શું રાખ્યું છે બંધ પડીકે એ તો કહો?
કયું ગોરસ છે, કોના શીકે એ તો કહો?
વેદવ્યાસની જેમ હવામાં હાથ ભલે!
શું નીકળશે ઢીકે ઢીકે એ તો કહો?
એક નદીનું બીજી નદીમાં છો વ્હેતું,
કોનું પાણી, કોની નીકે એ તો કહો?
મગનું નામ મરી ના પાડો તો કંઈ નંઈ,
કોને ખમ્મા છીંકે છીંકે એ તો કહો?
કયા મિયાંની, કઈ મીંદડી, ક્યાં બેઠી?
ચૂપ તમે છો કોની બીકે એ તો કહો?