સ્વામી આનંદ, ચક્રવર્તી રાજગોપાલાચારી, વલ્લભભાઈ પટેલ અને મહાદેવભાઈ દેસાઈ. પાછળ ઊભેલામાં રાજાજીના પુત્ર તેમ જ દેવદાસ ગાંધી હોવાના સંભવ છે.
ભારતના ઈશાન ખૂણે ચીનનું આક્રમણ થયાના તે દિવસો હતા. વિનોબાજીની અનુપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના વેડછીમાં સર્વોદય આંદોલનનું ચૌદમું સમ્મેલન મળેલું. 22-24 નવેમ્બર 1962ના તે દિવસો. જાણીતા કેળવણીકાર, ’આનંદ નિકેતન’ કેળવણીના ઉદ્દગાતા અને પાયાની કેળવણીના એક મુખ્ય છડીદાર ઈ.ડબલ્યૂ. આરિયાનાયકમ સમ્મેલન પ્રમુખ હતા. આંધ્રપ્રદેશમાં અગાઉ મળેલા સમ્મેલન પ્રમુખ જયપ્રકાશ નારાયણ પાસેથી એ હવાલો મેળવતા હતા. સ્વાગત પ્રમુખ હતા વૈકુંઠલાલ લ. મહેતા. અને જુગતરામ દવેની નિગરાની હેઠળ આ સમ્મેલનની ગોઠવણ થઈ હતી. દાદા ધર્માધિકારી, ધીરેન મજમુદાર, રવિશંકર મહારાજ સમેતના દેશ ભરના ગાંધીવાદી સર્વોદયી આગેવાનો ય હાજરાહજૂર. વળી, સ્વામી આનંદ પણ ખરા. ચીની આક્રમણથી વ્યથિત થયેલાં વાતાવરણમાં મળવાનું બનતું હતું. સર્વોદય કાર્યકરોએ અહિંસક સમાજ ઊભો કરવાનો અહીં નિર્ણય કર્યો હતો. આવા સમાજની રચના સારુ કાર્યકરો સરહદી વિસ્તારમાં જાય અને રચનાત્મક કાર્યક્રમ વાટે આમ જનતામાં અહિંસક લોકશક્તિ નિર્માણ કરે તેમ નક્કી કરાયું હતું.
આ દિવસોમાં મુંબઈ રહી અભ્યાસ કરતો. ગામદેવીના લેબરનમ રોડ પર, મણિભવન ખાતે, પ્રયોગશાળા જોરશોરથી ધમધમે. વસવાટ તે જ વિસ્તારમાં. તેથી સમયાનુકૂળે મણિભવનની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જતો. મુંબઈમાંના ગાંધીવાદી, સર્વોદયી મિત્રો જોડાજોડ હું ય આ સમ્મેલનમાં હાજર. કુડીબંધ પ્રાત:સ્મરણીય આગેવાનો તેમ જ અસંખ્ય વિચારકો, કર્મઠ કાર્યકરો વચ્ચે રહેવાનું થયું. યુવાનીનું જોમ, જાણવામળવાની કુતૂહલતા, કશુંક કરવાની ઊર્જાશક્તિ. અને પરિણામે અનેકોને મળતો, હળતો અને મેળવતો. એમાં એક દા, વિશ્રાન્તિ સમયે વ્યાસપીઠે સ્વામી આનંદને દીઠા. લાગલો મળવા દોડ્યો. મળવા સમય આપવા વિનંતી કરી જોઈ. પણ નિષ્ફળ. સ્વામીદાદા કહે : હવે નવા પરિચય કેળવવા નથી. … બહુ થયું !
ભારે નાસીપાસ થયેલો, અને તેનો રંજ બહુ લાંબા સમયે ખાળી શકેલો.
ખેર ! … સન પંચોતેરથી વિલાયતવાસ આરંભાયેલો. તેમાં આઠમા દાયકાના આરંભે, રાંઝણ(સાયૅટિકૅ)ની ભારે અસરમાં પટકાયો, પથારી આવી. ભોંયપથારીએ ચાળીસેક દહાડા કાઢવાના થયા. તે વેળા ભારતથી આણેલાં સ્વામી આનંદનાં પુસ્તકોમાં ખોવાઈ જતો. તે દિવસોમાં સ્વામી આનંદનાં સાહિત્ય બાબત, કોઈક મહાનિબંધ કરી, પીએચ.ડી. કરવાની ઘેલછા ય થઈ આવેલી. લાંબા અરસા સુધી આ તોર રહ્યો. પરંતુ આ તોરની ઘેલછા ટકી ન શકી તે નક્કી. આમ તો, સ્વામીદાદાનાં લખાણે મારા પર જબ્બર ભૂરકી લગાવેલી. આજે ય આ ‘ખમીરવંતા ને ઓજસ્વી ગદ્યકારનું’ લખાણ, એમનું ‘નજરાણું’ મને તરબતર રાખે છે.
દીક્ષાએ રામકૃષ્ણમાર્ગી સાઘુ, વૃત્તિએ ગાંધીવાદી સેવક અને શૈલીએ સવાયા સાહિત્યકાર એવા સ્વામી આનંદે લખાણો ઉપરાંત એકમેક વિશિષ્ટ પુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાની અનોખી સેવા કરી. ‘સ્વામી આનંદ એટલે ગુજરાતી ગઢની અલાયદી ઈજ્જત. એમને ગઢના ઘડતરની પાછળ જીવનનો એક વિરાટ અને વ્યાપક, ઊંડો અને અખિલાઈભર્યો અનુભવ છે. એમણે તો સહેજ અનાયાસે કલમ ઊઠાવી અને આપણી પાસે એમનું સાહિત્ય, તણખાને સ્પર્શે ઘાસની ગંજી પ્રજ્વલી ઊઠે એમ, પ્રગટ્યું.’
સ્વામી આનંદે, પોતાના 'અનંતકળા' નામના પુસ્તકના પ્રારંભમાં, 'મારી કૅફિયત' શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં, 30 જાન્યુઆરી 1967ના દિવસે, આમ લખ્યું છે :
‘ઉંમર આખી મેં કંઈ ને કંઈ આછુંપાતળું લખ્યું. પણ કશું ગ્રંથસ્થ કરવા ન દીધું. મારો વૅપલો વગર મૂડીનો. મૂળે હું અભણ. બચપણથી જ ઘેરથી ભાગી સારાનરસા સાધુબાવાઓની દુનિયામાં ખોવાઈ ગયેલો. એ જમાતની સ્લોગન ‘પોથી પઢપઢ પંડત મૂએ’વાળી.
એણે મારું નુકસાન કર્યું, તેમ બે નરવા સંસ્કાર પણ આપ્યા. એક એ, કે વિદ્યા વેચાય નહિ; હવાઉજાસ અન્નજળની જેમ જ જ્ઞાન-સમજણ રૂપિયા-આનામાં કદી મૂલવાય નહીં. એમ કરવું એને સ્વ. સ્વામી તપોવનજી ‘a little vulgar’ (એ લિટલ વલ્ગર) કહેતા.
બીજો સંસ્કાર મળ્યો તે એ, કે સાધુ ‘દો રોટી, એક લંગોટી’નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફેડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્ત્રનો. સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી; દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશેકાઈ.
આ બે સંસ્કારને હું, અથવા બાબાકંબલ ન્યાયે કહો કે એ સંસ્કાર મને, જિંદગીભર ચીટકી રહ્યા. સમજણ વધતી ગઈ તેમ તેમ એમાં વજૂદ પણ મેં જોયું. ‘પ્રેમ કે બસ અરજુન રથ હાંક્યો’વાળી ઘટના, કે અજંતા-દેલવાડાનાં શિલ્પ જે પ્રેમભક્તિની પેદાશ હશે તેની પાછળના પરિશ્રમનાં મૂળ મજૂરીને દરે કેમ કરીને મૂલવાય ?
આ કૅફિયતના બે આખરી ફકરાઓ ખાસ વાગોળવા જેવા છે :
વરસો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જીવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો અૉદ્ધાર કરવાના લહાવાઅૉરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું. પણ મારી ગાડી જ કમબખત આવતી નથી. મિત્રો અકળાય છે. એમને હદથી જાદે વાટ જોવડાવ્યાનો અફસોસ મને પીડે છે.
આમ હું હાર્યો. મૂળેય મારાં લખાણો દુનિયાનો અૉદ્ધાર કરવાના અભખરામાં પડીને કોઈ છાપે-પ્રચારે તે સામે સિદ્ધાંતની રૂએ તો મારે કશી તીખી અદાવત નહોતી. હવે પ્રસ્તુત મુદ્રક-પ્રકાશકોએ મને મરણને ફાટકે દુ:ખ ન દેવાની બાંહેધરી આપી છે. એટલે રામભરોસે રહીને, અને મારે રવાડે ચડવામાં રહેલાં જોખમ પ્રકાશકને ત્રણ ત્રણ વાર સમજાવ્યા પછી, મારાં લખાણો પુસ્તક રૂપે પ્રગટ કરવાનું સાહસ એમને ખેડવા દેવાનું મેં કબૂલ્યું છે. એ બધાંમાંથી અમને સૌને પાર ઊતારો.
હાશ ! … અને આપણને સ્વામી આનંદનું માતબર સાહિત્ય, પ્રકાશિત સાહિત્ય, મળે છે. અને સ્વામીદાદાની મુદ્રક-પ્રકાશક વિશેની ઝાઝાવિધ શરતોની લાંબી પેરે માહિતી કાન્તિભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠ માંહેના એક અવસરે, ભોજન લેતાં લેતાં એક અંગત બેઠકમાં, પ્રકાશભાઈ શાહને તથા મને આપેલી. સ્વામીદાદાએ જ લખ્યું છે, ‘દળદરી નઘરોળ દેદારવાળાં અને છાપભૂલોવાળાં નીકળે, એ મારાથી ખમાય નહીં’. અને પછી ગાંધીજીનો દાખલો ય આપે છે : ‘ગાંધીજીએ નબળા અનુવાદ અને છાપભૂલોવાળી છપાઈને તૈયાર થઈ ચૂકેલી ચોપડી સ્વ. નરહરિભાઈ પાસે બાળી મુકાવેલી !’
પરિણામે, ‘બાલગોવિંદ પ્રકાશન’ સંસ્થાના ભાઈદાસભાઈ પરીખ તથા વ્રજલાલભાઈ પરીખ, એક તરફ, અને બીજી તરફ, ‘યજ્ઞ પ્રકાશન’ના કાન્તિભાઈ શાહ, ચૂનીભાઈ વૈદ્ય, વગેરે અને ‘સુરુચિ છાપશાળા ટૃસ્ટ’ના મોહનભાઈ પરીખ જેવા જેવાઓની ભારે જહેમતે ચીવટપૂર્વક પુસ્તકો પ્રગટ થવાં આરંભાયાં. તેમાં મૂળશંકરભાઈ મો. ભટ્ટનું સોજ્જું સંપાદન કેન્દ્રસ્થ રહેલું. બાલગોવિંદ દ્વારા બાર પુસ્તકોની શ્રેણી પ્રગટ કરવાની યોજના થયેલી. સ્વામીદાદાની હયાતીમાં જ આઠ પુસ્તકો પ્રગટ થયેલાં; 1976માં બીજાં બે એમના અવસાન કેડે પ્રસિદ્ધ થયાં. પછી તો મુંબઈની એન.એમ. ત્રિપાઠીની પ્રકાશન પેઢીએ કેટલુંક સાહિત્ય આપેલું. અને તે પછી, નવભારત સાહિત્ય મંદિર દ્વારા છપાયું. તે વચ્ચે, 1977માં ‘લોકમિલાપ’ દ્વારા ‘ધરતીની આરતી’ પ્રકાશિત કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ગ્રંથના પણ સંપાદક હતા મૂળશંકરભાઈ મો. ભટ્ટ. એ લખતા હતા, ‘આમાં સંગ્રહિત થયેલ લખાણોમાંનું કોઈ પણ લખાણ સામાન્ય ભણેલોગણેલો વાચક માણી શકે અને તે દ્વારા જીવનનાં ઉત્તમ તત્ત્વો જાણ્યે અજાણ્યે તેના અંતરમાં ઉતરી જાય, એવું છે. વળી આજ પછીની અનેક પેઢીઓ સુધી આમાંનું કોઈ પણ લખાણ વાસી થઈ જાય તેવું નથી.’
‘અનંતકળા’, ‘ઈશુ ભાગવત’, ‘કુળકથાઓ’, ‘જૂની મૂડી’, ‘ધરતીનું લૂણ’, ‘નઘરોળ’, ‘સંતોના અનુજ’, ‘ધરતીની આરતી’ જેવાં પુસ્તકો મારે માટે ચિરંજીવ રહ્યાં છે. તેમાં ય ‘મૉનજી રૂદર’, ‘મહાદેવથી મોટેરા’, ‘ધનીમા’, ‘ટીંબાનો ઉપદેશ’, ‘ઈની કૂખેં પરથમી પાકી’, ’શુક્રતારક સમા’, ‘મારા પિતરાઈઓ’ ‘લોકગીતા’ સરીખાં અનેક લખાણો મનમંદિરિયે જડબેસલાખ છે.
સન 1970ના અરસામાં રવિભાઈને લખેલા એક પત્રનો ઉલ્લેખ ‘બાહ્યાન્તર યાત્રા’માં મુકાયો છે. સ્વામીદાદા કોસબાડ હિલથી લખતા હતા :
1915ના જાનેવારીમાં ગાંધીજી હિંદ આવ્યા તેને બીજે-ત્રીજે દિવસે જ હું એમને એમના ભાણેજ અને મારા મિત્ર સ્વ. મથુરાદાસ ત્રિકમજીને ઘેર મળ્યો. અને ત્યારથી જ ચાલુ સંપર્ક રહેલો, કોચરબ આશ્રમ સ્થપાયો તેવો જ ત્યાં પણ જતો આવતો,, કામ કરતો ને રહેતો. 1915થી 17 અઢીત્રણ વરસ મુંબઈ, પૂના અને પાછળથી વડોદરા રહેતો. ત્યાંથી કોચરબ જોડે મારી સતત આવજાવ ચાલુ રહેતી. દૂધાભાઈ, દાનીબહેન વાલજીભાઈ 1915માં અને વિનોબા, મશરુવાળા, મહાદેવભાઈ, નરહરિભાઈ 16-17માં આવ્યાં અને જોડાયાં. હું ફોર્મલી કદી ન જોડાયો પણ આશ્રમના નિયમો પાળીને નિષ્ઠાપૂર્વક રહેતો.
કાકા 1915માં શાંતિનિકેતન ગયા ત્યારે ત્યાં સૌ પ્રથમ એમના સંપર્કમાં આવેલા, પણ 1917 સુધી વડોદરે હતા, પછી વિધિપૂર્વક ગાંધીજીના કામમાં જોડાયા. મારે અંગે કશાં વિધિ માગણી ન થયેલાં. હું તો મારી જ ખણસનો માર્યો શરૂથી જ એમની પાસે પહોંચી ગયેલો પણ મારા સાધુઉછેરને કારણે સંસ્થાસંઘ એવું કશું મારી પ્રકૃતિને ન સદે એ વહેલી વયેથી સમજેલો, તેથી આદર્શનિષ્ઠ છતાં જિંદગીભર આગ્રહપૂર્વક આઝાદ રહ્યો, ને ગાંધીજીએ મને નભાવ્યો. વિનોબાજી, કૃપલાની પણ તેવા જ રહ્યા. કિશોરલાલભાઈ અમને ત્રણેને આશ્રમ, ગાંધી સેવાસંઘ બધાં મંડળોના ‘અસત્ય સભ્ય’ કહેતા ! …
મીરાંબહેન ભટ્ટે ‘ગાંધી યુગની આકાશગંગા’ નામે એક મજેદાર પુસ્તક આપ્યું છે. તે સંચયમાં 84 જેટલાં મહાન વ્યક્તિત્વોની આછેરી ઝલક અપાઈ છે. તેમાંથી સ્વામી આનંદ વિશેના આ ફકરાઓનો આનંદ લઈએ :
ભારતીય સંસ્કૃિતમાં સંતોનું સ્થાન અનોખું છે. બલકે કોઈ પૂછે કે ભારતનો અસલી પિંડ કોણે બાંધ્યો, તો કહેવું પડે કે વિશાળ ભારતના આ ખૂણેથી પેલા ખૂણા સુધી સતત વિચરનારા સાધુસંતોએ ભારતની સંસ્કૃિત ઘડી છે. જો કે આ સાધુ-સંતોના પણ અનેક પ્રકાર છે. છતાં ય જે સંતો ભારતીય સંસ્કૃિતની હાલતી ચાલતી વિદ્યાપીઠો બનીને જીવન જીવી ગયા, તેમનો આછો-પાતળો પરિચય કરાવનાર ‘સ્વામી આનંદ’ એક વિશિષ્ટ સંન્યાસી સાધુ પુરુષ હતા, જેમણે સંન્યાસની સ્વરાજ્ય-સાધના સાથે સુંદર યુતિ બતાવી.
મૂળ નામ એમનું હિંમતલાલ રામચંદ્ર દવે. સૌરાષ્ટ્રના ઝાલાવાડનાં શિયાણી ગામે 1887માં જન્મ. મોટાભાઈ મહાશંકર ડૉક્ટરને ત્યાં ભણવા ગયા ત્યારે, પરસ્પર રૂપિયો બદલાવી નાની ઉંમરે વેવિશાળ નક્કી કરી નંખાયેલું. પરંતુ આ હિંમતલાલના રૂપિયાનો રણકાર તો કાંઈક જુદો જ હતો. મોટાભાઈનું ઘર છોડી મુંબઈ મામાને ત્યાં રહેવા ગયા, ત્યારે દશેક વર્ષની ઉંમરે, માધવબાગના એક સાધુ સાથે ભગવાનને મેળવવા નીકળી પડ્યા. પરંતુ સાધુબાબાની આ જમાતમાં તો ગાંજો-ચલમ ચાલે, ભલે પોતે ન પીએ, પણ ગુરુજીને તો ચલમ ભરી આપવી પડે. પણ આવાં કામ કરવા પોતે સાધુ થોડો થયો છે, એ વાતે કપાળમાં ચલમનો એવો ઘા ખાધો કે મોતને અને પોતાને અણીભર છેટું રહી ગયું. જેઠીસ્વામી જેવા સાધુમહારાજને તો બદામ-પીસ્તાવાળો બંગાળી માપનો દોઢ શેર લોટો દૂધ ઊભા ઊભા ગટગટાવવા જોઈએ. આવા તો કાંઈ કેટલા ય અનુભવો થયા, જે એમની વિશિષ્ઠ રોચક શૈલીમાં ‘મારા પિતરાઈ ભાઈઓ’માં આલેખાયા છે.
આખરે 1901માં રામકૃષ્ણ મિશનમાં સંન્યાસની દીક્ષા લઈને ‘સ્વામી આનંદ’ બન્યા. તપોધનજી પાસે ઘણું પામ્યા, સંન્યાસીઓની જમાત વચ્ચે રહીને ભારતીય સંસ્કૃિતની સમસ્ત સંતસૃષ્ટિને તેમણે ખૂબ ઊંડાણથી જોઈ-જાણી, મૂલવી પણ ખરી. ચમત્કારોમાં એમને શ્રદ્ધા નહોતી. એ તો કહેતા કે ‘જિંદગી ઊઘાડી ચોપડી છે. તેને વાંચવા-સમજવા સારુ કોઈ ગૂઢવાદને વચ્ચે લાવવાની જરૂર નથી.’ માનવતાના મૂળભૂત તંતુને પકડી રાખી, સ્વામી આનંદે ભારતભરના તમામ સંતોને પોતાની કસોટીની એરણે ચઢાવ્યા છે. તેમને ભગવાન ઈસુમાં અને ઈસુપંથીઓમાં પણ એટલો જ રસ. વળી મુસ્લિમ ફકીરો પણ એમના જાતભાઈ ! સહજ રીતે સર્વધર્મ-ઉપાસના એમના સંન્યસ્ત જીવનનું એક ઊજળું પાસું બની ગયું. ’સાધુ તો ચલતા ભલા’ એ ન્યાયે ભારતભરમાં ફરતા રહ્યા. તે દરમિયાન, બંગાળના ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યા. લોકમાન્ય તિલક સાથે પણ ગાઢ સંપર્ક થયો. વીસમી સદીના આરંભકાળમાં ભારત દેશ સામે ‘સ્વરાજ્યનો મંત્ર’ તિલક દ્વારા એવો પ્રચંડ રીતે ઘોષિત થયેલો કે અનેક સાધુ-સંન્યાસીઓને પણ એણે નવી કર્તવ્યદિશા ચીંધી. દરમિયાન, કાકાસાહેબ કાલેલકરના પરિચયમાં આવવાનું થયું, તો તેમની સાથે હિમાલયયાત્રા પગપાળા કરી. ‘બરફ રસ્તે બદરીનાથ’ના પુસ્તકના રસપ્રદ અનુભવોનું રોચક વર્ણન કોઈ પણ યુવા-પગને થનગનાવી દે તેવું રોમહર્ષક છે !
પરંતુ આ બધો સૂર્યોદય થતાં પહેલાંનો ઉષઃકાળ હતો. હજુ જીવનમાં ‘ગાંધી’ નામનો સૂર્યોદય થવાનો બાકી હતો, તે દરમિયાન હિમાલયના અલમોડા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું. હિમાલય તેમના અસ્તિત્વ સાથે અભિન્નપણે જોડાયેલી જીવતી-જાગતી હસ્તિ હતી. કાકાસાહેબ સાથે હિમાલયના ખૂણેખૂણા ખૂંદીને હૈયામાં હિમાદ્રિની શુભ શુભ્રતા સંઘરતા રહ્યા. બાપુ ભારત આવ્યા, તે પહેલાં એની બેસન્ટ સ્થાપિત અલમોડાની પહાડી શાળામાં શિક્ષણ-કાર્ય કર્યું. 1917માં બાપુ સાથે સંપર્કમાં આવ્યા અને આશ્રમમાં પહોંચી જઈ 1919માં નવજીવન પ્રેસના સંચાલકની જવાબદારી ઊઠાવી લીધી. ‘યંગ-ઈન્ડિયા’ના મુદ્રક તરીકે જેલવાસ પણ થયો. એમની યોગ્યતા જોઈ, પત્રિકાઓના સંપાદક રૂપે જવાબદારી સ્વીકારવા બાપુએ આગ્રહપૂર્વક કહ્યું, પરંતુ પોતાની સંન્યાસીની ભૂમિકાના સ્વધર્મ રૂપે એ બધાથી નિર્લિપ્ત રહ્યા. એમની સ્વધર્મનિષ્ઠા એટલી બધી સુદઢ હતી કે એમને કોઈ પુરસ્કાર જાહેર થયો, ત્યારે પણ એમણે એમ કહીને નકાર્યો કે સંન્યસ્ત ભૂમિકામાં આવો પુરસ્કાર બંધબેસતો નથી. સ્પષ્ટ વાણીમાં તેઓ સાફ-સાફ વાત કહી દેતાં કદી અચકાતા નહીં, આ જ કારણસર ઘણા એમને ‘તીખા સંત’ કહેતા.
1927ની ગુજરાતની રેલ વખતે અને બારડોલી સત્યાગ્રહ વખતે પણ પૂરી નિષ્ઠાપૂર્વક તેમણે કામ કર્યું અને સરદારશ્રીના નિકટના સ્વજન બની ગયા. બિહારમાં ભયંકર ધરતીકંપ થયો ત્યારે પણ રાજેન્દ્રબાબુના ડાબા હાથ બનીને કામ પાર પાડ્યું. આમ સ્વરાજ્યના અનુસંધાને જે-જે કામો સામે આવતાં ગયાં તેમાં સર્વસ્વ હોડમાં મૂકીને જવાબદારી નોંધાવી. મીઠાના સત્યાગ્રહ વખતે જેલવાસ ભોગવ્યો. 1947માં દેશના ભાગલા પછીની કરુણ પરિસ્થિતિમાં પંજાબ, દહેરાદુન તથા હરદ્વારના નિરાશ્રિતોની છાગણીઓમાં રાહત કાર્ય કર્યું. સ્વરાજ્ય બાદ દહાણુ પાસે કોસબાડ આશ્રમમાં રચનાત્મક કાર્ય તથા લેખનકાર્યની એવી જુગલબંધી ચલાવી કે ગુજરાતને એમની પાસેથી અનન્ય લાભ મળ્યો. સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિન્દી, બંગાળી તથા ઉર્દૂ ભાષાના સારા જાણકાર, અને વળી પાછા અઠંગ અભ્યાસી ! તેમાં ય એમની આગવી શૈલી ! આ બધાને કારણે ગુજરાતી ભાષાને એમનું પ્રદાન અદ્વિતીય અને અજોડ રહ્યું. પોતે મુદ્રણકળાના નિષ્ણાત એટલે જોડણી તથા પ્રકાશન વિષે એટલા બધા આગ્રહી કે કાચા-પોચા પ્રકાશકનું તો કામ જ નહીં કે એમનું સાહિત્ય છાપે. એમની પોતાની આગવી શૈલી અને આગવો શબ્દકોશ હતો. સહેજ પણ આઘાપાછી ચલાવી લેવાની એમની તૈયારી નહીં, એટલે ‘સુરુચિ મુદ્રણાલય’ કે ‘યજ્ઞ પ્રકાશન’ જ એમનાં પુસ્તકો છાપવાની હિંમત કરી શકે. ગુજરાતી ભાષામાં એમણે કેટલીક ધીંગી વ્યક્તિઓનાં જે રેખાચિત્રો આપ્યાં છે, તે અનુપમ છે !
જેવા પોતે આગવા નિરાળા અને અલગારી, એવું આગવું એમનું અંતિમ વસિયતનામું – ‘મારી પાછળ મારા નામે કોઈ પણ જાતનું દાનપુણ્ય, સ્મારક કે સ્મરણ ચિહ્ન કરવું નહીં, અગર તો મારી છબીને પૂજવી કે ફૂલમાળા ચઢાવવાં નહીં. આમ કરનારે મારી જિંદગીભરની શ્રદ્ધા, આસ્થા, શીખવેલું ઉથાપ્યું – એમ સમજવું.’ 1976ની 25મી જાન્યુઆરીએ મુંબઈમાં હૃદયરોગથી દેહાંત થયો. સ્વરાજ્યયાત્રામાં એક સંન્યાસીનું પ્રદાન કેવું હોઈ શકે, એનું ઉજ્જવળ દષ્ટાંત સ્વામીદાદામાં જોવા મળે છે.
પાનબીડું :
Swami Anand • Sujata Bhatt
In Kosbad during the monsoons
there are so many shades of green
your mind forgets other colours.
At that time
I am seventeen, and have just started 5
to wear a sari every day.
Swami Anand is eighty-nine
and almost blind.
His thick glasses don’t seem to work,
they only magnify his cloudy eyes. 10
Mornings he summons me
from the kitchen
and I read to him until lunch time.
One day he tells me
‘you can read your poems now’ 15
I read a few, he is silent.
Thinking he’s asleep, I stop.
But he says, ‘continue’.
I begin a long one
in which the Himalayas rise 20
as a metaphor.
Suddenly I am ashamed
to have used the Himalayas like this,
ashamed to speak of my imaginary mountains
to a man who walked through 25
the ice and snow of Gangotri
barefoot
a man who lived close to Kangchenjanga
and Everest clad only in summer cotton.
I pause to apologize 30
but he says ‘just continue’.
Later, climbing through
the slippery green hills of Kosbad,
Swami Anand does not need to lean
on my shoulder or his umbrella. 35
I prod him for suggestions,
ways to improve my poems.
He is silent a long while,
then, he says
‘there is nothing I can tell you 40
except continue.’
© UCLES 2009 8695/92/O/N/09
[Point No Point]
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
હૅરો, 30 ડિસેમ્બર 2015