગલા વખતે સિંધી નિરાશ્રીતોનાં ધાડાં આવતાં. તેમને માટેનાં રાહતકામમાં રઘુભાઈએ શાળાને સામેલ કરી. તે વિશે જશીબહેને ‘સ્મરણયાત્રા’માં તો લખ્યું છે. પણ તે દિવસો એમને વારંવાર બધાને ખાસ કહેવા જેવા લાગે છે. તેમાં જેનું કોઈ જ ન હતું એવાં નિરાશ્રીત ભાઈને રઘુભાઈએ ચા બનાવીને શાળામાં કાયમ આપી જવાનું સોંપ્યું હતું તે પણ જશીબહેનને સાંભરે છે. જશીબહેનને યાદ છે તે મહેનતકશોનાં ‘પતરાંની શાળા’માં ભણતાં બાળકોનું અમદાવાદ, કર્ણાવતી નહીં. શ્રમજીવીઓ માટે શિક્ષણની સરસ્વતી જ્યાં વહે છે, વસે છે તે જશીબહેન નાયકનું અમદાવાદ.
********
15 નવેમ્બર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 16 નવેમ્બર 2018