આચાર્યશ્રી કુંજવિહારી મહેતા શતાબ્દી પૂર્ણાહુતિ પ્રસંગે જાહેર અપીલ

રવીન્દ્ર પારેખ
આજે 14 જુલાઇ, 2023. મહેતા સાહેબનો 101મો જન્મદિવસ. એમને વંદન. સાહેબને યાદ કરવા પડે એવું વ્યક્તિત્વ, એમનું હતું જ નહીં, એ વ્યક્તિત્વ યાદ રહી જાય એવું હતું. હું એમનો એમ.એ.નો વિદ્યાર્થી, એમણે આગ્રહ ન કર્યો હોત, તો એમ.એ. કરવાનું મારે કોઈ કારણ જ ન હતું. એ હૃદયવગા રહ્યા એટલે મને તો સાહેબ ઘણી વખત અનુભવાય છે. એમને વિષે જ્યારે પણ વિચારું છું તો થાય છે કે આજના યુગમાં એ પ્રસ્તુત ખરા કે એમને માટેની મારી લાગણી કામ કરી રહી છે? અત્યંત નિર્મમતાથી વિચારું છું તો લાગે છે કે આજે એમની પ્રસ્તુતતા અગાઉ હતી એ કરતાં વધુ છે. આચાર્યો ને મંત્રી તો એમના પછી પણ ઘણા થયા છે, કેટલાક તો નોંધપાત્ર પણ હશે, પણ શિક્ષણ અને સમાજ પર એક સાથે જે પ્રભાવ એમનો પડ્યો એનો તો અપવાદ પણ જણાતો નથી.
વધારે નહીં તો શિક્ષણ સંદર્ભે એમની પ્રસ્તુતતા થોડાં ઉદાહરણોથી તપાસીએ. ‘સાહિત્યનાં સ્વરૂપો અને શિક્ષણ પદ્ધતિ’ નામક 1958ના લેખમાં એમણે નોંધ્યું છે, ‘કોલેજના પ્રથમ વર્ષ વિનયનનો વિદ્યાર્થી … પ્રેમાનંદ વિષે પુછાયેલા પ્રશ્નના જવાબમાં એવું લખતો જણાયો છે કે, ‘પ્રેમાનંદે મીરાંનું મામેરું’ લખ્યું છે. નરસિંહ મહેતા અને નરસિંહરાવ દિવેટિયા – એ બંને જુદી જુદી વ્યક્તિઓ છે અને સદીઓને અંતરે થઈ ગઈ છે, એટલી ખબર પણ એમનામાંથી ઘણાને નથી હોતી. આવી ભૂલ કેવળ ઉતાવળને લીધે થાય છે એમ પણ નથી. વાસ્તવમાં એનું જ્ઞાન જ એટલું અધૂરું અને છીછરું હોય છે … વધારે આઘાતક તો એ છે કે, બી.એ.માં ગુજરાતીને મુખ્ય વિષય તરીકે લેનાર વિદ્યાર્થીએ ‘ગાંધીજીની આત્મકથા મહાદેવ દેસાઇએ લખી છે’ એમ જણાવ્યું હતું તે છે. આજે તો ગાંધીજીને જ દેશવટો અપાયા જેવી સ્થિતિ છે એટલે એમની આત્મકથામાં કોણ પડે, પણ સિનિયર આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે થોડા દિવસ પર છોટાઉદેપુર જિલ્લાની 6 શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મુલાકાત લીધી તો તેમને ભારે નિરાશા તેમના સામાન્ય જ્ઞાન સંદર્ભે સાંપડી. તેમણે પ્રાથમિક શિક્ષણ સેક્રેટરી ડો. વિનાયક રાવને સાફ શબ્દોમાં જણાવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ. તેઓ પેઢી દર પેઢી મજૂરી કરે અને આગળ ન વધે એ આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. આઠ વર્ષ બાળક આપણી પાસે રહે અને તેમને સરવાળા-બાદબાકી પણ ન શીખવી શકીએ તે આપણી ઘોર અસમર્થતાનું જ પરિણામ છે. આ સ્થિતિ 2023ની છે. 65 વર્ષે પણ શિક્ષણમાં બહુ ફેર પડ્યો નથી, એટલું જ નહીં, સ્થિતિ વધારે કથળી છે, તે એ અર્થમાં કે 2017થી ત્રીસેક હજાર પ્રાથમિક શિક્ષકોની ઘટ પુરાતી જ નથી ને સરકાર ફિક્સ પગારે જ્ઞાન સહાયકોનું ફિક્સિંગ કરતી રહે છે. શિક્ષકોનો આ દુકાળ અનેક ટ્રેઇન્ડ શિક્ષકો નોકરી વગર રખડે છે ત્યારે છે. આવી સમસ્યાઓ સંદર્ભે મહેતા સાહેબ અચૂક પ્રગટ્યા જ હોત ! નેતાઓ બર્થડેની ઉજવણીમાં તલવારથી કેક કાપે છે કે આજકાલ લગ્નોમાં કરોડોનો ખર્ચ દેખાડાને નામે થાય છે, એમને સાહેબે કલમથી વેતરીને માપમાં આણ્યાં હોત. આજે સર્વત્ર અનૈતિક ચુપકીદી છવાઈ છે તે ઘણી બધી રીતે ઘાતક છે.
એ ખરું કે વહીવટી જવાબદારીઓએ મહેતા સાહેબની સર્જનાત્મક અને વિવેચનાત્મક શક્તિઓને થોડી કુંઠિત કરી. એમણે વાર્તા, નાટ્યલેખનમાં પણ ઝંપલાવેલું. ‘અનુબોધ’, ‘સાહિત્યકુંજ’, ‘સાહિત્ય રંગ’ જેવાં અગિયારેક પુસ્તકોમાં એમનામાંનો વિવેચક પ્રગટ થતો જોવા મળે છે. સાહેબનો કોલેજમાં પણ કડપ ભારે. રાઉન્ડ પર નીકળે તો લોબી ખાલી થઈ જતી અને વર્ગો ભરાઈ જતા. એમનો કરડાકી ભરેલો ચહેરો અવગણી શકાતો નહીં. સોંસરું જોતી એમની આંખો ડારતી ને ઠારતી પણ ! ખોટાને ડારતી ને સાચાને ઠારતી.
એ નવસારીમાં જન્મ્યા ને સુરતમાં વિકસ્યા એ ખરું, પણ એમની સુવાસ તો પછી ગુજરાતભરમાં ફેલાઈ. ગુજરાત રાજ્ય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્યપદે પણ તેઓ રહ્યા. ‘પ્રતાપ’ અને ‘ગુજરાતમિત્ર’માં કોલમ ચાલી ને કલમ જે સચ્ચાઈથી સોંસરી ગઈ, એણે લોકશિક્ષણનું કાર્ય પણ કર્યું. શહેરના ને રાજ્યના સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રશ્નોની ચર્ચા સાહેબે કોઇની પણ સાડાબારી રાખ્યા વગર, પૂરા સંયમ અને વિવેકથી કરી. સાહેબ સ્પષ્ટવક્તા ને સત્યવક્તા એક સાથે હતા. સાહેબના ગમા-અણગમા પણ સ્પષ્ટ હતા. તેમને વધતા આવતા પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવનો અણગમો હતો, તો ભુલાતી જતી ભારતીય સંસ્કૃતિની ચિંતા પણ હતી. એમની સજ્જતા ને વિદ્વત્તા કુલપતિ કક્ષાની હતી, પણ કુલપતિ થયા વગર પણ, યુનિવર્સિટી ન કરે એવાં કામો સંસ્થાઓ સ્થાપીને એમણે કર્યાં. ‘સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન’ની સ્થાપના 1965માં કરી. આ ઉપરાંત ‘સુરત નાગરિક સભા’, ‘સપ્તક’, સત્યશોધક સભા’ જેવી સંસ્થાઓ પણ એમણે ઊભી કરી. કોઈ પણ સંસ્થામાં સ્થાપક તરીકે આજીવન વળગી રહેવાનું આજકાલ સહજ ગણાય છે, પણ સાહેબે સંસ્થાઓ સ્થાપીને તેની દોર યોગ્ય હાથોમાં સોંપી. આવું ઔદાર્ય સરળ નથી.
એ અધ્યાપક, શિક્ષક, વિદ્યાર્થીથી માંડીને પટાવાળા સુધીના તમામને સમભાવથી જોતા ને કોઈ પણ પ્રકારની સહાય માટે કશા ય સ્વાર્થ વગર તત્પર રહેતા. ગુરુ હોવા છતાં, ‘ગુરુ’પદ દાખવ્યું નહીં, પણ ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષરવર્ય ગુરુના એ છેવટ સુધી પ્રીતિપાત્ર રહ્યા. સામાજિક વિરોધ વહોરીને, જ્ઞાતિભેદ અવગણીને સાહેબે તપોધન કન્યા લીલાબહેન રાવલ સાથે 1950માં લગ્ન કર્યાં. એમનાં લગ્ન તે સમયે તો સાહસ જ હતું. એમની ખેલદિલી એ હતી કે પોતાનાથી જુદો મત ધરાવતી વ્યક્તિનો મત યોગ્ય હોય તો, તેનો જાહેરમાં સ્વીકાર કરતા. એવો મત પ્રગટ કરનાર જો વિદ્યાર્થી હોય તો એ સ્વીકારતા એટલું જ નહીં, તેને પ્રોત્સાહિત પણ કરતા.
નવનિર્માણ આંદોલનના સ્ફોટક સમયમાં વિદ્યાર્થીઓ કોલેજમાં આંદોલન કરશે એમ લાગતાં પોલીસ કોલેજ કેમ્પસમાં પ્રવેશવા તૈયાર થઈ. સાહેબને વિદ્યાર્થીઓ પર ભરોસો, એટલે પોલીસને રોકી. વાતાવરણ જોઈને સોસાયટીએ સમજાવ્યા કે પોલીસને આવવા દો, પણ સાહેબે રાજીનામું આપવાની વાત કરી અને પોલીસને બહાર જ રાખી. આજે એટલો ફેર પડ્યો છે કે વાતાવરણ તંગ થાય છે તો આચાર્ય જ પોલીસને સામેથી ફોન કરે છે.
ઉમાશંકર જોશી કહે છે તેમ સાહેબે વર્ગને સ્વર્ગ જ રાખ્યો. આજે વર્ગ માત્ર સ્વર્ગસ્થ હોય એવી સ્થિતિ નથી લાગતી? વર્ગખંડ ત્યારે ભણાવવા માટે હતો, આજે પરીક્ષા માટે છે. પરીક્ષાઓ વચ્ચે ભણવાનું થતું હોય એમ બને. એક સમય હતો, જ્યારે કોઈ શિક્ષક ખાનગી ટ્યૂશન કરી ન શકતો. આજે ટ્યૂશન ક્લાસીસ જ જાહેર થઈ ગયાં છે, તે ત્યાં સુધી કે આવાં ક્લાસીસ કે સ્ટડી સેન્ટરો સુરતમાં ને સુરત બહાર પણ કોલેજની જેમ ચાલે છે ને ખાનગી યુનિવર્સિટીની ડિગ્રી પણ અપાવે છે. સરકારે એની તપાસ નર્મદ યુનિવર્સિટીના કુલપતિને 12 જુલાઇએ જ સોંપી છે. 12 જુલાઇના જ એક સમાચાર ગુજરાત યુનિવર્સિટીના છે. બી.એસસી. નર્સિંગની ઉત્તરવહીઓ સ્ટ્રોંગરૂમમાંથી ગુમ થઈ ગઈ ને યુનિવર્સિટીને ખબર નથી કે કયા વિદ્યાર્થીઓની કેટલી ઉત્તરવહીઓ ગુમ થઈ. વાત તો એવી છે કે ઉત્તરવહીઓ બહાર જતી હતી ને તેમાં જવાબો લખાવાતા હતા ને તેના લાખો રૂપિયા વસૂલાતા હતા. આવનારા સમયમાં એવી સગવડ થાય તો નવાઈ નહીં કે થોડા લાખ ખર્ચો તો પીએચ.ડી.નું સર્ટિફિકેટ ઘરે આવી જાય. એ કોણ ભણવાની, વર્ગમાં જવાની, પરીક્ષાઓ આપવાની ઝંઝટમાં પડે ! આવું ચાલતું હોય ત્યાં મહેતા સાહેબ ચૂપ ન રહે, પણ અફસોસ કે સાહેબ નથી ને ગુજરાતનું શિક્ષણ બદથી બદતર થઈ રહ્યું છે એની ભાગ્યે જ કોઈને ચિંતા છે.
એમ લાગે છે કે સાહેબ હોત તો એ આજની પરિસ્થિતિથી દુ:ખી જ હોત. બનવા જોગ છે કે આજના સમયમાં કોઈને આ બધું જૂનવાણી લાગે ને સલાહ આપે કે આવી રહેલાં પરિવર્તનને સ્વીકારીને આગળ વધવું જોઈએ. એ સાચું પણ છે, પણ એ તો જોવું પડશેને કે પરિવર્તન, પતન તો નથીને? એ જે હોય તે, પણ સાહેબ હતા તે હતા. એ તો નહીં બદલાય, પણ એમની નિયમિતતા અને ચીવટાઈ, પરિસ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ ને મક્કમ નિર્ણયાત્મકતા એમને નોખા-અનોખા તારવે છે એ સ્વીકાર્યે જ છૂટકો છે.
એમની ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ નામક કૉલમ લોકપ્રિય હતી એ ખરું, પણ લોકપ્રિય રહેવા એમણે કોઈ સમાધાન કર્યાં નથી. ખુશામત અને ચાપલૂસી એમણે કરી નથી કે એમની સામે ટકી પણ નથી. એમની કોલમ 33 વર્ષ સુધી સતત સજીવ રહી. એ શ્વાસ મૃત્યુએ જ રોક્યો. એક દિવસ પણ એમાં ખાડો ન પડ્યો. એ તો ઠીક, મૃત્યુ પછી પણ ત્રણેક સપ્તાહ સુધી તો કોલમ ધબકતી રહી. આવી નિયમિતતા આજે વિરલ છે. 1939થી 1983 સુધી એમ.ટી.બી.ના વિદ્યાર્થી, અધ્યાપક અને આચાર્ય રહ્યા. એ પછી 11 વર્ષ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનનું સફળ સંચાલન પણ કર્યું. એના પરિપાકરૂપે જ સોસાયટી આજે યુનિવર્સિટીનો દરજ્જો પામી હોય તો નવાઈ નહીં ! એક જ કેમ્પસમાં 55 વર્ષ સુધી જીવ રેડીને મૃત્યુપર્યંત કામ કરવું એ સમર્પણ વગર શક્ય નથી. એ સ્થિતિમાં એમની કાયમી સ્મૃતિ જળવાય એ માટે સાર્વજનિક યુનિવર્સિટી સાથે એમનું નામ જોડાય તો આપણે વધારે ઊજળા દેખાઈશું. આશા છે આ વાત કોઈ કાન તો કાને ધરશે. સુજ્ઞેષુ કિમ બહુના?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જુલાઈ 2023