જ્યારે મુંબઈના જંગલમાં હતા વાઘ અને વાંદરા
એલિફન્ટાનો પથ્થરનો હાથી આજે પૂરાયો છે રાણી બાગમાં
“એક બાજુ સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો, અને બીજી બાજુ અમારી આંખો સામે બોમ્બેનું લાઈટ હાઉસ દેખાતું જતું હતું. પહેલાં ધૂંધળું અને ઝાંખું. પછી ધીમે ધીમે નજીક અને સાફ દેખાતું થયું. અમારા વહાણના સફેદ બાસ્તા જેવા શઢ ધીમે ધીમે સંકેલાઈ રહ્યા હતા. ખલાસીઓ લંગર નાખવા માટે અહીં તહીં દોડતા હતા. મધરાતને સુમારે મુંબઈની ગોદીના મુખ પાસે અમારા વહાણે લંગર નાખ્યું.”

Bishop Heber
રેવરન્ડ રેગિનાલ્ડ હેબર
ના, જી. આ વાત આજ-કાલની નથી. ઈ.સ. ૧૮૨૪-૧૮૨૫ની છે. કલકત્તાના લોર્ડ બિશપ રેવરન્ડ રેગિનાલ્ડ હેબરે (૧૭૮૩-૧૮૨૧૬) કલકત્તાથી મુંબઈની મુસાફરી કરેલી તેનું વર્ણન કરેલું એક લાંબુ લચક નામ ધરાવતા પુસ્તકમાં : Narrative of a Journey through the Upper Provinces of India, from Calcutta to Bombay, 1824-1825, (with notes upon Ceylon), An Account of a Journey to Madras and the Southern Provinces, 1826, and Letters Written in India. હાશ! છેવટે પુસ્તકનું નામ પૂરું થયું ખરું. પુસ્તકની પહેલી આવૃત્તિ લંડનથી, લેખકના અવસાન પછી, ૧૮૨૮માં પ્રગટ થયેલી. બીજી આવૃત્તિ ૧૮૪૪માં, અને ‘અ ન્યૂ એડિશન’ બે ભાગમાં ૧૮૪૯માં લંડનનાં જોન મરે નામના પ્રકાશકે પ્રગટ કરી હતી.
*
મુંબઈ નગરી વિષે સૌથી વધુ પુસ્તકો કઈ ભાષામાં લખાયાં છે? ગુજરાતીમાં? ના, જી. તો મરાઠીમાં? નકો નકો. હિન્દીમાં? નહિ, નહિ. સૌથી વધુ પુસ્તકો લખાયાં છે અંગ્રેજીમાં. અને એમાંનાં મોટા ભાગનાં લખ્યાં છે અંગ્રેજોએ. અલબત્ત, અંગ્રેજી પહેલાં બે-ત્રણ પુસ્તક પોર્તુગાલીમાં લખાયાં છે, પણ આ નાચીઝને એ ભાષા માલૂમ નહિ હોવાથી તેને વિષે ન બોલ્યામાં નવ ગુણ. અંગ્રેજીમાં મુંબઈ વિશેનું પહેલું પુસ્તક પ્રગટ થયું ઈ.સ. ૧૭૮૧માં. પુસ્તકનું લાંબુ લચક નામ છે : An Historical Account of the Settlement and Possession of Bombay by the English East India Company and of the Rise and Progress of the War with the Mahratta Nation. પુસ્તક છપાયું હતું લંડનમાં. પુસ્તકનું નામ જોતાં લાગે કે મુંબઈમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ સ્થપાયું તે વખતની વાત અહીં વિસ્તારથી અપાઈ હશે. પણ ના. એ વાત તો શરૂઆતમાં બહુ ટૂંકાણમાં આપી છે. પુસ્તકનો મોટો ભાગ તો રોકાયો છે છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠા સામ્રાજ્ય સાથેના અંગ્રેજોના સંઘર્ષના વર્ણન પાછળ. પુસ્તકમાં ક્યાં ય લેખકનું નામ છાપ્યું નથી. પણ પુસ્તકોનાં જૂનાં કેટલોગમાં લેખકનું નામ આપ્યું છે સેમ્યુઅલ પીચેલ. શક્ય તેટલી મહેનત કરવા છતાં તેમને વિશેની કોઈ જ માહિતી મળી શકી નથી.
પણ પુસ્તકમાંથી કેટલીક રસપ્રદ વાતો જાણવા મળે છે. પોર્તુગલે અંગ્રેજોને દાયજામાં મુંબઈ આપ્યું તો ખરું, પણ અહીં રહેલા પોર્તુગીઝ અમલદારો સહેલાઈથી મુંબઈ અંગ્રેજોને સોંપવા તૈયાર નહોતા. કેમ? કારણ પોર્તુગાલી રાજાની તિજોરી ભલે ન ભરાય, પણ મુંબઈમાં રહેલા તેમના અમલદારોનાં ખિસ્સાં તો રોજેરોજ ભરાતાં હતાં. લિસ્બનના રાજવી પાસેથી મંજૂરી મેળવ્યા પછી ગ્રેટ બ્રિટનના રાજાએ મુંબઈનો તાબો લેવા માટે લોર્ડ માલબરોને મોકલ્યા. તેમની સાથે પાંચ વહાણો પર ૫૦૦ સૈનિકો હતા. પણ પોર્તુગાલી અધિકારીઓએ આ વહાણોને મુંબઈના બારામાં દાખલ થવાની પણ મંજૂરી ન આપી. એટલે પોતાનાં પાંચ વહાણો લઈને લોર્ડ માલબરો પહોંચ્યા સુરત નજીક આવેલા સુવાલી બંદરે પણ ત્યાંયથી જાકારો મળ્યો એટલે પછી લોર્ડ માલબરો થોડા સૈનિકોને લઈને ફરીથી પહોંચ્યા મુંબઈ. પણ પેલા ટાપુનાં હવા-પાણી એવાં તો ખરાબ, કે ત્યાં રાખેલા સૈનિકોમાંથી માત્ર ૧૯૧ જ જીવતા રહ્યા.
*
પણ એ સૈનિકોને મૂકીને આપણે પાછા રેવરન્ડ હેબર પાસે પહોંચી જઈએ. તેઓ મુંબઈ આવવા નીકળ્યા હતા ક્યાંથી? અગાઉ લોર્ડ માલબરોને જાકારો મળેલો એ જ સુરત બંદરેથી. એક જમાનામાં સુરતના બંદર પર ભલે ૮૪ બંદરના વાવટા ફરકતા હોય. લેખક સુરતથી મુંબઈ આવવા નીકળ્યા ત્યારે મધ્યમ કદનાં વહાણ પણ સુરત શહેરથી દૂર દરિયામાં ઊભાં રહેતાં. એટલે સુરતથી હોડીમાં તાપી નદીના મુખ સુધી જવું પડે તેમ હતું. બાર ખલાસી આ હોડી હંકારતા હતા. નદીના મુખ પાસે વિજિલન્ટ નામનું ૬૦ ટનનું વહાણ ઊભું હતું. નદીના મુખ આગળનું પાણીનું જોર ઘણું હોવાથી ઘણી વાર અહીં વહાણોને નાંગરતાં મુશ્કેલી પડે છે. અમે ગયા ત્યારે મોજાં સારાં એવાં હતાં, પણ તેનું જોર જોખમકારક જરાય નહોતું. વહાણ ચોખ્ખું ચણાક હતું. વહાણ પર છ નાની તોપ હતી અને જરૂર પડ્યે તે ચલાવવા માટે સાધારણ રીતે બાર સિપાઈ રહેતા, પણ અમારી સગવડ સાચવવા ખાતર તેમને દૂર કરીને બે કેબિન બનાવેલી. અમારો સામાન અને અમારા ઘોડાને બે હોડીમાં ચડાવીને વહાણ પર લઈ ગયા અને પછી એ બે હોડીને પણ વહાણ પર ચડાવી. વહાણનો સારંગ મુસલમાન હતો. અને પોતાનું કામ સારી રીતે જાણતો હતો. જો કે બધા ખલાસીઓ વિષે એમ કહી શકાય નહિ. એકંદરે વહાણને બહુ સારું કહી શકાય નહિ. તે વધુ પડતું ભારેખમ હતું અને સતત ઘણું ડોલતું હતું. પવન ઝંઝાવાતી કહી શકાય તેવો હતો. એટલે આખો દિવસ અમારું વહાણ લંગર નાખીને પડ્યું રહ્યું.
બીજે દિવસે સવારે હાલત જરા સુધરતાં લંગર ઉપાડીને અમે ભરતીની સાથે આગળ વધ્યા. પહેલાં પોર્ટુગીઝ તાબા હેઠળના દમણ પાસેથી અને પછી ‘સેન્ટ જોન’ નામની ડુંગરમાળ પાસેથી અમે પસાર થયા. બુધવાર, ૧૯મીની સવારે અમે વસઈ પાસેથી પસાર થયા. અને પછી સાલસેટ અને મુંબઈના ટાપુઓ. બંને ટાપુઓની બીજી બાજુએ કોંકણના ઊંચા ડુંગરો દેખાતા હતા. થોડે આગળ વધ્યા ત્યાં અમે દરિયામાં રોપેલા પુષ્કળ બામ્બુ જોયા. માછલીઓને સપડાવવા માટે તેમનો ઉપયોગ થતો. તેની આજુબાજુ મચ્છીમારી કરતી હોડીઓ તેમના નાનકડા શઢ ફરકાવી રહી હતી. આ આખું દૃષ્ય સોહામણું લાગતું હતું.
એલિફન્ટ: પહેલાં ટાપુ પર, હવે રાણી બાગમાં
મારાં પ્રિય પત્ની અને મોટી દીકરી ઘણી હાડમારી વેઠીને મુંબઈ પહોચ્યાં. તે પછી અમે એલિફન્ટાના ટાપુની મુલાકાત લીધી. મેં ધાર્યા કરતાં આ ટાપુ વધારે મોટો અને સોહામણો હતો. હજારેક એકર જેટલી જમીનના મોટા ભાગ પર ખેતી થતી હતી. પથ્થરના જે વિશાળકાય હાથી પરથી આ ટાપુનું નામ પડ્યું છે તે હોડીઓ લાંગરવાની જગ્યાથી લગભગ પા માઈલ દૂર એક ખેતરમાં ઊભો છે. સાચા હાથી કરતાં તે ત્રણગણો મોટો છે. હવાપાણીનો સતત માર ઝીલીને એની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. ગુફાઓ સુધી જવા માટે પાલખી જઈ શકે તેવો સાંકડો, ચઢાણવાળો રસ્તો છે. લગભગ અડધો માઈલ ચડ્યા પછી ગુફાઓ શરૂ થાય છે. મારે નિખાલસપણે કબૂલ કરવું જોઈએ કે મેં ધારેલું તેના કરતાં અ ગુફાઓ ઘણી વધારે વિશાળ હતી અને તેમાંનાં મહાકાય શિલ્પો ઘણાં વધારે સુંદર હતાં. જો કે તેમાંનાં ઘણાંખરાંની હાલત બહુ સારી ન કહી શકાય.
૨૫થી ૨૮ તારીખ સુધી અમે મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને તેમના રસાલા સાથે જોડાઈને સાલસેટના પ્રવાસે ગયાં. સાલસેટનો ટાપુ મૂળે તો મુંબઈથી અલગ હતો પણ ગવર્નર ડંકનના શાસન દરમ્યાન કોઝ-વે બાંધીને બંને ટાપુને જોડી દેવામાં આવ્યા છે. આ પ્રવાસનો અમારો મુખ્ય હેતુ કન્હેરીની ગુફાઓ જોવાનો હતો. પણ ત્યાં પહોચતાં સુધીમાં તો બીજાં અનેક રળિયામણાં દૃશ્યો અમારી નજરે પડ્યાં. ગવર્નરનો રસાલો તુલશી જઈ પહોંચ્યો હતો અને અમારે ત્યાં જઈને તેમની સાથે જોડાવાનું હતું. માટુંગા છોડ્યા પછી આસપાસનો વિસ્તાર વધુ ને વધુ રળિયામણો થતો ગયો. આ રસ્તો નાની નાની ટેકરીઓ, ખીણો, અને જંગલમાંથી પસાર થતો હતો. ટેકરીઓ ઘટાદાર ઝાડોથી ઢંકાયેલી હતી. તો ખીણોમાં આંબાનાં અને તાડનાં ઝાડ કુદરતી રીતે જ ઊગી નીકળ્યાં હતાં. અહીંની એક ટેકરી પર કિલ્લો હતો જે મરાઠાઓ સામે રક્ષણ કરવા બાંધ્યો હતો. અમે ગયાં ત્યારે મરાઠાઓનો ભો તો રહ્યો નહોતો, છતાં એ કિલ્લામાં એક ગોરા કેપ્ટનના હાથ નીચે દેશી સૈનિકોની નાનકડી ફોજ ખડે પગે રહેતી હતી. અમે લગભગ આઠ માઈલ કાપ્યા હશે, પણ રસ્તામાં ભાગ્યે જ ક્યાં ય વસતી જોવા મળી. હા, માત્ર એક જ સાવ નાનું, દરિદ્ર ગામડું જોવા મળ્યું ખરું.
વિહાર વટાવ્યા પછી બગીમાં આગળ વધી શકાય તેમ નહોતું. એટલે અમે ઘોડેસવાર બનીને આગળ વધ્યાં. છેવટે અમે તુળશીના જંગલમાં પહોચ્યાં જ્યાં અમારે રાતવાસો કરવાનો હતો. આ જગ્યા ચારે બાજુથી ઊંચા પહાડો વડે ઘેરાયેલી છે. એ પહાડો વચ્ચેની ખીણમાં આવેલું જંગલ લગભગ અર્ધવર્તુળાકારનું છે. તેની મધ્યમાં વડનું એક વિશાળ વૃક્ષ છે. અહીં અમારે માટે તંબુઓ ખોડેલા હતા. બીજી બાજુ રસોઈ કરવા માટે લાકડાંની ભઠ્ઠીઓ સળગી રહી હતી. અમારા તંબુની બાજુમાં જ વાઘ પકડવા માટેનું છટકું ગોઠવવામાં આવેલું. કહે છે કે સાલસેટના ટાપુ પર ઘણા વાઘ છે અને તેમાંનો એક વાઘ તો થોડા દિવસ પહેલાં જ આ છટકામાં ફસાઈને મર્યો હતો. આ વાત સાંભળ્યા પછી મારાં પત્નીને અને મને ક્યાં ય સુધી ઊંઘ ન આવી.
ઠાણેની ખાડી અને પાછળ કિલ્લો
બીજે દિવસે વહેલી સવારે મારાં પત્ની અને હું ઘોડા પર બેસી ફરવા નીકળ્યાં. રાતમાં થોડો વરસાદ પડી ગયો હતો એટલે વાતાવરણમાં ઠંડક હતી. જાતજાતનાં પંખીઓ સાથે મળીને કોરસમાં મીઠ્ઠું મધુરું ગાઈ રહ્યાં હતાં. તો નીચે જમીન પર શિયાળ અને વાંદરા અહીં તહીં ભટકી રહ્યાં હતાં. આઠેક વાગે અમે પાછાં ફર્યાં ત્યારે એક મોટા તંબુમાં સૌને માટે બ્રેકફાસ્ટની સગવડ થઈ ચૂકી હતી. નાસ્તા પછી એ જ તંબુમાં કશ્મીરી સંગીત અને નાચનો કાર્યક્રમ હતો. તેમાં જેમણે સ્ત્રીનાં કપડાં પહેર્યાં હતાં તે પણ, હકીકતમાં તો પુરુષો જ હતા. બપોરે ચારેક વાગે અમે ગુફાઓ જોવા રવાના થયાં. વચમાં વચમાં રસ્તો એટલો સાંકડો હતો કે પાલખીઓ મુશ્કેલીથી પસાર થઈ શકતી હતી. જંગલ એટલું ગાઢ હતું કે ધોળે દિવસે પણ અમારી સાથે મશાલચીઓ રાખવા પડ્યા હતા.
બીજે દિવસે વહેલી સવારે મારાં પત્ની અને હું, બીજા ઘણા યુરોપિયનો સાથે ઠાણે જવા નીકળ્યાં. અમે પાલખીને બદલે ઘોડેસવારી પસંદ કરી હતી. ઠાણા એક નાનું ગામ છે, અને તેની બાજુમાં કિલ્લો આવેલો છે. પછી અમે બધાં ગવર્નરની યોટ પર સવાર થયાં. લગભગ સાત માઈલ સુધી અમે તરતાં રહ્યાં. એક બાજુ હતા ઊંચા પહાડો, અને બીજી બાજુ હતા પોર્તુંગાલીઓએ બાંધેલાં ચર્ચ અને કિલ્લાના અવશેષ. રાત પડતાં સુધીમાં અમે ઘોડ બંદર પહોંચ્યાં. અમે ત્યાં ડિનર લીધું અને રાતવાસો પણ ત્યાં જ કર્યો.
રેવરન્ડ હેબરના આ પ્રવાસની વધુ વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 09 ડિસેમ્બર 2023)