અસ્વીકાર – ડિનાયલ એ મોટો પડકાર છે. જનસાધારણમાં સ્વીકૃત બને એવો વિકલ્પ તમારી પાસે ન હોય અથવા તો તમારો વિકલ્પ વ્યાપક સ્વીકાર પામતો ન હોય ત્યારે સ્વીકૃત માર્ગને નકારવો એમાં જોખમ છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આ કરી રહ્યાં છે. મૂળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાજા રામમોહન રૉયથી લઈને વિનોબા ભાવે સુધીના યુગમાં વિકસેલા અને ભારતના બંધારણમાં સ્વીકાર પામેલા આઇડિયા ઑફ ઇન્ડિયા સ્વીકાર્ય નથી
ભારતનો આઝાદીનો દિવસ ૧૫ ઑગસ્ટ નજીક આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી બીજી વાર લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે અને દેશને સંબોધશે. તેમની મન કી બાતની માફક ઑડિયન્સ વિના નહીં, સામે મોટી સંખ્યામાં જનમેદની બેઠી હશે. VIP એન્ક્લેવ્ઝમાં તેમના પોતાના પક્ષના નેતાઓ, સાથી પક્ષોના નેતાઓ અને વિરોધ પક્ષના નેતાઓ બેઠા હશે જેમની સાથે ચર્ચામાં ઊતરવાનું નરેન્દ્ર મોદી ટાળે છે. આ ઉપરાંત અનેક દેશોના રાજપુરુષો હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આખા દેશની નજર તેઓ શું કહે છે એ વાત પર હશે. શું થાય! જવાહરલાલ નેહરુ આવી પરંપરા શરૂ કરીને ગયા છે જે તોડવી મુશ્કેલ છે. આમ પણ નેહરુ પાસે કહેવા માટે ઘણું હતું. ગાંધીજીના સમગ્ર સાહિત્ય(કલેક્ટેડ વર્ક્સ)ના સો ગ્રંથ બહાર પડ્યા છે તો જવાહરલાલ નેહરુના પસંદ કરવામાં આવેલાં લેખો, પત્રો અને ભાષણો(સિલેક્ટેડ વર્ક્સ)ના બે સિરીઝમાં મળીને અત્યાર સુધીમાં ૪૬ ગ્રંથ પ્રકાશિત થયા છે અને હજી બીજા થઈ રહ્યા છે.
ગયા વર્ષમાં અને આ વર્ષમાં ફરક એ છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે પ્રતિષ્ઠાના સંકટનો સામનો કરી રહ્યા છે. આવું સંકટ ગયા વર્ષે તેમની સામે નહોતું, કારણ કે ત્યારે વડા પ્રધાન થયે માંડ ત્રણ મહિના થયા હતા. જૂના ભાડૂતે ખાલી કરેલા અને નરેન્દ્ર મોદીના કહેવા મુજબ ધૂળધાણી કરેલા ઘરને પાછું વસાવવાનું હતું. એમ તો જો કે ધૂળધાણી થયેલા ઘરને પાછું વસાવવાની નવા વડા પ્રધાનની શું યોજના છે એ જાણવા દેશ અને દુનિયા ગયા વર્ષે પણ તત્પર હતાં, પરંતુ એમાં નિરાશા સાંપડી હતી. હશે તૈયારીઓ ચાલતી હશે, કેટલીક યોજનાઓ કાચી હશે એટલે વખત આવ્યે વડા પ્રધાન રૂપરેખા માંડશે એમ સમજીને એ નિરાશાને ખંખેરી નાખવામાં આવી હતી. ગયા વર્ષના વડા પ્રધાનના પ્રવચનને લાલ કૃષ્ણ અડવાણીએ છોટી છોટી બાતેં તરીકે ઓળખાવ્યું હતું.
વડા પ્રધાને એકમાત્ર મહત્ત્વની જાહેરાત આયોજન પંચને વિખેરી નાખવાની કરી હતી. તેમના સમર્થકોને એમ લાગ્યું હતું કે જ્યારે સાત દાયકા જૂની સંસ્થાને વિખેરી નાખવામાં આવી છે તો જરૂર કોઈ અસાધારણ વિકલ્પ વડા પ્રધાનના મનમાં હોવો જોઈએ. વિરોધીઓને એમ લાગતું હતું કે વિકલ્પ વિચાર્યા વિના વ્યવસ્થા સાથે ચેડાં કરવાં એ નાદાની છે. આવડી મોટી સંસ્થાને હાથ લગાડતાં પહેલાં વડા પ્રધાન પાસે વિકલ્પ હોવો જ જોઈએ અને જો છે તો જાહેર થવો જ જોઈએ. એનો કોઈક વિકલ્પ શોધી કાઢીશું એમ સમજીને જો આયોજન પંચને વિખેરી નાખવામાં આવ્યું હોય તો એ દુસ્સાહસ જ કહેવાય. વિકલ્પે નીતિ આયોગની રચના કરવામાં આવી છે જેની નથી પૂરી રચના થઈ કે નથી પગભર થયું.
આજે વડા પ્રધાન પ્રતિષ્ઠાના જેવા સંકટનો સામનો કરી રહ્યા છે એવા સંકટનો સામનો ઇન્દિરા ગાંધીએ તેઓ ૧૯૬૬માં પહેલી વાર વડાં પ્રધાન બન્યાં એ પછી શરૂઆતનાં વર્ષોમાં કર્યો હતો. ડૉ. રામ મનોહર લોહિયાએ ઇન્દિરા ગાંધીને ગૂંગી ગુડિયા તરીકે ઓળખાવ્યાં હતાં. વિરોધ પક્ષો અને કૉન્ગ્રેસમાંના તેમના વિરોધીઓ ઇન્દિરા ગાંધીને જવાહરલાલ નેહરુની દીકરી હોવાની એકમાત્ર લાયકાતના જોરે ના-લાયક પણ ધરાર (અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર) બની બેઠેલાં વડાં પ્રધાન તરીકે ઓળખાવતાં હતાં. પ્રજા ઇન્દિરા ગાંધીની સાથે છે કે નહીં એ તો સામાન્ય ચૂંટણી યોજાય એ પછી નક્કી થવાનું હતું. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં સામાન્ય ચૂંટણી યોજાઈ જેમાં કૉન્ગ્રેસની બેઠકોમાં ખાસ્સો ઘટાડો થયો હતો. બસ! ઇન્દિરા ગાંધી ના-લાયક પણ પરાણે બની બેઠેલાં વડાં પ્રધાન છે એ સિદ્ધ થઈ ગયું. ઇન્દિરા ગાંધીને વધેરી નાખવાની વિરોધ પક્ષોએ અને વિરોધ પક્ષો કરતાં પણ વધુ તો કૉન્ગ્રેસમાંના તેમના વિરોધીઓ તૈયારી શરૂ કરવા લાગ્યા હતા.
ઇન્દિરા ગાંધી સિવાય ભારતના બીજા કોઈ વડા પ્રધાને શરૂઆતનાં વર્ષોમાં પ્રતિષ્ઠાના સંકટનો સામનો કરવો નહોતો પડ્યો. નરેન્દ્ર મોદી આવા બીજા વડા પ્રધાન છે. આનું કારણ એ છે કે ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી બે જ એવા વડા પ્રધાન છે જેમના પર ના-લાયક અને ધરાર (અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર) બની બેઠેલા વડા પ્રધાનનું લેબલ ચોડવામાં આવ્યું હતું. ઇન્દિરા ગાંધી બાપના વારસાના જોરે વડાં પ્રધાન બન્યાં હતાં તો નરેન્દ્ર મોદી માર્કેટિંગના જોરે વડા પ્રધાન બન્યા હતા. બાકીના વડા પ્રધાનો કાં અપેક્ષિત વડા પ્રધાનો હતા અને જો ચરણ સિંહ કે દેવ ગૌડા જેવા અનપેક્ષિત હતા તો તેમની પાસેથી બહુ અપેક્ષા નહોતી. અપેક્ષિત નેતા સામે અને અપેક્ષા વિનાના નેતા સામે પોતાની જાતને સાબિત કરવાનો પડકાર નથી હોતો. વિશ્વદેશોમાંથી તાજેતરના ઇતિહાસનું આવું ઉદાહરણ જોઈતું હોય તો સૌથી બોલકું ઉદાહરણ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગનનું આપી શકાય. તેમને પણ ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીની માફક અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર પ્રમુખ માનવામાં આવતા હતા.
લોકોના આશ્ચર્ય વચ્ચે માત્ર દોઢ વર્ષમાં ઇન્દિરા ગાંધીએ બાજી પલટી નાખી હતી. જે લોકો ઇન્દિરા ગાંધીને વધેરવાની તૈયાર કરતા હતા તેઓ જ વધેરાઈ ગયા હતા. જે ઇન્દિરા ગાંધી કરી શક્યાં એ નરેન્દ્ર મોદી કરી શકશે? ઇન્દિરા ગાંધીની તુલનામાં નરેન્દ્ર મોદી પાસે અનુકૂળતા વધુ છે. કૉન્ગ્રેસની અંદર ઇન્દિરા ગાંધીનો વિરોધ કરનારા જાયન્ટ હતા, જ્યારે નરેન્દ્ર મોદી સામે પક્ષની અંદરથી કોઈ પડકાર જ નથી. ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બન્યાં એ પહેલાં સત્તાકીય રાજકારણનો ખાસ અનુભવ નહોતો, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો બાર વર્ષનો અનુભવ ધરાવે છે. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં ત્યારે ન્યાયતંત્ર અત્યંત શક્તિશાળી હતું, જ્યારે આજે ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ઝાંખી પડેલી છે. ભારતના અર્થતંત્રની સ્થિતિ ૧૯૬૬ની તુલનામાં આજે સારી છે. આમ અનુકૂળતાઓ નરેન્દ્ર મોદીના પક્ષે વધુ છે.
બે વચ્ચે જે મોટો ફરક છે એ અપેક્ષાનો છે. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન પહેલાં બન્યાં હતાં અને એ પછી ૧૯૬૭માં સામાન્ય ચૂંટણીમાં લોકોની વચ્ચે માન્યતા મેળવવા ગયાં હતાં. એ માન્યતા પણ કોઈ શાનદાર નહોતી. માંડ-માંડ કૉન્ગ્રેસને લોકસભામાં બહુમતી મળી હતી અને કેટલાંક રાજ્યોની વિધાનસભાઓમાં પરાજય થયો હતો. ઇન્દિરા ગાંધીથી ઊલટું નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે જઈને, લોકોની માન્યતા મેળવીને શાનદાર વિજય સાથે વડા પ્રધાન બન્યા છે. ઇન્દિરા ગાંધી લોકોની વચ્ચે ગયા વિના વારસાના જોરે વડાં પ્રધાન બની ગયાં એટલે લોકોની કે બુદ્ધિજીવીઓની એમ કોઈની તેમની પાસે અપેક્ષા નહોતી. લગભગ દરેકને એમ લાગતું હતું કે ઇન્દિરા ગાંધી નિષ્ફળ નીવડશે. તેમનાથી ઊલટું નરેન્દ્ર મોદીની બાબતમાં જનતાને ખાતરી હતી કે નરેન્દ્ર મોદી સફળ નીવડશે જ, જ્યારે બુદ્ધિજીવીઓ સાશંક હતા. બુદ્ધિજીવીઓને એમ લાગતું હતું કે તેઓ ગુજરાતના વિકાસનું અતિશયોક્તિભર્યું શોકેસિંગ કરીને પોતાનું માર્કેટિંગ કરીને વડા પ્રધાન બન્યા છે, બાકી તેમની પાસે કોઈ વિઝન નથી. આ મોટો ફરક છે. ઇન્દિરા ગાંધી અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર વડાં પ્રધાન ગણાતાં હોવા છતાં પોતાની જાતને સાબિત કરવાનો બોજો તેમના માથા પર નહોતો, જ્યારે નરેન્દ્ર મોદી જનતાના આશાના મોજા પર અને બુદ્ધિજીવીઓની આશંકાઓ છતાં વડા પ્રધાન બન્યા હોવાના કારણે તેમના માથા પર પોતાની જાતને સાબિત કરવાનો બોજો છે. તેમણે જનતાને સાચી ઠેરવવાની હતી અને બુદ્ધિજીવીઓને ખોટા ઠરાવવાના હતા.
જેમની સામે પડકારો મોટા હતા, રાજકીય કદ નાનું હતું, પ્રતિકૂળતાઓ વધુ હતી, લોકોની કોઈ અપેક્ષા જ નહોતી એ ઇન્દિરા ગાંધી બાજી બદલી શક્યાં તો પછી નરેન્દ્ર મોદી દરેક પ્રકારની અનુકૂળતા હોવા છતાં કેમ બાજી બદલવાના સંકેત પણ આપી શકતા નથી? બાજી બદલાતાં વાર લાગે એ આપણે જાણીએ છીએ, પરંતુ સંકેત માટે સવા વર્ષ એ ઘણો લાંબો સમય કહેવાય. બાજી પલટાવાનો એક પણ સંકેત સવા વર્ષમાં મળ્યો નથી. બીજી બાજુ ઇન્દિરા ગાંધી પાસે એવું શું હતું કે તેઓ પોતાની જાતને પુરવાર કરી શક્યાં? દૃઢ મનોબળ, મહત્ત્વાકાંક્ષા, અથાક શક્તિ, રાજકીય મુત્સદ્દીગીરી, રાજકીય નિર્દયતા, એકાધિકારશાહી વલણ બન્નેમાં એકસરખાં છે. આમાં ઇન્દિરા ગાંધી ચડે કે નરેન્દ્ર મોદી એ પ્રશ્નનો જવાબ આપતાં માથું ખંજવાળવું પડે. તો એવું શું છે કે ઇન્દિરા ગાંધી જે કરી શક્યાં એ નરેન્દ્ર મોદી કરી શકશે કે એમ એ વિશે કોઈ પૉઝિટિવ સંકેત મળતા નથી?
જે ફરક છે એ બહુ મોટો ફરક છે અને મારી વાચકોને વિનંતી છે એ ફરકને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરે. ઇન્દિરા ગાંધીએ દેશમાન્ય અને બંધારણમાન્ય આઇડિયા ઑફ ઇન્ડિયાનો અસ્વીકાર નહોતો કર્યો. સર્વસમાવેશક, મધ્યમમાર્ગી, સહિષ્ણુ, લોકતાંત્રિક, સમાનતા આધારિત, ન્યાયી, તટસ્થ, સેક્યુલર ભારતની કલ્પના સામે ઇન્દિરા ગાંધીને કોઈ વાંધો નહોતો. આવી કલ્પનાના ભારતને દેશે સો-સવાસો વર્ષના મનોમંથન પછી સ્વીકૃતિ આપી હતી અને બંધારણસભાએ એને રાજકીય સ્વરૂપ આપ્યું હતું. ઇન્દિરા ગાંધી પાસે નરેન્દ્ર મોદી જેવી જ નેતૃત્વની અપાર શક્તિ હતી જે તેમણે વાપરી હતી અને તેઓ પોતાની જાતને સાબિત કરી શક્યાં હતાં. નરેન્દ્ર મોદીની સમસ્યા આઇડિયા ઑફ ઇન્ડિયાના અસ્વીકારની છે.
અસ્વીકાર-ડિનાયલ એ મોટો પડકાર છે. જનસાધારણમાં સ્વીકૃત બને એવો વિકલ્પ તમારી પાસે ન હોય અથવા તો તમારો વિકલ્પ વ્યાપક સ્વીકાર પામતો ન હોય ત્યારે સ્વીકૃત માર્ગને નકારવો એમાં જોખમ છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આ કરી રહ્યાં છે. મૂળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાજા રામમોહન રૉયથી લઈને વિનોબા ભાવે સુધીના યુગમાં વિકસેલા અને ભારતના બંધારણમાં સ્વીકાર પામેલા આઇડિયા ઑફ ઇન્ડિયા સ્વીકાર્ય નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને હિન્દુ રાષ્ટ્ર જોઈએ છે જે સંઘે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અનેક વખત કહ્યું છે. બંધારણમાં કરવામાં આવેલી ભારતની કલ્પના એક જમાનામાં સામ્યવાદીઓને પણ સ્વીકાર્ય નહોતી. સામ્યવાદીઓએ પોતાની કલ્પનાના ભારતનું ચિત્ર તૈયાર કર્યું હતું જેને ભારતની પ્રજાએ સ્વીકાર્યું નહોતું. હવે નક્સલવાદીઓને છોડીને બાકીના ભારતીય સામ્યવાદીઓએ બંધારણની કલ્પનાના ભારતને સ્વીકારી લીધું છે.
સામ્યવાદીઓની જેમ કે બીજા કોઈ પણ માણસ કે જૂથની જેમ હિન્દુત્વવાદીઓને પણ રાજા રામમોહન રૉયથી વિનોબાના યુગ દરમ્યાન વિકસેલા અને બંધારણમાં સ્વીકાર પામેલા આઇડિયા ઑફ ઇન્ડિયાને નકારવાનો અધિકાર છે. સવાલ એ છે કે કેવળ નકારવાથી ચાલવાનું નથી. જો નકારવું હોય તો વિકલ્પ આપવો જોઈએ અને વિકલ્પનો પ્રજા પાસે સ્વીકાર કરાવવો જોઈએ.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2015
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-09082015-11