આજે સવારે જ નાનો દીકરો કોલેજમાંથી ક્રિસમસની રજામાં ઘરે આવ્યો. મેં હસતાં હસતાં પૂછ્યું "શું ખાઈશું લંચમાં આજે ? ટાકો બેલ?" તેણે કહ્યું, "સ્યોર!" … કહી તેના ચહેરા પર સહેજ માર્મિક અને સીમિત આનંદનું સ્મિત ફરક્યું. … અને મને જાણે અવાજ સંભળાયો ….. "અરે, જા, ફરી અંદર જઈને થોડા વધારે ફાયર સોસ અને હોટ સોસ લઈ આવ ને!"
દરરોજ બાળકોને સ્કૂલમાંથી લઈને ઘરે જતાં પહેલાં 'ટાકો બેલ' મોસાળ પર થઈને જ ઘરે જવું એવો એક શિરસ્તો. ત્યાંથી તેમને ગમતું મેક્સિકન ફાસ્ટ ફૂડ લેવાનું. આ નિયમ લગભગ બાર વર્ષ ચાલ્યો. વેજિટેરિયન સેવન લેયર બરીટો, જે હવે નથી મળતો, ચીઝ અને નાચો, બિન બરીટો, વગેરે ના ઓર્ડર બાળકો માટે. બંનેને ખૂબ જ ભાવે! અગિયારમાં ધોરણમાં જાતે કાર ચલાવી સ્કૂલે જતા થયાં ત્યારથી એ બંને પણ એમ જ કરતા.
એન.આર.આઈ. બાળકોનું અહીં અમેરિકામાં મોસાળ એટલે ટાકો બેલ! ટાકો બેલને કોઈ ઘંટ સાથે કાંઈ લેવાદેવા નથી. તેના સ્થાપકનું નામ ગ્લેન બેલ હતું. તેણે ૧૯૫૪માં મેક્સિકન ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની સ્થાપના કરી. જેમાં મેક્સિકન વાનગીમાં ટાકો નામની વાનગી છે, તેથી ૧૯૬૨થી તેનું નામ પાડ્યું 'ટાકો બેલ'. તેની જાણીતી વાનગીઓ જેમ કે ચીઝ-ચિપ્સ, બરીટો, કેસેડિયા, મેક્સિકન પીઝા, કુસેરિટો, ચાપુલાસ, સોફ્ટ ટાકો, ક્રંચ રેપ, વગેરે ઘણી. ફાસ્ટ ફૂડ એટલે બહારથી જ ઓર્ડર આપવાનો અને બારીમાંથી જ લઈ લેવાનું. સીધું અને જલદી. જો કે ટાકો બેલમાં અંદર બેસીને પણ ખવાય. •••
આપણી આ ટાકો બેલની આ વાતના કેન્દ્રમાં અમેરિકન એન.આર.આઈ. છે, તેને “દેસી”, અને એન.આર.આઈ.ના અમેરિકામાં જન્મેલાં બાળકોને “અમેરિકન દેસી”, એમ હુલામણી રીતે સંબોધીશું. આ વાત કદાચ શબ્દસહ બધા જ દેસીને લાગુ ન પણ પડે, પણ મોટા ભાગના દેસી 'એગ્રી' થશે જ. થોડાં 'એન્ગ્રી' પણ થશે. એક અંદરની જાણીતી વાત બહાર પાડવાને કારણે.
અમેરિકન દેસી અને દેસી જ્યારે પણ વેકેશન કરીને ભારતથી પાછાં આવે, ત્યારે એરપોર્ટની બહાર પહેલું ટાકો બેલ શોધી તેમાંથી ગમતી વાનગી બાળકો ઘરે પહોંચતાં પહેલાં રસ્તામાં જ ખતમ કરે! ભારતમાં નાના-નાનીને ત્યાં મોસાળમાં આટ-આટલાં પકવાન અને ફરસાણ ખાઈ ને આવ્યાં પછી પણ, ટાકો બેલ ખાવા તત્પર!
એકલાં બાળકો જ કેમ? ઘરના બધાં જ વળી! સિનિયર બા દાદા પણ. જ્યારે પણ બહારથી કંઈક સાદું ખાવાનું લેવા જવાનું છે, એમ જાણે તો અમારાં બા-દાદા પણ કહેતાં, "અમારા માટે પણ ટાકો બેલમાંથી મેક્સિકન પીઝા – મીટ વગરનો – વેજી લાવજો. અમે પણ છોકરાં સાથે એ જ ખાઈશું. સાંજે બીજું કશું ન બનાવતા. … અને હા, પેલા તીખા ફાયર સોસના પડીકાં પણ ભૂલીશ નહિ, થોડાં વધારે!" અમને બધાને ફાયર અને હોટ સોસનો ભારી ચટકો! કદાચ સોસને લીધે જ ટાકો બેલ વધુ ભાવે! જેમ ચટણી મજેદાર હોય તો ફાફડા જામે, એમ જ!
ટાકોબેલની વિશેષતા એ છે કે દેસી અને ખાસ ગુજ્જુ શાકાહારીઓને તેની વાનગીઓનો સ્વાદ ભારતીય વાનગીઓના સ્વાદને મળતો લાગે. તેમાં પેલો તીખો તમતમતો ફાયર કે હોટ સોસ નાખો એટલે મોઢું મઘમઘી જાય! અરે ભાઈ, શક્કરપારા અને અથાણું ના હોય તો ખોટ પૂરે ટાકો બેલના આ ચિપ્સ અને હોટ સોસ.
મજાની વાત તો એવી થાય કે આગલા દિવસે લાવેલો વેજી બરીટો, દાદી બીજે દિવસે ફ્રીઝમાંથી કાઢી, માઈક્રોવેવમાં ગરમ કરી, તેનું ટોરટિયા(મકાઈની રોટલી)નું પડ ખોલીને, તેમાં ખૂબ બધો ફાયર સોસ નાખી ને, એકદમ તમતમતો બનાવી, ચોકઠું મોઢામાં સરસ ગોઠવી ને એ.. ટેસથી ખાય! સિનિયર વડીલ દેસીઓએ જેમ આ દેશને અપનાવ્યો તેવી જ રીતે ટાકો બેલને પણ! જો કે કેટલાક ચુસ્ત ધાર્મિક સિનિયર ન પણ ખાતા હોય. અરે, અમે કેટલાકને ઉપવાસ પછી પારણાં કર્યા બાદ તરત જ ટાકો બેલ ખાતાં પણ જોયાં છે!
બાળકોની બાસ્કેટ બોલની રમત કે ડાન્સ પ્રેક્ટિસમાંથી નીકળીએ તો ય ટાકો બેલમાં તો જવાનું જ હોય. સાંજે કોઈને ત્યાં કોઈ પાર્ટી કે પ્રસંગે ગયાં હોઈએ, અને જો ખાવાપીવામાં ઠેકાણું ન હોય, વળી પાછા વળતાં રાત્રે મોડું થયું હોય, તો જેવા કારમાં બેસીએ કે એક સહમતી હોય જ – "ચાલો નજીકમાં ટાકો બેલ હોય તે શોધી કાઢો." કદીક જો ટાકો બેલ ના મળે તો જ બીજી પસંદગી પિઝાની હોય. પણ મોટે ભાગે ટાકો બેલ બાર વાગ્યા સુધી ખુલ્લું જ હોય. જો ટાકો બેલ કે પિઝા બંને ન મળે તો છેલ્લો આશરો ઘરે જઈ દૂધ અને સિરીઅલ ખાઈને સૂઈ જવું. આ છે અમારી દેસીની જિંદગી! અમદાવાદમાં તો રાત્રે બે વાગે પણ ગરમ ગરમ ભજિયાં કે પાવભાજી મળે પણ એ સાહ્યબી દેસીને અહીં નથી.
અને ખાસ તો ટાકો બેલની વાનગીઓ જરા ય મોંઘી પણ નહીં. ત્રણ ડોલરમાં પેટ ભરાઈ જાય. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા!
અરે, એક અગત્યની વાત કહેવાની રહી ગઈ. ફાયર સોસ, હોટ સોસ, કે કેચપ મફતમાં જ મળે. તેના માટે જુદા પૈસા આપવાના હોય નહીં. જેમ ગોટા સાથે જોઈએ તેટલી ચટણી મફત! કોઈ પણ દેસી ગુજરાતીના ઘરમાં તમને આવાં મેકડોનાલ્ડના કેચપના, ટાકો બેલના ફાયર સોસ ના, અને હોટ સોસના નાનાં નાનાં ઢગલાબંધ પડીકાં મળે જ. સંઘરી રાખે. સેન્ડવીચમાં અને ચિપ્સ સાથે વાપરે. ઘણા અમેરિકનને આ જોઈને જો નવાઈ લાગે, ત્યારે દેસી કહે : " WE INDIANS LOVE SPICIES!”
આ તો થઈ વાત ટાકો બેલથી વાનગીઓ ઘરે લાવવાની. ઘણી વાર સાંજે જો સહેજ હળવું જ ખાવું હોય, અને મોટી રેસ્ટોરન્ટમાં જવાનો મૂડ ન હોય તો આપણા દેસી સહકુટુંબ ટાકો બેલમાં પધારે. અંદર બેસીને ખાવાના ફાયદાની વાત તો એ છે કે જો ત્યાં અંદર બેસીને ખાતાં હોઈએ તો સોફ્ટ ડ્રિંક્સના ફક્ત એક જ વાર પૈસા આપવા પડે, અને પછી જેટલી વાર ફરી ફરીને ભરવાં હોય તેટલી વાર મફત! ભલે સોફ્ટ ડ્રિંક્સ જુદી જુદી સાઈઝમાં આવે, દેસી સામાન્યતઃ SMALL જ ઓર્ડર કરે! અને જેટલી વાર પીવું હોય તે ભર્યા કરે. જો કે આમાં કાંઈ જ ખોટું નથી, કાયદેસર છે, વ્યાજબી છે, અને દેસી કોમનસેન્સ છે!
હવે નવી પેઢીના અમેરિકન દેસી આમ નથી કરતાં, અને દેસી માતાપિતાને પણ તેમ કરતાં રોકે છે.
દેસી બીજો ફાયદો એ ગણે કે ટાકો બેલમાં ટીપ આપવાનો શિરસ્તો નથી, ફાસ્ટ ફૂડ છે તેથી. ઇમિગ્રન્ટ થઇને ખાલી હાથ આવેલ દેસી, જે કરકસર કરીને બે પાંદડે થયા હોય તે, અને તેમનાં સમજુ ઉંમરનાં બાળકો વચ્ચે એક વિવાદ કાયમ રહે છે, કે રેસ્ટોરન્ટમાં કેટલી ટીપ આપવી. પુખ્ત અમેરિકન દેસી બાળકો હંમેશાં એવો આગ્રહ રાખે જ કે ૨૦-૨૫ ટકા ટીપ મૂકવી જ. તેમને હંમેશાં વેઈટર માટે સદ્ભાવ હોય, કારણ કે વેઈટરનો પગાર ખૂબ જ ઓછો હોય અને ટીપ પર જ આધાર હોય. સામાન્ય શિરસ્તો ઓછામાં ઓછી ૧૫ ટકાની ટીપનો છે. દેસી ગણીને માત્ર ૧૫ ટકા મૂકે, ત્યારે પુખ્ત અમેરિકન દેસી હસે અને આગ્રહ કરે કે વધારે મૂકો, નહીં તો પોતે વધારી ને મૂકી દે. આ એક મીઠો ઝગડો તો ઘણો જાણીતો છે.
જો કે હવે હાઈટેક દોરડૅશ અને ઉબર-ઇટ્સ આવ્યા પછી થોડું બદલાયું છે.
પરંતુ હજીએ ટાકો બેલનું આધિપત્ય દેસી અને અમેરિકન દેસીના સ્વાદ ઉપર અજેય છે, અને રહેશે.
*************************
(લોસ એન્જલ્સ)
e.mail : vijaybhatt01@gmail.com