દેશને દુનિયામાં નામના અપાવનાર મહિલા કુસ્તીબાજોની ન્યાય માટેની લડત તોડવાની તમામ કોશિશો થતી રહી છે.
તેમાં ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ તેમ જ પાંચ વખતથી ભારતીય જનતા પક્ષના સાંસદ બ્રિજભૂષણ સિંહને નિર્દોષ છોડાવાવાની નિર્લજ્જ મુરાદ છતી થઈ રહી છે.
આવી નિંભરતા વચ્ચે દિલ્હી પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) બ્રિજભૂષણ સામે ચાર્જશીટ દાખલ કરી છે.
પંદરમી જૂને દાખલ કરવામાં આવેલી આ ચાર્જશીટમાં બહુ સાફ રીતે ભા.જ.પ.ના સાંસદને જાતીય સતામણી, મૉલેસ્ટેશન અને સ્ટૉકિન્ગ (sexual harassment, molestation and stalking) માટે જવાબદાર ગણીને કાનૂની કરવાઈ અને સજાને પાત્ર ગણાવ્યો છે. બધા ગુના પાંચ વર્ષ સુધીની સજાને પાત્ર છે.
ઉપરોક્ત ચાર્જશીટના ખૂબ વિગતવાર સમાચાર મંગળવાર 11 જૂને અને બુધવાર 12 જુલાઈએ મુખ્ય હેડલાઇન ફ્લાયર તરીકે સંભવત: માત્ર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસે’ આપ્યા છે. નિહાલ કોશી અને મહેન્દ્રસિંહ મનરાલ તેના રિપોર્ટર્સ છે.
Indian Express ની આ સમાચારને લગતી બંને દિવસની links લખાણ પછી આપી છે.
મંગળવારે ‘એક્સપ્રેસે’ચાર્જશીટના અંશો મૂક્યા છે. બુધવારે આ અખબારે દરેક આરોપ સાથે technical evidence તરીકે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તેની માહિતી છે.
તેમાં બ્રિજને sexual advances – જાતીય સતામણીની કોશિશ કરતો એક ફોટો, અન્ય કેટલાક પુરાવાજન્ય ફોટા અને સંબંધિત વ્યક્તિઓના call details records અને phone locations મળે છે.
‘એક્સપ્રેસે’ બુધવારે ટેકનિકલ એવિડન્સની ઘણી વિગતો આપી છે. પણ અહીં મંગળવાર 11 જુલાઈએ આવેલી ચાર્જશીટને ગુજરાતીમાં મૂકી છે.
બીજા લગભગ બધા અખબારો અને માધ્યમોમાં આ સમાચાર ગયા બે દિવસમાં તો જોવામાં આવ્યા નથી, એવું તપાસ તપાસ કરતા ધ્યાનમાં આવે છે.
આ તારણ સાચું હોય તો તે આઘાત અને ચિંતા જન્માવનાર બાબત છે. આશા રાખીએ કે માધ્યમો ફરીથી આ લડત અને ન્યાપ્રક્રિયાને બહોળો ટેકો આપે.
ચાર્જશીટમાં પોલીસે અદાલતને અરજ કરી છે કે આરોપીને મુકદમા માટે બોલાવવામાં આવે અને જુબાની માટે સાક્ષીઓને તેમણે (પુરાવા તરીકે) રજૂ કરેલા દસ્તાવેજો સહિત બોલાવવામાં આવે.
ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર પોલીસે કુસ્તીબાજો, કોચ અને નિર્ણાયકો સહિત 108 સાક્ષીઓના બયાન લીધાં. તેમાંથી પંદર સાક્ષીઓના બયાનોમાં કુસ્તીબાજોએ કરેલા આરોપોને ટેકો મળ્યો.
કુસ્તીબાજોએ તેમની ફરિયાદમાં જાતીય સતામણીના 15 પ્રસંગો જણાવ્યા છે. તેમાંથી દસ કિસ્સા અનુચિત સ્પર્શને લગતા છે અને બીજા અનેક stalking સહિત ધાકધમકીને લગતા છે. અહીં છ કુસ્તીબાજોમાંથી દરેકે કરેલા આરોપ અને તેના ટેકામાં સાક્ષીઓએ કરેલાં નિવેદનો છે.
કુસ્તીબાજ 1
આરોપ :
‘હું ભોજન માટે બહાર એક હૉટલમાં હતી. આરોપીએ (બ્રિજે) મને ભોજનના તેના ટેબલ પર બોલાવી … એનો હાથ મારા વક્ષસ્થળ (breast) પર મૂક્યો, મારા શરીર પર હાથ ફેરવ્યો (groped me) અને પછી તેનો હાથ મારા પેટ તરફ સરકાવ્યો … ફરી ને ફરી ..
‘કુસ્તી મહાસંઘની ઑફિસમાં એ મારી હથેળી પર, ઢીંચણ પર, સાથળો પર, ખભા પર મારી સંમતિ વિના અનુચિત રીતે હાથ ફેરવવા લાગ્યો.
— પહેલા સાક્ષી કુસ્તીબાજનું નિવેદન : ‘પીડિતા(the victim)ના શ્વાસોશ્વાસ ચકાસવાને બહાને તેને અનુચિત રીત સ્પર્શ કરવામાં આવ્યો.
— બીજા સાક્ષી કુસ્તીબાજનું નિવેદન :
‘જીત મેળવ્યા પછી એ જ્યારે પેલીને અભિનંદન આપવા માટે વૉર્મ-અપ એરિયામાં જઈ રહ્યો હતો ત્યારે એણે બ્રિજને એનો હાથ પેલીના પેટ અને છાતી (chest) પર મૂકતા જોયો.
‘એને આ બહુ વિચિત્ર અને ખરાબ લાગ્યું. એ વૉર્મ-અપ એરિયામાં બીજા દેશોના કુસ્તીબાજો અને કર્મચારીઓ પણ હતા.’
— ત્રીજા સાક્ષી કુસ્તીબાજનું નિવેદન :
‘બ્રિજે હૉટેલમાં જમવાની જ્ગ્યાએ પીડિતા(the victim)ને તેના શ્વાસોશ્વાસ ચકાસવાને બહાને છાતી અને પેટ પર અનુચિત રીતે સ્પર્શ્યો હતો. પીડિતાએ એને (સાક્ષી કુસ્તીબાજને) અંગત રીતે કહ્યું હતું કે એ સમયે તેને (પીડિતાને) ખૂબ ખરાબ લાગ્યું હતું.’
કુસ્તીબાજ 2
આરોપો :
‘હું મૅટ પર આડી પડી હતી, અને આરોપીએ મારા શ્વાસોશ્વાસ ચકાસવાને બહાને મારી મંજૂરી વિના મારું ટી-શર્ટ ઊંચું કર્યું હતું, તેનો હાથ મારા વક્ષસ્થળ પર મૂક્યો હતો અને પછી મારા પેટ સુધી સરકાવ્યો હતો.
‘મને મહાસંઘની ઑફિસમાં આરોપીના રૂમમાં બોલાવવામાં આવી હતી, મારા ભાઈને બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
‘પછી આરોપીએ બારણું બંધ કર્યું હતું, મને પોતાના તરફ ખેંચી હતી અને જબરદસ્તીપૂર્વક શારિરીક નિકટતા (contact) સાધવાની કોશિશ કરી હતી.
— પહેલા સાક્ષી તરીકે તેના ભાઈનું નિવેદન :
‘એ મહાસંઘની ઑફિસમાંથી બહાર આવી ત્યારે એનો દેખાવ જ તેની અંદરની અસ્વસ્થતા બતાવી આપતો હતો.
‘એ દિવસે એણે (પીડિતાએ) તેને (ભાઈને) બનાવ વિશે કશું કહ્યું નહીં. મેં બનાવ વિશે તેણે એફ.આઇ.આર. નોંધાવ્યા બાદ જાણ્યું.’
— બીજા સાક્ષી તરીકે તેના પતિનું નિવેદન :
‘બે-ત્રણ અજાણ્યા માણસો અમારી પાસે (પીડિતા અને તેના પતિ પાસે) આવ્યા અને ગંભીર પરિણામોની ધમકી આપીને બિજભૂષણ સાથે શિંગડાં ન ભીડાવવાનું કહી ગયા.’
કુસ્તીબાજ 3
આરોપો :
‘તેણે (આરોપીએ) મને મારા મા-બાપ સાથે ફોન પર વાત કરાવી. તેણે (આરોપી બ્રિજે) મને તેની પથારી તરફ બોલાવી. એણે મારી મંજૂરી વિના જબરદસ્તીથી મને આલિંગનમાં લેવાની કોશિશ કરી.
‘તેણે (આરોપીએ) મને કહ્યું કે હું એને જાતીય સુખ આપું તેના બદલામાં તે મને કુસ્તીબાજ તરીકે જરૂરી supplements(પોષક દવાઓ) ખરીદી આપશે.’
— પહેલા સાક્ષી તરીકે માતાનું નિવેદન :
‘સ્પર્ધા પૂરી થયા પછી એ (ફરિયાદી દીકરી) પાછી આવી ત્યારે તેણે એમને (માતાને) બનાવનું વર્ણન કર્યું. પીડિતા કઝાગસ્તાનથી પાછી ફરી તે પછી આરોપીએ (બ્રિજે) તેમને (માતાપિતાને) વારંવાર ફોન પણ કર્યા હતા.’
— બીજા સાક્ષી તરીકે એક કુસ્તીબાજનું નિવેદન :
‘એણે પીડિતાએ ફરિયાદમાં જે બનાવનું વર્ણન કર્યું તેને ટેકો આપ્યો’.
— ત્રીજા સાક્ષી તરીકે કુસ્તીબાજનું નિવેદન :
‘તેને (સાક્ષી કુસ્તીબાજને) કોઈકની પાસેથી જાણવા મળ્યું કે મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણે પીડિતાને તેની રૂમમાં બોલાવી હતી.’
— ત્રીજા સાક્ષી તરીકે કુસ્તીબાજનું નિવેદન :
‘બ્રિજે પીડિતાને કોઈના દ્વારા પોતાના રૂમમાં બોલાવી હતી અને તેનાં (પીડિતાનાં) માતાપિતા સાથે ફોન પર વાત કરી હતી. તેણે (બ્રિજે) પીડિતાને પૂછ્યું હતું કે તે પોતે પૅન્ટ-શર્ટમાં સારો લાગે છે કે ધોતી-કુર્તામાં.’
કુસ્તીબાજ 4
આરોપો :
‘આરોપીએ મારા શ્વાસોશ્વાસ ચકાસવાને બહાને મારી મંજૂરી વિના મારું ટી-શર્ટ ઊંચું કર્યું હતું, તેનો હાથ મારા વક્ષસ્થળ પર મૂક્યો હતો, પછી મારા પેટ સુધી સરકાવ્યો હતો. અને એ મારી નાભીને અડ્યો હતો.’
— પહેલા સાક્ષી તરીકે કુસ્તીબાજનું નિવેદન :
‘એક દિવસ બ્રિજ ભૂષણ પ્રૅક્ટિસ એરિયામાં આવ્યો હતો અને તેનો (પીડિતાનો) હાથ પકડીને તેના (પીડિતાના) શ્વાસોશ્વાસ ચકાસ્યા હતા અને તેને તેની હથેળીઓ બતાવવાનું કહ્યું હતું.’
— બીજા સાક્ષી તરીકે કુસ્તીબાજનું નિવેદન :
‘તેઓ રમાડા હૉટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રૅક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આરોપી બ્રિજભૂષણ આવ્યો હતો અને તેણે ફરિયાદીની નાભિનો ભાગ ચકાસ્યો હતો. આ બાબતથી તે (ફરિયાદી) બહુ નર્વસ થઈ ગઈ હતી.’
— સાક્ષી તરીકે કોચનું નિવેદન :
‘આરોપી બ્રિજભૂષણની ઑફિસમાંથી ફરિયાદી પાછી ફરી રહી હતી ત્યારે તેણે એમને (કોચને) આરોપીની ઑફિસમાં જે બન્યું તેની જાણ કરી હતી.’
કુસ્તીબાજ 5
આરોપો :
‘હું (એક ટીમ ફોટોગ્રાફ માટે) છેલ્લી હરોળમાં ઊભી હતી … આરોપી (બ્રિજ) આવીને મારી બાજુમાં ઊભો રહ્યો અને અચાનક તેના હાથનો સ્પર્શ મેં મારા નિતંબ પર અનુભવ્યો. પછી જ્યારે મેં દૂર જતા રહેવાની કોશિશ કરી ત્યારે તેણે જબરદસ્તીથી મારો ખભો પકડી રાખ્યો.’
— સાક્ષી તરીકે એક રેફ્રિનું નિવેદન :
‘એક ફોટો સેશન દરમિયાન ફરિયાદી પહેલાં છેલ્લી હરોળમાં આરોપી બ્રિજભૂષણની બાજુમાં ઊભી હતી, પણ પછી એણે એ જગ્યા બદલીને છેલ્લી હરોળમાં ગઈ.’
— બીજા સાક્ષી તરીકે એક રેફ્રિનું નિવેદન :
‘એક ફોટો સેશન દરમિયાન બ્રિજ ભૂષણે ફરિયાદીને અનુચિત રીતે સ્પર્શ કર્યો હતો અને પછી ફરિયાદી જગ્યા બદલીને છેલ્લી હરોળમાંથી આગળની હરોળમાં ગઈ હતી.’
કુસ્તીબાજ 6
આરોપો :
‘મારી સાથે ફોટો ખેંચાવવાને બહાને એણે મારો ખભો પકડીને મને પોતાની તરફ ખેંચી હતી. ખુદનું રક્ષણ કરવા માટે મેં આરોપીથી દૂર જવાની કોશિશ કરી હતી. એટલે એણે કહ્યું હતું : ‘ज्यादा स्मार्ट बन रही हो क्या … आगे कोई कॉम्पिटिशन नही खेलने क्युं तुने ?’
કુસ્તીબાજ 6ના બે કોચે તેના આરોપોને આંશિક રીતે ટેકો આપ્યો હતો.
એક્સપ્રેસના જણાવ્યા મુજબ ચાર્જશીટ પર પ્રતિભાવ માટે બ્રિજ ભૂષણ ઉપલબ્ધ ન હતા.
પણ ચાર્જશીટના એક એનેક્ષરમાં એમ જણાવવામાં આવ્યું છે કે પોલીસે જ્યારે બ્રિજભૂષણને સવાલો પૂછ્યા ત્યારે તેણે બધા જ આરોપોનો ઇન્કાર કર્યો હતો.
એણે એવો પણ દાવો કર્યો હતો કે તે ફરિયાદી કુસ્તીબાજોને ક્યારે ય મળ્યો નથી અને તેમના ફોન નંબર પણ તેની પાસે નથી.
અલબત્ત, બ્રિજભૂષણની ધરપકડ ક્યારે થાય છે તે જોવાનું રહે. અત્યારે દિલ્હી પોલીસે ધોરણસરની ચાર્જશીટ બનાવેલી જણાય છે. પણ અત્યાર સુધી દિલ્હી પોલીસનું પોત પ્રકાશી ચૂક્યું છે.
આ પહેલાં એણે કરેલી અનેક ફરજચૂકોમાંથી સહુથી ગંભીર છે તે ગયા મહિને સગીર વયની પીડિતાની જાતીય સતામણીની ગંભીર ફરિયાદ પછી પણ બ્રિજની ધરપકડ ન કરવાની.
તેને પરિણામે ફરિયાદીએ ફરિયાદ પાછી ખેંચી હતી, અને એક મહત્વના મોરચે કેસ નબળો પડ્યો હતો, લડતમાં મોટી ખોટ આવી હતી.
“The Indian Express” (11 અને 12 જુલાઈ 2023)
[1,200 શબ્દો]
12 જુલાઇ 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર