અશ્લીલતા પર પ્રતિબંધ મૂકવાથી સમાજ શીલવાન બને છે, ફાંસી જેવી બહુ આકરી સજા કરવાથી સમાજ અપરાધમુક્ત બને છે, વ્યસનો પર પ્રતિબંધ મૂકવાથી સમાજ વ્યસનમુક્ત બને છે અને શસ્ત્રો દ્વારા સવાયા બનવાથી જગતમાં શાંતિ સ્થપાય છે એ માન્યતાઓ મિથ છે. આમાં સત્ય તો બાજુએ રહ્યું, સત્યાંશ પણ નથી
અશ્લીલતા પર પ્રતિબંધ મૂકવાથી સમાજ શીલવાન બને છે, ફાંસી જેવી આકરી સજા કરવાથી સમાજ અપરાધમુક્ત બને છે, વ્યસનો પર પ્રતિબંધ મૂકવાથી સમાજ વ્યસનમુક્ત બને છે અને શસ્ત્રો દ્વારા સવાયા બનવાથી જગતમાં શાંતિ સ્થપાય છે એ ચાર માન્યતાઓ મિથ છે. આમાં સત્ય તો બાજુએ રહ્યું, સત્યાંશ પણ નથી. આમ છતાં જગતના શાસકો આવી ચેષ્ટા કરતા રહે છે, કારણ કે એ માનવસભ્યતાની ચિંતાનો વિષય છે અને એની જરૂરિયાત પણ છે. શીલવાન અને વ્યસનમુક્ત સમાજ તેમ જ શાંતિની વિશ્વને જરૂર છે.
આજે છઠ્ઠી ઑગસ્ટ છે. બરાબર ૭૦ વર્ષ પહેલાં ૧૯૪૫ની છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જપાનના હિરોશિમા નગર પર સવારે સવાઆઠ વાગ્યે અણુબૉમ્બ ફેંક્યો હતો. આટલા પ્રચંડ પ્રમાણમાં સામૂહિક નરસંહારની એ પહેલી ઘટના હતી. ગણતરીની મિનિટોમાં ૭૦થી ૮૦ હજાર લોકો માર્યા ગયા હતા. જપાનમાં હાહાકાર મચી ગયો હતો તો યુરોપના મિત્રદેશોમાં અને અમેરિકામાં પ્રજા ચિચિયારીઓ પાડીને સામૂહિક હિંસાની ઘટનાને વધાવતી હતી. માણસની જાત છે.
પીડા જોઈને કરુણા પણ એ જ વરસાવે છે અને પીડા પણ એ જ આપે છે. ગણતરીની મિનિટોમાં એક લાખ જેટલા માણસનો સંહાર એ માનવઇતિહાસની સૌથી વિકૃત ઘટના હતી અને મોતના સમાચાર સાંભળીને પાડવામાં આવેલી ચિચિયારીઓ એનાથી મોટી વિકૃત પ્રતિક્રિયા હતી. માનવસભ્યતાની વિકૃતિની દાસ્તાન અહીં પૂરી નથી થતી. હિરોશિમા પર અણુબૉમ્બ ફેંકવા છતાં જપાન શરણે આવ્યું નહીં ત્યારે નવમી ઑગસ્ટે નાગાસાકી શહેર પર અમેરિકાએ બીજો હુમલો કર્યો હતો.
અણુબૉમ્બની તાકાત એટલી પ્રચંડ હતી અને એણે એટલી ગરમી પેદા કરી હતી કે હિરોશિમા સ્ટેશન પરનો લોખંડનો ફુટઓવર બ્રિજ ઓગળી ગયો હતો અને તળાવનું પાણી ઊકળવા લાગ્યું હતું. જે લોકો ગરમીથી બચવા તળાવમાં કૂદી પડ્યા હતા તેઓ ઊકળતા પાણીમાં બફાઈને મરી ગયા હતા. આ તો એ સમયે થોડા કલાકો દરમ્યાન લોકોએ અનુભવેલી યાતના છે. એનાથી મોટી યાતના એ છે કે બીજા લાખો માણસો કાયમ માટે રેડિયેશનનો ભોગ બની ગયા હતા અને તેમણે રિબાઈ-રિબાઈને જીવન પૂરું કર્યું હતું. હજી આનાથી મોટી યાતના એ છે કે હિરોશિમા અને નાગાસાકીની ત્રીજી પેઢી રેડિયેશનની અસર સાથે જન્મે છે અને રિબાય છે. માણસજાત આને પ્રગતિ કહે છે અને જગતઆખામાં અણુકાર્યક્રમનો મહિમા કરવામાં આવે છે. અણુકાર્યક્રમ ધરાવતા દેશો વિકસિત કહેવાય છે. વિડંબના એ છે કે બે વિશ્વયુદ્ધ અને હિરોશિમા અને નાગાસાકીની ઘટના માનવીયતાને નવી ઊંચાઈ આપનારા શાંતિના ફરિસ્તા મહાત્મા ગાંધીની હયાતીમાં બની હતી.
અણુઊર્જા સસ્તી પડે છે અને ઓછું પ્રદૂષણ પેદા કરે છે એવું અણુના શાંતિમય હેતુ માટેના ઉપયોગનું એક મહિમામંડિત તર્કશાસ્ત્ર ઊભું કરવામાં આવ્યું છે. આમાં અણુભઠ્ઠીમાં ગમે ત્યારે થઈ શકનારા સંભવિત અકસ્માતના નુકસાનને ગણતરીમાં લેવામાં આવતું નથી. અમેરિકામાં નેવાડા અને રશિયામાં ચેર્નોબિલમાં અકસ્માત થઈ ચૂક્યા છે જેણે કરેલા નુકસાનની વિગતો જાહેર કરવામાં આવતી નથી. બે વર્ષ પહેલાં જપાન પર ત્રાટકેલી સુનામીને કારણે અણુભઠ્ઠીને નુકસાન પહોંચ્યું હતું.
માનવભૂલ અને કુદરતી આફત એ બે ચીજની કોઈ ખાતરી હોતી નથી. એ ગમે ત્યારે થઈ શકે છે. વાસ્તવમાં અણુનો શાંતિમય ઉપયોગ એ બહાનું છે. એક વાર યુરેનિયમને એનરિચ્ડ કરવાની ટેક્નૉલૉજી હાથ લાગી ગઈ એ પછી ગણતરીના કલાકોમાં અણુબૉમ્બ બનાવી શકાય છે અને એ જ અણુના કહેવાતા શાંતિમય ઉપયોગના બહાના પાછળનો અસલ હેતુ છે.
અમેરિકા અને રશિયા બન્ને પાસે અણુશસ્ત્રો હતાં એટલે બે મહાસત્તાઓ વચ્ચે સીધું યુદ્ધ નહોતું થયું અથવા ત્રીજું વિશ્વયુદ્ધ નહોતું થયું એવી દલીલ કરવામાં આવે છે. બે મહાસત્તાઓ વચ્ચેના એ સંઘર્ષમય દિવસોને શીતયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. એ શીતયુદ્ધ પ્રત્યક્ષ યુદ્ધમાં ન પરિણમ્યું એનું શ્રેય અણુશસ્ત્રોને આપવામાં આવે છે. આ વાત કંઈક અંશે સાચી છે. અણુશસ્ત્રોના ભયને કારણે અમેરિકા અને સોવિયેટ રશિયા વચ્ચે સીધું યુદ્ધ નહોતું થયું, પરંતુ એવો કોઈ દાયકો વીત્યો છે કે જગતમાં કોઈ સ્થળે યુદ્ધ જ ન થયું હોય?
આ ઉપરાંત નાનાં-નાનાં યુદ્ધો, ગણતરીપૂર્વકનો નરસંહાર, કારગિલ જેવાં સ્થાનિક અને મર્યાદિત યુદ્ધો થતાં જ રહે છે. ભારત અને પાકિસ્તાન બન્ને પાસે અણુશસ્ત્રો હોવા છતાં કારગિલની ઘટના બની હતી અને સરહદે શાંતિ હોય એવું એક પણ વર્ષ વીત્યું નથી. અમેરિકા પાસે અણુશસ્ત્રો હોવાં છતાં ઈરાને અમેરિકન એલચીકચેરીના કર્મચારીઓને દોઢ વર્ષ સુધી બાન પકડી રાખ્યા હતા. ફ્રાન્સિસ્કો ફ્રાન્કો (સ્પેન), પૉલ પોટ (કમ્બોડિયા), કર્નલ કદ્દાફી (લિબિયા), સદ્દામ હુસેન (ઇરાક), ઈદી અમીન (યુગાન્ડા), પિતા-પુત્ર કિમ જૉન્ગ (ઉત્તર કોરિયા) જેવા ગાંડા શાસકો અણુશસ્ત્રોની શોધ થયા પછી અને એના હોવા છતાં પેદા થયા છે.
બટ્રાર્ન્ડ રસેલે તેમના ‘પાવર’ નામના નાનકડા પુસ્તકમાં લખ્યું છે કે ગાંડો અને વિકૃત માણસ સત્તા સુધી નહીં જ પહોંચી શકે એવું માનવામાં જોખમ છે. લોકશાહી માર્ગે પણ એવો માણસ સત્તા સુધી પહોંચી શકે છે જે રીતે હિટલર પહોંચ્યો હતો. ઇઝરાયલના શાસકો લોકશાહી માર્ગે ચૂંટાઈને, ઇઝરાયલની યહૂદી પ્રજાની સંમતિ સાથે પૅલેસ્ટીનની પ્રજા પર જુલમ ગુજારે છે. વિવેકની કોઈ શાશ્વતી ન હોય ત્યારે જોખમો પેદા કરવામાં જોખમ છે.
આખું જગત પાકિસ્તાનનાં અણુશસ્ત્રો ત્રાસવાદીઓના હાથમાં તો નહીં આવેને એ વાતે ભયભીત છે. આવી પણ શકે છે. મ્યાનમાંથી તલવાર ગમે ત્યારે નીકળી શકે છે, બંદૂકનો ઘોડો ગમે ત્યારે દબાઈ શકે છે અને અણુવિસ્ફોટ ગમે ત્યારે થઈ શકે છે. શસ્ત્રો પેદા કરી શકાય છે, વિવેક પેદા કરવાનું વિજ્ઞાન વિકસ્યું નથી અને વિકસવાનું નથી. એટલે બીજા કરતાં સવાયા શક્તિશાળી હોવાથી શાંતિ જળવાય છે એ માન્યતા ખોટી છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2015
http://www.gujaratimidday.com/features/columns/features-columns-6-8-2015-6