અમર્ત્ય સેન : ‘આપણે જેમને વરસોથી શિક્ષણ સહિતની સુવિધાઓથી વંચિત રાખ્યા છે તેમને એક વધુ વંચિતપણું ન આપી શકીએ’
ગાંધી જનમભોમકા પોરબંદરની નગરપાલિકાના પ્રમુખપદે એક નિરક્ષર મહિલા ચૂંટાયાં એ દિવસોમાં જ સર્વોચ્ચ અદાલતે પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી હોવાના હરિયાણા સરકારના કાયદાને બંધારણીય ઠરાવ્યો. હરિયાણા દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં ગ્રામ પંચાયતની સભ્ય ભણેલી વ્યક્તિ જ બની શકશે! એપ્રિલ ૧૯૯૩ના ૭૩મા બંધારણ સુધારા દ્વારા દેશમાં એક સરખું ત્રિસ્તરીય પંચાયત માળખું અમલી બન્યું છે. અમલના બે-સવા બે દાયકે જ આ કાયદામાં રાજ્યોની વિધાનસભાઓએ સુધારા કરવા માંડ્યા અને પંચાયતના સભ્ય બનવા વિવિધ લાયકાતો અને શરતો સામેલ કરી દીધી છે.
હરિયાણાની ભાજપ સરકારે સપ્ટેમ્બર-૨૦૧૫માં, હરિયાણા પંચાયતી રાજ સંશોધન અધિનિયમ-૨૦૧૫ ઘડીને પંચાયતની ચૂંટણી માટે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે ૧૦મું ધોરણ, મહિલા ઉમેદવાર માટે ૮મું ધોરણ અને દલિત મહિલા માટે ૫મું ધોરણની લઘુતમ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય બનાવી હતી. આ કાયદામાં ઉમેદવારના ઘરે સંડાસ હોવાની, સહકારી કે સરકારી બેન્કની લોન અને વીજળી બિલ બાકી ન હોવાની તથા ઉમેદવાર અપરાધી ન હોવાની શરતો પણ સામેલ હતી. આ પ્રકારનો કાયદો નાગરિકના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે, એવા મુદ્દે તેને અદાલતમાં પડકારાયો હતો. છ એક મહિનાની અદાલતી કાર્યવાહી પછી દેશની સર્વોચ્ચ અદાલતે તેને બંધારણીય ઠરાવ્યો છે.
પંચાયતીરાજ પ્રથાને ભારતનો પ્રાચીનતમ ભવ્ય વારસો ગણવામાં આવે છે. ‘મહાભારત’ના શાંતિપર્વમાં ગ્રામસભાનો અને કોટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ગ્રામપંચાયતનો નિર્દેશ મળતો હોવાની ગવાહીઓ રજૂ કરાય છે. બ્રિટિશ શાસનકાળમાં ભારતનાં મોટાં શહેરોમાં મ્યુિનસિપલ તંત્ર દાખલ કરવામાં આવ્યું હોવાના કે આઝાદી પૂર્વે પંચાયતોની રચના સંબંધી કાનૂની પગલાં લેવાયાના દાખલા દેવાય છે. જો કે ભારતીય બંધારણના મુસદ્દાના પ્રથમ વાચન સુધી બંધારણમાં પંચાયતીરાજનો કોઈ જ ઉલ્લેખ નહોતો. ગાંધીજીનું તે તરફ ધ્યાન દોરવામાં આવતાં ૨૬મી ડિસેમ્બર ૧૯૪૭ના ‘હરિજનબંધુ’માં એમણે લખ્યું: ‘પંચાયતની ઉપેક્ષા તાત્કાલિક ધ્યાન માગી લે તેવી છે. પંચાયતોને જેટલી વધુ સત્તા તેટલું લોકને માટે સારું છે. નવી દિલ્હી, કલકત્તા અને મુંબઈ જેવા મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે.
હું તેને હિંદના સાત લાખ ગામડામાં વહેંચી દેવા માગુ છું.’ ગાંધીજીના આ અભિપ્રાય પછી બંધારણના મુસદ્દાના બીજા વાચન વખતે પંચાયતી રાજને બંધારણમાં સામેલ કરવાની માંગ ઉઠી. પરંતુ તેમ કરતાં બંધારણના ઘડતરનું કામ વિલંબમાં મુકાવાની શક્યતા હોઈ બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પંચાયતને સામેલ કરતી કલમ ઘડીને સંતોષ મનાયો હતો. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકર ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને પંચાયત અંગેના વિચારોના વિરોધી હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે,‘આપણું ગામડું સંકુચિતતા, અજ્ઞાન અને કોમવાદનું કેન્દ્ર છે. એટલે આપણા શાસનવિધાને ગામડાને એકમ બનાવવાને બદલે વ્યક્તિને એકમ બનાવી છે એ યોગ્ય જ કર્યું છે.’ રાજીવ ગાંધીના રાજકીય સલાહકારોએ એમને પંચાયતીરાજ માટે પ્રોત્સાહિત કર્યા અને પછી તો એ તેમના માટે વળગણ બની ગયું. ૧૯૯૪માં રાજીવ ગાંધીની હત્યા પછી ૭૩મો અને ૭૪મો બંધારણ સુધારો થયો અને દેશભરમાં એકસરખું પંચાયતીરાજ અમલી બન્યું.
દેશમાં પંચાયતીરાજને કારણે છેક ગ્રામસ્તર સુધી લોકતંત્ર પહોંચ્યું છે. હવે પંચાયતોની નિયમિત ચૂંટણીઓ થાય છે. ઘણાં રાજ્યોએ મહિલા અનામત દાખલ કરી છે. એટલે મહિલાઓની ભાગીદારી વધી છે. એક અંદાજ મુજબ દેશની ૨.૫ લાખ પંચાયતોમાં ૩૨ લાખ પ્રતિનિધિઓ ચૂંટાય છે. તેમાં ૧૩ થી ૧૪ લાખ મહિલાઓ હોય છે. એ રીતે નીચલા સ્તરે લોકતંત્ર પહોંચ્યું છે. પરંતુ ૨૨ વરસ જૂના પંચાયતી રાજ કાયદામાં રાજ્યોએ કેટલાક સુધારા પણ કર્યા છે. હરિયાણા પછી રાજસ્થાન બીજું એવું રાજય છે જેણે પંચાયતમાં ઉમેદવારી માટે શિક્ષણની શરત દાખલ કરી છે. ગુજરાત સહિતના ઘણાં રાજ્યોએ ઘરે શૌચાલય કે બે કરતાં વધુ બાળકોની જોગવાઈ કરી છે. રાજસ્થાન, આંધ્ર અને ઓરિસ્સામાં રક્તપિતના દર્દીને ચૂંટણીમાં ઉમેદવારી માટે ગેરલાયક ઠરાવ્યા છે. ઓરિસ્સાના પંચાયતીરાજ કાયદામાં તો ક્ષયનો દર્દી પણ પંચાયતની ચૂંટણી લડી શકતો નથી. આંધ્ર અને ઓરિસ્સામાં મૂકબધિરને પંચાયતની ચૂંટણીની ઉમેદવારીમાંથી કાયદેસર બાકાત કરી દીધા છે.
અદાલતની મંજૂરીની મહોર પછી જાન્યુઆરી ૨૦૧૬માં હરિયાણામાં ૬૧૯૮ સરપંચો, ૬૨,૪૯૨ ગ્રામ પંચાયત સભ્યો અને ૨૧ જિલ્લા પંચાયતો અને ૧૨૬ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં માત્ર ભણેલા જ ઉમેદવારી કરશે. આઝાદ ભારતના ઇતિહાસમાં નિરક્ષરોને ચૂંટણી લડતા અટકાવ્યા હોય એવી આ પ્રથમ ચૂંટણી છે. સર્વોચ્ચ અદાલત સમક્ષ હરિયાણા સરકારે, ભારત સરકારના એટર્ની જનરલે અને આ કાયદા સામે જાહેર હિતની અરજી કરનાર ધારાશાસ્ત્રીઓએ ઘણી દલીલો કરી હતી. ખુદ સરકારે જણાવ્યું છે કે આ કાયદાને કારણે ૪૬ ટકા નાગરિકો ચૂંટણી લડી શકશે નહીં.
જો કે સરકારની આ વાતને વિરોધી વકીલોએ ખોટી ગણાવી છે. હરિયાણામાં આ કાયદાના અમલને લીધે ૮૬ ટકા દલિત મહિલાઓ, ૭૧ ટકા સામાન્યવર્ગની મહિલાઓ, ૫૬ ટકા પુરુષો અને સરવાળે ૬૭ ટકા હરિયાણવી નાગરિકો ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર ગુમાવશે. આ કાયદાને કારણે પંચાયતીરાજની મૂળ ભાવનાનો લોપ થાય છે. વળી હરિયાણા સંપૂર્ણ સાક્ષર રાજ્ય પણ નથી. હરિયાણાનો હાલનો સાક્ષરતા દર ૭૫.૫૫ ટકા છે. તે પૈકી પુરુષ સાક્ષરતા દર ૮૪.૦૬ ટકા અને મહિલા સાક્ષરતા દર ૬૫.૯૪ ટકા છે. રાજ્યની કુલ વસ્તીમાં શહેરી વસ્તી ૩૪.૮૮ ટકા છે જ્યારે ગ્રામ્ય વસ્તી ૬૫.૧૧ ટકા છે. એ રીતે જોતાં આ કાયદો બહુમતી ગ્રામ્ય નાગરિકોના અધિકાર પર તરાપ મારે છે. ગ્રામીણ હરિયાણાનો સાક્ષરતા દર ૭૧.૪૨ ટકા છે, જેમાં પુરુષ ૮૧.૫૫ અને સ્ત્રી ૫૧.૮૬ ટકા છે. આ સંજોગોમાં પંચાયતી રાજની ચૂંટણીમાં શૈક્ષણિક લાયકાતની જોગવાઈ બહુમતી નિરક્ષરોને શાસનમાંથી બહાર ધકેલી દે છે.
નોબેલ પુરસ્કૃત વિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પણ સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાની પૂર્ણ બંધારણીય બેન્ચ સમીક્ષા કરે તેવી માગ કરે છે અને કહે છે કે,‘આપણે જેમને વરસોથી શિક્ષણ સહિતની સુવિધાઓથી વંચિત રાખ્યા છે તેમને એક વધુ વંચિતપણું ન આપી શકીએ’. જ્યાં કાયદા, નીતિ કે યોજનાઓ ઘડવાની છે એવી સંસદમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં શિક્ષિત લોકોની વધુ જરૂર હોય છે. પંચાયતોએ તો માત્ર વિકાસ યોજનાઓનો અમલ કરવાનો હોય છે. એટલે ત્યાં ભણતર કરતાં ગણતર અને અંક કે અક્ષરજ્ઞાનને બદલે કોઠાસૂઝ વધુ મહત્ત્વની છે. ભારતની સંસદમાં હાલમાં જ્યારે ૪ નિરક્ષર સાંસદો વિરાજમાન હોય ત્યારે ગ્રામપંચાયતના સભ્ય થવા ભણેલા હોવું ફરજિયાત કરવું એ ભારે વિચિત્ર છે. સૌને માટે સમાન – ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી આવા કાયદા બેઈમાની છે.
ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 31 ડિસેમ્બર 2015