‘સ્ટૅન્ડ’ લેવાનું, એટલે શું કરવાનું ?
તમે આ છેલ્લા કેટલાક દિવસોથી ‘સ્ટૅન્ડ લો, સ્ટૅન્ડ લેવું જોઈએ, સ્ટેન્ડ લેતા નથી’, એમ બબડો છો, તે હવે મારું માથું તપી ગયું છે. ગુજરાતીમાં કેમ બોલતા નથી આટલું વાક્ય? ‘સ્ટૅન્ડ લેવાનું’ એટલે શું કરવાનું? ઊભો તો છું બરાબર, પછી વળી વધારાનું કયું સ્ટૅન્ડ લઉં?
શું કહ્યું તમે? આને ટેકો આપ્યો એટલે પેલાને ના અપાય, અને પેલાને સમર્થન આપ્યું. તેથી આને ના અપાય, એમ વળી કોણે કીધું? અમે તો ભઈ ઉદારમત ધરાવીએ, આને, તેને, પેલાને, ઓલાને, તમામને ટેકા આપીએ અને સામેથી જે મળે એ લઈએ પણ ખરા, તમે શું આપો છો? ડિંગો? તો તમને ટેકો ક્યાંથી મળે? કઈ સદીમાં જીવો છો, ભલા આદમી! ગાંધીબાપુની? અચ્છા, અચ્છા, એ તો વળી સારું જ છેને! બાપુ તો મહાન હતા, એમણે સિદ્ધાંતનિષ્ઠાની કેટલી સરસ વાત કરેલી! આપણો ય ચોખ્ખો સિદ્ધાંત છે, ક્યાંકથી કશુંક પ્રાપ્ત થવાનું હોય, થતું હોય, થવાની સંભાવના હોય, સંભાવનાનીયે સંભાવના હોય, તો ‘ક્યાંક’કે ટેકો આપવો, ધારો કે કશુંયે ના મળવાનું હોય તોપણ કોઈની બેડ બુક્સમાં શા માટે આવવું? ગૂડ બુક્સમાં રહીએ તો નામ ઊજળું રહે, આપણે ‘સર્વમિત્ર’ તરીકે સ્વીકૃતિ પામીએ. એમ હોય તો આવું ચપટી જે મળે તે નમ્રભાવે ગ્રહણ કરીએ, ‘ના’ પાડીએ નહીં કદી. એક નન્નો સર્વ પીડાનું મૂળ. જ્યાં બોલાવે ત્યાં જઈએ અને સ્થાન શોભાવીએ. સ્થાન શોભાવવું એ જ તો જીવનનો સાર છે! જીવનના આ તબક્કે બીજું શું કરવાનું?
તે લો! આમાં વ્યક્તિત્વની પ્રામાણિકતા અને સત્યપ્રિયતા કે સુગ્રથિતતા ક્યાં આવી?
એવા ભારે-ભારે શબ્દો વાપરીને મને ડરાવો નહીં. મને તો એક બાબતનો પાકો ભરોસો, આ શ્વાસ લઉં છું તે મારી સ્વાયત્તતા નહીં કે? માનું છું કોઈનું કે એક મિનિટમાં અમુકતમુક શ્વાસ જ લેવાના? બંધાયો છું કશાથી? બસ, આ જ છેવટની સ્વતંત્રતા કે સ્વાયત્તતા, કે જે ગણો તે!
શું બોલ્યા તમે? એ દિવસોમાં જે ઠરાવને અમારી સહી આપી, એનાથી સાવ વિરોધી કહેવાય, એવા વર્તનને સમર્થન કેમ આપ્યું, એમ સવાલ કરો છો? અરે, જાણતા નથી, man is a bundle of contradictions ! માનવમાત્ર વિરોધાભાસોનું પોટલું છે, આ કાયમનું સત્ય છે, લખી રાખો મારા તરફથી. મનખામન તો વિરોધી વિચારોનો શંભુમેળો છે. તમે અમથું-અમથું જ ‘સ્ટૅન્ડ લો, સ્ટૅન્ડ લો’ કર્યા કરો છો! કોઈ આદરથી બોલાવે, માન આપે, નોંતરે, તો શું અનાદર કરવો નોતરવાનો? ના ના, તમે જ બોલો, આપણા સંસ્કાર આપણને તોછડા બનાવે?
મારે ‘ના’ પાડતાં શીખવું જોઈએ, એવી સલાહ આપો છો? ‘ના’ શા માટે ભઈ? હું તમને કહીશ કે તમે ‘હા’ પાડો, અને જુઓ, એક ‘હા’ કેટલાં બારણાં ખોલી શકે છે! મેં બે અલગ-અલગ, સામસામા છેડાને મુદ્દે ‘હા’ કેમ પાડી? અરે, બે શું, હું તો બાર જગ્યાએ પણ ‘હા’ પાડીશ. એ મારી મુનસફી, મારી સ્વાયત્તતા. બેસણી વગરના જલપાત્ર જેવો છું હું, એમ આપેક્ષ કરો છો? તે એ તો વધારે સારું, બેસણાવાળાં જલપાત્રો તો સ્થિર રહે, બેસણી વિનાનું અત્ર, તત્ર, સર્વત્ર જલનો છંટકાવ કરી સઘળું પરિપ્લાવિત કરે. બજારમાં આવાં પાત્રોનું વિશિષ્ટ મૂલ્ય હોય છે, ભાન પડે છે કંઈ? તમારી પાસે રતિભાર પણ વહેવાર બુદ્ધિ હોય તો તમે આ ફટાફટ સમજી શકો.
જુઓ, હવે ફરી ‘સ્ટૅન્ડ લો !’ એ રટણ ચાલુ ના કરશો. માતૃભાષામાં એને શું કહેવાય છે એ સમજાવો. ‘સ્ટૅન્ડ લેવાનું’ એટલે શું કરવાનું? મને સાફ ગુજરાતી કહી દેખાડો.
અરે, ના હોય એમ, સ્ટૅન્ડ લેવાની કોઈ સ્વચ્છ સુરેખ અને પર્યાપ્ત અભિવ્યક્તિ ગુજરાતીમાં નથી? શોધવાની બાકી છે, એમ?
– તો એ જ કરોને, ભલા માણસ! બીજી બધી લમણાંફોડ છોડીને …
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 19