સિંગુર, સાણંદ, ઉના … શું છે આ બધું. સિંગુર ને સાણંદનો સંબંધ તો જાણે કે સમજ્યા, પણ ઉના એમાં ક્યાંથી આવ્યું?
લખવાનું લંગર છૂટી તો રહ્યું છે સિંગુર ચુકાદાના ધક્કેથી, પણ આ જહાજ ઉનાની ગોદીનું છે અને ગાંધીનગર-દિલ્હી જતે છતે એની સામે અભિગમની રીતે દિશાચીંધ હોકાયંત્ર એક અર્થમાં સેવાગ્રામ આશ્રમનું હોઈ શકે છે. વૈકલ્પિક રાજનીતિનો પથ પ્રશસ્ત કરી શકતી સુપ્રતિષ્ઠ મહુવા કૂચની વાંસોવાંસનાં વરસોમાં આવેલી પ્રથિતયથ ઉના કૂચ હજુ આપણા વાયુમંડળમાં શ્વસેનિ:શ્વસે છે તેવે સિંગુર ચુકાદાને કેમ ઘટાવશું વારુ? ભાઈ, સાદો હિસાબ છે, તમે કહેશો-ખેડે તેની જમીન! હા, પણ મારી પાસે ખેડ સારુ જમીન તો હોવી જોઈએ ને, મારા જેવું કોક અદકપાંસળું જણ પૂછશે.
રહો, ઉનાસેવાગ્રામની સફરના સળ ઉકેલને પહેલે જરી સિંગુર ચુકાદાને જાડો જાડો પણ વાંચી લઈએ. ડાબેરી સરકારે ‘ખેડે તેની જમીન’ની ઘાટીએ શરૂમાં કામ તો સોજ્જું કીધું, પણ ઝડપી અને વ્યાપક ઔદ્યોગિકીકરણની ઘાઈમાં ખેડૂતોની જમીન પૂરી સમજાવટ અને ધારાધોરણસર નહીં લેતાં સરકારી (અને પક્ષીય) જંતરડા વાટે કોઈ એક ઉદ્યોગગૃહ માટે હસ્તગત કરી. તો, કાનૂની પ્રક્રિયાભંગનો પ્રત્યક્ષ પ્રશ્ન (અને કોર્ટનો સીધો ઈલાકો નહીં એવો કૃષિ-ઉદ્યોગ સંતુલનનો વિવેકમુદ્દો) એકદમ જ ચિત્રમાં આવ્યાં અને ડાબેરીઓએ ખોયેલી ચૂંટણી પર કેમ જાણે અદાલતી થપ્પો પણ વાગ્યો.
સિંગુર જો કે નરેન્દ્ર મોદીના ‘વિકાસ’વેશને સુંડલામોંઢે ફળ્યું અને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગેલા તાતા શેઠે કહ્યું પણ ખરું કે ગુજરાતમાં ન આવે તે ‘સ્ટુપિડ’ છે. એમને તો ત્યારે કૃષિ’વર્સિટી સારુ નવપ્રયોગ માટે ફાળવેલી જમીન બખ્ખેબખ્ખા મળી, પણ આ જમીન પર ‘નેનો’ની ફસલ ન થઈ તે ન થઈ. ‘સ્ટુપિડ’ થવાનું ગુજરાતને ભાગે આવ્યું, બીજું શું. સૉરી, ભાગે આવ્યું એ કહેવું અધૂરું ને અપૂરતું છે. ભાગે ચાલુ રહ્યું એમ કહેવું જોઈએ, કેમ કે નમોના ‘સ્વાગતમ’ એસએમએસ અને રતન તાતાના ‘સ્ટુપિડ’ગાન વખતે પણ ગુજરાતચકિત ઉર્ફે મૂર્છિત હતું અને હવે ભરનોતરે નેનોની નકો નકો ફસલ વખતે ય છે. વિકાસ કદાચ વેશે ઓછો અને સંમોહિત ને મૂર્છિત કરતી મૂઠ વધુ છે!
સિંગુર, સાણંદ, ઉના … શું છે આ બધું. સિંગુર ને સાણંદનો સંબંધ તો જાણે કે સમજ્યા, પણ ઉના એમાં ક્યાંથી આવ્યું, ને વળી સેવાગ્રામ? પાટો જડતો નથી, એમ લાગે છે. સબૂર, ભાઈ, પાટેથી ખડી ગયાનો તો આ મામલો છે. મુદ્દે, મનુષ્યજાતિ ઘૂમન્તુ મટી સ્થિરવાસ કરતી થઈ અને કૃષિ સંસ્કૃિત વિકસી ત્યારથી નાનુંમોટું પણ પોતીકું ભૂમિસાધન એ માણસને નાગરિકમાં સ્થાપી શકે એવું મહત્ત્વનું ઘટક રહ્યું છે. ઉત્પાદનનાં સાધનોની બદલાતી તરેહ અને એથી માલિકીપલટા ને વર્ગસંક્રાન્તિની આખી લાંબી મીમાંસામાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે વિનોબાના અનન્ય ભૂમિદાન આંદોલનનો સૂત્રપાત જ આ ઇતિહાસબોજમાંથી અને એમાંથી શક્ય ઇતિહાસબોધમાંથી થયો હતો.
જે પહેલું ભૂદાન એમણે મેળવ્યું તે એક ભૂમિહીન શ્રમિકની એ માંગને પગલે હતું કે અમને કાંક નાનુંસરખું પણ ભૂમિસાધન મળી રહે તો હાઉં. હમણાં મેં ખેતમજૂરની જિકર કરી પણ એ એક વર્ગીય ઓળખ છે. ખેતમજૂર એ ઘણુંખરું દલિત હોય છે. અને આવી વર્ણીય ઓળખ એ ભારતીય સંસ્કૃિતનાં ઘણાં ઉમદા હોઈ શકતાં પાસાં વચાળે આપણી એક દુર્દૈવ નિયતિ રહેલી છે. ઉના આંદોલન દલિત પરિવાર દીઠ પાંચ એકર જમીનને મુદ્દે સૂચ્યગ્રપણે ઠરવા કરે છે ત્યારે ઇતિહાસનું એક આખું ચક્ર જાણે કે સમતા અને ન્યાય આધારિત નવા સમાજના સુસંકલ્પ અને અગ્રચરણ સાથે પૂરો થાય છે.
ગાંધીએ જન્મે સર્વપ્રથમ સત્યાગ્રહી તરીકે હક અને હોંશથી બરક્યા હતા તે વિનોબાએ સ્વરાજ પછી તેના અનન્ય ભૂદાન આંદોલનમાં પહેલું દાન એક દલિત કુટુંબ પાસેથી મેળવ્યું હતું. એ જોગાનુજોગ સમતા અને ન્યાયની દિશામાં માપી શક્યા હતા. એજન્ડાની દૃષ્ટિએ સૂચક છે. ગાંધીની વાત ન્યારી એ અર્થમાં હતી કે બેસતા સ્વરાજે એમણે કૉંગ્રેસ પ્રમુખ તરીકે જયપ્રકાશ નારાયણને કલ્પ્યા હતા. જે ત્યારે હજુ સર્વોદયરંગી કરતા વધુ તો માર્ક્સવાદી સમાજવાદી હતા એટલે એમના અભિગમમાં સ્વાભાવિક જ વર્ગસભાનતા હતી.
આ જ ગાંધીએ એ અરસામાં પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ તરીકે આંબેડકરનું નામ સૂચવ્યું હતું. એવી પણ એક વાયકા છે. ગમે તેમ પણ આપણે એટલું તો જાણીએ છીએ કે ગાંધીના સૂચનથી નેહરુ અને પટેલે આંબેડકરને કેબિનેટ સાથી તરીકે જોતર્યા અને બંધારણની વડી જવાબદારી પણ આંબેડકરને હિસ્સે આવી. જેમ વર્ગવાસ્તવને સમજવામાં જયપ્રકાશની જોડ નહોતી તેમ વર્ણવાસ્તવને સમજવામાં આંબેડકર અજોડ હતા. વર્ણ અને વર્ગ બન્ને વાસ્તવિકતાને સમજી ગાંધી સ્વરાજને સાર્થકતા આપવા આતુર હતા. પણ એ તો મજલ શરૂ થઈ તે, હજુ કેટકેટલીયે દડમજલ બાકી છે, ન જાણે.
ગમે તેમ પણ, આ પાયાનો મુદ્દો સ્વરાજના સિત્તેરમા વરસે ગાંધીનગર અને નવી દિલ્હીનાં સત્તાપ્રતિષ્ઠાનોને કેટલો પકડાયો છે એની ખાતરીબંધ ખબર આજની તારીખે તો આપણને નથી. ઉના આંદોલનથી જે વિચારોને ધાર અને આધાર સાંપડ્યા છે એમાં એક વિગત એ પણ છે કે હાલની ગુજરાત સરકારનો નવો ભૂમિસંપાદન કાયદો અન્યાયકારી છે.
બીજે છેડેથી, જૂના ભૂમિમાલિકો (છૂટ લઈને કહીએ તો બિલ્ડરો) પાટીદાર અનામતનો ઝંડો લઈ મેદાનમાં આવ્યા એ પણ યુગબલિહારી છે. આવતે અઠવાડિયે (8 સપ્ટેમ્બર, ગુરુવારે) ગુજરાતની પટેલધાની વરાછા રોડ પર ભાજપ શ્રેષ્ઠીઓનું સામૈયું કરતો પાટીદાર ઓચ્છવ યોજાઈ રહ્યો છે. આ યોજકો હમણાં સુધી આંદોલનની પર્યાયી ઓળખ બની રહેલા હાર્દિક પટેલ પ્રત્યે ફરિયાદના સૂરમાં પણ જણાય છે. અનામત માટે આપણે બહાર પડ્યા હતા, પણ હાર્દિક હવે રાજનીતિ કરી રહ્યો છે, એવું એમનું કહેવું છે. હવે અનામતનું કોઈ બંધારણીય લૉજિક નથી એ સૌ જાણે છે.
જો જમીનમાલિકમાંથી બિલ્ડર કે અન્ય વ્યવસાયી થઈ પાટીદારો આગળ વધ્યા હોય તો એમની નવી પેઢીને વિકાસતકો નથી એવું તો નથી. જો જમીન પર જ રહ્યાથી પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે ફરિયાદ હોય તો એ પ્રશ્ન કૃષિ નીતિ, એકંદર અર્થનીતિ અને હાલના નિયોલિબરલ સંદર્ભમાં યોગ્ય નવસંસ્કરણ કરવાનો છે. જૂનીનવી ભાજપ-પાટીદાર યુતિએ કે તે ખરી કરવાની માગ અને મેળવવાના જવાબનાં આ વાસ્તવ સંદર્ભ છે. ભાજપ જોડે જે દલિત બૌદ્ધિકો ને કર્મશીલો પોતાને નજીક અનુભવે છે એમણે પણ હિંદુત્વ રાજનીતિ સબબ વર્ણવાસ્તવ ઉપરાંત આ સંદર્ભમાં માંડવાપણું છે.
ઉના આંદોલનમાં દલિત-મુસ્લિમ એકતાનું જે પાસું ખૂલ્યું ને ખીલ્યું તે કોમી ધ્રુવીકરણની વોટબૅંકી રાજનીતિ કરતાં જરૂર એક જુદી સ્વાગતાર્હ શક્યતા હોઈ શકે છે. પણ તે એકતાએ પણ આ વાસ્તવસંદર્ભ સાથે કોઈક ધોરણે કામ તો પાડવું જ રહેશે. વિકાસની નિયોલિબરલ ધારાની તેમ જ હિંદુત્વ રાજનીતિની ટીકા કરતાં બિનપક્ષીય જૂથો ગુજરાતમાં ખાસાંબધાં છે. પ્રશ્ન એ છે કે પાટીદાર અનામતથી માંડીને ઉના આંદોલન સહિતનાં બળે મારફતે નમો રાજનીતિની મર્યાદાઓ પડકારપાત્ર ધોરણે ઉભરી એ સાચું.
પણ હમણાં નિર્દેશ્યાં તે વૈકલ્પિક જૂથો અને આ નવાં બળો વચ્ચે કોઈ સાર્થક સંવાદ અને સિનર્જીની શક્યતાઓની દિશામાં કોઈ વિચારણા અને કાર્યવાહી થઈ શકે કે કેમ. અલબત્ત કેવળ કાનૂનસુધારે અટક્યે નહીં ચાલે. આખી પ્રક્રિયા કંઈક ઊંજણ/સ્નેહન માગી લે છે. ઉનાના અસરગ્રસ્તો ચાહે તો એમને સેવાગ્રામ આશ્રમમાં આવકારવાની, પચીસ વરસ લગી એમની બાલાશ જાણવાની ઑફર એ રીતે ગાંધીવિનોબાની ધારામાં હોઈ શકતી એક સહૃદય ચેષ્ટા છે.
સૌજન્ય : ‘દડમજલ’, “દિવ્ય ભાસ્કર”, 03, સપ્ટેમ્બર 2016