ઝીણા, કૂણા, સુંવાળા તડકે અચરજ જોયું આજે !
મીટડી માંડી, જોયા કરતી નજરને વળવા ના દે!
તારને ખેંચી, સર સર સરતા કરોળિયાની ક્રીડા
જાણે કોણે શીખવી આવી અજોડ,અથાગ લીલા!
પુલ નથી કે પાળ નથી ને મળે નહિ કોઈ ટેકો!
આઠ પગનો માનવમિત્ર, શીખવે ગર્વીલો ઠેકો!
ના કોઈ શાળા, ના કોઈ પાઠો, ના કોઈ ગુરુવિદ્યા,
મનને અડતી, રમ્ય મનોહર કેવી સુંદર કલા.
પડે પડે પણ ઊભો થઈને ચડતો તાંતણ તારે,
ફરી ફરીને, વળી વળીને વધતો ધારે ધારે.
નાનુ સરખું જીવડું રચતું જાળું આંખની સામે.
બ્રહ્મા જેવું ભવ્ય ને દિવ્ય, કૌશલ એકલ હાથે!
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com