જાણે એક વાર્ષિક મિલનની પરંપરા હોય તેમ, ઓણ સાલની માફક આ સાલ પણ, બે દિવસ પહેલાં, વિપુલ કલ્યાણી માન્ચેસ્ટર આવ્યા એ નિમિત્તે તેમની સાથે અને દીપક બારડોલીકર સાથે સંવાદ કરવાનો લ્હાવો લીધો.
જ્યારે બે પત્રકારો, લેખકો અને કવિ ભેળા મળે ત્યારે સામાન્ય રીતે અખબારી જગત, સામયિકોમાંના લેખોની ગુણવત્તા અને સ્વ તથા અન્યના રચાયેલાં ગદ્ય-પદ્યની આલોચના જેવા મુદ્દાઓ પર વાત થતી હોય છે. પરંતુ આ ભેરુબંધ બેલડી કંઈક અનોખી હોવાથી, તેમનો મેળાપ કોઈક વિખૂટા પડી ગયેલા ભાઈઓ, વર્ષો પછી મળતા હોય તેમ, અતિ હૂંફાળા આવકાર અને પરસ્પરના કુશળ સમાચારોની આપ-લેથી શરૂ થાય.
કોઈ અૅજન્ડા વિનાની મિટિંગનો લાભ એ કે જેમ શઢવાળા વહાણને પવનનો રુખ જ્યાં લઈ જાય એ દિશા ભણી એ ચાલે તેમ, આ સંવાદ પણ સ્વૈરવિહારી હતો. કેટલાક આ દેશમાં અને ખુદ ભારતમાં પ્રકાશિત થતા સમાચારપત્રો અને વિચારપત્રોનું પોત હવે પાતળું થતું હોય તેમ જણાય છે, અને તેનું કારણ લખનારાઓ પાસે વિષય-જ્ઞાનનું ઊંડાણ અને સમજણનો અભાવ અને વાચક વર્ગની આ માધ્યમોમાં રજૂ થતા વિષયો પ્રત્યેની ઉદાસીનતા હોઈ શકે, તેમ આ બંને પત્રકારોને લાગ્યું. કોઈ પણ પ્રકારનું સાહિત્ય જે તે સમાજ જીવનની ઉપજ હોય છે અને સબળ સાહિત્ય સમાજ જીવનને બદલવા કે સુધારવામાં નિમિત્ત પણ બનતું હોય છે. આજથી બે-ત્રણ દાયકાઓ પહેલાં સમાજ અને સાહિત્ય વચ્ચેની આવી પરસ્પર લેણ-દેણ હતી તે હવે ઘટી ગઈ છે, અને લોકો પાસે સંવાદ માટેનાં નિતનવાં સાધનો ઉપલબ્ધ થવાને કારણે, પુષ્કળ માહિતી મળવા લાગી છે, પણ જ્ઞાન-નિધિનું જાણે તળિયું દેખાવા લાગ્યું છે, એવો સાર વાતચીતમાંથી મળ્યો.
દીપકભાઈએ પોતાના હૈયાની મૂંઝવણ કહી, ‘આ મારાં પુસ્તકોનું મારી હયાતી બાદ શું થશે ? મારે હાથે તેનો યોગ્ય નિકાલ કરવો છે. કોઈ વિકલ્પ હોય તો કહો.’ … શાંત પાણીમાં પથ્થર પડે અને જેમ વમળો ઊઠે તેમ અમારા સહુ વચ્ચે વિચારોની આપ લે થઈ.
માદરે વતનને સલામ કરીને પારકી ભૂમિમાં મૂળ નાખનાર સહુને એ અનુભવ વહેલો મોડો થવાનો જ કે તેમની માતૃભાષા પોતાનાં જ સંતાનો, બૃહદ્દ કુટુંબ અને સમાજમાંથી તડીપાર થઈ રહી છે. ભાષા માત્ર માનવ જાતની લાગણીઓ, વિચારો અને મંતવ્યો વ્યક્ત કરવાની જરૂરિયાતમાંથી નીપજી છે. તેનું પણ બુદ્ધિમત્તા જેવું છે, જો વપરાય નહીં તો નાશવંત બને. સંસ્કારની પેઠે એ પણ માત્ર મા-બાપ સાથે જ વાપરવાની જણસ નથી, એને માટે તો બૃહદ્દ પરિવારના સભ્યો, પડોશીઓ, શાળાઓ, સાથી કાર્યકરો, મનોરંજન અને સંદેશવ્યવહારનાં માધ્યમો, એમ બધા એક ભાષા બોલનાર, વાંચનાર, લખનાર હોય તો એ ટકે. જ્યાં કુટુંબમાં માત્ર બે+બે જણાં હોય, પાડોશી કોણ છે તેની પણ ખબર ન હોય અને શાળાથી માંડીને તમામ જગ્યાએ કમ્પ્યુટરની જાળ ફેલાયેલી હોય, ત્યાં ઇંગ્લિશ નથી ટકવા પામી તો લઘુમતી કોમમાં બોલાતી ભાષાઓનું શું ગજું ? કેમ્બ્રીજ દ્વારા લેવાતી ગુજરાતી, હિન્દી અને પંજાબી GCSE નામે પરીક્ષાઓ લેવાનું રદ્દ થયેલું તે હવે ફરી શરૂ કરવાના વાવડ છે. ઘરમાં ન બોલાતી ભાષા શીખીને નવી પેઢી શું મેળવશે તેમ અમને સહુને લાગ્યું. કદાચ એક ત્રાહિત ભાષાની માફક માત્ર જિજ્ઞાસા ખાતર થોડા લોકો શીખે એવી આશા ભર્યા સૂર સાથે એ સંવાદ ત્યાં અટક્યો.
અહીં મને “ભૂમિપુત્ર” પખવાડિકમાં વર્ષો પહેલાં આવેલી વાર્તા યાદ આવી, જે ટૂંકમાં લખું. એક વયોવૃદ્ધ સન્નારીને શિષ્ટ વાંચનનો અજબનો શોખ. ઘરમાં પુસ્તકોની અાલમારીઓ ભરી પડી હોય. પતિના અવસાન બાદ, દીકરી મળવા આવે ત્યારે બંને એ પુસ્તકોનો રસાસ્વાદ માણે. કાળનું કરવું અને એક દિવસ એ સુજ્ઞ વાચકનું અવસાન થયું. દીકરીએ માની અનેક વસ્તુઓ કુટુંબીઓ, પાસ પડોશીઓ અને તેમની સંભાળ રાખનારાઓને આપી દીધી, પણ પુસ્તકો આપતાં જાણે માને હંમેશાં માટે ભૂલી જતી હોય, તેમ લાગવાથી સંગ્રહી મુક્યાં. થોડા સમય બાદ એ બંધ પડેલા ઘરમાં ચોરી થઈ અને ટેલીવિઝન તથા ફર્નિચર ગાયબ થયું. એટલે જમાઈએ હવે માનું ઘર વેંચી દેવાનો વ્યવહારુ ઉપાય બતાવ્યો. આ દીકરીની પોતાની દીકરી અને દીકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલાં. ગુજરાતી કે હિન્દી વાંચી ન શકે. પોતાના પતિને સમય ન મળે એટલે હવે આ માની છેલ્લી સ્મૃિત જેવાં પુસ્તકો પણ આપી દેવાં પડશે, એમ વિચારી એ સોફા પર ફસડાઈ પડી. બરાબર ત્યારે જ આ યુવાન દોહિત્ર અને દોહિત્રીએ માને વચન આપ્યું, ‘અમે હવે ગુજરાતી વાંચતાં શીખીશું, એ પુસ્તકો વાંચીશું અને એ રીતે નાની અમારી વચ્ચે રહેશે.’ મને પણ દીપકભાઈને એવું વચન આપવાની ઈચ્છા થઈ, પણ એ સંભવ નથી જાણીને ચુપ રહી.
અમારું વાતોનું વહાણ પવનની દિશા પ્રમાણે યુનાઇટેડ કિંગ્ડમથી ઉપડી, ભારત-પાકિસ્તાન થઈને, વિશ્વના ફલક પર ચાલવા લાગ્યું. વકરતી સાંપ્રદાયિકતા, હિંસક મનોવૃત્તિ, રાજકારણીઓની સત્તા લાલસાને કારણે ખેલાતા જંગ, સમાચાર માધ્યમોની પક્ષપાતભરી કે પૂર્વગ્રહયુક્ત અહેવાલો આપવાની નીતિરીતિ વગેરેને કારણે દુનિયા આખીમાં કોમી એખલાસ ભયમાં છે એ વિષે અમે ખૂબ વાતો કરી. જેમ ઉત્તમ સાહિત્ય રચવાને અને ધર્મ કે પંથ સાથે કોઈ નિસ્બત નથી તેમ આતંકવાદને પણ કોઈ એક ધર્મ કે પંથ સાથે નિસ્બત નથી તેવું તારણ નીકળ્યું. મા-બાપ યોગ્ય ઉછેર કરી બાળકોને સારાસારનો વિવેક શીખવે, શિક્ષકો ઉત્તમ નાગરિકતાના પાઠો ભણાવે, અર્થવ્યવસ્થા યુવાવર્ગની શક્તિઓને ખીલવે અને રાજ્ય વ્યવસ્થા ન્યાય અને કાયદાનું રક્ષણ કરે તો આવી ભૂંડી હાલત ન થાય એ બાબતે અમે સહુ સહમત હતાં.
ભારે મુદ્દાઓની હળવા મને ચર્ચા કરીને, ફરી મળવાના કોલ સાથે, વિખેરાયાં.
આશા છે આવતી મુલાકાત વખતે આ પરિસ્થિતિઓમાં કંઈક સુધારા થયા હોવાના ખુશખબર લઈને મળવાનું બને.
e.mail : 71abuch@gmail.com
છબી સૌજન્ય : જમીલ હાફેસજી [વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકર]