સ્વાધ્યાય અને સંઘર્ષનો ગુણાકાર઼ એટલે સનત મહેતા
સનત મહેતાની ઓળખાણ ‘વિકાસ માટે રાજકારણ’ અને ‘ગરીબો માટે અર્થકારણ’ એવી રીતે પણ આપી શકાય
ભરરાજકારણે પણ મોકો મળે તો હાર્વર્ડ સ્કૂલમાં ભણું, એથી હેઠ કંઈ નહીં એવી જિદ સાથે વિશ્વપ્રવાહોનો તાગ મેળવવો પસંદ કરે એવી એક સ્વતંત્રતા-સૈનિક એટલી જ સમાજવાદી કહેતાં વિકાસકર્મી ગુજરાત પ્રતિભા તો એ કે'દીના હતા જ : વિશ્વ ગુજરાત સમાજ આજે એમને ‘ગુજરાત પ્રતિભા’ લેખે પોંખે છે એ તો નેવું નાબાદ સનત મહેતાના કિસ્સામાં એક ઔપચારિકતા માત્ર છે. અલબત્ત, એક એવી ઔપચારિકતા જેનાથી સન્માન અને સન્માનિત બેઉ સાર્થકપણે શોભી ઊઠે.
બને કે યોજકોએ કદાચ શનિવારની કે એવી કોઈ સગવડ જોઈ હશે, પણ તારીખનો જે જોગાનુજોગ બની આવ્યો છે એય મજાનો છે : 1956ની એ આઠમી ઓગસ્ટ જ તો હતી, જ્યારે મહાગુજરાત આંદોલનનો સૂત્રપાત થયો હતો અને આંદોલનના અવાજ લેખે જૈફ ઇન્દુલાલની વાંસોવાંસ એક યુવા અવાજ, નામે સનત મહેતા, ગુજરાતના જાહેર જીવનના મંચ પર છવાઈ ગયો હતો. હાર્વર્ડ સ્કૂલ અને મહાગુજરાત આંદોલન, સ્વાધ્યાય અને સંઘર્ષ, બેઉનું સાથે લગું સ્મરણ એક રીતે સનત મહેતાનું આખું વ્યક્તિત્વ સુરેખપણે ઉપસાવી આપે છે. વિદ્યાર્થી કાર્યકર તરીકે સન બયાલીસ બાદ ઉભરેલા સનતભાઈનો બાયોડેટા છે પણ ખાસ્સો મજબૂત. બબ્બે વાર રાજ્યના મંત્રીમંડળ પર હોવું, એકાધિક વિધાનગૃહો ગજાવવાં, લોકસભે ઝળકવું, નર્મદા નિગમનું અધ્યક્ષીય સુકાન સંભાળવું. જો કે કોઈ હોદ્દાકીય ઓળખના ખાનામાં એમને નાખવા સહેલ નથી. અને માત્ર આવી ઓળખે જ ખતવાતું હોય તો સનત મહેતાને નિમિત્ત કરીને કોલમકારી હંકારવાનો ય મતલબ નથી.
કદાચ (અગર, કાશ) એ મુખ્યમંત્રી થઈ શક્યા હોત … હયાતીમાં જ શોકપ્રશસ્તિ જેવી તરજ પર એમને વિશે વાત કરવી પણ હું પસંદ ન કરું. 1975ના જૂનની 25મી સરખી જળથાળ રેખા પછી પણ ‘તમે કોંગ્રેસમાં કેમ હતા’ એવી પૃચ્છા લગભગ ટોણાની ઢબે ક્યારેક કરી હોત – અને એમાં કશું ખોટું પણ નહોતું – પરંતુ આજે આ નેવું નાબાદ શખ્સિયતને જરી જુદેસર જોવા મૂલવવાનો અને એ રીતે એમની સન્માનાર્હતાને સમજવાનો ખયાલ છે. ગાંધીનો સાચો વારસ કોણ એ પ્રશ્નના ઉત્તરમાં સનતભાઈ જયપ્રકાશમાં લાંગરતા રહ્યા છે એમાં એમની પોતાની કાર્યભૂમિકાને સમજવાની એક ચાવી રહેલી છે.
સ્વરાજ પછી સમાજવાદીઓએ વિકલ્પની રાજનીતિના ધોરણે વિચાર્યું, અને હાથમાં હોઈ શકતી સત્તાથી કંઈક પરહેજ કરીને ચાલ્યા. સમાજવાદની એમની સમજમાં જો માર્કસનું યોગદાન હતું તો ગાંધીની સુષમા પણ કમ નહોતી.
સત્તાપ્રતિષ્ઠાન સાથે કામ પાડતી વેળાએ એમનાં વૈચારિક વલણો સ્વાતંત્રતાની લડતે સિંચિત અને ગાંધીમાર્કસે સંમાર્જિત રહ્યાં. હવે જાહેર જીવનના સહેજે સાત દાયકે, ચોક્કસ પક્ષમાળખા બહાર સનત મહેતાની ઓળખાણ એમના પોતાના શબ્દોમાં ‘વિકાસ માટે રાજકારણ’ અને ‘ગરીબો માટે અર્થકારણ’ એવી પણ આપી શકાય. સનતભાઈ જે તે પ્રશ્નોને જે રીતે તપાસતા અને યથાપ્રસંગ ઉપાડતા જણાય છે તેમાં તેમને એની ઝલક મળશે. વિદર્ભમાં એક મહિનામાં 125 ખેડૂતોની આત્મહત્યા એ અવશ્ય હેડિંગહાહાકાર ઘટના છે. પણ આપણા ચરિત્રનાયક મથાળે અગર કેવળ સંવેદનકથાએ નહીં અટકતાં ભીતર અને આરપાર જશે. કિસાનને સારુ ધિરાણના સવાલો, કપાસના ખરીદવેચાણના પ્રશ્નો, દેશની કૃષિનીતિની મર્યાદાઓ – તમને વૈચારિક એટલો જ નીતિવિષયક એક સમગ્ર અભિગમ એમની લેખનચર્યામાંથી મળશે.
ખરું જોતાં કોઈ પણ પ્રકારની જાહેર બહસ અને દિલખુલાસ તપાસ વગર દેશ જે રીતે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના દોરમાં પ્રવેશ્યો છે તે જોતાં આવી સતત ચિંતા અને નિસબતની જરૂરત છે. છેલ્લાં વર્ષોના એમના લેખો કે મહુવા આંદોલનમાં કલસરિયા સાથે સીધી સંડોવણી અને માર્ગદર્શન જેવી સક્રિયતા, આ બધું ધ્યાનથી જોઈએ તો જણાશે કે વૈશ્વિકીકરણની વાસ્તવિકતા પકડીને ગરીબ માણસની ચિંતાયુક્ત આર્થિક વિચારણા અને નીતિઘડતરનું કંઈકે વલણ હાલ ગુજરાતને તખતે એમનું એમ છે. લંડન ઇકોનોમિસ્ટે જેનામાં ‘ધ અધર ગવર્નમેન્ટ ઇન બાંગલાદેશ’નું વિત્ત જોયું તે યુનુસ અને એમની ગ્રામિણ ધિરાણ બેન્કથી ગુજરાતને પરિચિત કરાવવાનો એમનો ઉત્સાહ આ સંદર્ભમાં તરત સાંભરશે.
કોર્પોરેટ માહોલ વચ્ચે પૂર્વ પટ્ટીના આદિવાસીઓને કેન્દ્રમાં મૂકીને વિચારનારા કેટલા ઓછા લોકો હશે? વડોદરાના કવાંટ તાલુકાના આંબાડુંગર પાસેના પહોડામાંથી ફ્લોસ્પાર નામનું ખનિજ નીકળ્યું. ગુજરાત રાજ્ય ખનિજ નિગમ (એ પણ સરકારી કોર્પોરેટ!) ફ્લોસ્પારના કારખાનામાંથી કરોડો કમાયું. એક સનત મહેતાએ પૂછ્યું કે આ વિકાસનો રેલો પેલા કારખાનાની સાવ નજીક આવેલા આંબાડુંગર ગામ સુધી પણ ન પહોંચ્યો એવું કેમ. સહભાગી અને સંપોષિત વિકાસની નવી રાજનીતિ તેમ જ પરંપરાગત રાજકીય અર્થનીતિ વચ્ચે કડીરૂપ હોઈ શકતી એમની સમજ એમને બાકીના ઘણાથી જુદા તારવી આપે છે. એક રીતે, ઔદ્યોગિક ક્રાંતિના બીજા મોજા અને ટેકનોટ્રોનિક ક્રાંતિના ત્રીજા મોજાની સંક્રાન્તિ જાણનારા જૂજ લોકો પૈકી એ છે.
વાત એમ છે કે કોમવાદનો મુદ્દો બાદ રાખો તો રંગઢંગની રીતે કોંગ્રેસ અને ભાજપ એકબીજાનાં રાજકીય અડધિયાં પુરવાર થવાની જીવલગ હોડમાં પડેલાં છે. નવયુગી રાજકારણ માટે એ બંનેની પાત્રતા પ્રશ્નાર્થે ગ્રસ્ત છે. કટોકટી પછીના નવઉઘાડમાં જયપ્રકાશ નામે મેગા માહોલના મેળમાં આપણે ત્યાં ચાલુ રાજકારણની બહારથી ઊભરેલું પરિબળ એનજીઓનું હતું. રજની કોઠારી જેવાઓએ એક તબક્કે એમાંથી નવી રાજકીય પ્રક્રિયાઓ વાટે વિકલ્પ પ્રગટશે એવી આશા પણ સેવી હતી. ફંડિંગ સહિતનાં કારણવશ એનજીઓ પરિબળોએ રાજકીય પ્રક્રિયાઓથી સલામત અંતરનો વ્યૂહ લીધો. પણ એમનું ચોક્કસ અર્પણ હોઈ શકતું હતું તેને આત્મસાત્ કરવાની રગ જેમની કને હોઈ શકે એવા એક રાજકારણી સનતભાઈ છે.
કેમ કે, એમની ઇનિંગ્ઝ હજુ, પૂરી નથી થઈ, દાવ લેતે લેતે અગર તે લેવાની રીતે જ હૃદયના હક્કથી જાહેર જાસાની પેઠે બે માંગ : જાહેર જીવનના સાત દાયકાના સંસ્મરણોની કથા ઝટ આપો! અને હા, વૈશ્વિકીકરણની દુર્નિવાર પ્રક્રિયા વચ્ચે ‘જોબલેસ ગ્રોથ’ અને હાંસિયામાં મુકાતાં આયખેઆયખાંને અનુલક્ષીને અપેક્ષિત અર્થનીતિ વિશે ગુજરાતને એક હાથપોથી આપો. બંને વાનાં ગુજરાતના હાલના વિમર્શભટકાવમાં કંઈક દુરસ્તીની શક્યતામાં પાથેયરૂપ બની રહેશે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 08 અૉગસ્ટ 2015