વિપક્ષ સાથે ‘ચાય પે ચર્ચા’ની નમો પહેલ જો વિધાયકપણે આગળ વધી શકે તો તે સંકેલાતા ૨૦૧૫ની અને બંધારણીય દિવસની ઉજવણીની એક લબ્ધિ બની રહેશે. બલકે, ઍવૉર્ડ પરત આપનારાઓ સાથે ય શીર્ષ સત્તાસ્થાનેથી સાર્થક સંવાદપહેલ થાય તો તે મહદ્દ લબ્ધિ લેખાશે.
એ એક ચોક્કસ જ મોટો અને મહિમાવંતો દિવસ છે દેશની તવારીખનો, ૨૬ નવેમ્બર ૧૯૪૯નો, જ્યારે આપણે પ્રજાસત્તાક બંધારણ હાંસલ કરી સ્વરાજની મજલને આગળ ધપાવી હતી. આંબેડકર એકસો પચીસી સાથે એને સાંકળીને આ દિવસ મનાવવાનું જેને પણ સૂઝી રહ્યું હોય એને – વ્યૂહાત્મક ગણતરીઓ કોરાણે મૂકીને પણ – અભિનંદન ઘટે છે. કટોકટીખ્યાત કૉંગ્રેસ અને મંદિરખ્યાત ભાજપ બંને આ મુદ્દે સામસામા પેચપવિત્રા લડાવી શકે એમ છે અને લોકસભાની બે દિવસની ખાસ બેઠકમાં રાજનાથસિંહના ઉપાડ તેમ જ સોનિયા ગાંધીની પ્રતિક્રિયા સાથે આપણને એની કંઈક ઝાંખી પણ મળી.
પોતે આઝાદી આંદોલન પછીના ‘સૌથી મોટા આંદોલન’ (અયોધ્યા આંદોલન) સાથે દેશમાં વિમર્શ આખો બદલી નાખ્યો એવો એક વિકલ્પદાવો ભાજપનો છે. પણ, બીજી બાજુ, સ્વતંત્રતાસંગ્રામ અને સ્વરાજનિર્માણની મુખ્ય ધારા સાથે સંકળાયા વગર સ્થાયી સ્વીકૃતિ અને ધોરણસરની ઓળખ શક્ય નથી તે પણ એ સમજે છે. એટલે ચાલુ ધારામાં પ્રવેશપૂર્વક વિકલ્પનો વેશ કેમ ભજવવો તે વાસ્તે તંગ દોર પરની નટચાલ અને મુખચાલાકીનો ખેલ એને સારુ દુર્નિવાર બની રહે છે.
રાજનાથ સિંહની ચર્ચામાંડણી જ તમે જુઓ – એમણે આંબેડકર અને સરદાર સાથે જવાહરલાલને પણ ‘પ્રથમ પ્રધાનમંત્રી’ તરીકે યાદ કરવાની અડધીપડધી કોશિશ કીધી. હવે તમે જવાહરલાલને યાદ કરો એટલે સ્વરાજનિર્માણ સંદર્ભે તરત જ ત્રણ વાનાં પડમાં આવેઃ સમાજવાદ (અલબત્ત લોકશાહી સમાજવાદ), બિનસાંપ્રદાયિકતા (સેક્યુલરિઝમ) અને બિનજોડાણવાદ (નૉન એલાઇમેન્ટ).
ચર્ચા બંધારણસભાની અને આંબેડકરની અગ્રભૂમિકાની હતી એટલે ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ના આ બે નેહરુમુદ્દાને ક્યાં ખતવવા ને કેમ જોગવવા એ એક સવાલ રહે જ. સમાજવાદનો તો એમણે તોડ કાઢ્યો કે આપણી સંસ્કૃિત ‘ભોગ’માં નહીં પણ ‘ત્યાગ’માં માને છે એટલે એમાં સમાજવાદ નિહિત ને અભિપ્રેત છે. આંબેડકર અને બીજાઓએ એથી જ બંધારણમાં તે અલગ આમેજ કરવાની જરૂર જોઈ નહોતી. (કેન્દ્રીય ગૃહમંત્રીને આ વખતે અધ્યક્ષીય સમર્થન પણ મળી રહ્યુંઃ સુમિત્રા મહાજને પ્રસન્ન મુદ્રામાં દરમ્યાન થતાં કહ્યું કે ‘તેન ત્યક્તેન ભુંજીથાઃ’)
ચાલો, સમાજવાદને તો ઠેકાણે પાડ્યો, પણ હજુ સેક્યુલરિઝમ બાબતે ઠેકાણું પાડવું રહ્યું. હવે શું કરીશું? ભલા ભાઈ, આપણે તો સર્વધર્મસમભાવી સંસ્કૃિત અને પ્રજા છીએ એટલે તમે જુઓ કે આંબેડકર જેવા આંબેડકર અને બીજાઓએ ચર્ચામાં ‘સેક્યુલર’ જેવી કોઈ સંજ્ઞા બંધારણવગી કરવાની જરૂર જોઈ નહોતી! (વસ્તુતઃ આ ધોરણે આંબેડકરની તીવ્રતા એ હદની હતી કે હિંદુ કોડ બિલના વિલંબમુદ્દે એમણે પ્રધાનમંડળ છોડ્યું હતું.) ‘સમાજવાદ’ અને ‘બિનસાંપ્રદાયિકતા’ની આવી છબછબાટ જિકરની પૂંઠે એક સગવડ અને ગણતરી પણ હતી જ. કૉંગ્રેસે કટોકટીકાળે આ બે શબ્દો આમુખમાં આમેજ કર્યા હતા એટલે ટોણો મારવાની તક હતી. કૉંગ્રેસ પાટલીઓએથી વળતા અવાજો ઊઠ્યા પણ ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી એક ઈતિહાસવસ્તુ છે અને એ અંગેના પ્રહાર પાછળ લૉજિક છે તે છે.
પણ આ વાતને જરા જુદી રીતે જોવા સમજવાની જરૂર છે. બીજા અમને કોમવાદી કહે પણ અમે સાચ્ચા સેક્યુલર છીએ તેમ કહેતા ભાજપ સહિત સંઘ પરિવાર સમસ્ત એક વદતોવ્યાઘાત (‘કોન્ટ્રાડિક્શન’)ની સ્થિતિમાં માલૂમ પડે છે. આપણે ત્યાં દેશની વ્યાખ્યા બંધારણીય લોકશાહી અને નાગરિકને ધોરણે કરવી કે ધર્મકોમને ધોરણે, એ આગલી સદીથી ચાલ્યો આવતો ઇતિહાસબોજ છે. ‘હિન્દુ’ અને ‘મુસ્લિમ’ બે અલગ રાષ્ટ્ર છે એ થિયરી પાકિસ્તાનના મૂળમાં છે. સ્વતંત્ર ભારતે ધર્મકોમને બદલે બંધારણીય રાષ્ટ્રવાદની નાગરિક ભૂમિકા એટલે કે સેક્યુલર રાહ અંગીકાર કરેલ છે. સવાલ, આ ધોરણે ‘સાચ્ચા સેક્યુલર’ સંઘ પરિવારે પોતાને વાજબી ઠરાવવાનો છે.
કટોકટીકાળે ‘સેક્યુલર’ સંજ્ઞાનો આમુખપ્રવેશ ચોક્કસ એક ઈંદિરાઈ વ્યૂહ હતો, એ વાતે વણછો લાગેલો છે તેમ કહેવામાં પણ ખોટું નથી. પણ ધર્મકોમને ધોરણે રાષ્ટ્રીયતા નક્કી ન થાય એ સ્વરાજભૂમિકા બંધારણમાં અનુસ્યૂત છે તે છે – અને સંઘ પરિવાર આ મુદ્દે અસુખ અનુભવે છે તે અનુભવે છે.
સંઘ પરિવારે પાળેલીપોષેલી જે માનસિકતા છે તે તો ‘અબ્દુલ કલામ મુસ્લિમ હોવા છતાં રાષ્ટ્રવાદી છે’ એ તરજ પરની છે. આંબેડકર એકસો પચીસી અને બંધારણ દિવસ પરની ચર્ચામાં પણ તે ઢેકો કાઢ્યા સિવાય રહી શકી નહીં. અનેક દુઃખ અને અપમાન વેઠ્યા છતાં આંબેડકરે ભારત છોડવાનો વિચાર કર્યો નહીં એ રાજનાથ સિંહનું વિધાન ‘કહીં પે નિગાહે કહીં પે નિશાના’ સ્કૂલનું હતું, કેમ કે પત્ની કિરણને ટાંકીને આમીરે કહેલી વાત કે ‘દેશ છોડીને જતા રહીએ’ તે હવામાં હતી. વસ્તુતઃ આ વિધાનમાં સંકેત માત્ર અને માત્ર એટલો જ હતો કે અહીં વાતાવરણ કેટલું બોજિલ અનુભવાય છે. સંવેદનશીલતાની માત્રા પ્રમાણે આવા ઉદ્ગારો આવી પડતા હોય છે. એમને અક્ષરશઃ લેવાના ન હોય. અને જો આમીર-કિરણને આમ જ ટાંકવાનાં હોય તો આંબેડકરના ગાંધીજોગ એ મતલબના ઉદ્ગારો ક્યાં નથી કે તમે દેશ દેશ કરો છો પણ અહીં ‘મારો’ દેશ ક્યાં છે? આ જ આંબેડકર, પછીથી, બંધારણકાર અને (બંધારણસભા સમક્ષના ચોક્કસ વક્તવ્ય સાથે) ‘મહાન દેશભક્ત’ તરીકે ઉભર્યા!
માનો કે આ તો બધું અબખે પડ્યું છે. આકાશમાં વિકાસની ખેતી અને જમીની ફસલ કોમવાદની, એ છેલ્લાં વર્ષોનો રવૈયો રહ્યો છે. જો કે તે પરિણામ નયે આપે, તે આપણે બિહારમાં હજુ હમણે જ જોયું છે. ભાજપ સ્વરાજધારાને પોતાની ‘મૂડી’ જાહેર કરવા સાથે વૈકલ્પિક વિમર્શદાવામાં પણ છે ત્યારે એણે બિહારના પરિણામના સંદર્ભમાં નવેસર વિચારવાપણું છે.
વસ્તુતઃ સમાજવાદ વિશે તમે ગમે તે માથાકૂટ, કાથાકૂટ, ડાચાકૂટ કરો; કથિત નવી આર્થિક નીતિ છેવાડાના માણસને બાદ કરીને ચાલે છે અને વંચિતોનો વસ્તીવિકાસ એ એની તાસીર છે. બંધારણ દિવસની ચર્ચામાં રામવિલાસ પાસવાને કહ્યું કે સેક્યુલર-બેક્યુલર ઠીક છે, ફોડી લઈશું, પણ વંચિતોનું શું. બિહારમાં દલિત મતદારો ભાજપ સાથી પાસવાન-માંઝી સાથે ન રહ્યા અને નીતિશ જોડે ગયા, એ તાજો ધક્કો પણ એમના કહેવા પાછળ હશે. આંબેડકર એકસો પચીસીએ સંભારવા જોગ એકાધિક વાતોમાંથી એક અહીં સવિશેષ નોંધાવી રહે છે. આખરી ઓપ અપાઈ ગયો તે તબક્કે આંબેડકરે ગૃહમાં એ મતલબનું કહ્યું હતું કે આપણે એક પડકારભર્યા અને કંઈક પરસ્પરવિરોધી સમયમાં પ્રવેશી રહ્યા છીએ. બંધારણના અમલ સાથે રાજકીય સમાનતા (એક માથું, એક મત વ.) તો આવશે, પણ આપણી આર્થિક-સામાજિક વિષમતાઓ યથાવત હશે. બંધારણની ભાવનાને અનુરૂપ વિષમતા નિર્મૂલન એક લાંબો સંઘર્ષ હોવાનો છે.
નમો ઉત્તરોત્તર એક ઇવેન્ટ-માહેર તરીકે બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં એકવાર એમણે હાથી પર બંધારણની સવારી કાઢી હતી, યાદ છે? કાશ, ઇવેન્ટથી દળદર ફીટતું હોત! ગમે તેમ પણ કૉંગ્રેસ અને ભાજપ બેઉએ વિકાસવ્યૂહના મુદ્દે જાતતપાસ સાથે બહાર આવવાની જરૂર છે. નરસિંહ રાવ-મનમોહન સિંહના લાભાર્થીઓ મોદીના જાનૈયા હશે તો હશે, ખરો વરરાજા ઉર્ફે કૉમનમેન તો બચાડો માર્યો ફરે છે. એટલું જો કે સમજાય છે કે એનડીએ-૧ વખતે ઉપડેલો પ્રમુખીય લોકશાહીનો સોલો કે ચાતુર્વર્ણ્ય અધિષ્ઠિત બંધારણ માટેનો વિહિંપ-બજરંગ ગણગણાટ હાલ ચિત્રમાં નથી. ઇવેન્ટ-મેનેજમેન્ટ સાથે બંધારણઘડતરની ધારાને અંગે પણ મનોવૈજ્ઞાનિક કો-ઓપ્શનનો ખયાલ હમણાં તો કામ કરી રહ્યો જણાય છે.
ખરી ચર્ચા ક્યારે, કોણ જાણે!
નવેમ્બર ૨૭, ૨૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2015; પૃ. 01-02