૨૦૧૫માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનકી બાત’ નામે એક સંયુક્ત રેડિયો બ્રોડકાસ્ટ કરેલું. તેમાં તેઓએ એક વાત એ કરી કે ભારત અને અમેરિકા બન્ને પ્રજાસત્તાક દેશો છે, અને તેમાં સામાન્ય વ્યક્તિને પણ તેમના જીવનમાં ઘણી ઊંચાઈઓ સર કરવાની તક મળી રહે છે, તેના સમર્થનમાં તેમણે તેમનાં પોતાનાં દૃષ્ટાંતો રજૂ કર્યાં હતાં. આ વાતના અનુસંધાનમાં મને મારા પોતાના ભૂતકાળમાં એક દૃષ્ટિપાત કરવાની ઇચ્છા થઈ અને સાથે-સાથે બીજા કેટલાક સવાલો પણ ઊભા થયા. દેશમાં અનેક તકોની સંભાવના હોય, પણ બદલાતી જતી સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિમાં એક વ્યક્તિને પોતાને એ તક ક્યારે અને કઈ રીતે મળે? તેમાં તેના પ્રારબ્ધ અને/અથવા તેના પુરુષાર્થની ભૂમિકા શી છે? પ્રારબ્ધ હોય તો પુરુષાર્થ કરવાની તક મળે કે પુરુષાર્થ કરે તો જ તેના પ્રારબ્ધમાં રહેલી અંતઃશક્તિને ઉજાગર કરવાનો તે પુરુષાર્થ કરે? વ્યક્તિનાં પ્રારબ્ધ અને પુરુષાર્થની સાથે-સાથે તેનું સામાજિક વાતાવરણ માત્ર લોકશાહી અને બંધારણની સૈદ્ધાંતિક હાજરીની ભૂમિકા કેટલી ?
આવા વિચારોના પરિપ્રેક્ષ્યમાં મારી વાત રજૂ કરવાનો આ પ્રયત્ન છે. મારી વાત સાથે સંકળાયેલું એક અગત્યનું પરિબળ એ છે કે મને ૮૧ વર્ષ થયાં; મારા જીવનની શરૂઆત સ્વતંત્રતાની ચળવળ વખતે થઈ; તે વખતે સામાજિક વાતાવરણમાં જે મૂલ્યો પ્રવર્તતાં હતાં, તે આજે નથી તે બાબત ધ્યાનમાં રાખીને મારા અનુભવને જોવાનો છે.
મારો જન્મ અમદાવાદમાં. અમદાવાદની એક નાની પોળના કૉમ્યુિનટી જીવનમાં ઉછેર. વિશા શ્રીમાળી ઉચ્ચ જ્ઞાતિના વાતાવરણમાં ધાર્મિક તેમ જ ઔપચારિક શિક્ષણનું ખાસ મહત્ત્વ. કમ સે કમ ગ્રૅજ્યુએટ થવાનું ધ્યેય. ઘરની સામે જ દેરાસર, એટલે સવારમાં ઊઠીને દર્શન કરવાનાં. સવારે તેમ જ સાંજે ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળામાં જવાનું. દાદાના નિધનને પરિણામે પિતા ખાસ ભણી શકેલા નહિ; બાર વર્ષની ઉંમરે પોળના જ એક કાપડના વેપારીની દુકાને ગુમાસ્તા તરીકે કામ કરતા. કાકા પણ થોડું વધારે ભણીને શૅરબજારમાં નોકરી કરે. પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય, પરંતુ આર્થિક સ્થિતિ નબળી. ઘર પાકું, પરંતુ દીવાલને પ્લાસ્ટર નહિ; ઉનાળામાં માંકડને સળી વાટે એકઠા કરવાની ખાસ કામગીરી કરવી પડે. વીંછી અને અન્ય જીવજંતુનો ઉપદ્રવ પણ એટલો. એક વાર મને વીંછી કરડ્યો, હું કૂદ્યો તો બીજી બે જગાએ કરડ્યો. પોળની સામે બજરંગ હોટેલના પાનવાળા ચુનીકાકાએ કોઈ મંત્રોચ્ચાર કર્યા, એ મને વીંછી કરડવાની દવા.
પ્રાઈમરી શિક્ષણ મ્યુિનસિપલ નિશાળમાં અને માધ્યમિક શિક્ષણની શરૂઆત પોળની બાજુમાં આવેલી ફૅલોશિપ સેકન્ડરી સ્કૂલમાં. એક વાર ખૂબ તાવ હતો, છતાં પરીક્ષા આપવા ગયેલો. હેડમાસ્તર વૈષ્ણવસાહેબ સખત તાવ જોઈ નરસિંહ પટાવાળાને કહે, આ છોકરાને ઘેર મૂકી આવ. આઠમા ધોરણથી ઘીકાંટા, પંચભાઈની વાડીમાં ચાલતી ફૅલોશિપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાનો. ત્યાં પણ, શિક્ષકોનો અભિગમ માયાળુ. અંગ્રેજી શીખવતા દનાકસાહેબ માદલપુરના એક ગૅરેજમાં રહે. તે મને અનુકૂળ હોય તો રવિવારે તેમના ઘેર બોલાવે અને મુશ્કેલી હોય તે દૂર કરે અને ભણાવે. મર્યાદિત અભ્યાસક્રમ; અભ્યાસ, પરીક્ષાપદ્ધતિ, સમયપત્રક, વગેરે નિશ્ચિત; ખાનગી ટ્યૂશન કે વર્ગોની હાજરી ભાગ્યે જ દેખાય; ભણતરનો કોઈ ભાર લાગે નહિ. અભ્યાસમાં પહેલા ત્રણ ક્રમમાં પરિણામ આવે એટલે સંતોષ. પ્રાથમિક શિક્ષણ માટે કોઈ ફી નહિ. માધ્યમિક શિક્ષણની ફી પરવડે તેટલી. નાગજી ભુદરની પોળમાં એક વિદ્યાર્થીસહાયક મંડળ ચાલે. તેમાં વિદ્યાર્થીઓ પાસ થાય એટલે જૂનાં પાઠ્યપુસ્તકો આપે અને આગળનાં ધોરણના વિદ્યાર્થીઓએ આપેલાં જૂનાં પુસ્તકો લઈ જાય તેવી વ્યવસ્થાનો લાભ લેવાનો. માત્ર નવાં પાઠ્યપુસ્તકો જ ખરીદવાં પડે. પિતાશ્રીની દુકાનનાં કાઢી નાખવામાં આવતાં જૂના ચોપડાનાં કોરાં પાનાં સીવીને માતા નોટો બનાવે, તેમાં પેન્સિલથી હાંસિયા અને જરૂર પ્રમાણે લીટીઓ દોરીએ, એટલે મોટા ભાગની જરૂરિયાત સંતોષાય. ઘરમાં વીજળી હું S.S.C.માં આવ્યો ત્યારે આવી. ત્યાં સુધી ફાનસ અને કોડિયાના ઉપયોગ કે ઘર પાસેના વીજળીના થાંભલાના અજવાળે વાંચવાનું થતું. S.S.C.નાં છેલ્લાં બે વર્ષ તો બાજુની શામળાની પોળના બે મિત્રોના ત્યાં રાત્રે વાંચવાની અને સાથે ભણવાની સગવડ થયેલી. હાઈસ્કૂલમાં એક વર્ષ વિદ્યાર્થીમંડળના મંત્રી તરીકે કામ કર્યું, ત્યારે વિદ્યાર્થીઓની માગણીઓની સાથે કેટલીક જવાબદારી નિભાવવાની પણ આવે. દા.ત., પટાવાળા પાણીની કોઠીઓ નિશાળના સમય પછી ઊંધી વાળે તે પછી નિશાળેથી ઘેર જવાનું અને બીજે દિવસે સવારે કોઠીઓ સાફ કરીને પાણી ભરવાની કામગીરી બરોબર કરે છે, તેની દેખરેખ રાખવાની, જેથી પીવાનું પાણી સ્વચ્છ મળે. આ વાતાવરણમાં આનંદ અને ઉત્સાહથી, કોઈ વધારાના ભાર વિના માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું.
ધોરણ ૮-૯-૧૦નાં વૅકેશનમાં રોજ સાંજે વિક્ટોરિયા ગાર્ડન કે મા.જે. લાઇબ્રેરીમાં જવાનું. ગાર્ડનમાં રેડિયો સાંભળવાનો. દરેક વૅકેશનમાં નક્કી કરવાનું, કયા લેખકનાં પુસ્તકો વાંચવાં છે, અને તે પ્રમાણે પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવવાનાં. અને ચર્ચા કરવાની—સાહિત્યિક નહિ, સામાન્ય. મને વહેલી તકે અર્થોપાર્જનની આવશ્યકતા સમજાયેલી. S.S.C.ની પરીક્ષા પછી તરત જ તે માટે પ્રયત્નો શરૂ કર્યા. વૅકેશનમાં રતનપોળમાં વીશા ઓશવાલ ક્લબમાં અંગ્રેજી ટાઇપિંગ ફી વિના શીખવવામાં આવે. ત્યાં અંગ્રેજી ટાઇપિંગના વર્ગમાં જોડાયો. બાજુમાં જ અંગ્રેજી સ્ટેનોગ્રાફીનો વર્ગ ચાલે, એટલે તેના શિક્ષકની પ્રેરણાથી અંગ્રેજી ટાઇપિંગની સાથે-સાથે સ્ટેનોગ્રાફીમાં પણ થોડું પ્રાથમિક શિક્ષણ મળ્યું. ત્યાર બાદ સ્ટુડન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમર્સમાં ગુજરાતી ટાઇપિંગ શીખ્યો. ત્યાં સરૈયા અંગ્રેજી સ્ટેનોગ્રાફી શીખવે; એટલે વગર ફીએ મને પણ બીજા વિદ્યાર્થીઓ સાથે બેસવાની છૂટ. પછી સ્ટુડન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જ છૂટક ટાઇપિંગ કામ કરવાની શરૂઆત કરી. પરિણામે, અંગ્રેજી તથા ગુજરાતી ટાઇપિંગનો સારો એવો અનુભવ મળ્યો, અને ટાઇપિંગ કામમાં efficiency first, and speed nextનો મંત્ર આત્મસાત્ થયો.
૧૯૫૧માં S.S.C. પરીક્ષામાં પ્રથમ વર્ગમાં સારા માર્ક્સ સાથે પાસ થયો. કોઈ પણ ફૅકલ્ટીમાં પ્રવેશ મળે, પરંતુ ઓછાં વર્ષોમાં ગ્રૅજ્યુએટ થઈ શકાય એ ખ્યાલથી કૉમર્સ કૉલેજમાં દાખલ થયો. બે અઠવાડિયાંના અભ્યાસ બાદ એલ.ડી. આટ્ર્સ કૉલેજમાં સવારના વર્ગો શરૂ થયા, એટલે અભ્યાસની સાથે-સાથે નોકરી કે છૂટક ટાઇપિંગ કામ થઈ શકે તે સગવડ મેળવવાના હેતુથી આટ્ર્સ કૉલેજમાં દાખલ થયો. ત્યારથી સવારે કૉલેજ અને બપોરના છૂટક ટાઇપિંગ કામ કરવાનું શરૂ કર્યું. મહિને ૫૦-૬૦ રૂપિયા મળે, સાથે-સાથે ઑફિસકામ અને ટાઇપિંગનો સારો એવો અનુભવ મળ્યો. ૧૯૫૨માં ઇન્ટર આટ્ર્સનો અભ્યાસ ચાલુ હતો, ત્યારે ઑગસ્ટ માસમાં ૫મી તારીખે ૧૮ વર્ષ પૂરાં કર્યાં, અને ૨૬મી તારીખે કોઈની ઓળખાણ-પિછાણ વિના યુનિવર્સિટીમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી મળી. માસિક રૂપિયા ૧૧૫/- ની આવકથી મને તથા ઘરનાં સૌને ખૂબ જ આનંદ થયો.
પ્રિલિમની પરીક્ષા આવતી હોવાથી યુનિવર્સિટીમાં રજા માગી, ત્યારે ખબર પડી કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે યુનિવર્સિટીના કોઈ કર્મચારી યુનિવર્સિટીની કોઈ પરીક્ષા આપી શકે નહિ. હું સવારના સમયે કૉલેજમાં અભ્યાસ કરું છું તેવું મેં ઇન્ટરવ્યૂમાં જણાવેલું, પરંતુ આ બાબત યુનિવર્સિટીની ધ્યાન બહાર રહી જવાથી મારી નિમણૂક થયેલી. મારા આર્થિક સંજોગો ધ્યાનમાં લઈને મેં અભ્યાસ કરવાનું છોડીને યુનિવર્સિટીની નોકરી કરવાનું ચાલુ રાખ્યું. યુનિવર્સિટીના વાતાવરણમાં આગળ અભ્યાસ કરવાની ઇચ્છાને કોઈ રીતે પૂરી કરવાનું પ્રોત્સાહન મળતું રહ્યું. ૧૯૫૫માં અજમેર બોર્ડની ઇન્ટરની પરીક્ષા એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે પાસ કરી. દરમિયાનમાં ગુજરાતી સ્ટેનોગ્રાફી અમારા વિભાગના વડા વૈશ્યની મદદથી સ્વપ્રયત્ને શીખ્યો અને કે.જી. શાહની મદદથી અંગ્રેજી સ્ટેનોગ્રાફી પાકી કરી.
૧૯૫૪માં અમદાવાદમાં ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સ મળી, તેમાં ટાઇપિંગ કામ માટે યુનિવર્સિટી તરફથી થોડા દિવસ માટે જવાનું થયું. તેમાં કામ કરવાની ખૂબ જ મજા આવી, એટલે જ્યારે ૧૯૫૫માં યુનિવર્સિટીના આશ્રયે ઑલ ઇન્ડિયા હિસ્ટરી કૉન્ફરન્સ ભરાવવાનું નક્કી થયું, અને તેમાં ટાઇપિંગ અને ઑફિસકામ માટે એક વ્યક્તિની માંગ આવી, ત્યારે ઉત્સાહપૂર્વક મેં તૈયારી બતાવી, તેમાં મેં છ માસ માટે પ્રો. ડી.એન. પાઠક અને પ્રો. યશવંત શુક્લના હાથ નીચે ઑફિસકામ કર્યું. કૉન્ફરન્સના છેલ્લા દિવસોમાં રાતના મોડે સુધી કામને કારણે રોકાવાનું બનતું. તે સમયે યુનિવર્સિટીની નજીકમાં કોઈ કૅન્ટીન હતી નહિ, કૉમર્સ કૉલેજથી આગળ સ્ટ્રીટલાઇટ પણ ન હતી. એટલે સ્વસ્તિક સોસાયટી પાસેના લિબર્ટી રેસ્ટોરન્ટમાં ચાપાણી માટે જતો. ડૉ. તારાબહેન સાથે કોઈ પરિચય નહિ, પરંતુ પાઠકસાહેબના કહેવાથી તેમને મારા કામ અંગે જાણ થઈ. તેઓ સ્ટેિડયમની સામે અનેકાન્ત વિહારમાં ભાડાના મકાનમાં રહે. તેમણે મને સાંજના સમયે રેસ્ટોરાંમાં ચાપાણી કરવાને બદલે તેમને ત્યાં ખાવા માટે જવા કહ્યું, પરંતુ, મારે તેમની સાથે કોઈ પરિચય નહિ, એટલે મેં સાદર ના પાડી. તેમ છતાં તેમણે અને તેમના બાએ એક દિવસ મારી રાહ જોઈ હતી. બીજા દિવસે તેમના આગ્રહથી મેં તેમને ત્યાં જવાનું સ્વીકાર્યું, અને એ રીતે તેમને ત્યાં ત્રણ દિવસ સાંજે જમવાનું બન્યું. કૉન્ફરન્સ તો પૂરી થઈ, પરંતુ તેમના આ આતિથ્યનો કઈ રીતે બદલો વાળું તેવું હંમેશાં વિચારતો. એટલે તેઓ જ્યારે પણ અચાનક ઑફિસમાં મળે ત્યારે “બહેન, મારે લાયક કાંઈ કામ હોય તો કહેજો”, એવું કહેતો.
૧૯૫૬ના વૅકેશનમાં એક દિવસ તારાબહેને મને બોલાવ્યો. યુનિવર્સિટીએ ગુજરાતી માધ્યમ સ્વીકાર્યું હોવાથી તેઓ સમાજશાસ્ત્રના ઇન્ટર આટ્ર્સના વિદ્યાર્થીઓ માટે એક પાઠ્યપુસ્તક લખતાં હતાં તેમાં લહિયા તરીકે મદદ કરવા માટે મને જણાવ્યું. મેં સહર્ષ તૈયારી બતાવી, અને રોજ સાંજના ઑફિસ છૂટ્યા પછી તેમ જ રજાના દિવસે તેમને ત્યાં આ કામ માટે જતો. મેં ઇન્ટર સુધીનો જ અભ્યાસ કર્યો હોવાથી હું તેમના પુસ્તકનો ઉપયોગ કરનાર પહેલો વિદ્યાર્થી છું, તેમ ગણીને મને જે કોઈ બાબત બરોબર સમજાય નહિ કે જે અંગે મારા મનમાં સવાલ હોય તે હું તેમને નિઃસંકોચ જણાવું અને તેઓ મને સમજાવે. આ રીતે કામ કરવામાં મને પણ આનંદ આવતો. ત્યાર બાદ તેમણે ચાર વર્ષ દરમિયાન બી.એ.ના વિદ્યાર્થીઓ માટે સમાજશાસ્ત્રનાં મૂળતત્ત્વો અને ભારતીય સમાજવ્યવસ્થા એમ બે પુસ્તકો લખ્યાં તેમાં મેં તેમને લહિયા તરીકે તેમ જ પ્રૂફરીડિંગ, વગેરે કામમાં મદદ કરી.
૧૯૫૬માં ઉમાશંકરભાઈએ તેમનું ટાઇપિંગ કામ યુનિવર્સિટીના ટાઇપિસ્ટ વિભાગમાંથી જે કોઈ ફ્રી હોય તેને આપવામાં આવતું હતું, તેને બદલે તેમનું કામ કોઈ એક વ્યક્તિ કરે તેવી માગણી કરી. વૈશ્યસાહેબે અમને બધાને આ માટે કોણ તૈયાર છે, તેમ પૂછ્યું ત્યારે મેં એકલાએ તે માટે તૈયારી બતાવી, અને આ રીતે ઉમાશંકરભાઈ સાથે કામ કરવાની શરૂઆત થઈ અને સાથે-સાથે ગુજરાતી સ્ટેનોગ્રાફીનો ઉપયોગ કરવાની પ્રૅક્ટિસ પણ મળતી થઈ. યુનિવર્સિટીમાં કામ કરવાનો આનંદ હતો, પરંતુ આગળ ભણવાનું થતું ન હતું, તેનો અજંપો રહેતો. વધુમાં, યુનિવર્સિટીમાં ફુરસદના સમયે ફૉરેન યુનિવર્સિટી ઇન્ફર્મેશન બ્યૂરોમાં પરદેશની યુનિવર્સિટીની જે માહિતી આવતી તે સમય મળે જોવા-ઉથલાવવાની તક બ્યુરોના વડા વિભાકર ઠાકોર, શ્રીકાંત વોરા અને હું લેતા અને પરદેશમાં ક્યાં ઓછા ખર્ચે આગળ અભ્યાસ માટે જઈ શકાય તે અંગે વાતો કરતા.
અન્ય જગાએ સારી નોકરી માટે તપાસ પણ કરતો હતો, તેને પરિણામે બૅંક ઑફ ઇન્ડિયામાં ટાઇપિસ્ટ તરીકે નોકરી મળી અને મેં યુનિવર્સિટીમાં રાજીનામું આપ્યું. મારી કાયમી નોકરી હોવાથી યુનિવર્સિટીએ ત્રણ માસની નોટિસની આવશ્યકતામાં છૂટ મૂકી, પરંતુ એક માસ માટેનો આગ્રહ જારી રાખ્યો. ઘણી મુસીબતે બૅંકના ઑફિસર તે માટે સંમત થયા. નોટિસ-પિરિયડ દરમિયાન યુનિવર્સિટીમાં અગાઉ સ્ટેનોગ્રાફરની જગા માટે મેં અરજી કરેલી તેના ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો. ચાલુ નોકરીએ ઇન્ટરવ્યૂ માટે હાજર ન થઉં તો સારું ન લાગે, અને હાજર રહું તો પસંદગી થવાની શક્યતા હતી, અને તો બૅંકની નોકરી સાથે એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે આગળ ભણવાની તક જતી રહે તેની મૂંઝવણ થઈ. સૌ વડીલ મિત્રોની સલાહ મેળવવા માંડી. છેવટે પરીક્ષા- નિયામક જે. એમ. મહેતા સાહેબની સાથે ચર્ચા અને સલાહ પ્રમાણે એવું નક્કી કર્યું કે મારે ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપવાં; જો પસંદગી થાય તો તે વખતે મારો મૂળ પગાર રૂ. ૬૭/- હતો, સ્ટેનોગ્રાફરનો સ્કેલ રૂ. ૧૦૦/-થી શરૂ થાય, અને છતાં મારે રૂ. ૧૪૯/- નો higher start માગવો, જે મંજૂર થાય નહિ, અને હું બૅંકની નોકરીમાં જોડાઈ જઉં. આમ કરવાથી યુનિવર્સિટીનો કોઈ વિવેકભંગ કર્યો હોવાનું લાગે નહિ. આ યુક્તિ સાથે ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપ્યાં. પરંતુ, પ્રો. શિનોયના પ્રમુખપદવાળી સમિતિએ મારી માગણી સ્વીકારી, આગળ અભ્યાસની તક જવા દઈને મેં તાત્કાલિક આર્થિક લાભની ગણતરીએ યુનિવર્સિટીમાં સ્ટેનોગ્રાફરની નોકરી સ્વીકારી. બૅંક ઑફ ઇન્ડિયાના એકાઉન્ટન્ટને એમ લાગ્યું કે મેં તેમની ઑફરનો ઉપયોગ યુનિવર્સિટીમાં પ્રમોશન મેળવવા માટે કર્યો છે, એટલે મેં ત્યાં જોડાવાની તૈયારી બતાવી. પરંતુ, તેના મૅનેજર બાલ્સેકરે હું સ્વતંત્રભારતનો એક નાગરિક છું અને મને સારી તક લાગે તો બૅંકમાં, અન્યથા યુનિવર્સિટીમાં કામ કરવા માટે શુભેચ્છા પાઠવી.
૧૯૫૯માં મેં એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપવા મંજૂરી આપવા અરજી કરી હતી. તે વખતે ઉમાશંકરભાઈ સિન્ડિકેટના સભ્ય હતા. તેમના તથા સિન્ડિકેટના બીજા કેટલાક સભ્યોએ મારી વિનંતી મંજૂર કરવાની તરફેણ કરી, અને પરીક્ષાના છ માસ પહેલાં હું રજા લઉં તે શરતે યુનિવર્સિટીએ મારી અરજી મંજૂર કરી. મેં સમાજશાસ્ત્ર મુખ્ય વિષય અને માનસશાસ્ત્ર ગૌણ વિષય તરીકે પસંદ કર્યા, અને ૧૯૬૦માં બી.એ.ની પરીક્ષા એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે પ્રથમ વર્ગમાં પાસ કરી. તે સમયે એમ.એ.માં એક્સ્ટર્નલ પરીક્ષા લેવાતી ન હતી; એમ.એ.ના વર્ગો બપોરના સમયે ચાલતા હતા, એટલે વધુ અભ્યાસ કરવા શું કરવું તેની મૂંઝવણમાં હતો. તેવામાં સ્વામિનારાયણ કૉલેજમાં સમાજશાસ્ત્રના અધ્યાપક સપ્ટેમ્બર માસમાં એકાએક નોકરી છોડીને જતા રહ્યા, એટલે જગા ખાલી પડી; તેના આચાર્ય પ્રેમશંકર ભટ્ટે તારાબહેનનો કોઈ વિદ્યાર્થીની ભલામણ કરવા સંપર્ક કર્યો. એમ.એ.માં બીજા વર્ગ સાથે પાસ થનાર બધા વિદ્યાર્થીઓ અન્ય જગાએ નોકરીમાં જોડાઈ ગયા હતા, અને હું પ્રથમ વર્ગમાં પાસ થયો હોવાથી તેમણે મારા નામની ભલામણ કરી. મને બપોરના સમયે એમ.એ.ના વર્ગોમાં હું આગળ અભ્યાસ કરી શકું તે રીતે મારું સમયપત્રક ગોઠવાય તો મેં લેક્ચરર તરીકે જોડાવાની તૈયારી બતાવી. મારી વિનંતી મંજૂર થઈ. આમ, મને આગળ અભ્યાસ કરવાની અણધારી તક મળી.
સ્વામિનારાયણ કૉલેજમાં સવારના બી.એ. સુધીના વર્ગોમાં અધ્યાપન, ત્યાંથી મારે ઘેર જમીને ત્યાંથી સીધા સમાજવિદ્યાભવનમાં એમ.એ.ના વર્ગોમાં અધ્યયન, પછી લાઇબ્રેરી, અને સાંજે તારાબહેનને ત્યાં રહીને બીજા દિવસના અધ્યાપન માટે તૈયારીની પ્રક્રિયામાં અધ્યાપન અને અધ્યયન એકબીજાને પૂરક બન્યાં. તારાબહેનનું માર્ગદર્શન ખાસ કરીને મદદરૂપ બન્યું. એમ.એ.ની પરીક્ષા બીજા વર્ગ સાથે પાસ કરી. આગળ વધુ અભ્યાસ માટે લંડન કરતાં અમેરિકા જવા માટે તારાબહેનની સલાહને અનુસરીને વૅકેશન દરમિયાન એડમિશન તથા નાણાકીય સહાય માટેના પ્રયત્નો શરૂ કર્યા. જવાબમાં ઍડ્મિશન મળે, પરંતુ નાણાકીય સહાય અંગે કોઈ હકારાત્મક પ્રતિભાવ નહિ. દેવું કરીને અમેરિકા જવાની ઇચ્છા અને તૈયારી નહિ; ફુલબ્રાઇટ સ્કૉલરશિપ માટે અરજી કરી હતી તેના જવાબની પ્રતીક્ષા કરતો હતો.
પીએચ.ડી. માટે મારે અમેરિકા કે ભારતની બીજી કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો જોઈએ, તેવો તારાબહેનનો અભિપ્રાય, એટલે રાહ જોતો હતો. એક દિવસ તારાબહેન ત્યાંથી સાંજે મારા ઘેર જતી વખતે ઉમાશંકરભાઈને ત્યાં ગયો, ત્યારે જ્યોત્સ્નાબહેને એકાએક કહ્યું, “વી.પી., નાકનું ટેરવું નીચું કરો”. હું કાંઈ સમજ્યો નહિ. તેમણે ફોડ પાડતાં જણાવ્યું કે હવે સાયન્સ અને ટેક્નોલૉજી સિવાયની ફૅકલ્ટીમાં વધુ અભ્યાસ માટે ફૉરેન એક્સ્ચેન્જ આપવામાં આવશે નહિ, માટે તમારી ફાઇલમાં અમેરિકાની કોઈ યુનિવર્સિટીનો ઍડ્મિશન લેટર ૧લી એપ્રિલ પહેલાંનો હોય, તો તેના આધારે આ વર્ષે એક્સ્ચન્જ મળશે તેનો ઉપયોગ કરીને દેવું કરીને પણ અમેરિકા જવાની તક છે; નહિતર ક્યારે પરદેશ ભણવા જઈ શકશો તે સવાલ છે. ઘેર જઈને ફાઇલ જોતાં મિનેસોટા યુનિવર્સિટી તરફથી ઍડ્મિશન લેટર અને આઈ-૨૦ ફૉર્મ આવેલાં તે નજરે પડ્યાં અને અમેરિકા જવા માટે જરૂરી લોન મેળવવાની દોડધામ શરૂ કરી.
વગર વ્યાજની લોન, પાસપોર્ટ તથા વિઝા મેળવવાના પ્રયત્નોમાં કેટલાક અણધાર્યા સારા અનુભવો થયા. પોળના એક વડીલે ખાસ પ્રયત્નો કરીને જ્ઞાતિની ઍક્ઝિક્યુટિવ સમિતિની બેઠક બોલાવી અને જ્ઞાતિએ પહેલી વાર મને લોન આપવાનું નક્કી કર્યું; એક મિત્રે તેમના અન્ય મિત્ર પાસેથી લોન અપાવી, તો વળી બીજા એકે તેમના ઓળખીતા પાસેથી મદદ મેળવી આપી. પોલીસ-ક્લિયરન્સ માટે ગાયકવાડની હવેલીએ ગયો, ત્યારે કમિશ્નરે પોતાનું કામ બાજુ પર મૂકીને તરત બોલાવ્યો, કાગળમાં સહીસિક્કા કરીને મને કહે, “તમારી પાસે સમય છે?” મને ખૂબ આશ્ચર્ય થયું. મેં કહ્યું “આપ કહો તેટલો.” મને કહે “તમે જે પરિસ્થિતિમાં અભ્યાસ માટે અમેરિકા જાઓ છો, તે માટે ખૂબ જ આનંદ થાય છે. ભાઈ, અભ્યાસ કરીને પાછા આવજો.” વિઝા માટે ચાલુ ખાતામાં અમુક રકમ જમા હોય તેવી બૅંક ગૅરન્ટી મને આપવા માટે એક મિત્રે તાત્કાલિક કેટલાક શૅર વેચીને બૅંક સર્ટિફિકેટ મેળવ્યું. શનિવારનો દિવસ હતો, કોર્ટનું કામકાજ બંધ થયું હતું, પરંતુ એક વકીલની સહાયથી ન્યાયાધીશની ચેમ્બરમાં ઍફિડેવિટ માટે ગયો, ત્યારે તેમણે પણ કહ્યું, “ભણીને પાછા આવજો.” મુંબઈ પાસપોર્ટ ઑફિસમાં ગયો; તારાબહેને તેમના મકાનના આધારે જામીનગીરી આપેલી તે ચાલે નહિ, પરંતુ મેં યુનિવર્સિટીની પ્રવેશ માટે હું મોડો છું, અને મારા માટે આ છેલ્લી તક છે તેમ જણાવ્યું. પાસપોર્ટ ઑફિસરે સહી કરીને ચાર કલાક પછી પાસપોર્ટ લઈ જવા જણાવ્યું. આવો પ્રતિભાવ આજે કેટલા વિદ્યાર્થીઓને મળતો હશે?
અમેરિકા જવા માટેની બધી તૈયારી થઈ ગઈ. માતપિતાએ ઘરની કોઈ ચિંતા કર્યા વિના સારી રીતે ભણીને પાછા આવવાના આશીર્વાદ આપ્યા. અન્ય વડીલ, સ્નેહીઓ અને મિત્રોએ શુભેચ્છા પાઠવી. આના અનુસંધાનમાં જયંતિ દલાલ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરવો જોઈએ. તેમણે પૂછ્યું, “કેટલા રૂપિયા, કોની પાસેથી, કઈ શરતે લીધા છે?” મેં બધી વાત કરી તો કહે, “જો કોઈ સંજોગોમાં તું નિષ્ફળ થઈને પાછો આવે તો આ દેવું, કઈ રીતે અને કેટલા વખતમાં પાછું આપી શકે તેની ગણતરી કરી છે ?” મેં ના કહી, એટલે તેમણે કહ્યું “આ ગણતરી કરીને આવ, પછી તને જવા માટે શુભેચ્છા આપું.” મેં ઘેર જઈ ગણતરી કરી. પછી દલાલસાહેબને મળીને જણાવ્યું કે તેવા સંજોગોમાં મને અધ્યાપક તરીકે નોકરી સહેલાઈથી અમદાવાદમાં ન મળે, પરંતુ ટાઇપિસ્ટ કે સ્ટેનોગ્રાફર તરીકે નોકરી તો મળી રહે, અને ઘરખર્ચ બાદ કરતાં બચત કરીને દેવું ભરપાઈ કરતાં આશરે સાડા સાત વર્ષ થાય. તેઓ ખુશ થયા અને મને કહ્યું “હવે, તું જવાને લાયક થયો; મારી ખૂબ-ખૂબ શુભેચ્છા.” એસ. આર. ભટ્ટસાહેબ કહે, “સ્ટેિટસ્ટિક્સ શીખીને આવજે.” તારાબહેનનાં સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે ૧૯૬૨ના સપ્ટેમ્બરની ૫મી તારીખે લોનના દેવાના ભાર અને ઉજ્જવળ કારકિર્દીની આશા સાથે અમેરિકા જવા પ્રસ્થાન કર્યું.
રસ્તામાં થોડા દિવસ રોકાઈને લંડન અને ન્યુયૉર્ક જોયું. પછી ક્લિવલૅન્ડમાં ડૉ. હસમુખ મહેતાને મળવા એક દિવસ રોકાયો. તેઓ મારી પરિસ્થિતિથી વાકેફ હતા. તેમણે ત્યાંની વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ચૅરમેન પ્રોફેસર માર્વિન સસમેન સાથે મારી ઍપોઇન્ટમૅન્ટ લઈ રાખી હતી. પ્રોફેસર સસમેને મને ત્યાં ઍડ્મિશન આપવા તથા તે પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી મિનેસોટા યુનિવર્સિટીની ફી કરતાં જેટલી વધારે હતી તેટલી શિષ્યવૃત્તિ આપવાની તૈયારી બતાવી. ત્યાં હસમુખભાઈ સાથે રહેવાનું મળે, ખર્ચ ઓછો થાય, તેમના ઘરથી થોડા અંતરમાં યુનિવર્સિટી જવાય તેવું હતું એટલે હું ખૂબ રાજી થયો. પરંતુ, ફી ભરતાં પહેલાં યુનિવર્સિટી બદલવા માટે રિઝર્વ બૅંકની પરવાનગી મેળવવાની અરજી તૈયાર કરી તારાબહેનને મોકલી, અને દરમિયાનમાં ત્યાં વર્ગો ભરવાની પણ શરૂઆત કરી. બે અઠવાડિયાં બાદ રિઝ્રર્વ બૅંકે પરવાનગી આપવા ના પાડી તેવો તારાબહેનનો તાર આવ્યો. એટલે દુઃખ સાથે મિનેસોટા જવા રવાના થયો. રસ્તામાં વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં તપાસ કરવાના હેતુથી મેડિસિનમાં થોડા કલાક રોકાયો. સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડેવિડ મિકેનિક, જેઓ ઍવોર્ડ સમિતિના ચૅરમેન હતા અને જેમની સાથે મારો પત્રવ્યવહાર ચાલતો હતો, તેમને મળવા ગયો. મારી ત્યાં અભ્યાસ કરવાની ઇચ્છા હતી, પરંતુ રિઝર્વ બૅંકના નિયમ અન્વયે પહેલા સત્રમાં દાખલ થઈ શકું તેમ નથી અને બીજા સત્રમાં મિનેસોટાથી ત્યાં દાખલ થવાની ઇચ્છા છે તેમ મેં જણાવ્યું. તેમને લાગ્યું કે મને જ્યાં નાણાકીય સહાય મળશે, ત્યાં હું અભ્યાસ કરીશ. તેમણે ખાસ પ્રયત્નો કરીને પ્રોફેસર એડગર બોરગટ્ટા કે જેઓ વિભાગના ચૅરમેન હતા તેમના પ્રોજેક્ટ પર પહેલા સત્રમાં, અને પ્રોફેસર વિલિયમ સુવેલ કે જેઓ વિભાગના પૂર્વચૅરમેન અને અગાઉ અમેરિકન સોશિયોલૉજિકલ એસોસિયેશનના પ્રમુખ હતા. તેમના પ્રોજેક્ટ પર બીજા સત્રમાં રિસર્ચ એસિસ્ટન્ટ તરીકે નિમણૂક અપાવી. મારે ફૉરેન એક્સચેન્જની જરૂર રહી નહીં. રજિસ્ટ્રેશનની વિધિ ૧૫-૨૦ મિનિટમાં પતી, અને હું વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં ત્રણ અઠવાડિયાં મોડો દાખલ થયો. આમ, રિઝર્વ બૅંકની પરવાનગી ન મળવાથી તારાબહેનનો જે તાર મળ્યો તેને કારણે મારી નાણાકીય મુશ્કેલી દૂર થઈ અને અમેરિકામાં સમાજશાસ્ત્રની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની મને તક મળી.
પ્રોફેસર સુવેલના માર્ગદર્શન પ્રમાણે આવશ્યક કોર્સ પૂરા કર્યા એટલે પ્રિલિમ પરીક્ષા માટે તેમની પરવાનગી માગી. તેમણે કહ્યું તેં આવશ્યક કોર્સ સારી રીતે પૂરા કર્યા છે, પણ વિભાગમાં જે જાણીતા પ્રોફેસરો છે, તેમનો બને તેટલો લાભ લેવો જોઈએ. ચર્ચાને પરિણામે તેમણે મને ત્રણ વધારાના કોર્સ કરવાનું કહ્યું. ત્યાંની પદ્ધતિમાં મેજર પ્રોફેસરની સલાહ પ્રમાણે વર્તવું જરૂરી હોય છે. મેં ત્રણ વધારાના કોર્સ પૂરા કર્યા પછી મારે થિસીસ માટે પ્રપોઝલ તૈયાર કર્યું; મારી પ્રપોઝલ ડેટા એકઠા કરવા માટે ઇન્ડિયા આવવાની હતી. મારી સમિતિએ તે મંજૂર કરી. ત્યારે પ્રોફેસર સુવેલ મને કહે કે “વિમલ, તારે ખરેખર ડેટા એકઠા કરવા ઇન્ડિયા જવું છે ? તને ઘર સાંભરે અને ત્યાં જવાનું મન થાય તે સ્વાભાવિક છે. પરંતુ ત્યાં જઈશ એટલે કોઈને કોઈ કારણસર તારે પાછા આવવામાં વિલંબ થશે – માંદગી, લગ્ન માટે માબાપનો આગ્રહ, વગેરે. તેના કરતાં તું હવે અમેરિકન શિક્ષણપદ્ધતિ સાથે પરિચિત થયો છે, તો આપણા પ્રોજેક્ટના આધારે થિસીસ કરી જલદી પીએચ.ડી. ડિગ્રી મેળવે તે વધુ સારું.”
અને મેં ફરીથી પ્રપોઝલ તૈયાર કરી વિસ્કોન્સિન હાઈસ્કૂલ ફાર્મ બોયઝ ઉપર મારી થિસીસ તૈયાર કરી, અને ૧૯૬૬માં મારી સાથે દાખલ થયેલા બધા પીએચ.ડી. વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ પીએચ.ડી. ડિગ્રી મેળવી. ત્યાર પછી પણ અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર ગોલ્ડબર્ગરના હાથ નીચે Econometric Methodsનો એક-બે સત્રનો કોર્સ ઑડિટ કર્યો. ટૂંકમાં, પ્રોફેસર સુવેલની સલાહ અનુસાર ત્યાંની શિક્ષણપદ્ધતિનો મને ઘણો લાભ મળ્યો. ૧૯૬૨-૬૩ના બીજા સત્રમાં પ્રોફેસર સુવેલના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી હું ૧૯૬૯ના ડિસેમ્બર માસમાં ભારત પાછો આવ્યો, ત્યાં સુધી મેં તેમના Educational and Occupayional Aspirations and Achievement of Wisconsin High School Studentsના પ્રોજેક્ટ પર શરૂઆતમાં એસિસ્ટન્ટ તરીકે અને પછી એસોસિયેટ તરીકે કામ કર્યું. મને મારા અભ્યાસની સાથે સાથે બઢતી અને પગારમાં વધારો મળતો રહ્યો. મને એક મોટા પ્રોજેક્ટના સંશોધનની વિવિધ પ્રક્રિયા પર કામ કરવાનો અને જુદી જુદી quantitative methods શીખવાનો અને કમ્પ્યૂટરની મદદથી તેનો ઉપયોગ કરવાનો સારો અનુભવ મળ્યો.
એક બીજા અનુભવની પણ વાત કરવી જોઈએ. પીએચ.ડી. પછી ઇતર પ્રવૃત્તિમાં પ્રોફેસર બોરગાડાને ત્યાં હીરા ઘસતા શીખ્યો. તેમના કુટુંબ સાથે સિઝનમાં આઇસ-સ્કેિટંગ શીખ્યો. મોટી ઉંમરે આઇસ-સ્કેિટંગ શીખી શકવા બદલ મને ઇનામ મળ્યું, તેના અતિ ઉત્સાહમાં છેલ્લે દિવસે ડાન્સ કરતાં પડ્યો અને જમણો હાથ સૉકેટમાંથી નીકળી ગયો; સદ્દભાગ્યે એક માસમાં સાજો થયો. મને ભારતની માફક અમેરિકામાં પણ મારા શિક્ષકો સાથે નિકટનો પરિચય થયો.
હું ભારત પાછા આવવા માટે પ્રયત્ન કરતો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમદાવાદની IIM અધ્યાપકની જગા માટે ઇન્ટરવ્યૂ પણ આપેલો. હું ત્રણ મહિનામાં મારું કામ પૂરું કરીને હાજર થઈ શકું તેમ ન હતો, એટલે મને ઑફર ન મળી. કોલકાતા IIMના ડાયરેક્ટર પ્રોફેસર કૃષ્ણમોહન તૈયાર હતા, પરંતુ પહેલી વાર કોલકાતા ગયો હતો, એટલે કે ગમે તેમ મને કોલકાતામાં રહેવા માટે મન ન થયું, અને મેં ના પાડી. ત્યાર બાદ એક વાર પ્રોફેસર સુવેલ જાપાન જતાં દિલ્હી એક દિવસ રોકાયા, ત્યારે તેમને ફૉર્ડ ફાઉન્ડેશનના ભારત સરકાર સાથે કુટુંબનિયોજનના પ્રોજેક્ટ પર કામ કરવા માટે અમેરિકામાં અભ્યાસ કરીને પાછા આવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટેના એક પ્રોગ્રામની જાણ થઈ; તેમણે મને ફૉર્મ મોકલી આપ્યું. મને આ સારી તક લાગી, મેં ફોર્મ મોકલ્યું, મને ઑફર મળી અને હું ૧૯૬૯ના ડિસેમ્બર માસમાં ફૉર્ડ ફાઉન્ડેશન, દિલ્હીમાં પ્રોગ્રામ એસોસિયેટ તરીકે જોડાયો. શરૂઆતમાં થોડા દિવસ ગુજરાત ભવનમાં રહ્યો; પછી સાઉથ એક્સ્ટેન્શન ભાગ-૨માં એક એપાર્ટમેન્ટ ભાડે મળી ગયું અને ત્યાં રહેવાનું શરૂ કર્યું.
ફોર્ડ ફાઉન્ડેશને મને ભારત સરકારના National Family Planning Instituteમાં કામ માટે મૂક્યો. ત્યાં મારું કામ મુખ્યત્વે કરીને કુટુંબનિયોજનના ક્ષેત્રમાં સામાજિક સંશોધન કરવા રિસર્ચ ગ્રાન્ટ માટે જે અરજીઓ આવે તે તપાસી સમિતિ સમક્ષ મારો વિગતવાર અભિપ્રાય આપવાનું હતું. હું કામમાં ગોઠવાયો હતો. થોડા મહિના બાદ તારાબહેન દિલ્હી આવેલાં, મને ત્યાં સારી રીતે રહેતો જોઈ આનંદ પામ્યાં. પરંતુ, ફૉર્ડ ફાઉન્ડેશનની સગવડ જોઈને મને કહે કે અહીં અને અમેરિકાની સગવડમાં કોઈ ખાસ તફાવત નથી; જો મોડાવહેલા પણ ભારતમાં કોઈ યુનિવર્સિટીમાં કામ કરવું હશે તો તમને ફાવશે નહિ, માટે બીજી કોઈ નોકરી વહેલી તકે શોધવી જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં રીડરની જગા ખાલી છે, અરજી કરવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે, પરંતુ જો યુનિવર્સિટી મને ઇન્ટરવ્યૂ માટે બોલાવે ત્યારે હું અમદાવાદ ઇન્ટરવ્યૂ આપવા તૈયાર હોઉં તો મને ખાસ કેસ તરીકે ઇન્ટરવ્યૂ માટે બોલાવવા યુનિવર્સિટીને લખવા તૈયાર છે. મારો પાંચ વર્ષ માટેનો કૉન્ટ્રેક્ટ અને પગાર, વગેરેનો તફાવત જોતાં ઉત્સાહિત ન હતો, પરંતુ અમદાવાદમાં કામ કરવાની આવી તક જલદી મળે નહિ તેવી ગણતરીએ મેં હા પાડી. તારાબહેને યુનિવર્સિટીને લખ્યું, મેં ઇન્ટરવ્યૂ આપ્યો, મારી પસંદગી થઈ, અને હું ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના રીડર તરીકે જોડાયો.
યુનિવર્સિટીમાંથી ૧૯૯૪માં નિવૃત્ત થયો તે દરમિયાન અધ્યાપન અને ગુજરાત સરકાર અને યુ.જી.સી.ની ગ્રાન્ટ મેળવીને તારાબહેન સાથે સંશોધનકાર્ય કર્યું. ઉપરાંત, અમદાવાદની ઇસરો, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ ઍન્ડ સોશિયલ રિસર્ચ જેવી સંસ્થાઓના સંશોધનમાં તેમ જ સરદાર સરોવર પ્રોજેક્ટને કારણે અસરગ્રસ્ત વિસ્થાપિતોના અભ્યાસમાં શરૂઆતના તબક્કે સહભાગી થવાની તક મળી. વળી, ICSSR તથા યુનેસ્કોના Social Research Methodsના ઘણા તાલીમવર્ગોમાં resource person તરીકે પણ કામ કર્યું. (આ અંગે વધારે વિગત માટે જુઓ Vimal P. Shah, Learning and Doing, દૃષ્ટિસંશોધન વિશેષાંક, અભિદૃષ્ટિ, ૨૭-૩૭, ફેબ્રુઆરી, ૨૦૧૪). ટૂંકમાં, મને કામ કરવાની વિવિધ તક મળી, આનંદ થયો. અમેરિકાથી પાછો આવ્યો કે ફૉ ર્ડફાઉન્ડેશનની નોકરી છોડી તેનો કદી પસ્તાવો થયો નહિ. આવી પ્રવૃત્તિઓ ૨૦૦૭ સુધી ચાલુ રહી, અને ત્યારથી તારાબહેનના ચૅરિટૅબલ ટ્રસ્ટના મંત્રી તરીકે મુખ્ય કામગીરી કરું છું, તેનો સંતોષ છે.
આ રીતે મને જીવનમાં શિક્ષણ અને કામ કરવા માટે જે તક મળી અને મેં જે કોઈ પ્રગતિ કરી તેમાં પ્રારબ્ધ અને પુરુષાર્થની ભૂમિકા કેટલી?
e.mail : vimalpshah@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 09-11 તેમ જ 01 જાન્યુઆરી 2016