છીછરા મધ્યમવરગને છીછરો નેતા ગમે,
લોહીથી ખરડાયલો છો, તોય વિજેતા ગમે!
કાળિયારોની ચીસો લોકો તરત ભૂલી જતાં,
ખુલ્લી છાતી રાખી ફરતો એ અભિનેતા ગમે!
તાજિયા-તાબૂત કાઢે એ જ રથયાત્રા વળી,
છાશવારે રક્તના જેને ઝરણ વ્હેતા ગમે!
અર્થશાસ્ત્રી કે કવિ-લેખકની વાણી વિષ સમ,
નિત નવી અફવા ઉડાડે એ ભવિષવેત્તા ગમે!
મદછકેલી વાહવાહી ને ખુશામતના જશન,
દેશને મારા હવે ક્યાંથી નચિકેતા ગમે?
૨૦૧૬