હિન્દુ રાષ્ટ્રના હિન્દુના સપનાને સાકાર કરવાનો દૈવી અવસર મહારાષ્ટ્રને અને મરાઠી બ્રાહ્મણોને મળ્યો હતો જે વેડફી દીધો હતો. તેઓ પોતાનો અપરાધ છુપાવવા સવાયા હિન્દુ ને સવાયા હિન્દુ રાષ્ટ્રવાદી હોવાનો ઢોંગ કરે છે
હિન્દુત્વવાદી મરાઠી બ્રાહ્મણો : લોકમાન્ય ટિળક, મોહન ભાગવત, વીર સાવરકર, કેશવ બળીરામ હેડગેવાર, ગોલવલકર ગુરુજી
તમે ક્યારે ય વિચાર કરી જોયો છે કે લોકમાન્ય ટિળકથી લઈને મોહન ભાગવત સુધીના બધા જ હિન્દુત્વવાદીઓ મરાઠી બ્રાહ્મણો જ કેમ છે? ભારતમાં હિન્દુ કોમવાદી રાજકારણનો પાયો નાખનારા અને એને ઉછેરનારા સાવરકર, હેડગેવાર કે ગોલવલકર ગુરુજી વગેરે દરેક મરાઠી બ્રાહ્મણો કેમ છે? શા માટે મહારાષ્ટ્રના બ્રાહ્મણો સૌથી વધુ ગાંધીવિરોધી છે? આ એક અકસ્માત છે કે પછી એની પાછળ કોઈ ઐતિહાસિક પરિબળ કામ કરે છે? આને બાજીરાવ અને એની મસ્તાની સાથે કોઈ સંબંધ ખરો?
હિન્દુત્વવાદીઓ અને હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસકારો એમ માને છે કે ભારત ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ભારત પર મુસ્લિમ શાસકો રાજ કરતા થયા ત્યારે ગુલામ બન્યો હતો. ભારત હિન્દુઓનો અને હિન્દુઓ માટેનો દેશ છે એટલે હિન્દુ સિવાયના કોઈ રાજ કરે તો એને હિન્દુઓની રાજકીય ગુલામી કહેવી જોઈએ અને હિન્દુઓની ગુલામી એ ભારતની ગુલામી ગણવી જોઈએ. તમે આ કથન સાથે સંમત ન થતા હો તો પણ ઘડીભર મુદ્દો સમજવા માટે સંમત થઈ જાઓ. આપણે સ્વીકારી લીધું કે ૮૦૦ વર્ષ પહેલાં હિન્દુઓ પર પરધર્મીઓ શાસન કરતા થયા એ સાથે દેશ ગુલામ બની ગયો હતો.
એ પછી ઇતિહાસનું વહેણ વહે છે અને પાંચસો વર્ષ પછી હિન્દુઓને મુસ્લિમ શાસકોથી મુક્ત થવાની અને એ રીતે ભારતને આઝાદ થવાની તક મળે છે. ઔરંગઝેબના અવસાન સાથે મુગલ સામ્રાજ્ય તૂટવા લાગે છે અને મુગલોની જગ્યા લઈ શકે એવો કોઈ મુસ્લિમ શાસક ભારતમાં કોઈ પ્રદેશમાં નહોતો. ભારત પર રાજકીય કબજો કરવાનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હજી કોઈ એજન્ડા નહોતો અને ત્યારે ૧૭૦૦ના પહેલા દાયકામાં એવી કોઈ અનુકૂળતા પણ નહોતી. અનુકૂળતા હતી માત્ર મરાઠાઓ માટે અને વ્યવહારમાં કહો તો મરાઠી બ્રાહ્મણો માટે. શિવાજીના કતૃર્ત્વશૂન્ય વંશજોને રાજમહેલની બહાર નીકળવામાં, ચડાઈઓ કરવામાં, સામ્રાજ્ય વિસ્તારવામાં કોઈ રસ નહોતો. શિવાજીના કોઈ ગુણ તેમના વારસોમાં નહોતા. તેમણે તેમનું રાજ્ય કોંકણના ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારને સોંપી દીધું હતું અને રાજાઓ દીવાન પાસેથી વર્ષાસન મેળવીને આરામની જિંદગી જીવતા હતા. આનો અર્થ એ થયો કે ભારત ગુલામ બન્યો એ પછી પાંચસો વર્ષે દેશને આઝાદ કરવાનો મહારાષ્ટ્રના બ્રાહ્મણોને અવસર મળ્યો હતો. તેઓ ધારત તો આજથી ત્રણસો વર્ષ પહેલાં દેશનો ઇતિહાસ બદલી શક્યા હોત.
જી હા, દેશનો ઇતિહાસ બદલી શકવાની તક મરાઠી બ્રાહ્મણોને મળી હતી અને તેમની પાસે પરિસ્થિતિની અનુકૂળતા અને સાહસવૃત્તિ પણ હતાં. મસ્તાનીના પ્રેમી બાજીરાવે આનો પાયો નાખ્યો હતો. દસ હણહણતા ઘોડા જેટલી ઊર્જા અને હિંમત તેનામાં હતાં. બાજીરાવ પહેલાએ અને એ પછી તેના પુત્ર નાનાસાહેબ ઉર્ફે બાલાજી પેશવાએ એક પછી એક રિયાસતો કબજે કરવા માંડી હતી. એક સમયે સીધી કે આડકતરી રીતે અડધા ભારત પર તેમનો કબજો હતો. તેઓ ધારત તો શિવાજીના વંશજ નૉમિનલ શાસકને પદચ્યુત કરી શક્યા હોત અને પેશવાઓનું સીધું રાજ્ય સ્થાપિત કરી શક્યા હોત. તેઓ ધારત તો કમજોર થઈ ગયેલા મુગલ શાસકને હરાવી શક્યા હોત અને ભારતની રાજધાની ગણાતા દિલ્હીને જીતીને દિલ્હીમાં રાજધાની ખસેડી શક્યા હોત. દિલ્હીમાં રાજધાની હોવાનું બહુ મોટું રાજકીય મહત્વ હતું. જે દિલ્હીમાં રાજ કરે એ ભારત પર રાજ કરે એવો એનો અર્થ થતો હતો. એટલે તો અંગ્રેજો કલકત્તાથી રાજધાની ખસેડીને દિલ્હી લઈ ગયા હતા અને એટલે તો ભારતનો છેલ્લો બાદશાહ હોવાનું ગવર્ બહાદુરશાહ ઝફરને આપવામાં આવે છે, કારણ કે દિલ્હી (માત્ર શહેર) તેના કબજામાં હતું. તેઓ ધારત તો અશોક અને અકબરની માફક એક જ છત્ર હેઠળ સામ્રાજ્યને લાવી શક્યા હોત. તેઓ ધારત તો રાજ્યના વિસ્તાર સાથે શાસનનો વિસ્તાર કરી શક્યા હોત અને કદાચ પરંપરાગત હિન્દુ શાસન આપી શક્યા હોત.
તેમણે જો આવું ધાર્યું હોત તો બનવાજોગ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત પર કબજો કરવાની તક ન મળી હોત. તેમણે જો આવું ધાર્યું હોત તો હિન્દુત્વવાદીઓના શબ્દોમાં ભારતનું પાશ્ચાત્ય મૅકોલેકરણ થયું એ ન થયું હોત અને વૈદીકીકરણ થયું હોત. ખબર નહીં કઈ ચીજની તેમનામાં ખામી હતી, તેમણે આવું ધાર્યું જ નહીં. આની જગ્યાએ તેમણે ચોથ ઉઘરાવવામાં, શહેરો લૂંટવામાં અને પૈસા ઉસેડવામાં રસ લીધો હતો. પેશવાના સૈનિકોએ શ્રીંગેરીના મઠને લૂંટવાનો છોડ્યો નહોતો જે શંકરાચાર્યના કહેવાથી ટીપુ સુલતાને નાણાકીય સહાય આપીને પાછો સ્થિર કરી આપ્યો હતો. ગુજરાતને જેટલું પેશવાઓના સૈનિકોએ સતાવ્યું છે એટલું મુસલમાનોએ નથી સતાવ્યું.
આવું કેમ બન્યું? એક બાજુ પ્રચંડ ઊર્જા અને શૌર્ય તો બીજી બાજુ આટલી ટૂંકી દૃષ્ટિ? પેશવાઓનો ઇતિહાસ શૌર્યને કારણે જેટલો કીર્તિશાળી છે તો ટૂંકી દૃષ્ટિને કારણે એટલો જ કલંકિત છે. આ ટૂંકી દૃષ્ટિ શું હિન્દુઓના પિંડમાં છે? જ્યારે દેશને મ્લેચ્છોથી મુક્ત થવાની અને હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની તક મળી ત્યારે તેઓ પીંઢારાઓની જેમ કેમ વર્ત્યા? હિંમત તો પીંઢારાઓમાં પણ ક્યાં ઓછી હોય છે. આધુનિક ભારતનો આ ઇતિહાસ મહારાષ્ટ્રને, ખાસ કરીને મરાઠી બ્રાહ્મણોને સતાવે છે. આ ઇતિહાસ કીર્તિશાળી છે એના કરતાં વધુ કલંકિત છે. એટલે તો બાજીરાવને મસ્તાની સાથે નાચતો જોઈને કેટલાક લોકોને માઠું લાગ્યું હતું. આમાં ઇતિહાસનો અપરાધબોધ કારણરૂપ છે. બ્રાહ્મણ અને એ પણ મહારાષ્ટ્રના આવા હોય? આ જ તો કારણ છે કે મરાઠી બ્રાહ્મણો હિન્દુ પક્ષપાત ધરાવતા ઇતિહાકાર જદુનાથ સરકારને માફ નથી કરી શકતા ત્યાં ડાબેરી કે પ્રોફેશનલ ઇતિહાસકારોને સ્વીકારે એ તો શક્ય જ નથી.
મહારાષ્ટ્ર હિન્દુ કોમવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદની વિચારભૂમિ, ફળદ્રુપ જન્મભૂમિ, કર્મભૂમિ છે એનું કારણ આ અપરાધબોધ છે. હિન્દુના સપનાને સાકાર કરવાનો દૈવી અવસર મહારાષ્ટ્રને અને મરાઠી બ્રાહ્મણોને મળ્યો હતો જે તેમણે વેડફી દીધો હતો. તેઓ પોતાનો અપરાધ છુપાવવા સવાયા હિન્દુ અને સવાયા હિન્દુ રાષ્ટ્રવાદી હોવાનો ઢોંગ કરે છે. ગાંધીજીની હત્યા કરવાના ભારતમાં કુલ છ પ્રયાસ થયા હતા જેમાં છેલ્લા પ્રયાસમાં સફળતા મળી હતી. જે છ પ્રયાસ થયા એમાંથી પાંચ પ્રયાસ મહારાષ્ટ્રમાં થયા હતા અને દરેક વખતે પ્રયાસ કરનારા મરાઠી બ્રાહ્મણો હતા. આપણે ત્રણસો વર્ષ પહેલાં દૈવી અવસર ચૂકી ગયા અને એક ગુજરાતી વાણિયો એ અવસર લઈ જાય એ તેમનાથી ખમાતું નહોતું.
ઇતિહાસમાં બનેલી ઘટનાનો અપરાધબોધ વર્તમાનને પ્રભાવિત કરતો હોય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 22 ડિસેમ્બર 2015
http://www.gujaratimidday.com/features/columns/history-of-modern-india-persecute-marathi-brahmins-2