હિન્દી સાહિત્યમાં કેટલાંક વર્ષો પૂર્વે પ્રાધ્યાપક નામવરસિંહનું ‘દૂસરી પરંપરા કી ખોજ મેં’ શીર્ષકવાળું પુસ્તક ખૂબ ગાજેલું. તેમાં ઉપેક્ષિતોના સાહિત્યનો વિચાર સહાનુભૂતિપૂર્વક કરવામાં આવ્યો હતો. લગભગ આ જ ગાળામાં તેલુગુ, તમિળ અને મરાઠી ભાષામાં દલિત-સાહિત્યનો વિકાસ શરૂ થયો હતો. તેમણે તેમની ખુદની વિશિષ્ટ પરંપરા નિર્માણ કરવાની હતી, અને છેલ્લાં પચીસ વર્ષમાં તે નિર્માણ થવા પામી છે. બરાબર આ સમયે ભારતીય સંસ્કૃિત વિશે અભ્યાસ કરવાનો તથા મુખ્ય પરંપરા અને ‘અન્ય’ પરંપરાઓ વચ્ચે આદાનપ્રદાન અંગે ચર્ચા કરવાનો પશ્ચિમના વિચારકોએ પ્રારંભ કર્યો. તેમાં મિલ્ટન સિંગર મુખ્ય હતા. તેમણે ‘Great Tradition’ અને ‘Little Tradition’ જેવા શબ્દો વાપરવાની શરૂઆત કરી. વીસેક વર્ષ પહેલાં ઇતિહાસના અભ્યાસમાં એક નવા વિચારનો પ્રચાર થયો, તેને ‘સબઆલ્ટર્ન’ ઇતિહાસ-વિચારના નામથી ઓળખવામાં આવ્યો. ઇટાલીના માર્કસ્વાદી કાર્યકર ગ્રામસીના પ્રભાવ હેઠળ નિર્માણ પામેલી આ વિચારધારાએ તળપ્રદેશના લોકોના આંદોલનમાંથી ઉદ્ભવનારી પરંપરાઓને મહત્ત્વનું સ્થાન આપ્યું. પરંપરાની આ નવી વિચારધારા નિર્માણ થવાના અરસામાં સર્વ સામાજિક વિઘટનનું પ્રમાણ વધવા માંડ્યું હતું. આધુનિક સમાજ અને આધુનિક અર્થવ્યવસ્થા બંનેનો પરંપરા સાથે નિર્લેપપણાનો વ્યવહાર હોય છે એટલું જ નહિ, આધુનિકતા એટલે પરંપરાનું ખંડન, તેના પર પ્રહાર કરવો એવો એક વિશ્વવ્યાપી વિચાર છે. તેથી પરંપરા અને આધુનિકતાને માનવ ઇતિહાસની બે જુદી જુદી પ્રેરણા માનવામાં આવી; અને કેવળ આ જ કારણે પરંપરા સાથે નાતો જાળવી રાખતા સમાજને પછાતપણાનું લેબલ લગાડવામાં આવે છે.
જ્યારે આધુનિકતાના પ્રભાવમાં પરંપરા શિથિલ થતી જાય ત્યારે ઇતિહાસકારોને અને વિચારકોને પરંપરા અંગે પુન: પુન: વિચાર કરવાની જરૂર લાગે છે. એક તરફ પરંપરાને સમજવાનો સાંસ્કૃિતક ઉદ્યમ ચાલતો હોય, તે જ સમયે પરંપરાને જાળવી રાખતા સમાજને ખૂબ ઉત્સાહથી બદલવાની આર્થિક વ્યવસ્થા શરૂ થાય. વાસ્તવિક રીતે સુખી સમાજના નિર્માણ માટે સાંસ્કૃિતક સ્થિરતા અને આર્થિક સદ્ધરતા આ બંનેની જરૂર રહે છે; પરંતુ આધુનિકતા અને પરંપરાના દ્વન્દ્વમાંથી નિર્માણ થતા સંસ્કૃિત અને અર્થકારણના વિરોધને કારણે અધૂરા સમાજ નિર્માણ પામે છે. એક તો તેમને આર્થિક સ્થિરતા હોય, પણ સાંસ્કૃિતક સદ્ધરતા ન હોય. અથવા તો સાંસ્કૃિતક સદ્ધરતા હોય પણ આર્થિક ક્ષમતા ન હોય. આ ઐતિહાસિક કડાકૂટમાં સપડાયેલા સમાજમાં ત્રણ પ્રકારના વિચારો નિર્માણ પામે છે : પહેલો પ્રકાર દરેક પરંપરામાં આંધળુકિયાં કરીને શરણે જાય; બીજા પ્રકારનો વિચાર દરેક પરંપરાને નકારતો રહે; અને છેલ્લો વિચાર પરંપરા અને આધુનિકતાનો માંડમાંડ મેળ બેસાડે. પણ આ ત્રણ પ્રકારમાં અલગઅલગ નુકસાનનો સંભવ છે. પરંપરાની આંધળી ભક્તિમાં વિચારવાની, પ્રશ્નો પૂછવાની તાકાત હણી કાઢવામાં આવે છે. આધુનિકતાના અતિરેકમાં ભાવનાનો નાહક ભોગ લેવાય અને પરંપરા તથા આધુનિકતાનું મિશ્રણ કરવાની હઠમાં સાંસ્કૃિતક સ્મૃિત અને કલ્પનાશક્તિ બંને ખંડિત થઈ જાય છે. પરંપરાને આ ત્રણ વિચારપદ્ધતિ સિવાય અલગ રીતે જોવાની કોઈ પદ્ધતિ નથી? આ પ્રશ્નનો ઉત્તર આદિવાસી પરંપરા અને પરંપરાને જોવાનો આદિવાસી દૃષ્ટિકોણ સમજી લેવાથી ઉપયોગી નીવડશે.
સંસ્કૃિત એટલે ખરેખર શું એ વિશે અનેક મતો હશે, તો પણ નૃવંશશાસ્ત્રે તે અંગે કેટલીક અટકળો બાંધી લીધી છે. તે જ પ્રમાણે ‘ઇતિહાસ’ અને ‘પરંપરા’ : આ સંકલ્પનાઓ પણ અનેક વ્યાખ્યાઓથી બાંધીને સ્થિર કરવામાં આવી છે. તો પણ આજ સુધી ઉપલબ્ધ ભારતના (અને એશિયા ખંડના) ઇતિહાસમાં આદિવાસીઓના ઇતિહાસની સરખી નોંધ થયેલી દેખાતી નથી; તેથી અન્ય સમાજોના પરંપરાવ્યવહાર પરથી આદિવાસીઓની પરંપરાનો નિષ્કર્ષ કાઢવો વ્યાજબી ગણાય નહિ. તેથી આદિવાસી પરંપરા અંગેનો વિચાર કરતી વખતે માત્ર નૃવંશશાસ્ત્રના સિદ્ધાંત અને પ્રયોગપદ્ધતિની સહાયથી આગળ વધવું પડે છે. આદિવાસી સંસ્કૃિતના અભ્યાસીઓએ આજ સુધી આ જ માર્ગ સ્વીકાર્યો છે. કમસે કમ, પ્રત્યક્ષ આદિવાસી ક્ષેત્રમાં જઈને ત્યાં કેટલાંક વર્ષો સુધી પોતે લીધેલા અનુભવની નોંધ પર આધારિત નિષ્કર્ષ કાઢવાની સુદૃઢ અભ્યાસ પદ્ધતિ પણ હવે ઊતરી આવી છે. એનું પરિણામ એ આવે છે કે આદિવાસી ‘સંસ્કૃિત’ વિશેનું આપણું અજ્ઞાન અને ભોળપણ વધવા લાગ્યું છે. તેમની પરંપરા, તેમનો ઇતિહાસ અને તેમની સંસ્કૃિત આ બધાનું સ્વતંત્ર અને સાયુક્તિક ઉદાહરણ આપવું પણ ખૂબ મુશ્કેલ બનતું જાય છે. આ ગોટાળામાંથી કોઈ રસ્તો કાઢવો શક્ય ખરો કે નહિ તે જોવા છેલ્લાં કેટલાંક વર્ષો હું આદિવાસીઓના સહવાસમાં રહ્યો છું. હજુ પણ તે સંસ્કૃિતના ગૂંચવાડાના બધા દોરા હાથમાં આવ્યા નથી. તે માટે હજુ ઘણાં કામ કરવાનાં બાકી છે, પણ હવે કમસે કમ કેટલાક પ્રશ્નો સ્પષ્ટપણે માંડી શકાશે એટલો વિશ્વાસ જાગ્યો છે.
સાપુતારામાં જ્યોતિ ભટ્ટના સંગ્રહમાં રહેલાં પિઠોરા ચિત્રોના ફોટાગ્રાફ્સ જોવા મળ્યા હતા. તેમાંના રુઆબદાર ઘોડા અને જેમના ઐતિહાસિક સમય સંદર્ભે કોઈ અનુમાન બાંધી શકાય નહિ એવા એ ઘોડેસવાર-સ્વામી, એમના વિશે ઘણું કુતૂહલ થતું હતું. આ પહેલાં મેં વારલી ચિત્રો જોયાં હતાં અને તેમાંના નૃત્યનું વર્તુળ મારા મનમાં સચવાયેલું હતું. તેજગઢ અકાદમીની જગ્યા પર જે મોટો ખડક છે, તેના પર ક્યારેક આવાં ચિત્રો રંગી લઈશ એવો વિચાર મારા મનમાં સળવળી ઊઠ્યો હતો.
છોટાઉદેપુરના હાટમાં આંખોને આંજી નાખે એવા ભભકદાર રંગોનાં કપડાં પહેરેલા આદિવાસી જોતાં મને તેમના રંગો પ્રત્યેના રસનું આકર્ષણ હતું. હાટમાં વેચવાની વસ્તુઓ પણ વ્યવસ્થિત મૂકેલી, જાણે તેની પૂજા ચાલતી હોય ! શહેરમાં આવીને પણ આ આદિવાસીઓની ચાલવાની એક શિસ્ત હોય છે : એકની પાછળ એક જાણે સૈન્યના સિપાહી જેવા કે શિયાળામાં સ્થળાંતરિત થતાં પક્ષીઓ જેવા, અત્યંત શાંતિથી તેઓ ચાલતા હોય છે. આદિવાસી બળદગાડું ચલાવતી વખતે બળદો પર ખીજવાતા નથી. ભાર ઊંચકતાં ‘હૈસો, હૈયો’ બોલતા નથી. કોઈના ઘરે પ્રવેશતાં પોતાના આગમનની જાણ કરતાં ફોગટના શબ્દો વાપરતા નથી. આદિવાસી શાંત હોય છે, કરણ કે તે અંત:કરણથી ક્રોધિત હોય છે. શાંતિ અને હિંસાનો આવો મેળાપ ફક્ત કલાનિર્માણમાં જોવા મળે. આદિવાસીની પ્રત્યેક કૃતિમાં, પ્રત્યેક વ્યવહારમાં તે ભરેલો પડ્યો છે.
ભીલ આદિવાસી પોતાના પૂર્વજોની સ્મૃિત તાજી કરવા દર વર્ષે દેવો સમક્ષ માટીના ઘોડા અર્પણ કરે છે. આ ઘોડા બનાવવાનું કામ ગામ પાસેનો કુંભાર કરે છે. તેજગઢમાં એક કુંભારગલી છે. તેમાં કોદરભાઈ નામના એક ગૃહસ્થ છેલ્લાં પચાસ વર્ષથી માટીના ઘોડા અને તાડી માટેની માટલી બનાવવાનું કામ કરતા આવ્યા છે. તેજગઢમાંના મારા શરૂઆતના દિવસોમાં કોદરભાઈ મને આગ્રપૂર્વક પોતાના ઘરે લઈ જતા. દરેક વખતે તેમણે બનાવેલા ઘોડાઓને જોતો રહેતો. ક્યારેક તેમાંના કેટલાંક વડોદરા લઈ આવતો. થોડાં વર્ષો પહેલાં હું સ્પેનમાં બાર્સિલોના શહેરમાં ગયેલો ત્યારે ત્યાં પિકાસો જ્યાં યુવાન વયે રહ્યા તે ઇમારતના ચિત્રસંગ્રહાલયમાંથી એક પ્રિન્ટ લાવ્યો હતો. તેમાં એક વ્યક્તિ છે, એ સ્ત્રી છે કે પુરુષ તે કહેવું મુશ્કેલ. તે અડધી રડે છે, અડધી હસે છે. યોગાનુયોગે કોદરભાઈના રંગેલા બે ઘોડા મારા વડોદરાના ઘરમાં બરાબર જ્યાં એ ચિત્ર લટકાવ્યું હતું ત્યાં મુકાઈ ગયા. થોડા દિવસો પછી રિઝર્વ બેંકના માજી ગવર્નર ડૉ. આઇ. જી. પટેલ અને એમનાં પત્ની અમારા ઘરે આવ્યાં હતાં. તેમને પિકાસો અને કોદરભાઈના રંગ સંયોજનનું સાધર્મ્ય નજરમાં આવ્યું. તેમણે જ્યારે મને તે બતાવ્યું ત્યારે હું બોલ્યો, ‘તો આપણો આદિવાસી પિકાસો કરતાં કાંઈ ઓછો નથી.’ ડૉ. પટેલે તેમની વિનોદી વૃત્તિમાં કહ્યું, ‘શા માટે આદિવાસીનું અપમાન કરો છો?’ આદિવાસીની આ ગૂઢ રંગવૃત્તિનો કોયડો ઉકેલવાની જરૂર હતી.
એક વખત મને કોઈકે કહ્યું કે તેજગઢના કોઈ આદિવાસી ઘરમાં પિઠોરા ચિત્ર જોવા મળશે. તે દિવસે મારી સાથે ભૂપેન ખખ્ખરના ફ્રાન્સથી આવેલા કેટલાક મિત્રો હતા. અમે પેલા ઘરમાં પગ મૂક્યો ત્યારે અલીબાબાની ગુફામાં આવ્યા હોઈએ એવું લાગ્યું. અંદર બધી ભીંતો પર અદ્ભુત કલાત્મકતાથી દોરેલાં અનંત ચિત્રો હતાં. મારા ફ્રેન્ચ મિત્રોએ અનાયાસે કેમેરો શરૂ કર્યો. બે-ત્રણ મિનિટ થઈ ત્યાં અચાનક એક આદિવાસી ઇસમ અમારા પર ધસી આવ્યો. તે ચિક્કાર નશામાં હતો, ‘મુંબઈ લી જાવા માટે આઇવા સો, ની ચાલસે …’ એમ કહી ત્યાં અનાજની કોઠી પાસે પડેલાં તીરકમઠાં પર તેણે હાથ મૂક્યો. ઘરની સ્ત્રીઓ બોલી, ‘તમે ધ્યાનમાં ન લો.’ પણ તેમણે તેને અટકાવ્યો નહિ. મારી સાથેનો છોકરો બોલ્યો, ‘ચાલો આપણે જઈએ. બીજા એક ઘરમાં પિઠોર છે, ત્યાં હું તમને લઈ જાઉં.’
આમાંથી મને ત્રણ બાબતો શીખવા મળી : એક આદિવાસી માત્ર નશામાં હોય ત્યારે જ સાચા વિચારો વ્યક્ત કરે છે. બીજું, તેને શહેરના લોકો પ્રત્યે અત્યંત ઘૃણા હોય છે. ત્રીજું, નશાવાળા માણસને આદિવાસી અપમાનિત કરતા નથી. આ ત્રણે શીખ ત્યાર પછીના અનેક અનુભવોને આધારે મારા મનમાં પાક્કી બેસી ગઈ. ત્યાર પછીના સમયમાં મારા કામમાં ખૂબ ઉપયોગી થઈ.
એક વખત હું તેજગઢ સાંજે ગયો હતો. પાછો આવતો હતો ત્યાં દૂર ક્યાંક ઢોલ પર થાપ પડવાનો અવાજ આવ્યો. તપાસ કરી તો જણાયું કે રાત્રે કોઈક સંઘ નીકળવાનો હતો તે જોવા રોકાયો. અંધારી રાત હતી. મારા ત્રણ-ચાર આદિવાસી મિત્રો અને હું તેજગઢ હાઈસ્કૂલના આંગણામાં ટાંપીને બેઠલા જાનવરની પેઠે રાહ જોઈ રહ્યા. ત્યાંની અંધારી રાતે માત્ર આજુબાજુના ઝાડીજંગલમાંથી આવતાં તમરાનો અવાજ, અને ક્યાંક સાપથી ગભરાઈને ઊડતાં પંખીઓની પાંખોનો ફફડાટ, એ સિવાય બધું સ્તબ્ધ. મધરાતનો સમય થતાં ઢોલ વાગવા લાગ્યો. મારા આદિવાસી મિત્ર બોલ્યા, ‘માણસો ભેગા થયા.’ ઢોલના અવાજનો લય બદલાયો. તે બોલ્યા, ‘માણસો નીકળ્યા.’ લયના પ્રત્યેક બદલાવ પછી તેઓ મને જાનૈયાઓની હિલચાલ સમજાવતા. જાનની જોડે પ્રકાશની કોઈ વ્યવસ્થા ન હતી પણ પછી અચાનક આંખો સામે માણસોની કતારો દેખાવા લાગી. નાચતાં કૂદતાં નીકળેલા આદિવાસી હાઈસ્કૂલ નજીકના એક કોતરેલા પથ્થર પાસે આવીને થોભ્યા. અમે તેમની નજીક ગયા. મારા આદિવાસી મિત્રો અને જાનૈયાઓમાંના બડવા વચ્ચે અંદરોઅંદર થોડી વાતચીત થઈ. પેલા બડવાઓએ મારી ઉપસ્થિતિની અનુમતિ આપી હશે. પછી અચાનક ત્રણ-ચાર જણના અંગમાં દેવનો સંચાર થયો. તેમાંનો દરેક જણ થોડો સમય દેવનો સંચાર સહન કરી પેલા કોતરેલા પથ્થર સુધી જવા લાગ્યો. ત્યાં પથ્થરની બાજુમાં એક સાત-આઠ વર્ષની છોકરી વિસ્ફારિત નજરે આ બધું જોતી ઊભી હતી. પછી મને જાણ થઈ કે તેનું નામ ઊર્મિલા હતું. તેના હાથમાં ફૂલના હાર હતા. દરેક સંચારી દેવના ગળામાં તે એક એક હાર ચઢાવતી હતી. ગળામાં હાર પડતાં એ માણસના અંગનો દેવસંચાર બંધ થઈ જતો. આવું લાંબા સમય સુધી ચાલ્યું. ઢોલ વાગતા રહ્યા. આ બધું પૂરું થતાં હું તેનાં મા-બાપને મળ્યો. તેમણે કહ્યું, ‘થોડાક દિવસો પહેલાં અમે ખેતરે કામ પર ગયેલા ત્યારે ઊર્મિલા ઘરે એકલી હતી. ઊંઘી ગયેલી. અમે પાછાં આવ્યાં ત્યારે જોયું કે તેની પાસે નાગદાદા રમી રહ્યા છે. તેને ડંખ્યા વગર થોડા સમય પછી નાગદાદા જતા રહ્યા.’ જે દેવતાએ તેને બચાવી તેનું ઋણ અદા કરવા આ વિધિ કરવામાં આવી હતી. ઊર્મિલાએ તેમાંના પ્રત્યેક દેવતાનો સંચાર માનવરૂપમાં અનુભવ્યો અને તે દેવતાનું હાર ચઢાવીને સ્મરણ કર્યું. પાછળ રાત્રિ થોડીઘણી બાકી હતી.
ભગવાનદાસ પટેલના આદિવાસી સાથીદારો પાસેથી રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર ગવાતા ડુંગરી ભીલોના મહાભારતનું પઠન અનેક વખત અનુભવવા મળ્યું. દરેક પાઠ પહેલાં તેઓ વિધિપૂર્વક પાઠ ‘માંડે’ એટલે કે જમીન પર અથવા સફેદ કપડાં પર લોટ કે ચોખા અને ગુલાલ અથવા કંકુ લઈ તાંત્રિક ચક્ર જેવું ચિત્ર બનાવે. તેમાં સૂર્ય, ચંદ્ર, વૃશ્ચિક અને અન્ય નક્ષત્ર તેમ જ મહાભારતના વાસુકી, અર્જુન જેવાં પાત્રો રેખાંકિત કરેલાં હોય છે. પછી પાઠ શરૂ થાય. તેમાં કીર્તન, ગીત, વાદ્યો હોય, પછી ધીમેધીમે નૃત્ય શરૂ થાય અને અચાનક તેમનો એકાદ સાથીદાર મહાભારતના એકાદ પાત્રનો વેશ લઈને આવે. આ બધું તેમના માટે એક પૂજા અને પ્રાર્થના ગણાય, બધા શ્રોતા તલ્લીન થઈ સહભાગી બને. ચિત્રકલા, નૃત્ય, નાટક, કાવ્ય, વાદ્ય, પ્રાર્થના અને સમારંભ – આ સર્વનું અપ્રતિમ રસાયણ ફક્ત આદિવાસીની પરંપરામાં જ જોવા મળે.
આદિવાસીઓમાં મહત્ત્વની પરંપરા અને ગૌણ પરંપરા એવા ભેદ પાડવામાં આવતા નથી. ધડગાંવ પાસે એક વાર મને સુભાષ પાવરાએ નદીમાં માછલાં પકડવા ઊભા રહેલા આદિવાસી બતાવ્યા હતા, દરેકની પોતાની જાળ, વાંસની સળીથી ગળણી જેવી બનાવેલી. દરેકનાં મુખ અલગ અલગ દિશામાં. બધા નિ:શબ્દ ઊભા. પણ માછલાં પકડવાનું પૂરું થાય એટલે બધાએ પકડેલી માછલીઓ ભેગી કરી, ત્યાર બાદ સરખે ભાગે વહેંચી લીધી. પર્વતમાળા પાસે એક વણજારાના તાન્ડામાં (ડેરામાં) હું હોળીના ઉત્સવ માટે ગયો હતો. ત્યાં બધા પૈસા ભેગા કરીને બકરો વેચાતો લાવ્યા હતા. માથું કાપીને શેકતા હતા. ખાસ તો તેના કાન પાસેના માંસંની વહેંચણી માટે નાનાં બાળકોમાં ચડસાચડસી ચાલતી હતી. પણ જો દરેકના ભાગની આપવાની રકમ પોતાની સ્થિતિ પ્રમાણેની હોય તોયે પ્રસાદીનો ભાગ બધાને સમાન મળતો હતો.
કોઈ પણ સૈદ્ધાંતિક ભૂમિકામાં બંધબેસતાં ન આવે એવાં આ બધાં ઉદાહરણો આપ્યાં, કારણ કે પરંપરા વિશે ખુદ આદિવાસીની મનોવૃત્તિ સમજી લેવી મહત્ત્વનું છે. પરંપરા તરફ જોવાની એમની દૃષ્ટિ સભાનતાની નથી કે બેધ્યાનપણાની પણ નથી. પૂર્વજોથી ચાલી આવેલી પ્રથા તેઓ પાળે છે, પણ તે પ્રથાના ગુલામ માત્ર બનીને રહેતા નથી. તેથી ઇતિહાસ અને આદિવાસીનો સંબંધ જુલમ-જબરજસ્તીનો અથવા દહેશતનો નથી. પરંપરા કરતાં ય મહત્ત્વનું કંઈક છે, અને તે જાળવી-ટકાવી રાખવું એ આપણી પવિત્ર ફરજ છે, એમ આદિવાસીએ પ્રાચીનકાળથી નક્કી કર્યું હશે એવું લાગે છે. અને આ કર્તવ્ય બજાવતાં પરંપરાને બાધ આવે તોયે તેની દરકાર આદિવાસીને થતી નથી. કદાચ આ કારણે તેમનામાં બ્રાહ્મણ જેવો વર્ગ નથી અને જે ભૂવા, બડવા, ગુરુ-બ્રાહ્મણ વર્ગના અંશો તેમનામાં દેખાય છે, તેને કમાલનું સાંસ્કૃિતક લવચિકપણું આપવામાં આવતું હોય છે. પરંપરા કરતાં મહત્ત્વની જે સૂઝનો હું વિચાર કરું છું, તે માટે નૃવંશશાસ્ત્રમાં યોગ્ય શબ્દ નથી. તે ભાવના માટે હું ‘વિશ્વનું ઉત્તરદાયિત્વ’ જેવો શબ્દ પ્રયોજીશ. કોઈ ઝાડની ડાળી ભાંગતાં પાંદડાં સુકાઈ ગયાં, પણ ઝાડ તો વધતું રહે, તો પેલી ડાળીને સહજ હાથે દૂર કરવી એ ઇચ્છા મારા મતે ખાસ ‘આદિવાસી પ્રેરણા’ છે. આ પ્રેરણામાં જાણે તે ઝાડને વધવા દેવાની જવાબદારી તે ડાળી દૂર કરનારા હાથની હોય, એવી ભાવના રહેલી છે. બીજાં કારણોથી વિઘ્ન આવે તો તે ક્ષણ છોડી, આદિવાસીને સતત આ ઉત્તરદાયિત્વની ભાવના વળગેલી હોય છે. તેની બધી જ પ્રથા આમાંથી જન્મે છે. ખેતરમાં પાકતું પહેલું કણસલું ઘરમાં લાવી તેની પૂજા કરીશું તો તેમાંનાં બીજ પૃથ્વીના બીજવ્યવહારમાં ટકી રહેશે. પૂર્વજોના માર્ગક્રમણ માટે માટીના ઘોડા ચઢાવીએ, તો પરલોકની દુનિયામાં તેમનો પ્રવાસ સુખદ રહેશે. ખેતીની જગ્યાઓ અનેક વાર બદલતા રહીશું તો દુનિયામાં તેમનો પ્રવાસ સુખદ રહેશે. ખેતીની જગ્યાઓ અનેક વાર બદલતા રહીશું તો ધરતીની વેદના ઓછી થશે – આ બધા વિચાર માત્ર આદિવાસીના મનમાં આવતા હોય છે.
શહેરના માણસોને આદિવાસી સાથે વાત કરતાં એક અનુભવ હંમેશાં થતો હશે કે તેઓ પોતે સવાલ કરતા નથી અને વાતચીત પૂરી થતાં, વાતચીતના વમળમાંથી ક્ષણવારમાં જ અલિપ્ત થઈ જાય. જો કે, તેની યાદશક્તિ અફાટ છે. અનેક દાયકા પછી પણ તે ઘટનાક્રમનું અચૂક નિવેદન કરી શકે છે. તો ય, તે ઘટના તેના મનમાં સ્થિર થઈ ગયાનું બહુ દેખાતું નથી.
મને લાગે છે આદિવાસી પોતાને ઇતિહાસનો કર્તાહર્તા સમજતો નથી. તેની દૃષ્ટિએ ‘ઇતિહાસ’ એ બીજી જ કોઈ શક્તિએ ચલાવેલો ક્રમ હોય છે, તેથી ‘ઐતિહાસિક બદલા’ની ભાવનાથી આદિવાસી ભડકી ઊઠતો નથી. પણ પેલી ‘બીજી શક્તિ’ સાથે તેને નજીકનો નાતો હોય છે; તે શક્તિએ સર્જન કરેલી દરેક વસ્તુની સંભાળ રાખવાની જવાબદારી દરેક આદિવાસીએ પોતાને માથે લીધી લાગે છે. આદિવાસી પોતાના ભૂતકાળ અંગે વધુ બોલતો નથી, પોતાની કાર્યની શેખી મારતો નથી. તેને ખાનદાનની કદર હોય છે, પણ ‘કુળાભિમાન’ની ભાવના તેનામાં ઉગ્ર સ્વરૂપે દેખાતી નથી. તેની બધી ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયો વડે મળતું જ્ઞાન અને ચિત્તની બધી પ્રેરણા અને ઊર્જા એ અજાણી ‘બીજી શક્તિ’ની સર્જનપ્રક્રિયાની સેવામાં લગાડેલી હોય છે. આ પ્રક્રિયા ચાલુ રાખવી તેનો પ્રયત્ન હોય છે. તેના જીવનમાં ‘હેતુ’ રાખીને જીવવાનું હોતું નથી. કારણ તે ઉત્તરદાયિત્વની પ્રેરણા જાળવતો હોય છે. પ્રથાની પ્રચંડ જંજાળમાંથી જો આદિવાસીની પરંપરાની સંકલ્પના માંડવા જોઈએ તો એમ કહી શકાય કે ઇતિહાસથી પર રહેલી અપાર શક્તિ સાથે સમરસ થવું એ તેની સાચી પરંપરા છે.
અર્થાત, ઉપર મુજબની પરંપરા અંગેની સંકલ્પના માત્ર કલ્પના સ્તર પર સિદ્ધ થઈ શકે તેવી, જેને અંગ્રેજીમાં ‘transcendental’ કહેવાય તે પ્રકારની છે. આવો યુક્તિવાદ શક્ય છે. કારણ આ પ્રકારની પરંપરાનાં જીવંત ઉદાહરણો ritual સ્વરૂપે આપવાં શક્ય નથી. પણ આ યુક્તિવાદ સ્વીકારતાં પહેલાં એક બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે : આદિવાસીઓ અંગ્રેજો વિરુદ્ધ અનેક લડાઈઓ લડ્યા તોયે તેમને ભારતીય સ્વતંત્રતાની બહુ ઐતિહાસિક સમજ દેખાતી નથી. ઉદાહરણ તરીકે, દેશ આઝાદ થયો, દેશમાં વડા પ્રધાન હોય, ઇત્યાદિ બાબતો આદિવાસીના મગજમાં હજુ બેઠી નથી. પણ એની સાથે એ પણ સાચું કે તેઓ મતદાનમાં ઉત્સાહથી ભાગ લે છે. ત્યારે તેઓ લોકશાહી અંગે ઉદાસીન હોય છે એવું કહેવું ગલત ગણાશે, પણ લોકશાહી અને રાષ્ટ્રીયવાદ એ અંગેની તેમની ધારણા તદ્દન જુદી છે. બ્રિટીશ શાસન શું અને ઇન્દિરા ગાંધીનું રાજ શું (તેમને મહાત્મા ગાંધીની ખબર નથી, ફકત ઇન્દિરા ગાંધીનું નામ તેમણે સાંભળ્યું છે) તેમાં તેમને ફરક દેખાતો નથી. એટલે કે રાજકીય અને સામાજિક જીવનનું કેન્દ્ર દિલ્હી-મુંબઈ અથવા ગાંધીનગરમાં હોય છે એ આદિવાસીને સ્વીકાર્ય નથી. તેમના મતે આ કેન્દ્ર હંમેશાં સ્થિર અને જેમાં ક્યારે ય સત્તાપલટો થઈ શકે નહિ એવું છે. એટલે કે ઇતિહાસ એ ‘કાળ’ના કોઈક અનામી અને સ્થિર બિંદુ ફરતે ખૂલતો જતો ચલ, અસ્થિર પટ હોય એ તેમની ધારણા છે. અને આ ‘સ્થિર’ અને ‘ચલ’ બંને ઘટનાક્રમો સાથે સંબંધ રાખવાની તેમની પદ્ધતિ હોય છે. આ બધાં કારણોથી, આદિવાસીઓની પરંપરા સંકલ્પના માટે transcendental ભૂમિકા લેવી યોગ્ય લેખાશે. આદિવાસીની પરંપરા એટલે દારૂ ઢીંચી, ઢોલ વગાડી નાચવું – એવી જે ભ્રામક સમજ છે તે પાછળ, આદિવાસીઓ પ્રત્યે તુચ્છતાની ભાવનાથી જોવાની આપણી સદીઓ જૂની પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિ છે. જે દિવસે આપણે નૃવંશશાસ્ત્રનું બારમું કરીશું અને જે દિવસે આપણે આદિવાસીઓને આદરથી નહિ પણ કમસે કમ સાચી, સમાન બુદ્ધિથી જોવાની શરૂઆત કરીશું, તે દિવસે આપણને ખબર પડશે કે આદિવાસી પરંપરા એટલે ઊંડી, પ્રકૃતિપ્રેમી અને સાચા અર્થમાં ભૂતદયાવાદી વિચારપદ્ધતિની પરંપરા. અનેક ધર્મોમાં આ પરંપરા પ્રત્યક્ષ લાવવાના ઘણા પ્રયત્નો થયા. અને આ પ્રયત્નો પાછળથી પરંપરાની જંજાળમાં નેસ્તનાબૂદ થઈ ગયા. આદિવાસીના જીવનમાં આ વિચાર પરંપરા પ્રત્યક્ષ આચરણમાં વણાયેલી છે. તેથી, આદિવાસીનું રોજનું જીવન એ તેનું મુખ્ય તત્ત્વજ્ઞાન છે. અર્થાત્ત, આદિવાસીનો વર્તમાનકાળ એ જ તેનો પ્રગાઢ ઇતિહાસ છે.
(ગુજરાતી અનુવાદ : ધીરુબહેન પટેલ)
સૌજન્ય : “સાહચર્ય”,વાર્ષિકી : 2015; પૃ. 60-65