દરેક યુગમાં અને દરેક સમાજમાં સત્તાધારીઓને અનુકૂળ થઈને લાભ મેળવવા લાળ પાડનારાઓ અને પૂંછડી પટપટાવનારાઓ હોય જ છે, પરંતુ જો તેમની સંખ્યા વધી જાય અને લાજશરમ છોડીને ઘાંટા પાડવા માંડે ત્યારે સમજી લેવું કે સમાજ સાંસ્કૃતિક સંકટનો સામનો કરી રહ્યો છે. સ્વતંત્ર અવાજો અને સ્વાભાવિક રીતે જ એકલદોકલ અવાજો જ સમાજને એક ડગલું ઉપર લઈ જઈ શકે. ઇતિહાસ આમ કહે છે.
હમણાં ગુજરતી સાહિત્ય પરિષદનાં અમદાવાદ ખાતેના વડામથક ગો.મા.ત્રિ. (ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી) ભવનમાં સરસ્વતી પૂજા કરવામાં આવી અને એને કારણે વિવાદ જાગ્યો છે. સમર્થકો કહે છે કે સરસ્વતી પૂજા કરવામાં આવે એમાં ખોટું શું છે? વાત તો બિલકુલ સાચી છે, સરસ્વતી પૂજા કરવામાં આવે એમાં ખોટું શું છે? માં સરસ્વતી વિદ્યાની દેવી છે અને એ રીતે આરાધ્ય છે. મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના થઇ ત્યારથી તેનાં ગ્રંથાલયમાં દર વર્ષે અશ્વિની નવરાત્રમાં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ગ્રંથાલયમાં ઉલબ્ધત હજારો પુસ્તકોમાં જ્ઞાન, વિચાર, દૃષ્ટિકોણ તેનાં સમગ્ર વૈવિધ્ય અને પરસ્પર પ્રતિરોધ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. એમાં ચાર્વાક પણ છે અને નારદનું ભક્તિસૂત્ર પણ છે. એમાં બાયાબલ પણ છે અને નિત્શે પણ છે. એમાં અખો પણ છે અને મીરાં પણ છે. એમાં કબીર પણ છે અને તુલસી પણ છે. ગ્રંથાલય વિવિધ અવાજોનો બગીચો હોય છે. માત્ર ભારતીય વિદ્યા ભવન નહીં, ભારતમાં અનેક ગ્રંથાલયોમાં સરસ્વતી પૂજા કરવામાં આવે છે. ગ્રંથાલયો વિચારોનાં સરવાળાની જગ્યા છે, બાદબાકી ત્યાં કરવામાં આવતી નથી.
આમ સરસ્વતીની પૂજા કરવામાં આવે એમાં કાંઈ જ ખોટું નથી; સવાલ માત્ર એટલો જ છે કે તેની પાછળ દૃષ્ટિકોણ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, સમર્પણ હોવું જોઈએ, પ્રતિબદ્ધતા હોવી જોઈએ, સાતત્ય હોવું જોઈએ અને માનવમુખે બોલતા માં સરસ્વતીના પ્રત્યેક અવાજ માટે સહિષ્ણુતા હોવી જોઈએ.
સવાલ એ છે કે ગો.મા.ત્રિ. ભવનમાં જે સરસ્વતી પૂજા કરવામાં આવી એ શા માટે કરવામાં આવી હતી? કારણ બહુ દેખીતું છે. શાસકોના દરબારમાં હાજરી પૂરાવવા. ભૂલતા નહીં હો સાહેબ અમે તમારી ભાષા બોલીએ છીએ. અમે તમને ગમે એવી પ્રવૃત્તિ કરીએ છીએ. અમે તમારા એજન્ડામાં તમારી સાથે છીએ. અમે તમારા વિરોધીઓને સંસ્કૃતિની આડશે મૂંઝવી રહ્યા છીએ. અમે એવું કશું જ નથી બોલતા, કરતા કે હાજરી પૂરાવતા જે આપને ન ગમે. ભૂલતા નહીં હોં, ભગવાન! તેમને શાસકોની કૃપા જોઈએ છે, સરસ્વતી તો એક બહાનું છે. નજરે પડવા માટેનો અને નજરમાં રહેવાનો આખો પ્રપંચ છે. બાકી જો સરસ્વતી માટે પ્રેમ હોત તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? કોણે રોક્યા હતા?
કમાલની વાત તો એ છે કે જેમણે સરસ્વતી પૂજા કરી એ લોકોને સરસ્વતી વરી નથી. અંગ્રેજીમાં જેને મિડિયોકર કહેવાય એવા એ લેખકો છે. જેમને સરસ્વતી વરી છે એ લોકો સરસ્વતી પૂજાનો દેખાડો કરતા નથી. નરસિંહ નર્મદથી લઇને નીરવ પટેલ સુધીના સર્જકો ફોટોગ્રાફરો(જૂના જમાનામાં ચિતારાઓ)ને લઇને સરસ્વતી પૂજા નહોતા કરતા. જો સરસ્વતી પૂજા કરવાથી સર્જક બની શકાતું હોય તો ઘરે ઘરે રવીન્દ્રનાથ જનમવા જોઈએ. બીજું સરસ્વતી મન ભરીને એને વરે છે જે લાઈન તોડીને બોલવાની તાકાત ધરાવે છે. સ્વતંત્ર અવાજો સરસ્વતીને બહુ જ ગમે છે એટલે સરસ્વતી મન ભરીને તેમને વરે છે. કોઈની તમા રાખ્યા વિના શાસકોને, સ્થાપિત હિતોને, પ્રસ્થાપિત વ્યવસ્થાને, રૂઢ થયેલા વિચારોને કે માન્યતાઓને, ખુદ સરસ્વતીને જે પડકારે અને બેખુદીથી પોતાને અભિવ્યક્ત કરે એને સરસ્વતી વરે છે. કામુ, કાફકા, દોસ્તોયેવસ્કી વગેરે આનાં પ્રમાણ છે. જે કૃપા માગે છે એને સરસ્વતી મળતી નથી અને જે સરસ્વતી કૃપા માગતા પણ નથી તેને સરસ્વતી બે હાથે આપે છે. બાકી ચીલે ચાલનારા, સાવધાન રહેનારા, પવન જોઈને પાંખ બદલનારા, ગમતું બોલનારા, યાચકવૃત્તિ ધરાવનારા લેખકો સાથે સરસ્વતી ઉલ્હાસનો અનુભવ કરે ખરી? વળી લાભની આંગળી પકડનારાઓ સરસ્વતીની આંગળી ઝાલી પણ ન શકે અને ઝાલે તો ખમી ન શકે.
બર્ટ્રાંડ રસ્સેલે પાશ્ચાત્ય ફિલસૂફીનો ઇતિહાસ લખતાં કહ્યું છે કે જિંદગીની ઊથલપાથલને ઊથલપાથલ કરનારા વિચારો સાથે સંબંધ છે. તેમણે ઇમેન્યુલ કેન્ટ અને લૂડવિગ વિટગેનસ્ટાઇનનો દાખલો આપ્યો છે. જિંદગીમાં ઊથલપાથલ ધરાવનારા વિટગન્સ્ટાઈને ગણતરીનાં દાર્શનિક કથનો દ્વારા વીસમી સદીમાં પાશ્ચાત્ય ફિલસૂફીમાં ઊથલપાથલ મચાવી દીધી હતી. સામે કેન્ટનું જીવન ઘટનારહિત હતું અને કંઇક અંશે વિચારો પણ. ટૂંકમાં વિચારવ્યાપાર અને સાચી સર્જકતા સામે તીરે તરાનારાઓને જ મળે છે. લાભલક્ષી સલામત જિંદગી જીવનારાઓનું કામ નથી, પછી ભલે સરસ્વતીનું માદળિયું ગળામાં બાંધીને ફરે.
મોરારિબાપુએ સરસ્વતી પૂજાનો બચાવ કર્યો છે. મોરારિબાપુની અવસ્થા જોઇને દયા આવે છે. એક જમાનામાં દરબારી લેખકો મોરારિબાપુના દરબારમાં હાજરી પૂરાવતા હતા. આજે સ્થિતિ એવી બની છે કે બાપુએ દરબાર સમેટી લીધો છે અને ખૂદ દરબારમાં દરબારસાહેબને ગમે એવાં કથનો બોલીને અને ન ગમે એવાં કથનો નહીં બોલીને દરબારી તરીકે હાજરી પૂરાવે છે. દાયકા પહેલાંની અખંડ માણસાઇને બાથમાં લેવાની જહેમત તેમણે છોડી દીધી છે. તેમણે બાથને અદબમાં ફેરવી નાખી છે. કવિ પ્રીતમના કથનમાં પ્રાસંગિક પરિવર્તન કરીને કહી શકાય કે માણસાઇનો મારગ છે શૂરાનો ….
ગુજરાતને આજે નવા સ્વરૂપમાં અને અનેકવિધ માધ્યમોમાં ભાયાતોનો અનુભવ થઈ રહ્યો છે. તેઓ રંઝાડવાથી લઇને રંજન કરવા સુધીની રેન્જ ધરાવે છે.
જય જય ગરવી ગુજરાત!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ડિસેમ્બર 2023