10મી જૂનના રોજ, થિયોડોર કઝિન્સકી નામના 81 વર્ષના એક કેદીનું, અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલી બીમાર કેદીઓ માટેની જેલમાં અવસાન થઇ ગયું. સંભવતઃ તેણે આત્મહત્યા કરી હતી. કઝિન્સકી એવા અપરાધ બદલ આજીવન કારાવાસની સજા ભોગવતો હતો, જેને આધુનિક અમેરિકામાં પહેલો ‘ઘરેલું આતંકવાદ’ તરીકે યાદ રાખવામાં આવે છે. આજે તમે છાસવારે અખબારોમાં સમાચાર વાંચો છો કે અમેરિકાની ફલાણી સ્કૂલમાં એક છોકરાએ બંધૂક ચલાવી અથવા ઢીંકણા મનોરોગીએ સમારોહમાં સામૂહિક શૂટિંગ કર્યું. આવી રીતે આતંક ફેલાવાની શરૂઆત થિયોડોર કઝિન્સકીએ કરી હતી.
1978થી 1995 વચ્ચે, આ માણસે ટપાલ મારફતે અથવા તો હાથોહાથ વીસથી વધુ ‘લેટર બોમ્બ’નું વિતરણ કર્યું હતું. એમાં 3 લોકોનાં મોત થયાં હતાં અને 23 લોકો જખમી થયા હતા. તે લોકો સાથે તેની દુ:શ્મની નહોતી. એ તેની પ્રતિકાત્મક હિંસા હતી. કેમ? તેનો જવાબ થોડીવાર પછી.
1998માં જ્યારે એ પકડાયો, ત્યારે તેણે અદાલતમાં તેનો અપરાધ કબૂલ કર્યો હતો. ત્યારથી તે આઠ આજીવન કારાવાસ ભોગવતો હતો. છેલ્લે, તેની માનસિક હાલત બગડી પછી સ્વાસ્થ્ય ચિકિત્સાની જેલમાં રાખવામાં આવ્યો હતો. એફ.બી.આઈ.એ તેની કેસ-ફાઈલમાં તેનું નામ, યુનિવર્સિટી અને એરલાઈન્સમાં બોમ્બ મોકલનાર પરથી, ‘યુનાબોમ’ (યુ.એન.એ.બી.ઓ.એમ.) રાખ્યું હતું. મીડિયાએ તેના પરથી તેનું નામ ‘યુનાબોમ્બર’ પાડ્યું હતું.
અમેરિકામાં ચિત્ર-વિચિત્ર પ્રકારના હજારો અપરાધીઓ છે. એમાંથી આપણે થિયોડોર કઝિન્સકીની વાત કેમ કરીએ છીએ? ટેડના હુલામણા નામથી જાણીતો થિયોડોર કઝિન્સકી, શિકાગોના ઈમિગ્રેન્ટ પોલિશ શ્રમિક પરિવારમાં પેદા થયો હતો. તેનો એક લઘુ બંધુ ડેવિડ હતો. પ્રાથમિક સ્કૂલમાં બધાં ટેડને એકલવાયો પરંતુ સ્માર્ટ કહેતા હતા.
હાઈસ્કૂલમાં તેની પ્રતિભા રંગ લાવી હતી. તેને ગણિત અને બાયોલોજીમાં એટલી રુચિ હતી કે લોકો તેને ‘હાલતું-ચાલતું બ્રેઈન’ અથવા ‘બ્રિફકેસ બોય’ કહેતા હતા. 15 વર્ષની ઉંમરે પરીક્ષામાં તેનું નામ રાષ્ટ્રીય મેરિટ લિસ્ટમાં આવ્યું હતું. બીજા વર્ષે, તે હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં પાસ થઇ ગયો, ત્યારે તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહોતું. તે ત્યાં ગણિત ભણવાનો હતો. ત્રણ વર્ષ સુધી તેના સહાધ્યાયીઓ તેને ‘ઇન્ટેલિજન્ટ પણ એકલવાયો’ તરીકે ઓળખતા હતા.
હાર્વર્ડમાં હેન્રી મૂરે નામના એક મનોવૈજ્ઞાનિકે, માઈન્ડ-કંટ્રોલના પ્રયોગ માટે, વિધાર્થીઓના એક સમૂહ પર ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હતો. એમાં એક ટેડ પણ હતો. આ મૂરે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા માટે કામ કરતો હતો. કહેવાય છે કે આ પ્રયોગ દરમિયાન થયેલા અનુભવોમાંથી ટેડમાં અપરાધિક વૃત્તિ પેદા થઇ ગઈ હતી.
હાર્વર્ડમાંથી નીકળીને તેણે મિશિગન યુનિવર્સિટીમાંથી ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાંથી જ તેણે પી.એચડી. પણ કરી હતી. તેને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસરની નોકરી મળી હતી. 1969માં, તેણે રાજીનામું આપી દીધું હતું. થોડા વખત માટે તે શિકાગો નજીક લોબાર્ડ ગામમાં તેનાં પેરન્ટ્સ સાથે રહ્યો અને પછી પશ્ચિમ અમેરિકાના પર્વતીય રાજ્ય મોન્ટાના લિંકન નામના એક ગામની બહાર, વીજળી કે પાણી વગરના કેબિન જેવા ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. તેમાં એક બેડ હતો, બે ખુરશીઓ હતી, સ્ટોરેજની પેટીઓ હતી અને ઘણાં બધાં પુસ્તકો હતાં. તેનો કોઈ પરિવાર નહોતો. તે સાદામાં સાદું જીવન જીવીને આત્મનિર્ભર રહેવા માંગતો હતો. તે જૂની સાઈકલ પર ગામની લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચતો હતો અને છૂટક કામો કરતો હતો.
જબરદસ્તીની નિવૃત્તિના તેના આ જીવનમાંથી તેની આતંકી ગતિવિધિનો પ્રારંભ થયો હતો. કેવી રીતે? થિયોડોર કઝિન્સકી ટેકનોલોજી અને ઔધોગિકરણ(અને તેમાંથી કેળવાયેલી આધુનિક જીવનશૈલી)નો વિરોધી હતો. એ વિરોધ તેની કેબિન પાસેથી જ શરૂ થયો હતો. તેની આસપાસ જંગલ હતું. એ સુંદર નૈસર્ગિક જગ્યા હતી. ત્યાં પ્રાકૃતિક ઝરણાં અને પાણીના ધોધ હતા. લોકો ત્યાં હરવા-ફરવા આવતા હતા. જાણે એ તેનું સ્વર્ગ હતું. એ ત્યાં રહીને જંગલમાં કેવી રીતે જીવી શકાય તે શીખી રહ્યો હતો.
1975માં, સ્વર્ગમાં ભંગાણ પડ્યું. એ ઉનાળામાં તેણે જોયું કે ત્યાં માણસોની સંખ્યા અચાનક વધી ગઈ છે. એ દૂર સુધી તપાસ કરવા ગયો તો ખબર પડી કે પહાડી મેદાનમાં બરાબર વચ્ચે રોડ બનાવી દેવામાં આવ્યો છે. તેને અકળામણ થઇ. તેને થયું કે તેની શાંતિનો ભંગ કરવામાં આવ્યો છે. તેણે નક્કી કર્યું કે સત્તાવાળાઓને પાઠ ભણાવવો પડશે.
તેણે તેની કેબિન આસપાસની જગ્યામાં આગ લગાવીને અને જમીનમાં વિસ્ફોટક દાટીને લોકોને ભગાડ્યા હતા. સ્વાભાવિક છે કે સ્થાનિક સત્તાવાળાઓ જવાબ પણ વાળ્યો હશે. તેમાં ટેડને ઔર ચાનક ચઢી અને 1978માં તેણે યુનિવર્સિટી ઓફ ઈલીનોઈસ-શિકાગોના કેમ્પસમાં બ્રાઉન રંગની પેપર-બેગ પાર્સલમાં મોકલી હતી. તેની પર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરનું રિટર્ન એડ્રેસ હતું. પાર્સલ ત્યાં પહોંચ્યું અને ફાટ્યું. એમાં ક્રૂડ બોમ્બ હતો.
તે પછી ટેડ, મોટાભાગે યુનિવર્સિટીઓ અને એરલાઇન્સની ઓફિસોમાં, લગભગ 20 જેટલા લેટર-બોમ્બ મોકલવાનો હતો. 1995માં તે પકડાયો, તે જ વર્ષે તેણે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ નામનાં માતબર અખબારોને 35,000 શબ્દોનો એક લેખ (એને પુસ્તક જ કહેવું જોઈએ) મોકલ્યો હતો. તેનું શીર્ષક હતું; ઔધોગિક સમાજ અને તેનું ભવિષ્ય. તેમાં તેણે આધુનિક જીવનના વિરોધમાં જે વિચારો લખ્યા હતા, તે ટૂંકમાં આ પ્રમાણે છે :
“ઔધોગિક ક્રાંતિ માનવજાત માટે દુર્ઘટના છે. તેણે સમાજને અસ્થિર કરી નાખ્યો છે અને પ્રકૃતિને તબાહ કરી છે. તેનાથી માણસોમાં શારીરિક અને માનસિક પીડા વધી છે. ભવિષ્યમાં આ પીડા વધવાની છે. ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ કાં તો તૂટી પડશે અથવા ટકી જશે. ટકી જશે તો માણસો મશીન બનીને રહી જશે અને જો તૂટી પડશે તો તેનાં પણ ગંભીર પરિણામ આવશે. સિસ્ટમ જેટલી મોટી બનશે, એટલાં પરિણામ ગંભીર હશે. એટલા માટે, સિસ્ટમ મોટી થાય તે પહેલાં જ તૂટી પડવી જોઈએ. તેથી, અમે ઔધોગિક સિસ્ટમ સામે ક્રાંતિ કરવાનું આહ્વાન કરીએ છીએ. એ ક્રાંતિ કદાચ હિંસક હશે અથવા કદાચ હિંસક નહીં હોય. તે અચનાક આવશે અથવા ક્રમશ: આવશે. અમે તેનું કોઈ ભવિષ્ય ભાખી શકતા નથી.”
થિયોડોર કઝિન્સકી આધુનિક શહેરી જીવન જીવીને પરેશાન થઇ ગયો હતો અને શાંતિ મેળવવા માટે જંગલમાં રહેવા જતો રહ્યો હતો. જો કે, આધુનિકતાએ ત્યાં પણ તેનો પીછો છોડ્યો નહોતો. તેનાથી ઔર અશાંત અને અસ્વસ્થ થઈને તેણે આધુનિકતાનાં પ્રતિક સમી યુનિવર્સિટીઓ અને એર લાઈન્સને નિશાન બનાવીને દુનિયાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. તેનો રસ્તો અયોગ્ય હતો અને તેની સજા પણ મળી હતી, પરંતુ તેનો જે તર્ક હતો તે ખોટો નહોતો.
આજે થિયોડોર જેવી જ ચિંતા કરનારા ઘણા વધી ગયા છે કારણ કે તેણે અનુમાન કર્યું હતું તેમ ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ ટકી ગઈ છે એટલું જ નહીં, ઔર મજબૂત થઇ છે. માનવજાતિનો ઇતિહાસ અને ભવિષ્ય લખનારા ઇઝરાયેલી લેખક યુવલ નોઆ હરારી એટલે જ કહે છે, “માણસ સામે પરમાણું યુદ્ધ, પર્યાવરણની તબાહી અને ટેકોનોલોજીનાં ત્રણ સૌથી મોટાં સંકટ છે. બધા દેશો ભેગા મળીને પહેલાં બે સંકટનો તો સામનો કરી રહ્યા છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયો-એન્જીનિયરિંગ આપણી જોબ-માર્કેટ અને મન-મગજને હલાવી દેશે. ટેકનોલોજી માણસના તન-મનને હેક કરી રહી છે. કોમ્પ્યુટર અને એલ્ગોરિધમ્સને આપણા વિશે જેટલી ખબર છે તેટલી આપણને પણ નથી. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો વિકસાવી રહ્યા છીએ, પણ માણસની કોન્સિયસનેસ(ચેતના)ને વિકસાવી શકતા નથી, અને એનાં પરિણામ ગંભીર હશે.”
થિયોડોર કઝિન્સકીએ ક્રૂર રીતે માણસોની એ ચેતનાને જગાડવા પ્રયાસ કર્યો હતો.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ,, “સંદેશ”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર