નહેરુએ ખડા કરેલાં માળખાં પર તેમના પછી આવેલા સત્તાધીશોએ પોતાના કૉલર ઊંચા રાખ્યા છે. ભા.જ.પા.ને અને આર.એસ.એસ.ને આખેઆખી કાઁગ્રેસ પર વાંધો નથી, પણ ખાસ કરીને નહેરુ અને ગાંધી પરિવારને નિશાના પર રાખીને પોતાની મર્યાદાઓનો ઢાંક પિછોડો કરવાનું તેમને માફક આવે છે

ચિરંતના ભટ્ટ
આજકાલ એવો ઘાટ છે કે, જમ્મૂ-કાશ્મીરને મુદ્દે કોઇની પણ સાથે વાત છેડો તો એને ત્યાંની સમસ્યા અંગે પૂરેપૂરી ખબર હોય કે ન હોય, એ બીજું કંઇ બોલે કે ન બોલે, પણ એમ તરત કહેશે કે આ આખો પ્રશ્ન ભારતના પહેલા વડા પ્રધાન નહેરુને કારણે જ થયો છે. ભા.જ.પા. અને આર.એસ.એસ. દ્વારા લોકોને જે ‘નેરેટિવ’ સતત અપાતું રહ્યું છે, તેનું રટણ કરવામાં કોઈને તર્ક કે ઇતિહાસના અભ્યાસની અનિવાર્યતા લાગતી નથી. હજી ગયા અઠવાડિયે પણ સંસદમાં સત્ર દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીર મુદ્દે વાત કરતાં એમ કહ્યું કે જવાહરલાલ નેહરુએ ઉતાવળ ન કરી હોત અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા યુનાઇટેડ નેશન્સની મદદ લેવા ન ગયા હોત તો તે સ્થાનિક સ્તરે ઉકેલાઇ જ જાત. નહેરુએ શા માટે કલમ 370નો આધાર લીધો હશે, જેને કારણે કાશ્મીર આખે આખું ભારતમાં ન ભળ્યું અને અમુક હિસ્સો આપણે જતો કરવો પડ્યો.
કાશ્મીરના પ્રશ્ન અંગે ઇતિહાસની બારીકાઈ જાણ્યા વગર કંઇ પણ બોલે રાખવામાં દમ નથી. વળી કાઁગ્રેસ સત્તામાં હોય કે ન હોય – કાઁગ્રેસ વિરોધી લાગણીઓને વ્યક્ત કરવી એક તીવ્ર રાજકીય એજન્ડા રહ્યો છે. આપણે અહીં બે વાતો પર ધ્યાન આપવાનું રહ્યું. એક તો એ કે ભા.જ.પા. જ્યારે પણ કાઁગ્રેસ વિરોધી ગાણાં ગાય છે ત્યારે તેના ઝપાટામાં નહેરુ-ગાંધી પરિવાર જ હોય છે. એ સિવાય કાઁગ્રેસના નેતાઓ કે નીતિઓ પ્રત્યે ભા.જ.પા. તરફથી કોઇ ખાસ ઝેર ઓકવામાં નથી આવતું. અને બીજી વાત એ કે ભા.જ.પા.ના ‘નેરેટિવ’ને કારણે સતત વખોડાતા નહેરુએ આઝાદી મળી ત્યારે ગરીબી, કોમી હિંસા અને માળખાંકીય ફેરફારોમાંથી પસાર થઇ રહેલા દેશ – ભારતના ઘડતર માટે કેવું અને કેટલું કામ કર્યું હતું.
કાઁગ્રેસ એટલે નહેરુ-ગાંધી એવું તો છે નહીં. વળી કાઁગ્રેસના સરદાર પટેલ જેવા નેતાની વાહવાહી કરવામાં ભા.જ.પા.એ તોતિંગ પૂતળા ખડા કરી દીધા, પછી ભલેને ઇતિહાસ અનુસાર સરદાર પટેલે ગાંધીજીની હત્યા પછી આર.એસ.એસ. પર અમુક સમય સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. લાલ બહાદુર શાસ્ત્રી સામે ભા.જ.પા.ને વાંધો નથી. થોડાં વર્ષો પહેલાની વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયાથી માંડીને રાધાકૃષ્ણ વિખે પાટીલ સુધીના કાઁગ્રેસીઓ અને નેતાઓને રાષ્ટ્રીય સ્તરે ભા.જ.પે. સ્વીકાર્યા છે. ગાંધી પરિવારનાં પુત્રવધૂ મેનકા ગાંધી અને વરુણ ગાંધી પણ ભા.જ.પ. સાથે છે, પણ છતાં ય નેહરુ અને કાઁગ્રેસના નેહરુવીયન વારસા તરફનો ભા.જ.પ.નો ધિક્કાર જગજાહેર છે. ટૂંકમાં ભા.જ.પા.ને કાઁગ્રેસીઓ સામે નહીં, પણ નહેરુને બૂરું ભલું ન કહેનારા, નહેરુ સાથેના જોડાણ પર ગર્વ કરનારા તમામ સામે સખત વાંધો છે. કાઁગ્રેસ મુક્ત ભારત વાળા તેમના એજન્ડાનો ખરો અર્થ છે નહેરુના વારસા વિનાનું ભારત.
તમને ગમે કે ન ગમે પણ એક હકીકત એ છે કે ભારતને સ્વતંત્રતા મળી એ પછીનાં વર્ષોમાં નહેરુએ ભારતના ઘડતર માટે બહુ મોટો ફાળો આપ્યો. ઇસરો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, BHEL, ONGC, સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, IOCL, સાહિત્ય અકાદમી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જેવા વૈશ્વિક સ્તરે જેનું નામ રહ્યું છે અને આજે પણ છે – એવા અનેક એકમોની સ્થાપના નહેરુએ કરી. નહેરુને ભારતના પ્રાચીન વારસા અંગે સમજ હતી તો આધુનિકતાની રેસમાં જોડાવા અને ટકી રહેવા માટે ભારતને ઉદ્યોગો અને શિક્ષણ – આ બન્ને ક્ષેત્રે કાઠું કાઢવું અનિવાર્ય હતું, તે પણ નહેરુ ખૂબ સારી પેઠે સમજતા. વડા પ્રધાન તરીકે નહેરુ પાસે સજ્જ દેશ નહોતો, એવો દેશ હતો જેણે અંગ્રેજોના દમન, દુકાળ, હિંસા વેઠ્યાં હતા, તેમાંથી બેઠા થવાનું હતું અને પોતાની ઓળખ ઘડવાની હતી. નહેરુ પાસે મજબૂત અર્થતંત્ર ધરાવતો દેશ નહોતો આવ્યો પણ તેમણે એ રસ્તો કાઢવાનો હતો જેના થકી ભારત આર્થિક રીતે સદ્ધર રાષ્ટ્ર તરીકે ઓળખાઇ શકે. નહેરુ પાસે વિઝન હતું, દૃષ્ટિકોણ હતો અને તે દેખાડાના રાષ્ટ્રવાદમાં નહોતા માનતા. ચીન સામેની હારને પણ વારંવાર નહેરુને ગળે પહેરાવાય છે પણ હકીકત એ પણ છે કે તમે યુદ્ધ લડો તો જ હારો. નહીં લડેલા યુદ્ધો કોઇ હારતું નથી.
ભારતમાં વિકસાવેલા ઉદ્યોગોને નહેરુ આધુનિક મંદિરો માનતા. નહેરુએ પંચવર્ષિય યોજનાઓ શરૂ કરી, આજે પણ દેશ તેનો લાભ લે છે. નહેરુ સાચા અર્થમાં લોકશાહીમાં માનતા, વિક્ષપનું માન રાખવું એ તેમની પ્રકૃતિ હતી. પોતાની લીટી લાંબી કરવી, બીજાની લીટી ભૂંસવામાં શક્તિ ન વેડફવી એ નહેરુની કામ કરવાની રીત હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. અલગાવવાદીઓને મુંગા કરાવતા પણ નહેરુને સારી પેઠે આવડતું – દ્રવિડનાડુ માટે ઉઠેલા અવાજોને અખંડ ભારત ચાહતા નહેરુએ કુનેહથી શાંત પાડી દીધા હતા. વિદેશી રાષ્ટ્રો ભારતની અખંડિતતામાં ચંચૂપાત ન કરે એની પણ તેમણે પૂરી કાળજી લીધી. નહેરુએ વૈશ્વિક સ્તરે ભારતને એવા સમયે ઓળખાણ આપી જ્યારે સદીઓની ગુલામી પછી ભારતને માંડ કળ વળી રહી હતી. આંતરિક અરાજકતાને કાબૂમાં રાખવી અને સાથે વૈશ્વિક સ્તરે ઓળખ જળવાય તેનું સંતુલન રાખવું આસાન નહોતું પણ નહેરુએ તે પણ કરી બતાવ્યું. વળી બીજા વિશ્વ યુદ્ધની નુકસાની વેઠી રહેવા પશ્ચિમી દેશો સાથે સંબંધો જળાવાય એ રીતે નહેરુએ આપણી વિદેશ નીતિ પર કામ કર્યું. તેમને પગલે ભારત એવો પહેલો દેશ બન્યો જેણે નોન અલાઇનમેન્ટની નીતિ અપનાવી. 1947માં દિલ્હીમાં થયેલી એશિયન રિલેશન કોન્ફરન્સમાં 29 દેશોએ ભાગ લીધો હતો જ્યાં ભારતની વિદેશ નીતિ જાહેર કરાઇ હતી. આજે પણ નહેરુનીએ નીતિને પગલે ભારતને લાભ થાય છે અને અન્ય દેશો સાથે સંતુલન જાળવવામાં નહેરુએ ઘડેલી નીતિ જ કામ લાગે છે.
લોકોને કદાચ મૂળ વાંધો એ છે કે નહેરુએ ભારત માટે જે પણ કર્યું તેમાં તેમનો સ્વાર્થ નહોતો, તે રાજકારણી તરીકે ઉદ્યોગો કે શિક્ષણ સંસ્થાનો નહોતા સ્થાપી રહ્યા પણ ભારતના ઘડવૈયા તરીકે તેના ભાવિ માટેની વ્યવસ્થા ખડી કરી રહ્યા હતા.
નહેરુએ ખડા કરેલાં માળખાં પર તેમના પછી આવેલા સત્તાધીશોએ પોતાના કૉલર ઊંચા રાખ્યા છે. ભા.જ.પા.ને અને આર.એસ.એસ.ને આખેઆખી કાઁગ્રેસ પર વાંધો નથી પણ ખાસ કરીને નહેરુ અને ગાંધી પરિવારને નિશાના પર રાખીને પોતાની મર્યાદાઓનો ઢાંક પિછોડો કરવાનું તેમને માફક આવે છે. વળી ભા.જ.પા.ના નેતાઓએ નહેરુને વખોડવા વાળી વાત આર.એસ.એસ.ને જોઇને અનુસરી છે. નહેરુને ધાર્મિક ઓળખાણનો રાજકીય ઉપયોગ કઠતો અને તેમણે હિંદુ, મુસલમાન અને શિખ કટ્ટરવાદ સામે ભારતીય રાષ્ટ્રીયવાદનું હથિયાર ઉગામ્યું હતું, માત્ર બિનસાંપ્રદાયિકતાની વાત નહોતી કરી. તે ખરા અર્થમાં દેશલક્ષી દૃષ્ટિ ધરાવતા હતા.
રહી ભા.જ.પા.ની વાત, કમનસીબે ભા.જ.પા. કોઇ કોઇ આગવા આદર્શો કે રાજકારણ પર ઘડાયેલી પાર્ટી નથી, તે એક એવી પાર્ટી અને એવી સરકાર છે જે કાઁગ્રેસ વિરોધવાદના વિચાર અને વ્યૂહરચના પર ખડી થયેલી છે. નહેરુના વારસાની નક્કરતાથી ભા.જ.પા. કે આર.એસ.એસ. અજાણ્યાં નથી અને આ સમજ જ તેમના રોષનું મૂળ છે. કાઁગ્રેસીઓનો નવો, વિખેરાયેલો કે દિશાહિન ફાલ નહેરુને તેમના યોગદાન માટે પૂરેપૂરો શ્રેય આપે કે ન આપે એ જુદો જ મુદ્દો છે પણ હકીકત એ છે કે ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસનાં નૈતિક શક્તિ અને રાજકીય આત્મા તેમને નહેરુ તરફથી મળ્યા છે, જેમણે ભારતીય નીતિ અને ભારતના વિચારને આકાર આપ્યો છે.
બાય ધી વેઃ
શું આનો અર્થ એમ કે, નહેરુ ક્ષતિ રહિત હતા? ના બિલકુલ નહીં. પરંતુ તેમની ભૂલો, ખોટા નિર્ણયો, તેમની નીતિઓ – આ બધું જ ભારતના પ્રારબ્ધને બહેતર બનાવવાની દિશામાં જ રહેતું. એક ઘવાયેલા બાળક જેવો દેશ હાથમાં હોય અને તેના ઘા રુઝાય તે સાથે તે મજબૂત રાષ્ટ્ર પણ સાબિત થાય એ રીતે નહેરુએ કામ કર્યું. આજના રાજકારણીઓને જેમ તેમને વૈશ્વિક સ્તરે છવાઇ જવામાં, પોતે જ સર્વે સર્વા છે એવું સાબિત કરવામાં કે પોતે નહીં હોય તો દેશનું જહાજ ડૂબી જશે એવું ‘નેરેટિવ’ નાગરિકોને ગળે ઉતારવામાં લગીરેક રસ નહોતો. રહી વાત કાશ્મીર સમસ્યાની – તો એમાં એમ છે કે જો ત્યારે નહેરુ યુ.એન. પાસે ન ગયા હોત તો પાકિસ્તાન ગયું હોત અને પછી ભારતનો હાથ ઉપર ન રહેત. આ મુદ્દામાં ઘણી બીજી બારીક અને બહુ સ્તરીયે બાબતો છે જેની ચર્ચા કરવી જ પડે પણ એ ફરી ક્યારેક. આજે તો આપણે નહેરુએ પોતાના દેશ માટે કરેલાં કામ પર ધ્યાન આપ્યું કારણ કે સતત કોઇને વખોડવામાં ક્યાંક એ વ્યક્તિએ કરેલાં સારાં કામોનો છેદ ન ઉડી જાય એ જોવું પણ ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ બને છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ડિસેમ્બર 2023