તેઓ રેલવે પ્રધાન હશે, પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા નહોતા. બીજા–ત્રીજા વર્ગનાં કષ્ટદદાયક પાટિયાં એમને હસ્તે ફોમવંતાં બન્યાં, ને લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેનો સુક્કી ટાટ ઓળખને બદલે સાંસ્કૃતિક સોડમ લઈને આવી. મુંબઈ–હાવરાને જોડતી ગાડીને રેલબાબુઓએ ઇસ્ટર્ન એક્સપ્રેસ કહેવા ધારેલું, દંડવતેના જાદુઈ સ્પર્શે તે ગીતાંજલિ બની ગઈ … આગળ ચાલતાં એ જ ધાટીએ નવજીવન આવી અને સર્વોદય પણ!
મધુ દંડવતેએ રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તક ‘ગીતાંજલિ’ના સન્માનમાં ટ્રેનનું નામ ગીતાંજલિ રાખ્યું
રાજકારણના રણમાં વીરડી શી એક સાંભરણમાં ચિત્ત ઠરવા કરે છે. 1974ના નવેમ્બરમાં ભરજે.પી. આંદોલને મધુ દંડવતેને પહેલ પ્રથમ મળવાનું થયું હતું. આંદોલનના એ વાસંતી મહિનાઓમાં, જયપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હીના વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં મળેલા પક્ષ-અપક્ષ સંમેલન(પાર્ટી-નોન પાર્ટી કન્વેશન)માં ભાગ લઈ વળતે દહાડે અમદાવાદ પાછા ફરવાનું હતું. કન્ફર્મ્ડ ટિકિટનો જોગ નહોતો. પણ લોકસભાની કેન્ટીનમાં પુ.ગ. માવળંકરને શોધું તે પહેલાં અનાયાસ જ એક વડીલ સજ્જન મળી ગયા. એ ય ‘અણ્ણા’(માવળંકર)ની શોધમાં હતા. છાપાકૃપાએ હું એમને ઓળખી ગયો, આ તો દંડવતે. જરી વાત નીકળી ન નીકળી ત્યાં તો એમણે જ મને સાસંદ
ક્વોટામાંથી ટિકિટ માટેની ભલામણ લખી આપી. એમના શતાબ્દી વર્ષ(21-1-1924 : 12-11-2005)માં જોગાનુજોગવશ આ સંભારણું એટલા વાસ્તે કે તે મિનિટે મને ખબર નહોતી કે હું ભાવિ રેલવે પ્રધાન મારફતે ટિકિટ મેળવી રહ્યો છું!
જનતા રાજ્યારોહણ સાથે મોરારજી દેસાઈ મંત્રીમંડળ(1977-1979)માં રેલવે પ્રધાન અને તે પછી બે’ક દાયકે વિશ્વનાથ પ્રતાપ સિંહ મંત્રીમંડળમાં નાણાં પ્રધાન રહેલા, હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાં પ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા. મોરારજી મંત્રીમંડળમાં જોડાવાનું કહેવા સરકારી અધિકારી આવ્યા, આ જ વી.પી. હાઉસના એક કમરામાં એમને શોધતા, ત્યારે આપણો વીરનાયક લાંબા ચૂંટણી પ્રવાસ દરમ્યાન ભેગાં થઈ ગયેલાં મેલાં કપડાં ધોવામાં દત્તચિત્ત હતો … અને હા, વિશ્વનાથ પ્રતાપ સિંહનું પ્રધાનમંડળ ઘરે બેઠું ત્યારે દેશના હજુ હમણેનાં નાણાં પ્રધાન બેંકની બારીએ કાર લોન સારુ ઊભેલાં તે પણ ઇતિહાસદર્જ છે.
એક સંઘર્ષશીલ ને સ્વાધ્યાયપુત સમાજવાદી વિશે એના ટૂંકજીવી સત્તાકાળને છેડેથી વાત કરી તે એ વાનું ઉપસાવવા માટે કે આવી વ્યક્તિનું સત્તા પર હોવું એના કેવા તો સાંસ્કૃતિક-સામાજિક આયામ હોઈ શકે છે. એમણે શપથ લીધા ત્યારે આગલી (ઇન્દિરા) સરકારી અને રેલવે યુનિયન વચ્ચે આકરા અવિશ્વાસનો અને ઉગ્રકટુ નાતો હતો. દંડવતેના ન્યાયી અભિગમે વિશ્વાસ અને સહયોગનો સંબંધ ઊભો કરી ખાતું એવું તો ચલાવ્યું કે મોરારજીભાઈ કહેતા કે મેં સંભાળ્યું હોત તો આ હદે જામ્યું ન પણ હોત. બીજા/ત્રીજા વર્ગની લાંબી મુસાફરી લાકડાનાં પાટિયાંને કારણે અંતે કષ્ટદાયક અનુભવાતી. દંડવતે હસ્તક એ પાટિયાં ફોમવંતાં બન્યાં. એ કહેતા કે મારે ફર્સ્ટ ક્લાસને ડિગ્રેડ નથી કરવો પણ સેકન્ડ/થર્ડ અપગ્રેડ તો થઈ શકે ને. લાંબા અંતરની સુપરફાસ્ટો પણ એમને નામે જમા બોલે છે. મુંબઈ-કોલકાતા કે બીજી. રેલબાબુઓ પશ્ચિમ(મુંબઈ)થી પૂર્વ (કોલકાતા) દોડતી ટ્રેઈન વાસ્તે સીધુંસટ ‘ઈસ્ટર્ન રેલવે’ નામ લઈ આવ્યા હતા. દંડવતે હસ્તક એ ‘ગીતાંજલિ’ થઈ ગયું – અને આગળ ચાલતાં એ જ ધાટીએ ‘નવજીવન’ અને ‘સર્વોદય’ પણ આવ્યાં … કામદાર ને ગ્રાહક બેઉ સાથે સૌહાર્દ, નીચલા વર્ગને ફોમ-પથારી અને રેલગાડીને ટાગોર-ગાંધી પરંપરાનાં નામો! સમાજવાદી વહીવટની સાંસ્કૃતિક-સામાજિક પહેચાન તે આનું નામ.
સન બયાલીસનો સ્વાતંત્ર્યપૂર્વ સંઘર્ષ કે સ્વાતંત્ર્યોત્તર ગોવા મુક્તિ ને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન, આ બધા કારા-સંઘર્ષો વચ્ચે મધ દંડવતેનું આજીવિકાનું સાધન મુંબઈની આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સ(ભૌતિકશાસ્ત્ર)ની પ્રાધ્યાપકીનું હતું. સમાજવાદી કર્મશીલ ને કટારલેખક હિમ્મત ઝવેરી પાસે સાંભળ્યું છે કે અમે મોટે ઉપાડે સંઘજીવન(કોમ્યુન લાઈફ)નો પ્રયોગ કર્યો પણ અમારામાં એકમાત્ર નિયમિત આવકઠેકાણું મધુની પ્રોફેસરીનું હતું.
અને પ્રમિલાબહેનનું ને એમનું દામ્પત્ય! રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રાથમિક પરિચય પછી સાને ગુરુજીના રાષ્ટ્ર સેવાદળની શિક્ષાદીક્ષા પામેલાં – ને એમાં પણ એના કલાપથક સાથે વિશેષ લગાવ ધરાવતાં પત્ની પ્રમિલા (1980માં જનતા પક્ષનાં વળતાં પાણી છતાં) મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલાં. પતિ-પત્ની બંનેએ કટોકટીકાળમાં બધો વખત, એકે બેંગ્લોર તો બીજાએ યરોડા જેલમાં, અલગ અલગ રહેવાનું નિરમાયેલું હતું. એમની વચ્ચે ત્યારે બસો જેટલા પત્રોની જે આપલે થઈ હતી એમાંથી પસાર થવું તે એક સમર્પિત દામ્પત્યની શીલસુવાસમંડિત જુગલબંદી શો સાક્ષાત્કારક અનુભવ છે. વાંચનલેખનની વાતો, રાત વરત રાગ જય જયંવતીની સંનિધિ, દૂર પડેલાં પતિ-પત્ની જેલ ઓથોરિટીની રજા સાથે કવચિત મળી શકાય એવી હોંશ સેવે છે, પણ સ્વમાનભોગે મળતી રજા નહીં – એવું વલણ, જયપ્રકાશની કિડની ફેઈલ થઈ રહ્યાના સમાચાર વચ્ચે પતિ દાક્તરી સંમતિને ધોરણે પોતાની કિડની ઓફર કરવાનું વિચારે છે ને પત્ની એનાં દૂખણાં લે છે. આપણે બેઉ જેલમાં છીએ ને હજુ ભણતો એકનો એક પુત્ર ઉદય કેમ જાણે પોતાને અનાથવત્ અનુભવતો હશે એ ખયાલે બહુ ચિંતિત છે તો ક્યાંક ચિત્તને ખૂણે એમ પણ છે કે ઉદય પણ ઠીક સંઘર્ષદીક્ષા મેળવી રહ્યો હશે. 1975-1977ના ગાળાની બેંગ્લોર-યરોડા જેલ ફ્રિકવન્સી પરની આ એક ન્યારી સુરાવલિ છે.
પોતે નાણાં પ્રધાન બન્યા પછી એક વાર એમણે વાત વાતમાં વી.પી.ને પૂછ્યું કે તમે મને આ ખાતું સંભાળવા કેમ કહ્યું. વી.પી.એ લાગલું જ કહ્યું કે હું રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં નાણાં ખાતું સંભાળતો હતો ત્યારે તમે વિપક્ષી સંસદસભ્ય તરીકે ગૃહમાં જે પ્રશ્નો ઊભા કરતા એમાં મને આંતરવા જોગ લાગે એવા મુદ્દા પૂંઠે સાચુકલી પૃચ્છા જોતો અને મારા ખાતા અંગેની તમારી ટિપ્પણીઓ પણ હું સંમત હોઉં કે અસમંત, મને સટીક લાગતી. એથી થયું કે આ જવાબદારી તમને જ ભળાવું.
વિજ્ઞાનને સરળ રીતે મૂકી આપતાં ધારાપ્રવાહ મરાઠી વ્યાખ્યાનોથી માંડી રાજકીય પ્રતિભાવો, પ્રશ્નો, પ્રવાહો ને પરિબળો વિશેનું લેખન વળી એક જુદો જ ઈણકો છે, એટલી એક અધૂરીમધુરી નોંધ, આ શતાબ્દી વંદના સમેટતાં.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 જાન્યુઆરી 2024