ઝીણું પણ ઝડપાઈ જવાનું, ઝીણવટ આવે ત્યારે સાચું,
આચાર અને ઉપચારના ચીલે ચીવટ આવે ત્યારે સાચું.
હાથ હથેવાળો કરવાથી જામોકામી ક્યાં જોડાતું?
ઉછરંગ ભર્યા આ ઉર-મોઝારે ઊલટ આવે ત્યારે સાચું.
અક્ષત, કપૂર, અબીલના રંગે, પંચામૃતે કે રૂ-વાટે,
ખુલ્લા આ આકાશો જેવી ચોખટ આવે ત્યારે સાચું .
ગેરીલા-છાપાઓ જેવું ફાસફૂસિયું કવરાવે છે,
લાગ જોઈને છો આવે પણ લાગટ આવે ત્યારે સાચું.
ઝલક, ક્લ્પના, ગેબીવાણી, રોમહર્ષ સૌ અપરસ જેવાં,
અંતરપટ અવશેષ કરીને પરગટ આવે ત્યારે સાચું.
5/8/2015
હથેવાળોઃ પાણિગ્રહણ, વરકન્યાના જમણા હાથની હથેળી એકબીજાની હથેળીમાં મૂકી ઉપર વસ્ત્ર વીંટવાની ક્રિયા
જામોકામીઃ ચિરંજીવી, અમર, યાવચ્ચંદ્રદિવાકરૌ, કાયમી પ્રકારનું
ઉછરંગઃ ઉમંગ, ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ
મોઝારે : અંદરના ભાગમાં, મધ્યે
ઊલટઃ હેત, હોંશ, હરખ, આતુરતા, ઉત્સુકપણું
ચોખટઃ ચોખ્ખાઈ, પવિત્રતા, સ્પષ્ટતા
કવરાવવુંઃ હેરાન કરવું, સતાવવું, થકવી દેવું, કવિતા કરાવવી, વર્ણન કરાવવું
લાગટઃ સતત, અવિરત, એકસામટી રીતે, લગાતાર
અંતરપટ: આડું રાખેલું કપડું, પડદો, કનાત , ભેદ, જુદાઈ
અપરસ : કોઈને અડાય નહિ એવી સ્થિતિમાં હોવું તે, પૂજામાં બેસવા માટે નાહી ધોઈને સ્વચ્છ થયેલ, યથાસ્થાન જે રસ આવવો જોઇયે તે ન આવતાં એને સ્થાને ખોટી રીતે નિરૂપાયેલો રસ