ગુનેગારો જો મુસલમાનો નહોતા તો હિન્દુ રાજમાં આતંકવાદના ગુનેગારો હિન્દુ કેવી રીતે હોઈ શકે? હિન્દુને અહિંસક કરવાનું કામ મહાત્મા ગાંધી કરશે. આપણે હિંસક હિન્દુઓ પરથી હિંસાના આરોપ દૂર કરીને તેમને અહિંસક બનાવી દઈશું. આપણે એટલા સ્માર્ટ છીએ કે ચપટી વગાડતાં હિંસકને અહિંસક બનાવી શકીએ છીએ. હિન્દુ હિંસક હોય જ નહીં. હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ ને હિન્દુત્વ એ જ અહિંસકત્વ
ખાસ રચવામાં આવેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માટેની અદાલતના જજે માલેગાંવ બૉમ્બબ્લાસ્ટનાં મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાની ના પાડી દીધી છે. અદાલતના જજ એસ. ડી. ટેકાલેએ કહ્યું છે કે સાધ્વી પ્રજ્ઞા સિંહ સામે ગુનો બનતો નથી એવી NIAની દલીલ ગળે ઊતરે એવી નથી. ઘટનાસ્થળેથી જે મોટરસાઇકલ મળી આવી હતી એ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની હતી એ લિન્ક પ્રાથમિક ગુનો નોંધવા માટે પર્યાપ્ત છે. પહેલાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને એ પછી NIA એમ બન્ને તપાસકર્તા એજન્સી સ્વીકારે છે કે ઘટનાસ્થળેથી મળેલી મોટરસાઇકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે નોંધાયેલી છે. ATS એવા તારણ પર આવી હતી કે પ્રજ્ઞા સિંહ ઠાકુરની બ્લાસ્ટમાં સીધી સંડોવણી હતી; જ્યારે રહી-રહીને આઠ વર્ષે NIA એવા તારણ પર પહોંચી છે કે મોટરસાઇકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ભલે હતી, પરંતુ તેમના કબજામાં નહોતી. એ મોટરસાઇકલ ઘટના બની એના ઘણા સમય પહેલાંથી રામચન્દ્ર કલસાગરાના કબજામાં હતી. આ કલસાગરા પણ એક કરતાં વધુ આતંકવાદી ઘટનાઓમાં ગુનેગાર છે.
માલેગાંવમાં શબ્બે બરાતની રાતે કબ્રસ્તાનમાં બૉમ્બવિસ્ફોટની ઘટના બની એને આજે દસ વર્ષ થવા આવ્યાં છે અને ચુકાદો આવવાનો તો બાજુએ રહ્યો, હજી તો મુખ્ય આરોપી આરોપી છે કે નહીં એ જ નક્કી નથી થઈ રહ્યું. આખી રમત હિન્દુત્વવાદી ગુનેગારોને બચાવવાની છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ પછી ગણતરીપૂર્વક કેસને નબળો પાડવામાં આવી રહ્યો છે જેથી હિન્દુ ઉગ્રવાદીઓને સજા ન થાય.
બન્યું એવું કે એપ્રિલ મહિનાની ૨૭ તારીખે માલેગાંવમાં થયેલી બૉમ્બવિસ્ફોટની ઘટના પછી દસ વર્ષે આવેલા ચુકાદામાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટના ગુનેગારો માટેની અદાલતે નવેનવ આરોપીઓને દોષમુક્ત કર્યા હતા એટલે બીજો વળાંક આવવો જરૂરી હતો. જે નવ આરોપીઓને છોડવામાં આવ્યા હતા એ બધા જ મુસલમાનો હતા એટલે સ્વાભાવિકપણે એવું ફલિત થતું હતું કે એ ગુનાની ઘટનામાં મુસલમાનો સડોવાયેલા નહોતા તો હિન્દુઓ સંડોવાયેલા હોવા જોઈએ.
દરમ્યાન ૨૦૦૮માં તપાસકર્તા એજન્સીઓએ સગડ મળવા માંડ્યા હતા કે માત્ર માલેગાંવ નહીં; હૈદરાબાદની મક્કા મસ્જિદ, સમઝૌતા એક્સપ્રેસ અને અજમેર શરીફ એમ મુસલમાનોને ટાર્ગેટ કરનારી જેટલી આતંકવાદી ઘટનાઓ બની છે એમાં હિન્દુ ઉગ્રવાદીઓનો હાથ છે. ૨૦૦૮માં મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં શહીદ થઈ ગયેલા હેમંત કરકરે ATSના એ સમયે અધ્યક્ષ હતા. તેઓ પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ અને બીજા હિન્દુ આરોપીઓ સુધી પહોંચ્યા હતા. ૨૦૦૮માં દેશભક્તો માટે કરકરે શહીદ હતા. અત્યારે એ જ દેશભક્તો કહે છે કે ATSએ દ્વેષભાવ સાથે તપાસ કરી હતી. રાજકીય પક્ષપાત અને સ્વાર્થ સામે કોઈની શહીદી કેટલી સસ્તી છે એનું આ ઉદાહરણ છે.
ગુનેગારો જો મુસલમાનો નહોતા તો હિન્દુ રાજમાં આતંકવાદના ગુનેગારો હિન્દુ કેવી રીતે હોઈ શકે? આખું જગત જેની કદર કરે છે એ સત્ય, અહિંસા જેવાં મહાન હિન્દુ મૂલ્યોનું જતન કરવા જેવી આવડત ન હોય તો કંઈ નહીં; કમસે કમ જઘન્ય ઘટનાના હિન્દુ આરોપીઓને બચાવી શકીએ કે નહીં? દેશ અને રાજ્યમાં હિન્દુત્વવાદી સરકાર હોય અને આટલું પણ ન કરી શકે? હિન્દુને અહિંસક કરવાનું કામ મહાત્મા ગાંધી કરશે. આપણે હિંસક હિન્દુઓ પરથી હિંસાના આરોપ દૂર કરીને તેમને અહિંસક બનાવી દઈશું. મહાવીર, બુદ્ધ અને ગાંધી મૂરખ હતા કે તેમણે પ્રજાને ઘડવાનો લાંબો રસ્તો અપનાવ્યો; જ્યારે આપણે એટલા સ્માર્ટ છીએ કે ચપટી વગાડતા હિંસકને અહિંસક બનાવી શકીએ છીએ. હિન્દુ હિંસક હોય જ નહીં. હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ અને હિન્દુત્વ એ જ અહિંસકત્વ.
જ્યારે કહેવાતા મુસ્લિમ આતંકવાદીઓને દોષમુક્ત કરવામાં આવ્યા છે એટલે NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત પાંચ હિન્દુ આરોપીઓ સામે આરોપનામું ઘડી શકાય એટલા પુરાવાઓ નથી એવી ક્લીન ચિટ આપી દીધી છે. આવું બનવાનું છે એનો ઇશારો મહિનાઓ પહેલાં આગલી મહારાષ્ટ્ર સરકારનાં પબ્લિક પ્રોસિક્યુટર રોહિણી સાલિયને આપી દીધો હતો. રોહિણી સાલિયન મહારાષ્ટ્ર સરકાર તરફથી આ ખટલો લડતાં હતાં. સરકાર બદલાયા પછી તેમને બાજુએ હડસેલી દેવાયાં હતાં, પરંતુ તેમને જાણ હતી કે NIAમાં શું રંધાઈ રહ્યું છે. તેમને જાણ હતી કે મુસ્લિમ આરોપીઓ સામેનો ખટલો અદાલતમાં ટકી શકે એમ નથી અને મુસ્લિમ આરોપીઓ દોષમુક્ત થવાના છે. જે વાતની ખાતરી રોહિણી સાલિયનને થઈ હતી એ વાતની ખાતરી મહારાષ્ટ્ર સરકારને પણ થઈ હતી. NIAને સૂચના આપી દેવામાં આવી હતી કે હિન્દુ આરોપીઓને છોડી મૂકવાના છે.
સવાલ એ છે કે માલેગાંવમાં, હૈદરાબાદમાં, સમઝૌતા એક્સપ્રેસમાં અને અજમેર શરીફમાં નહોતા મુસલમાનોએ બૉમ્બવિસ્ફોટ કર્યા, નહોતા હિન્દુઓએ કર્યા તો શું પારસીઓએ કર્યા હતા? કે પછી પરગ્રહવાસી એલિયને બૉમ્બવિસ્ફોટ કર્યા હતા? આ ન્યાય નથી, ન્યાયનું કાસળ છે. એટલે જ સ્પેશ્યલ અદાલતે NIAનું નાક કાપ્યું છે અને આદેશ આપ્યો છે કે ફરી તપાસ કરે.
દસ વર્ષે ફેરતપાસ થશે. એ પણ ઈમાનદારીપૂર્વક નથી થવાની એની ખાતરી રાખજો. શું આવું હોય હિન્દુ રાષ્ટ્ર?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 30 જૂન 2016
http://www.gujaratimidday.com/features/columns/malegaon-blast-2