આજથી બરાબર ૭૦ વર્ષ પહેલાં જાપાનમાં જ્યારે એક પછી એક બે શહેરો પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવ જાતે જે વિનાશ જોયો હતો તે આજે પણ ભુલાયો નથી. આશરે ૨,૫૦,૦૦૦ને એક ક્ષણમાં મોતના મુખમાં ધકેલનારા આ બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી એક વ્યક્તિ બચી ગઈ હતી, જેનું નામ છે – સુતોમુ યામાગુચી.
સુતોમુને જાપાન સરકાર દ્વારા સત્તાવાર રીતે બે બે પરમાણુ હુમલામાંથી બચી જનારા એક માત્ર અસરગ્રસ્ત તરીકે જાહેર કરાયા હતા. ૨૦૧૦ની સાલમાં ૯૩ વર્ષની વયે લાંબું આયુષ્ય ભોગવીને સુતોમુનું નિધન થયું ત્યારે નાગાસાકીના મેયરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહેલું, એક મૂલ્યવાન વાર્તા કહેનાર અમે ગુમાવ્યા છે. દુનિયાના સર્વપ્રથમ પરમાણુ હુમલાને નજરે નિહાળનારા સુતોમુ પરમાણુ શસ્ત્રોની વિનાશકતાને એટલી સચોટ રીતે વર્ણવતા કે પરમાણુ શસ્ત્રો પર રીતસર નફરત થઈ જાય.
સુતોમુની આખી સ્ટોરી જોઈએ તો ૧૬ માર્ચ, ૧૯૧૬ના રોજ નાગાસાકીમાં જ તેમનો જન્મ થયો હતો. સુતોમુ ભણીગણીને એન્જિનિયર બનેલા. તેઓ પરમાણુ હુમલાનો ભોગ બન્યા ત્યારે મિત્સુિબશી હેવી ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે જ નોકરી કરતા હતા. નાગાસાકીના રહેવાસી એવા સુતોમુ કંપનીના કામસર જ હિરોશિમા ગયા હતા. હિરોશિમામાં તેઓ ત્રણ મહિના રોકાયા હતા અને બરાબર છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ તેઓ પોતાના બે સાથી કર્મચારી સાથે નાગાસાકી જવા નીકળ્યા હતા. તેઓ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ સુતોમુને યાદ આવ્યું કે તેઓ ઓળખ કાર્ડ તો કંપનીની ઓફિસમાં ભૂલી આવ્યા છે. સાથીઓને જવા દઈને પોતે પાછા ફર્યા અને બરાબર એ જ વખતે હિરોશિમા પર અમેરિકા દ્વારા ઝીંકાયો લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ અને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં જીવતું જાગતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું.
સુતોમુ નજરે નિહાળેલી પરમાણુ વિસ્ફોટની એ ઘટના વિશે કહેતા કે તેઓ પોતાના મિત્રોને રવાના કરીને ઓફિસ તરફ પાછા ફર્યા ત્યારે તેમણે શહેરના આકાશ પર એક વિમાન ઊડતું જોયું. બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિરોશિમા ઉપર યુદ્ધવિમાનોનું ઊડવું સ્વાભાવિક હતું. સુતોમુએ વિમાનમાંથી પેરાશૂટ નીચે આવતાં જોયાં અને આંખ મટકું મારે ત્યાં સુધીમાં તો તેમણે આંખો આંજી નાખે એવો ધડાકાભેર મોટો ભડકો જોયો અને પછી કાળા ધુમાડાનો મોટો ગોળો ઉછળ્યો. જાણે સળગતો સૂરજ ઉપરથી ધરતી પર પડયો હોય એવું લાગેલું. શહેરની વચ્ચોવચ્ચ ફેંકાયેલા બોમ્બના ત્રણેક કિલોમીટરના ઘેરાવામાં રહેલા સુતોમુનું ઉપરનું અરધું શરીર દાઝી ગયું. માથાના તમામ વાળ બળી ગયા હતા. પરમાણુ બોમ્બની જ્વાળા જોવાને કારણે તેમની આંખે થોડાક કલાકો માટે અંધાપો આવી ગયેલો અને ધડાકાના અવાજને કારણે એક કાનનો પડદો ફાટી ગયો હતો.
એ દિવસે હિરોશિમામાં ૮૦,૦૦૦ લોકો ઓન ધ સ્પોટ મરણને શરણ થયેલા અને રેડિયેશનની અસરને કારણે માત્ર એક મહિનાના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવેલો. ખરા અર્થમાં 'મરદ' એવા સુતોમુ ઘાયલ હોવા છતાં હિંમત નહોતા હાર્યા અને બીજા જ દિવસે પોતાના શહેર નાગાસાકી જવા નીકળી ગયેલા.
નાગાસાકી જઈને તેઓ ૯મી તારીખે તો કંપનીની ઓફિસે પણ પહોંચી ગયેલા. તેઓ ઓફિસમાં પોતાના ઉપરી અધિકારી સાથે હિરોશિમાના પરમાણુ હુમલા અને સર્જાયેલા વિનાશની વાત જ કરતા હતા કે નાગાસાકી પર અમેરિકા દ્વારા ફેટ મેન નામનો બીજો પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો. આ ઘટના અંગે સુતોમુ કહેતા કે મને તો લાગ્યું કે મશરૂમ આકારનો ગોળો હિરોશિમાથી છેક મારી પાછળ પાછળ અહીં પણ આવી પહોંચ્યો. હું જાણે કોઈ નરકમાંથી પસાર થઈ રહ્યો હોય એવો નાગાસાકીનો માહોલ હતો. નાગાસાકીમાં ૭૦,૦૦૦ લોકો માર્યા ગયેલા પણ સુતોમુ બીજી વખત પણ બચી ગયા.
સુતોમુએ પોતાના અનુભવ અંગે પુસ્તક લખેલું છે. પરમાણુ બોમ્બની પીડા અંગે તેમણે અનેક કાવ્યો પણ રચ્યાં હતાં. સુતોમુ આજીવન, પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે, મથતા રહેલા. સુતોમુ કહેતાં કે "બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી મારા ચમત્કારિક બચાવ પછી મારી જવાબદારી બને છે કે દુનિયાના લોકો સુધી સાચી વાત પહોંચાડું."
પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે તેઓ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી." સુતોમુને લકીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ગણવામાં આવે છે, જો કે તેઓ ખુદને જરા ય ભાગ્યશાળી માનતા નહોતા, કારણ કે તેમણે પોતાની નજરે લાખો લોકોને મોતના મુખમાં ધકેલાતા જોયા હતા. બુદ્ધ ધર્મ પાળતા સુતોમુનું સપનું હતું – પરમાણુ શસ્ત્રો-મુક્ત વિશ્વ. સુતોમુનું સપનું સાકાર નહીં થાય અને ફરી પરમાણુ શસ્ત્રો વપરાશે તો સુતોમુ જેવું ભાગ્ય કોની પાસે હશે?
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’નામ લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 અૉગસ્ટ 2015