એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી …
‘ઈફ યુ આર લોનલી વ્હેન યુ આર અલોન, ધેન યુ આર ઈન બેડ કંપની.’ અને ‘વી મેક અવર ઓન હેલ ઑફ ધ પીપલ અરાઉન્ડ અસ’ જેવા સાદાં પણ ન ભૂલાય તેવાં અર્થગર્ભ વિધાનો આપનાર જ્યૉં પૉલ સાર્ત્રનો જન્મદિન 21 જૂને હતો, એ નિમિત્તે વાત કરવી છે, થોડી એમની અને થોડી એમના અને સિમોન ‘દ બુઆના અજબ પ્રેમની.
વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક અને નિરીશ્વરવાદી અસ્તિત્વવાદના સ્થાપક સાર્ત્રનો જન્મ 1905માં. પિતા ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા અને માતા ચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી ડૉક્ટર શ્વાઇત્ઝરના કાકા હતા. સાર્ત્ર એક વર્ષના હતા અને પિતાનું અવસાન થયું. ત્યાર પછી મા એને લઈને ચાર્લ્સ શ્વાઇત્ઝરને ત્યાં રહેવા ગઈ. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો સાર્ત્રને બાલ્યાવસ્થાથી જ ઘણો લાભ મળ્યો.
પૅરિસમાં ફિલોસોફી શીખતા ત્યારે તેઓ સિમોન-દ-બૂવાના પરિચયમાં આવ્યા. બંને લગ્નજીવન વગરના મુક્ત પ્રેમ અને મૈત્રીમાં જીવનભર બંધાયેલા રહ્યાં. સિમોન પ્રખર બુદ્ધિશાળી, પ્રતિષ્ઠિત નારીવાદી ચિન્તક અને સર્જક. બંનેએ રશિયા, જર્મની, અમેરિકા, ચીન, જાપાન એમ અનેક દેશોની મુલાકાતો લીધી હતી. કેટલાક દેશોના વડાઓને પણ તેઓ મળ્યાં હતાં.
બીજા વિશ્વયુદ્ધના પ્રારંભે સાર્ત્રને ફ્રેન્ચ લશ્કરમાં જોડાવું પડ્યું. એક વર્ષ માટે જર્મનીમાં યુદ્ધકેદી રહેવું પડ્યું. મુક્ત થઈને સાર્ત્ર ફ્રાન્સમાં જર્મની સામેના ભૂગર્ભ પ્રતિકારદળોમાં જોડાયા. યુરોપીય સંસ્થાનવાદ, પશ્ચિમી સામ્રાજ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ, મૂડીવાદ, રંગભેદવાદ અને યહૂદીવિરોધી માનસના સાર્ત્ર કટ્ટર અને સક્રિય વિરોધી. સાર્ત્રે એક બાજુ શ્રમિકોનાં હિતોને આગળ કરનાર તરીકે સોવિયેત રશિયાના સામ્યવાદી શાસનનો પક્ષ લીધો હતો, તો બીજી બાજુ હંગેરી અને ચેકોસ્લોવાકિયા ઉપરના રશિયન આક્રમણને વખોડી કાઢ્યું હતું અને અલ્જિરિયાના હિંસક સ્વાતંત્ર્યસંગ્રામને ટેકો આપ્યો હતો. ત્રીજા વિશ્વના દેશોની સ્વાતંત્ર્યલડતો અને ક્રાંતિઓને સાર્ત્રનો ટેકો હતો.
1964માં તેમને સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝ ઘોષિત થયું. તેનો અસ્વીકાર કરતાં તેમણે કહ્યું કે પોતે ‘રૂપાંતરિત’ થવા માગતા નથી અને પ્રાઈઝ સ્વીકારીને પૂર્વપશ્ચિમના સાંસ્કૃતિક સંઘર્ષમાં પોતે પશ્ચિમના સાંસ્કૃતિક સંસ્થાનના પક્ષમાં છે એવું બતાવવા ઈચ્છતા નથી. ‘બિઈંગ ઍન્ડ નથિંગનેસ’ અને ‘ક્રિટિક ઑફ ડાયક્ટિકલ રિઝન’ એ તત્ત્વચિંતન અંગેના સાર્ત્રના મુખ્ય ગ્રંથો છે. તેમની બીજી મહત્ત્વની કૃતિઓમાં આત્મકથા ઉપરાંત ચાર નવલકથાઓ, પાંચ ટૂંકી વાર્તાઓ, સાત નાટકો, ત્રણ જીવનવૃત્તાંતો, અનેક નિબંધો અને સમીક્ષાલેખોનો સમાવેશ થાય છે. 1948માં કૅથલિક ચર્ચે સાર્ત્રની કૃતિઓને પ્રતિબંધિત જાહેર કરી હતી. સાર્ત્રની તમામ મહત્ત્વની કૃતિઓ અંગ્રેજી ભાષામાં સુલભ છે.
સાર્ત્રે માર્ક્સવાદ અને અસ્તિત્વવાદનો સમન્વય નવી ભૂમિકાએ કરવાના પ્રયત્નો કર્યા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં માઓવાદ અને અરાજકતાવાદી દૃષ્ટિબિન્દુના પક્ષમાં પણ જણાયા. છે. પહેલાં ફિનૉમિનૉલૉજીથી અને પછી માકર્સવાદથી પ્રભાવિત સાર્ત્રના અસ્તિત્વવાદમાં એકવાક્યતા કે સંગતિ છે કે કેમ તે અંગે ખૂબ વિવાદ થયો છે.
સાર્ત્રની ‘નૉશિયા’ નવલકથાનો મુખ્ય વિચાર એ છે કે માનવીનું કે જગતનું વાસ્તવિક અસ્તિત્વ છે ખરું, પણ તે ‘કન્ટિન્જન્ટ’ છે, એટલે કે જગતનું કે મનુષ્યનું હોવું અનિવાર્ય નથી તેમ જ તેનું ન હોવું પણ અનિવાર્ય નથી. જગત એબ્સર્ડ છે કેમ કે તે મનુષ્યની ‘રેશનાલિટી’ની અપેક્ષા પ્રમાણે ‘ઈન્ટેલેજિબલ’ બનતું નથી. જગત મનુષ્ય-નિરપેક્ષ છે – તેને મનુષ્યની પ્રગતિ, તેના ઇતિહાસ કે નિયતિ સાથે લેવાદેવા નથી. પ્રશ્નો પૂછ્યા કરતો મનુષ્ય સૃષ્ટિના અકળ મૌનથી નિરાશ થાય છે. છતાં તે પોતાના જીવનને માનવીય અર્થ આપી શકે છે. તેને પસંદગીની સ્વતંત્રતા છે, પણ પરિણામોની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની જ છે.
‘ફિલોસોફી નાઉ’ જર્નલના સાર્ત્રની જન્મશતાબ્દી નિમિત્તે પ્રકાશિત થયેલા વિશેષાંકના એક લેખમાં ડૉનહોઈએ જણાવ્યું છે કે ‘સત્તરમી સદીના દ’કાર્ત અને પાસ્કલ, અઢારમી સદીના વૉલ્તેર અને રૂસો અને ઓગણીસમી સદીના હ્યુગો અને ઝોલાની કક્ષામાં સાર્ત્રને મૂકી શકાય એમ છે. સાર્ત્રના ચિંતનનો વ્યાપ મોટો છે. પરંપરાનું પુનરાવર્તન જ કર્યા કરનારા અને સ્થગિત થઈ ગયેલાં સામાજિક મૂલ્યોને પોષ્યા કરનારા સર્જકો-ચિન્તકો કરતાં સાર્ત્ર ઘણા જુદા છે.’
સિમોનનું નામ આધુનિક નારીવાદમાં સૌ પહેલું મૂકવું પસે. ‘ધ સેકન્ડ સેક્સ’માં તેણે દર્શાવ્યું છે કે વિશ્વ પુરુષનું છે, સ્ત્રી પણ પુરુષ સંદર્ભે છે અને એને પુરુષની અપેક્ષા પ્રમાણે ઘડવામાં આવી છે. સ્ત્રીને પોતાના મૂળ અસ્તિત્વથી વિચ્છેદ પામીને અપાયેલી ભૂમિકા પ્રમાણે પ્રયોજાવું પડે છે, જે પીડાદાયક છે. એને માટે સિમોન ‘મ્યુટિલેશન’ શબ્દ વાપરે છે. સાર્ત્ર સાથેના સંબંધમાં સિમોને પોતાને વિચ્છેદનો ભોગ બનવા દીધી નથી. એ જે હતી તે જ રહી. પૂર્ણ સ્વાતંત્ર્ય, બંધનરહિત પ્રેમ, પૂરો આદર અને શાશ્વત વફાદારીનું વિશ્વ સર્જવા બંને અર્ધી સદી સુધી મથ્યાં. વ્યાખ્યામાં ન બંધાય અને સ્થાપિત ધોરણોમાં ન સમાય, જેને એ બંને ‘ઑથેન્ટિક લવ’ કહેતા એવા એમના સંબંધને અસ્તિત્વવાદી પ્રેમકથા – એક્ઝિસ્ટન્શ્યલ લવ સ્ટોરી કહેવાય?
‘આધુનિક નારીવાદની જનેતા’ ને ‘અસ્તિત્વવાદના જનક’ તરીકે ઓળખાતી પ્રતિભાઓ વચ્ચેનો પ્રેમ એમના સમયથી માંડીને આજ સુધી વિવાદનો વિષય રહ્યો. બંને સાથે ફિલોસોફી ભણતાં. એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. પરણવું, પુરુષે બહારના વિશ્વમાં શિખરો સર કરવાં ને સ્ત્રીએ ઉપેક્ષિતા બની ઘર સંભાળવું એવી પિતૃસત્તાક પરંપરાના બંને એકદમ વિરોધી હતાં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી.
બંને માનતાં કે એમના યુગનો સૌથી મોટો પડકાર ઈશ્વરની અનુપસ્થિતિમાં સર્જાતી મુક્ત સ્વતંત્રતાની પ્રતીતિ કરવી એ છે. સિમોન એના સમયથી ઓછામાં ઓછા 50 વર્ષ આગળ હતી. ઘરગૃહસ્થીના જાણીતા રસ્તે એ ન જ ગઈ. એને બદલે તેણે બૌદ્ધિક પ્રવૃત્તિમાં રત રહેવાનું પસંદ કર્યું. છતાં એ સ્ત્રી હતી. લેખક, ચિંતક અને આધુનિક નારીવાદના પ્રણેતા તરીકેની ખૂબ પ્રભાવક કારકિર્દી ધરાવતી સિમોને લખ્યું છે, ‘મારી સૌથી મોટી સફળતા સાર્ત્ર છે.’
પણ તેઓ સુખી થયાં? એમના સંબંધો સામાજિક અને વ્યાવસાયિક વર્તુળોમાં આંખે ચડી ગયા. બધી બાજુથી જાતજાતનાં દબાણો આવવાં શરૂ થયાં. વિદ્વાનો, પત્રકારોને ચર્ચાનો વિષય મળ્યો. સ્ત્રી તરીકે સિમોન સાથે ખરાબ વર્તન પણ થતું. સિમોન અંદરથી વલોવાતી પણ ખરી. આ સ્થિતિમાં એણે સજાતીય સંબંધો પણ બાંધ્યા.
1960 પછી પ્રગટ થયેલી ડાયરીઓએ આપેલાં ચિત્રો મુજબ સિમોન પોતાના સંબંધોની જટિલતાથી હેરાન તો થઈ જ હતી. તેને પોતાને પણ નેલ્સન એલ્જર્ન સહિત હાઈ-પ્રોફાઈલ સંબંધો હતા. સાર્ત્ર તો વુમનાઈઝર તરીકે જાણીતો હતો જ. પણ બંને અપરાધભાવ અનુભવ્યા વિના અન્ય સાથે પ્રેમમાં પડવા અને એમાંથી નીકળવા સ્વતંત્ર હતાં. એથી એમની કસોટી પણ થતી. એમનો પ્રેમ હંમેશાં માલિકી વગરનો, પ્રેમ ખાતરનો પ્રેમ રહ્યો. તો પણ સાર્ત્ર અને સિમોનના સંબંધોમાંથી આપણને સમજાય છે કે પાત્રો ખૂબ નિકટ હોય, મહાબુદ્ધિશાળી હોય, વિશ્વ આખા પર અસર કરે એવા ક્રાંતિકારી વિચારો ધરાવતા હોય તેથી એમના સંબંધો અને ભાગીદારી સંપૂર્ણ જ બને એવું હોતું નથી.
બંનેની કબર પેરિસના કબ્રસ્તાનમાં જોડાજોડ છે…
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 જૂન 2023