ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે, વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા ન બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે
ડિજીટલ પત્રકારત્વની ભાષામાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં એક જ કી-વર્ડ સતત ચર્ચામાં રહ્યો છે, ટ્રેન્ડમાં રહ્યો છે અને તે છે ‘મહારાષ્ટ્ર પૉલિટીકલ ક્રાઇસિસ’. પવારના પાવર પૉલિટીક્સને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે પણ થઇ રહ્યું છે તે જોઇને એમ લાગે કે જાણે બિગ-બૉસનો શો ચાલી રહ્યો હોય. વિપક્ષો સાથે કામ પાર પાડવાની, તેમને તોડવાની, પોતાની તરફ કરી દેવાની ભા.જ.પા.ની નીતિ પૂર્વ-યોજિત ગેમ પ્લાન છે. વળી ભા.જ.પા.એ જ્યાં જ્યાં આ વ્યૂહરચના અમલમાં મૂકી છે ત્યાં ત્યાં હંમેશાંથી વિપક્ષમાં કોઇ એક એવો ચહેરો રહ્યો છે જેનો પ્રભાવ બહુ મજબૂત હોય એટલે ભા.જ.પા.ને ટેકો મળે કે તે ટેકો આપે છતાં ય પ્રમુખ ચહેરામાં જે તે પક્ષના મૂળમાં જે નેતા હોય એ જ રહે પછી ભલે તે સાંકેતિક હોય. 2024 લોકસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે એટલે ષડયંત્રો, રાજનીતિની ચોપાટ અને કહેવાતા વિશ્વાસઘાતની મોસમ પૂરજોશમાં બેઠી છે અને એમાં ય મહારાષ્ટ્રમાં તો આ મોસમ મુંબઈના વરસાદની માફક જમાવટ કરીને બેઠી છે.
ભા.જ.પા. માટે એક તીર બે નિશાન તો શરદ પવારને મળ્યું કર્મનું ફળ
ભા.જ.પા.એ શિવસેના અને એન.સી.પી. બન્નેના પાયા પોકળ તો કરી જ નાખ્યા પણ હવે જોવાનું એ છે કે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે સત્તા માટે જે ધમાસાણ યુદ્ધ થવાનું છે, એ સંતુલન ભા.જ.પા. કેવી રીતે જાળવશે. લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠકો જોઇતી હશે તો આ ત્રણેયને ખુશ રાખવા પણ જરૂરી છે. હવે શરદ પવારની હાલતની વાત કરીએ તો માળું આ તો હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ થયો છે. વસંત પાટિલનાં પત્ની શાલિની પાટિલે એવી ટિપ્પણી કરી હતી કે આ તો સમયનું ચક્કર ફર્યું છે અને 41 વર્ષ પહેલાં શરદ પવારે જે કર્યું હતું તેવું જ આજે અજિત પવારે તેમની સાથે કર્યું. શરદ પવારે જે તે સમયે વસંતરાવ પાટિલ સાથે સીધી વાત કરવાને બદલે ધારાસભ્યો તોડ્યા હતા. આજે એમના પોતાના ભત્રીજાએ પણ એ જ રસ્તો અપનાવ્યો. ભા.જ.પા.એ તો શરદ પવાર માટે એવી સ્થિતિ કરી જેમાં તેમનો પક્ષ તો તૂટ્યો જ પણ સાથે પરિવારમાં પણ નકરી કડવાશ ફેલાઈ ગઇ. 1978માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાઁગ્રેસના બે જૂથ અલગ ચૂંટણી લડ્યા અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર ન બને એટલે બન્નેએ સાથે મળીને સરકાર બનાવી, પણ શરદ પવારે તો પોતાની જ પાર્ટી છોડી અને ધારાસભ્યો તોડી જનતા પાર્ટીને સરકાર બનાવવા સમર્થન આપ્યું. આ રીતે માત્ર 38 વર્ષની ઉંમરે શરદ પવાર મહારાષ્ટ્રના સૌથી યુવાન મુખ્ય મંત્રી બન્યા. પણ હવે તો ઉંમર પણ શરદ પવારની પડખે નથી જે તેમણે યાદ રાખવું જરૂરી છે.
2020માં મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના 25 વધુ ધારાસભ્યો ભા.જ.પા.માં જોડાઈ ગયા હતા. આ આખો ખેલ બે અઠવાડિયાથી ઓછા સમયમાં ખેલાયો. પક્ષ છોડવાની આ શરૂઆત સિંધિયાને પગલે થઇ હતી અને 6 મંત્રીઓ પણ આ દળ-બદલમાં સામેલ હતા. આવું કરે ત્યારે ભા.જ.પા.ની ‘આકર્ષક ઑફર્સ’ હોય એ લટકામાં કારણ કે જે પણ ધારાસભ્ય કાઁગ્રેસ છોડીને ભા.જ.પા.માં આવી જાય એને કોઈ મહત્ત્વનું પદ પણ આપી દેવાય, કોઇને અધ્યક્ષ બનાવાય તો કોઇને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે એ રીતે કોઇ પદ આપવામાં આવે. ધન અને પદના પ્રલોભનોથી રાજકારણીઓ તોડવા એ ભા.જ.પા.નો જૂનો ગેમ પ્લાન રહ્યો છે. ક્યાંક ભા.જ.પા.ને સફળતા મળી તો ક્યાંક ન મળી.
મહારાષ્ટ્રમાં સત્તા હાથમાં લેવી એ ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યું છે. 2024ની ચૂંટણીની તૈયારી રૂપે મહારાષ્ટ્રમાં ભા.જ.પા.એ પોતાની વ્યૂહરચના એકથી વધારે વખત વાપરી છે. મહારાષ્ટ્રમાં ઘુસવું ભા.જ.પા. માટે ક્યારે ય સરળ નહોતું, આખરે એ ત્યારે શક્ય બન્યું જ્યારે જે તે સમયે મહારાષ્ટ્ર પર જેની પકડ હતી તેવી શિવસેના સાથે ભા.જ.પા.એ હાથ મેળવ્યા. 2014થી 2019 સુધી ભા.જ.પા. અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર ચલાવી પણ 2019માં શિવસેનાને ભા.જ.પા. પાસેથી મુખ્ય મંત્રી પદ જોઇતું હતું, પણ ભા.જ.પા.એ એ વાત કંઇ ગણકારી નહીં. આખરે ભા.જ.પા.ના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તરીકે અને એન.સી.પી.ના અજિત પવારને નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવાયા. અજિત પવારે મસ્ત સોગઠી રમીને એન.સી.પી.માં વિભાજન કરી પોતાની સાથે ઘણા ધારાસભ્યો છે એવો દાવો કર્યો હતો પણ એ બધા ખાલી ફીફાં ખાંડેલા. શરદ પવારે બધા ધારાસભ્યોનો ક્લાસ લીધો, આ તરફ ફડણવીસની સરકાર ભાંગી પડી અને અજિત પાવર ચૂપચાપ શરદ પવાર પાસે પાછા ગયા. આ તરફ પાંચ દિવસમાં ફડણવીસ સરકારનો ખેલ ખલાસ થયો. મહારાષ્ટ્રમાં કાઁગ્રેસ અને શિવસેનાને શરદ પવારને કારણે એક કરી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું ગઠબંધન રચ્યું. આ ગઠબંધનને પગલે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા તો એન.સી.પી. તરફથી અજિત પવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા અને કાઁગ્રેસને વિધાનસભા અધ્યક્ષ પદ પણ મળ્યું. અઢી વર્ષ થયા અને શિવસેનામાં બળવાખોર રાજનેતાઓએ માથાં ઉંચક્યાં. એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યોએ સરકારને પોતાનું સમર્થન પાછું ખેંચવા કહ્યું, ઠાકરેએ બહુમત સાબિત કર્યા વિના રાજીનામું આપ્યું અને એકનાથ શિંદેને ભા.જ.પે. મુખ્ય મંત્રી બનાવ્યા. આ રાજકીય સિઝનમાં શિવસેનાના બળવા પછી એન.સી.પી.માં ભાગલા પડ્યા, અને અજિત પવારે ગયા અઠવાડિયે જાહેરાત કરી કે પોતે એન.ડી.એ. સરકારમાં જોડાશે અને સાથે 40 ધારાસભ્યને લેતા જશે. અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળ પણ શરદ પવારને આવજો કહી દેશે.
આ આખા ખેલમાં એક જગ જાહેર છતાં ય સીધી રીતે ન દેખાય એવી વાસ્તવિકતા એ છે કે 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની જરૂર છે નહીં કે તેનાથી ઊલટું. ભા.જ.પા. માટે બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સ્થિતિ સંવેદનશીલ છે. 2019થી જ એ હવા સ્પષ્ટ હતી કે આ રાજ્યોમાં ભા.જ.પા.ને સર્વોપરી થવું હશે તો એ સરળ નથી. દક્ષિણના રાજ્યોમાં ભા.જ.પા. પોતાનો આંકડો આસાનીથી નહીં જ વધારી શકે, નોર્થ ઇસ્ટમાં પણ તે હવે વધારે બેઠકો જીતી શકે તેમ નથી. શિવસેના સાથેના ભા.જ.પા.એ 2019માં 23 બેઠક જ મેળવી. હવે આ વર્ષની શરૂઆતમાં જે રાષ્ટ્ર સ્તરે પોલ થયા એમાં એવું વર્તાયું કે લોકસભામાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી 34 બેઠક મેળવી શકે એમ છે અને ભા.જ.પા.ની ઊંઘ ઉડી ગઈ કારણ કે પછી શિવસેનાને સથવારે મહારાષ્ટ્રમાં આવેલ ભા.જ.પા.ને માંડ 14 બેઠક મળે. ભા.જ.પા. અને શિંદેવાળી શિવસેના જે 2019માં 52 ટકા વેટ શેર મેળવી શકી હતી તે ઘટીને હવે 36 જાય એવી વકી છે.
ભા.જ.પા. કોઇપણ રીતે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને તોડે એ જરૂરી છે. વળી પક્ષ તોડવામાં ભા.જ.પા.ને ફાવટ છે પહેલા શિવસેના સાથે તો એ થઈ જ ચુક્યું છે અને આ વખતે એન.સી.પી.નો વારો હતો. ભા.જ.પા.એ એક જ કાંકરે બે પક્ષી માર્યા એવું કહી શકાય કારણ કે એન.સી.પી.માં ફાંટા પડ્યા જેથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી નબળો પડ્યો અને એકનાથ શિંદેની શિવસેના પણ નબળી પડી. જે અજિત પવારને એક સમયે ભા.જ.પા.એ ભ્રષ્ટાચારી ગણાવેલા અને તેમનું રાજીનામું માગેલું એને હવે પોતાની સરકારમાં સત્તા પણ આપી છે. વળી બીજી વાસ્તવિકતા એ પણ છે કે ભા.જ.પા.એ જ્યાં પણ ગઠબંધનની સરકાર કરી છે, બીજા પક્ષોને તોડ્યા છે ત્યાંની પ્રાદેશિક પાર્ટીઓ સાથે તેમણે ઘડેલી સરકાર ટકી નથી. પંજાબમાં ભા.જ.પા.ને લોકોએ ભાવ ન આપ્યો અને આપ સત્તા પર આવી. તેલંગણા, આંધ્ર અને બિહારમાં પણ એ જ ઘાટ થયો છે. હવે અત્યારે બિહારમાં એવો અવાજ ઉઠ્યો છે કે ભા.જ.પા. મહારાષ્ટ્રવાળી કરવાનો પ્રયાસ કરે છે.
આ તોડ-ફોડની રાજનીતિ છે એ તો બધા જાણે છે પણ હકીકત એ છે કે ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે. વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા નહીં બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે. આવું મોટાભાગના રાજકીય પક્ષોમાં થયું છે, દક્ષિણ ભારતમાં જય લલિતાના પક્ષના લોકોએ તેમનો વિરોધ કર્યો અને છૂટા પડ્યા તો ય તેમની તસવીર, તેમને પ્રતીકાત્મક રીતે સાથે રાખવાના બધા કીમિયા તેમણે અનુસર્યા જ. કોઇને ગમે કે ન ગમે પણ સત્ય એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભા.જ.પા.નો પ્રભાવ એટલો તો નથી જ જેટલો તે ઇચ્છે છે કે હોય. કાઁગ્રેસ તૂટી એ પછી એન.સી.પી., શિવસેના, એ.એન.એસ., એમ.વી.એ. – એવું બધું ચાલતું રહ્યું છે અને ચાલતુ રહેશે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલને કોઇ પૂછે નહીં તો અચાનક જ લોકો પગ ધોઈ પાણી પીએ. અહીં વાંદરા અને બિલાડીની વાર્તા જેવું થાય છે, સંતુલન કરી આપવાનો દાવો કરનારો વાંદરો બે ય રોટલી ખાઈ જાય છે, મજાની વાત એ છે કે વાંદરા અને બિલાડીઓના ચહેરા-પક્ષ બદલાયા કરે છે, જેવું જેનું નસીબ. વળી વિરોધપક્ષને નબળો પાડવો એ ફાયદાકારક અને શાલિન રાજનીતિ છે, પક્ષને તોડી નાખનારી તરીકે ભા.જ.પા.ની છબી ખડી થાય એ નુકસાનકારક ગણાય.
બાય ધી વેઃ
ભા.જ.પા.એ એક સમયે અજિત પવારને દગાબાજ ઠેરવ્યા હતા પણ 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની ગરજ છે. ભા.જ.પા.ને એમ લાગે છે કે શિવસેનાથી અલગ થઇને જે વેઠ્યું છે તેની ભરપાઈ કરવામાં અજિત પવાર મદદ કરશે. ભા.જ.પા. ઉત્તર ભારતની બહારના રાજ્યોમાં લોકસભાની બેઠકો વધારવા માટે સામ-દામ-દંડ-ભેદ અપનાવી રહી છે. ઉદ્વવની શિવસેનાનો પ્રભાવ શિંદેની શિવસેનાના વોટ શૅર પર પડશે જ એ ભા.જ.પા.ને ખબર છે. વળી અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, નરેન્દ્ર રાઠોડ, વિજય દેશમુખ, શિવાજીરાવ ગર્જે જેવા નેતાઓ છે જેમનો પ્રભાવ પોતાની બેઠકો સિવાયના મત વિસ્તાર પર પણ છે જેનો ફાયદો ભા.જ.પા.ને લેવો છે. રાષ્ટ્રીય રાજકારણમાં પણ એન.સી.પી.માં થયેલી તોડફોડનો સીધો પ્રભાવ દેખાશે કારણ કે નિતીશ કુમારને એક ટેકો શરદ પવારનો પણ હતો પણ હવે શરદ પવારની સ્થિતિ જ ડામાડોળ લાગે તો આ વિરોધપક્ષોની મહાએકતા પર તેની સીધી અસર દેખાશે. વળી એન.સી.પી. તૂટે એટલે યુ.પી.એ. પર પણ તેના આંચકા લાગે જ. ઉદ્વવ ઠાકરેની શિવસેના યુ.પી.એ.માં જોડાઇ જાય એવી વકી છે પણ મજબૂતાઇની દૃષ્ટિએ શિંદે શિવસેના ભારે પડે એમ લાગે છે. ટૂંકમાં અજિત પવાર મહારાષ્ટ્રમાં સિક્કો જમાવવા ભા.જ.પા. માટે અનિવાર્ય અનિષ્ટ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2023