એક મહિનાની અંદર આ બીજી એવી સભા છે જેમાં મેં સામેથી બોલવાનું માગી લીધું હોય. જુગતરામકાકાના જન્મદિવસ ‘સેવાદિન’ પર પણ મેં સામેથી કહ્યું હતું કે હું બોલીશ અને આ ‘જયપ્રકાશ વ્યાખ્યાનમાળા’ માટે પણ ઉમાને કહ્યું કે, આ વખતે હું બોલીશ. ઉમાએ મને પૂછ્યું, શેના પર બોલશો ? તો મેં તરત જ કહી દીધું કે ‘જયપ્રકાશ’ પર. મેં સામેથી બોલવાનું શા માટે માગી લીધું ? થોડા સમય પહેલાં – ખાસું ભણેલી – ગણેલી, વિદેશથી આવેલી અને સંભ્રાત વ્યક્તિએ વાતવાતમાં પૂછ્યું કે, આ જયપ્રકાશ એટલે કોણ ? આ સવાલ મારા માટે ખૂબ આઘાતજનક હતો. એટલે મને લાગ્યું કે – જયપ્રકાશને – જેમને અંધારામાં દાટી લેવામાં આવ્યા છે તેમને બહાર પ્રકાશમાં લાવવા છે અને આ મારું કર્તવ્ય છે.
આ આઘાત કેમ લાગ્યો ? જે વ્યક્તિએ દેશની સેવા માટે, લોકોની સેવા માટે દેશના સર્વોચ્ય પદનો – વડાપ્રધાન પદનો અને રાષ્ટ્રપતિ પદનો – એમ કહીને ત્યાગ કર્યો કે મને એમાં રુચિ નથી, મને તો લોકોમાં સેવા કરવાની રુચિ છે; જેણે દેશને (કટોકટીમાંથી) બીજી આઝાદી આપવી એમને માટે પ્રશ્ન થાય કે આ જયપ્રકાશ કોણ ? એમને વિશે આવું ઘોર અજ્ઞાન અને અંધારું !
આ આઘાતનું બીજું એક કારણ એ પણ હતું કે આ જયપ્રકાશ બે વાર – બે પેઢીના યુવાનોના હૃદયસમ્રાટ બન્યા હતા. એક વાર જ્યારે હું 18-19 વર્ષનો હતો ત્યારે 1942ના આંદોલનમાં હજારીબાગની જેલની તોતિંગ દીવાલ કૂદીને ભાગી ગયા હતા ત્યારે અને બીજી વાર હું એમનો સાથી હતો પણ મારાં બાળકો મારી ઉંમરનાં થયાં ત્યારે એમની પેઢીનાં યુવાનો જયપ્રકાશ ઉપર લટ્ટુ હતાં. આ જયપ્રકાશ વિશે આપણે ન જાણીએ તો એ આપણો જ દોષ માનવો જોઈએ.
તેમની ( જે.પી.ની) અડધી જિંદગી સ્વરાજ પહેલાં અને અડધી જિંદગી સ્વરાજ પછી વીતી. સ્વરાજ પહેલાં અને પછી પણ લોકો એમને એક વીરપુરુષ અને શૂરપુરુષ તરીકે ઓળખતા હતા. એક માણસની એક જિંદગીમાં વર્ષો પછી પણ એ જ રીતની ભૂમિકા બીજી વાર હોઈ શકે એ ઇતિહાસમાં બહુ થોડું બને છે. આવાં નામ દાટી દેવામાં આવે છે. અને આ પ્રકારનું માત્ર આપણા દેશમાં જ નથી બન્યું, બીજા દેશોમાં પણ બન્યું છે. કારણ એ છે કે જે ઇતિહાસ રચી શકતા નથી તે પ્રયત્નપૂર્વક ઇતિહાસને બદલવાની કોશિશ કરે છે. અને એમ કરીને પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયત્નમાં હોય છે. અને મને ખ્યાલ છે કે જયપ્રકાશ સાથે પણ લગભગ આવું જ થયું છે.
હવે હું એમના વિશે બોલું તો કયા સંબંધે બોલું ? મિત્રના, સાથીના, ગુરુના કે આપણા લોકનાયક્ના સંબંધે બોલું ? …. પ્રભાવતીજી સેવાગ્રામ આશ્રમમાં રહેતાં હતાં અને એ (અમારા) સૌનાં દીદી હતાં અને જયપ્રકાશજી એમના પતિ, એટલે એ સંબંધે જયપ્રકાશજી મારા જીજાજી પણ હતા.
વિનોબાજીની ભૂદાનયાત્રા ચાલતી હતી તે દિવસોમાં મેં તેમને ગુજરાતમાં બોલાવવાનો વિચાર કર્યો અને તેમને એક પત્ર લખ્યો. (વિનોબાજીની પ્રેરણાથી ભૂદાન-ગ્રામદાન-સંપત્તિદાન-શ્રમદાન પછી જીવનદાનની વાત આવી. અને બોધગયા સંમેલનમાં જે.પી.એ વિનોબાની હાજરીમાં જીવનદાનનો સંકલ્પ જાહેર કરેલો.) તેમનો જવાબ આવ્યો કે, તું બોલાવે છે તો આવીશ તો ખરો પણ હવે જો પૂ. જયપ્રકાશજી લખીશ તો તારી સાથે પત્રવ્યવહાર નહીં કરું. એમનો પહેલો જ પત્ર. પણ એમાં લખ્યું, પૂજ્ય નહીં પ્રિય લખજે. એટલે મેં કહ્યું કે હું કયા સંબંધે બોલું ? આ માણસે હંમેશાં બરાબરીનો વ્યવહાર કર્યો છે. ઉંમરમાં, પ્રતિષ્ઠામાં અંતર હતું. પણ જ્યારે મૈત્રીનો સંબંધ આવે છે ત્યારે આ બધું દૂર થઈ જાય છે. જયપ્રકાશનો તો પોતાના નાનામાં નાના સાથી સાથે પણ મૈત્રીનો સંબંધ હતો અને આ સંબંધ મને સૌથી વધારે કિંમતી સંબંધ લાગે છે.
પ્રેમ બે પ્રકારના હોય છે. એક પર્સનલ અને બીજો ઇમ્પર્સનલ. એક વૈયક્તિક, બીજો વ્યક્તિ નિરપેક્ષ. વિનોબાના Impersonal પ્રેમનો અનુભવ થયો છે. Impersonal પ્રેમ પ્રકાશ આપે છે, ઉષ્મા ભલે આપે કે ન આપે. Personal પ્રેમ ઉષ્મા આપે છે. થોડો ઘણો પ્રકાશ પણ આપે છે. જયપ્રકાશ પાસેથી પર્સનલ પ્રેમ મળ્યો, વિનોબા પાસેથી Impersonal મળ્યો, ગાંધી પાસેથી બંને મળ્યો.
એક વાર પવનારમાં કુસુમ દેશપાંડે અને અમે સૌ બેઠાં હતાં ત્યાં મેં કહ્યું કે, આપણા સર્વોદય આંદોલનમાં એક સંત છે અને એક પોલિટિશિયન છે. અને આગળ કહ્યું કે, જયપ્રકાશજી સંત છે અને …. મારું વાક્ય પૂરું થાય તે પહેલાં તો કુસુમ વિનોબાજીના ઓરડા તરફ દોડી. હું એમની પાછળ પાછળ ગયો. એણે વિનોબાજીને કહ્યું, “બાબા, આ નારાયણ શું કહે છે?” “શું કહે છે?” “એ કહે છે, આપણા આંદોલનમાં એક સંત છે અને એક રાજનીતિજ્ઞ છે. અને જયપ્રકાશજી સંત છે.” વિનોબાજીએ ટેવ પ્રમાણે પોતાની બેઠક પરથી ઊભા થઈને તાળીઓ પાડતાં પાડતાં કહ્યું, “સાચી વાત છે. આપણા આંદોલનમાં સંત છે એ જયપ્રકાશ છે ને હું રાજનીતિજ્ઞ છું.” મેં જયપ્રકાશના સંતત્વ તરફ ધ્યાન આકર્ષિત કરવા આ વાત કરી હતી, પણ વિનોબાએ તો એની પૂર્તિ કરી અને એ પછી કેટલી ય સભાઓમાં આ વાત ચલાવી.
આ ત્રણે ય (ગાંધી, વિનોબા, જયપ્રકાશ) એવા હતા જે પોતાને માટે મહાપુરુષ શબ્દનો ઉપયોગ પસંદ કરતા નહોતા. પણ હું કોને મહાપુરુષ માનું છું ? જેમનું અંતર એટલું જ નિર્મળ હોય છે જેટલો એમનો બહિરંગ ઉજ્જવળ હોય છે. બહિરંગ ઉજ્જવળ, અંતરંગ નિર્મળ એ મહાપુરુષ કહેવાય છે. જે પોતાના જીવન દ્વારા દુનિયાને જેવી જોતા આવ્યા હતા તેનાથી કંઈક સુધરેલી સ્થિતિમાં મૂકીને જાય છે, તે મહાપુરુષ છે, એમ હું માનું છું. જયપ્રકાશજી પોતાના દેશને સુધરેલી અવસ્થામાં મૂકીને ગયા હતા. લોકોમાં એવો વિશ્વાસ દૃઢ કરતા ગયા કે ગમે તેવી સરમુખત્યારશાહી હોય પણ સામાન્ય માણસો એનો જવાબ આપી શકે છે.
જયપ્રકાશજી દિલમાં હંગેરીમાં ઘટનાઓ ઘટી રહી હતી તેની ચિંતા હતી. જયપ્રકાશજીના પહેલાં દુનિયાના કોઈ દેશને, કોઈ માણસને હંગેરીની ઘટનાઓ વિષે ચિંતા નહોતી, આ દેશમાં પણ એના વિષે કોઈને ચિંતા નહોતી. ઝેકોસ્લોવેકિયા વિષે ચર્ચા તો ઘણી થઈ. બીજા લોકોએ પણ કરી પણ એ વિષે જાગ્રત હતા જયપ્રકાશ. મને એને વિષે લખવાનું પણ કહ્યું કારણ કે તેઓ માનતા હતા કે સર્વોદય કાર્યકર્તાઓને આ વિષે જ્ઞાન હોવું જોઈએ. સર્વોદય કાર્યકર્તાની સેવામાં ભક્તિ હોય છે પણ તે સેવા ભક્તિપૂર્ણની સાથે જ્ઞાનપૂર્ણ હોવી જોઈએ.
આ ત્રણેય (ગાંધી, વિનોબા અને જે.પી.) અલગ અલગ સ્વભાવના હતા પરંતુ આ ત્રણેયની ચિંતાઓ અને ચિંતનનો વિષય હતો દરિદ્રનારાયણ. જેને પોતાનું ધ્યેય મળી જાય છે અને એ ધ્યેય પાછળ જિંદગી ખરચી નાખે છે તે મહાન હોય છે. જયપ્રકાશજીને ઘણી નાની ઉંમરમાં પોતાનું ધ્યેય મળી ગયું હતું. અને તે ધ્યેય હતું, મુક્તિનું. Freedom, સ્વતંત્રતાનું. એક દિવસ એમની કૉલેજમાં મૌલાના આઝાદ ભાષણ કરવા આવ્યા. એ વખતે ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કરી દીધું હતું. મૌલાનાએ બહુ જ સુંદર ભાષણ કર્યું. જયપ્રકાશજી અને એમના મિત્રોને થયું કે આપણે પણ કંઈક કરવું જોઈએ. એ વખતે આંદોલન માટે ‘શાળા-કૉલેજ છોડો’નો નારો ચાલતો હતો. જયપ્રકાશજી અને મિત્રોએ કૉલેજ છોડવાનો વિચાર કર્યો પણ અગિયાર દિવસ પછી પરીક્ષા હતી ! એટલે કેટલાકે કહ્યું કે પરીક્ષા પછી કૉલેજ છોડી દઈશું. જયપ્રકાશજીએ કહ્યું કે સારા કામ માટે રાહ જોવાની ન હોય, છોડવી હોય તો આજે જ છોડવી જોઈએ અને એમણે પરીક્ષાના અગિયાર દિવસ જ બાકી હતા તે પહેલાં જ કૉલેજ છોડી દીધી. હવે આંદોલનમાં તો ઉતાર-ચઢાવ હોય. આંદોલન ઠંડું પડવા માંડ્યું તો જે વિદ્યાર્થીઓએ કૉલેજ છોડી હતી તેઓ ફરીથી કૉલેજમાંજોડાઈ ગયા. જયપ્રકાશજીએ વિચાર્યું કે ભણવું તો છે પણ જે કૉલેજમાં ગુલામીનું શિક્ષણ અપાય છે ત્યાં તો નથી જ જવું. તો શું કર્યું ? પિતા પર આર્થિક બોજ ન પડે તે માટે અમેરિકા ભણવા ગયા. ત્રણ મહિના મજૂરી, ત્રણ મહિના અભ્યાસ. આઝાદીની તાલીમ લેવી હતી અને વિશેષ તો અધ્યયનશીલતાની તાલીમ.
અમેરિકાની યુનિવર્સિટીમાં રાતે પણ લાયબ્રેરી ચાલુ હોય. જયપ્રકાશજી આ લાયબ્રેરીમાં જતા અને અધ્યયનમાં એવા ખૂંપી જતા કે આસપાસ શું ચાલે છે તેની પણ ખબર પડતી નહીં. અભ્યાસમાં વિજ્ઞાનના અલગ અલગ વિષયો લીધા તો બીજી બાજુ સફરજનના બગીચામાં સફરજન ઉતારતા મજૂરો સાથે સંબંધ કેળવતા. એવી જ રીતે હોટેલમાં ડીશો ધોતી વખતે પણ મજૂરો સાથે દોસ્તી કરી લેતા.
એ વખતે જે અધ્યાપકો જયપ્રકાશજીની નિકટ હતા તેમાં કેટલાક કોમ્યુિનસ્ટો પણ હતા. તેમની સાથી દ્વંદ્વાત્મક ભૌતિકવાદની ચર્ચા ચાલતી. અમેરિકા ગયા એ પહેલાં પ્રભાવતીજી સાથે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. અમેરિકા જતી વખતે પ્રભાવતીજીએ જયપ્રકાશજીને ભેટ તરીકે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ આપી અને જયપ્રકાશજીએ પ્રભાવતીજીને ‘રામચરિત માનસ’ આપ્યું. અમેરિકામાં જયપ્રકાશજીએ અઠવાડિયામાં તો ‘ભગવદ્ ગીતા’ વાંચી નાખી અને પ્રભાવતીજીને પત્ર લખ્યો કે “પહેલાં તો મેં એ વાંચી હતી પણ તેં આપી હતી એટલે બીજી વાર વાંચી ગયો. પણ એ પુસ્તકમાં કોઈ દમ નથી.” આ જ જયપ્રકાશજીને પાછળથી કહેતા સાંભળ્યા છે કે એમ લખીને મેં પ્રભાને કેટલું દુ:ખ આપ્યું હશે ? અને આ જ જયપ્રકાશજીએ પ્રભાવતીજીના મૃત્યુ પછી સ્મશાનેથી ઘેર આવ્યા પછી (પુત્રીવત) જાનકીને કહ્યું કે, “દીદી વાંચતી હતી તે ‘રામચરિત માનસ’ આપ. એ તો હવે નથી, એની આપેલી ગીતાની તો કોઈ કિંમત ન કરી પણ હવે ‘રામ ચરિત માનસ’ રોજ વાંચીશ.” આ એક ગુણ હતો આ માણસનો.
અમેરિકાથી આવ્યા તો કોમ્યુિનસ્ટ વિચારના હતા. પણ આવીને જોયું કે ભારતના કોમ્યુિનસ્ટોનું મોં તો રશિયા તરફ છે. ત્યાંની સૂચના પ્રમાણે કામ કરે છે. લોકજાગૃતિનું ખરું કામ તો ગાંધી કરે છે. ત્યારે હું એમની સાથે કામ કરીશ; એમ કરીને કૉંગ્રેસમાં ગયા. પણ ત્યાં પણ સામાન્ય જનતાનું કામ નહોતું થતું તો કૉંગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીની રચના કરી, એ પછી સોશ્યાલિસ્ટ પાર્ટી બનાવી. એમ એક પછી એક પાર્ટી બદલતા ગયા. પણ કોઈએ એમને આયારામ-ગયારામ ન કહ્યા. દરેકને દુ:ખ થતું હતું કે આ માણસ અમને છોડીને ચાલ્યો ગયો ! પાર્ટી બદલી પણ દરેકની સાથે પ્રેમ તો એવો ને એવો જ હતો. પ્રેમ ઓછો નહોતો થયો.
બીજું, તેઓ બહુ જલદી લોકો પર વિશ્વાસ કરી લેતા હતા. એકદમ ‘ભોળા શંભુ’ જેવા હતા. કોઈએ કંઈ કહ્યું તો તરત માની લીધું. એમને કલ્પનામાં જ નહોતું આવતું કે માણસ જે કરે છે એ ખોટું હોઈ શકે. એટલે જે કરે તેના પર વિશ્વાસ રાખે. કોમ્યુિનસ્ટો સાથેનો સંબંધ ઓછો કરવામાં સૌથી વધારે સમય જયપ્રકાશજીને લાગ્યો. શા માટે ? કારણ કે માણસમાં વિશ્વાસ. આ એમનો સહજ સ્વભાવ હતો. સંતનું એક લક્ષણ સામેના માણસ પર વિશ્વાસ રાખવો એ છે અને આ માણસને દરેક માણસ પર વિશ્વાસ હતો. કેટલી ય વાર ઠગાયા હશે પણ કોઈને ઠગવાનું તો તેઓ જાણતા જ નહોતા.
સમજતા નહોતા એમ નહીં પણ મૂળ વૃત્તિ હતી માણસ પરના વિશ્વાસની. અને એને કારણે એમનું વ્યક્તિત્વ ઘડાતું હતું. મારો જ માણસ છે એ ભાવ કદી ય મટતો નહોતો. અને આ ભાવ ન મટે એ સંતનું લક્ષણ છે.
જયપ્રકાશજી અમેરિકા ભણવા ગયા ત્યારે એમના સસરાએ પ્રભાવતીજીને ગાંધીજીના આશ્રમમાં મોકલી દીધાં. ગાંધીના આશ્રમમાં સવાર-સાંજ પ્રાર્થના થાય અને એમાં અગિયાર વ્રત બોલાય. તેમાં એક વ્રત બ્રહ્મચર્ય હતું. એક દિવસ પ્રભાવતીજીએ ગાંધીજીને કહ્યું કે, તેઓ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા માંગે છે. પહેલાં તો ગાંધીજીએ ‘તેઓ નાનાં છે’ – એમ કહીને ના પાડી. પણ પ્રભાવતીજીનો આગ્રહ રહ્યો એટલે કહ્યું કે, તે માટે જયપ્રકાશની અનુમતિ લેવી પડે, તો એમને કાગળ લખ. પ્રભાવતીજીએ જયપ્રકાશજીને લખ્યું કે, ગાંધીજી કહે છે કે તમારી અનુમતિ લેવી પડે એટલે લખું છું. જયપ્રકાશજીનો જવાબ આપ્યો કે, હું આવું છું પછી બંને મળીને વિચાર કરીશું. પણ તે દરમિયાન તો પ્ર્ભાવતીજીએ પ્રતિજ્ઞા લઈ લીધી.
પ્રભાવતીજી કહે છે કે – ગાંધીના આશ્રમમાં આવી એટલે નહીં પરંતુ મારા મનમાં પહેલેથી જ એ ભાવ હતો. અને જોયું કે વિવાહિત જીવનમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ શકાય છે એટલે અનુમતિની અપેક્ષાએ પ્રતિજ્ઞા લીધી. તે પછી જયપ્રકાશજીની અને પ્રભાવતીજી વચ્ચે ખૂબ ચર્ચા થઈ. ગાંધીજી કહે છે કે, ‘પ્રતિજ્ઞા તોડાવવાનું કામ તો હું નહીં કરી શકું પણ જયપ્રકાશજીને આ વિચાર પસંદ નથી તો તેના પર જબરદસ્તી તો નહીં થાય. તેથી તેનો એક જ ઉપાય છે. જયપ્રકાશ, તમે બીજાં લગ્ન કરી લો. પ્રભાવતીને છૂટી કરી દો.’ ગાંધીજી બોલવાનું પૂરું કરે એ પહેલાં તો જયપ્રકાશની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યા અને પૂછ્યું, “બાપુ ! તમે મને આવો માન્યો ? હું મારી પત્નીની પ્રતિજ્ઞાને માન નહીં આપી શકું ? અમે આખી જિંદગી સાથે રહેવાનો નિશ્ચય કર્યો છે. એણે પ્રતિજ્ઞા લીધી છે અને એના વિચાર સાથે સંમત નહીં હોવા છતાં હું એની પ્રતિજ્ઞાનું પાલન કરીશ.”
આપણા દેશના ઇતિહાસમાં આવું બન્યું નથી. પુરુષે પ્રતિજ્ઞા લીધી હોય તો સ્ત્રી એને અનુસરી છે પણ સ્ત્રીએ પ્રતિજ્ઞા લીધી હોય અને પુરુષ અનુસર્યો હોય એવો આ કદાચ પહેલો જ બનાવ છે. સ્ત્રી સ્વતંત્ર છે, અને તેણે પ્રતિજ્ઞા લીધી છે તો સ્ત્રીના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. અને તેમણે આજીવન પ્રતિજ્ઞાનું પાલન માત્ર પત્નીની પ્રતિજ્ઞાને માન આપવા માટે જ કર્યું. આ હતું જયપ્રકાશનું સંતત્વ.
ગાંધીની કેટલીક વાતોમાં તેમને મતભેદ હતો પણ ગાંધીની એક વાતે તેઓ ખૂબ આકર્ષાયા હતા, કે આ માણસ જેટલો લોકોને જાગૃત કરી શકે છે, એટલા બીજા કોઈ કરી શકતા નથી. એટલે એમની સાથે રહેવું છે. એમણે ગાંધીના આંદોલનને મંદ થતું અને ઊભું થતું જોયું હતું. એટલે કહેતા હતા કે આ ગાંધી લોકોને સાથે લઈને મંદ થયેલું આંદોલન ઊભું પણ કરી દે છે. જ્યારે આ બાજુ ગાંધી વારંવાર એમ કહેતા હતા કે, મારા મૃત્યુ પછી આ જયપ્રકાશ મારી ભાષામાં બોલશે. ‘મારા મર્યા પછી આ આદમી મારી ભાષામાં બોલશે’ – એમ શા માટે કહ્યું ? હવે આ ગાંધીની કસોટી જુઓ. ‘એમનું દિલ સાફ છે.’ જયપ્રકાશજીનો મહત્ત્વનો ગુણ જે ગાંધીએ ‘દિલ સાફ છે’ – કહીને બતાવ્યો. જેને માટે વિનોબાજી ઋજુતા, સરળતા કહેતા – એ ઋજુતા અર્જુનનો ગુણ મનાયો છે. ટ્રાન્સપરન્સી-પારદર્શકતા-એ જયપ્રકાશનો મોટો ગુણ હતો. અર્જુનની જેમ જિજ્ઞાસા પણ તેમનો એક ગુણ હતો. જયપ્રકાશજીની ‘જિજ્ઞાસા’ નાનામાં નાના માણસ પાસે પણ શીખવા માટે તૈયાર થતી હતી. તેમની ‘જિજ્ઞાસા’ – જે ક્ષેત્રમાંથી (જ્ઞાન) મળે ત્યાંથી લેવા માટે તત્પર રહેતી હતી. એને કારણે જ તેઓ બદલાવા માટે પણ તૈયાર રહેતા. રાજનૈતિક પાર્ટીઓ બદલી તેમાં પણ પહેલાં પોતે બદલાયા પછી પાર્ટી બદલતા. સમાજવાદીઓની સભામાં જતા તો કહેતા કે મને (ભૂદાનમાં) જમીન મળી, તમે પણ આ કામ કરો. આ કામ કરવું જોઈએ. એમના મનમાં જે બેચેની હતી તે ભૂમિહીનો માટે હતી.
ક્રાંતિકારીનો સૌથી મોટો ગુણ એ છે કે સામાન્યમાં સામાન્ય લોકો સાથે તેના હૃદયનો તાર જોડાયેલો હોવો જોઈએ. એવો આ માણસનો ભાવ હતો. અરુણાચલ પ્રદેશમાં આપાતાની લોકોના એક ગ્રુપ સાથે ચર્ચા ચાલતી હતી. આ લોકો મહિનાઓ સુધી પણ નહાતા નહીં. એક આપાતાની એમને ચીન સાથેની લડાઈ માટે તૈયારી કરવાની સલાહ આપતો હતો. બધું સાંભળ્યા પછી જયપ્રકાશજી એને કહે છે, “તમારી વાત સાચી છે પણ મને તમારો ચહેરો ગંદો દેખાય છે.” આ માણસની નિષ્કપટતા કેટલી કે દેશની નીતિવિષયક ચર્ચા ચાલતી હતી ત્યારે પેલાને કહે છે કે, ‘તમારો ચહેરો ગંદો દેખાય છે. હજામત નથી કરતા ?’ પોતાના ભાઈને પૂછતા હોય એમ પૂછી લીધું. કહેવાનું એ છે કે તેમને પોતાનું દિલ ખુલ્લું કરી દેવામાં કોઈ સંકોચ થતો નહોતો.
‘ચંબલઘાટીના ઘણા ડાકુઓ સમર્પણ કરવા તૈયાર છે, તો તમે ચંબલ ઘાટીમાં આવો’. – એમ કહેવા પ્રખ્યાત ડાકુ માધોસિંહ તેમની પાસે ગયા હતા. પણ માધોસિંહે પોતાની ઓળખાણ એવી આપી કે તેઓ જંગલના કોન્ટ્રાક્ટર છે અને માધોસિંહ વતી સંદેશો લઈને આવ્યા છે. એટલે જયપ્રકાશજીએ કહ્યું, કે, મને તમે કહો છો એનો વિશ્વાસ નથી પડતો. માધોસિંહે બહુ જ સમજાવ્યા પણ તેઓ તો કહેતા જ રહ્યા કે, તમે વિનોબાજી પાસે જાવ. આ કામ માટે તેઓ જ યોગ્ય છે. માધોસિંહે કહ્યું કે વિનોબાજીએ જ તેમને જયપ્રકાશ પાસે આવવાનું કહ્યું હતું. તેમ છતાં તેઓ ન માન્યા ત્યારે માધોસિંહે પોતાની સાચી ઓળખાણ આપી દીધી તો એમણે તરત જ પ્રભાવતીને બોલાવીને કહ્યું કે – આમને આપણા સોખોદેવરાના આશ્રમમાં પહોંચાડવાની વ્યવસ્થા કરો અને કોઈને ખબર ન પડવી જોઈએ કે માધોસિંહ અહીં છે. કારણ કે એમના માથે દોઢ લાખનું ઇનામ હતું. આમ માધોસિંહના આગ્રહ પછી બાગી સમર્પણનું કામ હાથમાં લીધું. સમર્પણ માટે જે કેટલા ય બાગીઓ તૈયાર થયા તેમાં એક ખૂબ જાણીતા ડાકુ મોહરસિંહની ખૂબ ઇચ્છા હતી જયપ્રકાશને રૂબરૂ મળવાની. તેથી એક જંગલમાં આ મુલાકાત ગોઠવાઈ. પણ મોહરસિંહ જયપ્રકાશ સાથે વાત કરવામાં ખૂબ જ સંકોચ અનુભવતા હતા. જયપ્રકાશજીએ એમને બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે પૂછ્યું કે, અમે સમર્પણ કરીએ તો અમને ફાંસી થશે ? એટલે જયપ્રકાશજીએ કહ્યું કે, ‘તમે સમર્પણ કરો તો તમને ફાંસી થશે કે નહીં એ હું ન કહી શકું. એ તો કાયદાનું કામ છે. કાયદો એનું કામ કરશે. વળી કોઈપણ માણસને સંદેહ થાય કે એને ફાંસીની સજા થવાની છે તો એ કેમ કરીને સમર્પણ કરે? પણ હું વ્યક્તિગત રીતે મારા વતી એટલું કહી શકું કે તમારામાંથી કોઈને પણ ફાંસી થશે તો તે જોવા હું જીવતો નહીં હોઉં.’ તેમના આ જવાબથી સંતોષ પામીને બધા બાગીઓ સમર્પણ માટે તૈયાર થયેલા.
બાગીઓ સમર્પણ કરવાના હતા તેના આગલા દિવસની રાત્રે જયપ્રકાશ બેચેનીમાં આંટા મારી રહ્યા હતા. પૂછ્યું, ‘કેમ?’ તો કહે કે, ‘બાપુનો, વિનોબાનો ફોટો અહીં જંગલમાં અત્યારે ક્યાંથી લાવવો ? સમર્પણ તો એમની સમક્ષ જ થવું જોઈએ.’ પોતે કોઈ શ્રેય લેવા તૈયાર નહીં. એટલે પછી ગાંધી-વિનોબાના પોસ્ટકાર્ડ સાઇઝના ફોટાને મોટા પૂંઠા પર ચોંટાડીને એ ફોટા સમક્ષ સમર્પણ થયું.
ગાંધીજીના મૃત્યુ પછી એક સ્ટેટમેન્ટ આપ્યું કે ગાંધીજી હવે નથી રહ્યા તો આધ્યાત્મિક અવાજ આ દેશમાંથી નીકળવો જોઈએ અને તે માટે આધ્યાત્મિક લોકોએ બહાર આવવું જોઈએ. થોડા દિવસ પછી સાંભળવા મળ્યું કે, જયપ્રકાશજી પૂનામાં 21 દિવસના ઉપવાસ કરી રહ્યા છે. કિડવાઈજી અને તેમની વચ્ચેની વાતચીતમાં કંઈક ગેરસમજ થઈ. લોકો સમજ્યા કે આ ભૂલને કારણે જયપ્રકાશજી ઉપવાસ કરે છે. વિનોબાજીને આ ઉપવાસ માટે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, દોષ તો છે. પણ દોષની બહુ મોટી સજા ભોગવી રહ્યા છે. પણ તેઓ એ દોષને માટે ઉપવાસ નહોતા કરી રહ્યા. અગાઉ એક વાર તો 21 દિવસના ઉપવાસ કર્યા હતા. બીજી વારના આ ઉપવાસ ભલાઈનું મૂળ શોધવા માટે કર્યા. ભલાઈનું મૂળ કોઈ ભૌતિક વસ્તુ (મટીરિયલ) ન હોઈ શકે, તે આધ્યાત્મિક (સ્પીરિચ્યુઅલ) જ હોવું જોઈએ.
તે પછી તેઓ વિનોબાજી પાસે પવનાર જાય છે. વિનોબાજી તે વખતે કૂવા પર રહેંટ ચલાવી રહ્યા હતા. વિનોબાજીએ રહેંટ ચલાવતાં, ચલાવતાં વાતચીત કરવાનું કહ્યું, અને તેમની વાતચીત ચાલી. વિનોબાજીએ આ વિશે ‘સર્વોદય’ પત્રિકામાં લખ્યું કે, ‘અમારી વચ્ચે કલાકો સુધી ચર્ચા થઈ. અનેક વિષયોમાં મતભેદ હતો. અનેક વિષયમાં સામ્ય હતું. પણ એક વિષયમાં પૂરેપૂરું સામ્ય હતું કે અમે બંનેએ સાથે મળીને રહેંટ ચલાવ્યો અને પાણી નીકળ્યું. તેથી સિદ્ધ થાય છે કે દેશના ભિન્ન-ભિન્ન મતવાળા પણ સાથે મળીને રહેંટ ચલાવે તો પાણી નીકળવાનું જ છે. મારું કામ તો માત્ર તેલ ઊંજવાનું છે.’ પત્રકારોએ આ વિશે જયપ્રકાશજીને પૂછ્યું કે, ‘તમે પવનાર ગયા તો શું થયું ?’ તેમનો જવાબ હતો – ‘I see some light here – અહીં પ્રકાશનું એક કિરણ દેખાય છે.’ બસ, એક વાક્ય. અને એમાંથી એક પરિવર્તન થયું તે એમને અહીં સુધી લઈ આવ્યું.
હું કહેવા એ માંગું છું કે એમને ક્રાંતિ કરવી હતી પણ એ ક્રાંતિ ગરીબ માણસ માટે કરવી હતી. દરેક માણસને સ્વતંત્રતા મળવી જોઈએ. પણ તે માત્ર રાજનૈતિક સ્વતંત્રતા નહીં. દરેકને આર્થિક અને સામાજિક સ્વતંત્રતા મળવી જોઈએ. આમ એક તરફ આ કલ્પના અને બીજી બાજુથી એમની પારદર્શકતા કહી રહી હતી કે આધ્યાત્મિક નેતૃત્વ મળવું જોઈએ. અને એ આધ્યાત્મિક નેતૃત્વ એમની અંદર વિકસી રહ્યું હતું તે આપણે જોઈ શકીએ છીએ.
1964-65થી 1975 સુધી પૂરા અગિયાર વર્ષ દુનિયના હજારો યુવાનોએ ક્રાંતિ કરી. 30 દેશના યુવાનો એમાં સામેલ હતા, જેના વિષે ‘વિશ્વ કી તરુણાઈ’ નામે એક પુસ્તક મેં હિંદીમાં લખ્યું છે. જયપ્રકાશજી આ આંદોલનનો બરાબર અભ્યાસ કરી રહ્યા હતા.
બિહારમાં દુકાળ હતો. તે વખતે કેનેડાથી આવેલ થોડા યુવાનો એક જગ્યાએ કૂવો ખોદવાનું કામ કરી રહ્યા હતા. જયપ્રકાશજીએ વાતચીતમાં એમને કહ્યું કે બે મહિના પછીના ગરમીના દિવસો તમે સહન નહીં કરી શકો એટલે નેપાળ ચાલ્યા જજો. તો એ યુવાનોએ કહ્યું કે ત્યારે અમે સવારે ત્રણ વાગે ઊઠીને કામ કરીશું. ત્યારે જયપ્રકાશજીને થયું કે આપણા યુવાનો આવું કામ ન કરે ? અને તેમાંથી ‘દુષ્કાળ સામે તરુણ’ની શિબિરો થઈ. દેશભરમાંથી 65 હજાર જેટલાં તરુણ-તરુણીઓએ તેમાં કામ કર્યું – ભળ્યાં.
આમ દેશના યુવાનોમાં પડેલ શક્તિ માટે એમને ઘણી આશા હતી. તેથી પવનારથી વિનોબાજીની હાજરીમાં ‘યુથ ફોર ડેમોક્રસી’ નામે અપીલ બહાર પાડી. ત્યાં સુધીમાં ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન શરૂ થઈ ગયું હતું. જયપ્રકાશજીએ મને નિરીક્ષણ માટે મોકલ્યો. હું ગયો તો મને શું કહેવામાં આવ્યું ? ‘જયપ્રકાશજીને લઈ આવો’. જયપ્રકાશજીએ કહ્યું કે, તબિયત સારી નથી તો નહીં આવી શકાય. ‘તો હાઈજેક કરીને લઈ આવો’ એમ માંગ આવી. એ સાંભળીને જયપ્રકાશ કહે, ‘હેં ! હાઈજેક કરવાની વાત કરે છે ? તો હું આવીશ.’ અને ગુજરાત આવીને શું કહ્યું ? “માત્ર પોતાની માગણી માટે આંદોલન ન કરો. રાષ્ટ્રના આંદોલન સાથે એને જોડો, અને સાધન-શુદ્ધિનો આગ્રહ રાખો.”
બિહારના આંદોલનમાં પણ માંદગીને કારણે સામેલ નહોતા થયા પણ પોલીસ ગોળીબારમાં એક મૃત્યુ થયું અને ‘આ મૃત્યુ માટે તપાસ થવી જોઈએ’ એટલી માંગ સરકારે પૂરી ન કરી, સરકારે તપાસ ન આપી – એટલે કહ્યું કે, હું આ યુવાનોની સાથે છું. બીમારી તે વખતે છૂ થઈ ગઈ. જયપ્રકાશજીનું બ્યુગલ વાગ્યું ને દેશની તરુણાઈ જાગી ઊઠી હતી. બાકીનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ.
કટોકટી પહેલાં ઇંદિરાજીને મળ્યા તો ઇંદિરાજીએ પડકાર કર્યો કે તરુણોને સડકો પર ઉતારવાને બદલે ચૂંટણીના મેદાનમાં આવો અને જયપ્રકાશજીએ કહ્યું, ‘આ ચેલેન્જ તો સ્વીકારવી પડશે.’ મેં કહ્યું કે, તમે ચેલેન્જનો અસ્વીકાર તો નહીં જ કરી શકો. પણ અત્યારે ચૂંટણીમાં પડવાનો અર્થ નથી. પણ ત્યાં સુધીમાં તો કટોકટી આવી ગઈ. રાતોરાત જયપ્રકાશજી સાથે બીજા હજારો લોકોને જેલમાં પૂર્યા. ત્યાં એમની તબિયત લથડતાં એમને ચંદીગઢની હૉસ્પિટલમાં ખસેડ્યા. એ હૉસ્પિટલ પણ હતી તો જેલ જ. હૉસ્પિટલમાંથી અડધા હોશમાં અડધા બેહોશીમાં બહાર આવ્યા તે વખતે એક પત્રકારે પૂછ્યું, ‘જયપ્રકાશજી, આ પરિસ્થિતિમાં તમારું શું સોલ્યુશન છે ?’ ત્યારે એવી હાલતમાં પણ એમણે કહ્યું, ‘Free and Fair Election’. ત્યાંથી જશલોક હૉસ્પિટલમાં ખસેડ્યા ત્યારે ઇંદિરાજીના સાથી મળવા આવ્યા. તેમને પણ એ જ કહ્યું કે, ‘હમણાં તો એ (ઇંદિરાજી) બહુ પરેશાનીમાં છે એટલે શું કહું ? પણ ફ્રી અને ફેર ઈલેક્શન થવું જોઈએ.’ ત્યારે એમણે કહ્યું કે, ‘પણ આપણા લોકો તો ચૂંટણીમાં કંઈ સમજતા નથી. એમને તો રોટલાની ચિંતા હોય છે.’ ત્યારે જયપ્રકાશજી કહે છે – ‘હું માનું છું કે આપણા દેશના લોકો પોતાની આઝાદીને રોટલા માટે નહીં વેચે.’ દેશના લોકો માટે, માણસજાત માટે આ એમની શ્રદ્ધા હતી.
અને તે પછીનું પરિણામ તો આપણે જોયું. ચૂંટણી પછી જનતા પાર્ટીનું રાજ થયું. એટલ જેલમાં જયપ્રકાશજી સાથે જે વ્યવહાર થયો તે શંકાસ્પદ હતો કે નહિ તે માટે એક વ્યક્તિની કમિટિ રચાઈ. કર્ણાટકના ડૉ. આલ્વાની એ કમિટિ હતી. એ વખતે જયપ્રકાશજી ડાયાલીસીસ પર હતા. આંતરે દિવસે થતા ડાયાલીસીસ પછી બીજે દિવસે એ સ્ફૂિર્તમાં રહેતા. ડૉ. આલ્વા એમના પરિચિત હતા. તેઓ જયપ્રકાશજીને બીજા કેટલાકની જેમ જે.પી. કહેતા. તેમણે પૂછ્યું, ‘જે.પી., તમારી છાતી પર હાથ મૂકીને કહો કે તમારી સાથે જે વ્યવહાર થયો તેને માટે તમને સંદેહ છે કે નહિં ?’ ત્યારે જયપ્રકાશજીએ કહ્યું કે, “ડૉ. આલ્વા તમે ઘણો અટપટો પ્રશ્ન પૂછ્યો છે. કેમ ? કારણ કે તમે જે છાતી પર હાથ મૂકીને કહેવાનું કહો છો તો મારે કબૂલ કરવું પડશે કે મને સંદેહ છે. કારણ કે જેલમાં ગયો ત્યારે મને કિડનીમાં કોઈ રોગ નહોતો. બ્લડપ્રેશર અને ડાયાબીટીસ હતાં. એ માટેની દવાઓ લઈને ફરતો હતો. મારી ધરપકડ થઈ એ જ દિવસે મારી બધી દવાઓ લઈ લેવામાં આવી અને મને કંઈક બીજી જ દવાઓ આપવામાં આવી હતી. અને એક દિવસ મને કહેવામાં આવ્યું કે તમારી બંને કિડની ફેલ છે. એટલે મને સંદેહ છે.” તો ડૉ. આલ્વાએ કહ્યું કે હું મારા રિપોર્ટમાં આ લખી શકું ? ‘No, Please, Please એ ન લખો.’ ‘શા માટે ન લખું ? સત્યની શોધ માટે તો મેં આ કામ લીધું છે ? તમે સત્યની શોધ થઈ છે એની ના પાડશો !’ ‘ના, ડૉ. આલ્વા, હું તમને વારંવાર કહું છું કે આ ન લખશો.’ પછી એમણે જે જવાબ આપ્યો તે સમજવા જેવો છે. ‘ડૉ. આલ્વા, કાલે તમે મારી પાસે આવ્યા ત્યારે હું ડાયાલિસીસના ટેબલ ઉપર હતો. કાલે તમને નહોતો મળી શક્યો, આજે મળી શક્યો. કાલે પાછો એ જ ટેબલ ઉપર જઈશ. મારો એક પગ આ દુનિયામાં છે, બીજો પગ પેલી દુનિયામાં છે. મારો કોઈ ભરોસો નથી. અને ઇંદુ (ઇંદિરાને તેઓ ઇંદુ કહેતા હતા) તો યુવાન છે. એને હજુ ઘણું જીવવાનું છે. મરતાં પહેલાં એને કલંકિત કરીને મરવા ઇચ્છતો નથી.’ આ સંતત્વ છે. આ મનુષ્ય જાતિ પરનો વિશ્વાસ છે. કયો મહાપુરુષ પોતાની જિંદગીમાં સફળ થયો છે ? ગાંધીને દેશના વિભાજનના સાક્ષી બનવું પડ્યું, પોતાના નિકટના સાથીઓ પણ તેમની સાથે ના રહ્યા. ભૂદાન આંદોલન જોરશોરથી ચાલતું હતું ત્યારે સ્વાસ્થ્યને કારણે વિનોબાજીને આંદોલન છોડીને, સૂક્ષ્મમાં પ્રવેશ કરવો પડ્યો. આંદોલન સફળ થયું કે નિષ્ફળ એ કસોટી નથી. માણસ પોતાના પ્રત્યે કેટલો ઇમાનદાર છે એ કસોટી છે.
રોજ સાંજે જયપ્રકાશજી જાનકીને કહેતા – ‘ભજન ગા.’ સમાજવાદી આદમી ભજન ગાય છે. એમનું પ્રિય ભજન હતું – ‘તું દયાલુ દિન હૌં, તું દાની હૌં ભિખારી. હૌં પ્રસિદ્ધ પાતકી, તું પાપ પુંજહારી.’ ભૂદાન સમયમાં રોજ અમને કહેતા કે આ પછી પણ એક જીવન છે, તેનો તો કંઈ વિચાર કરીએ !
તે વખતે અમને શંકા થઈ કે આ સમાજવાદી માણસ દેશની, જીવનની વાત કરીને, લોકોને એમની ભાષામાં સમજાવીને જમીન માંગે છે તો ખરેખર એમને વિશ્વાસ છે ? ત્યારે એમણે જવાબ આપ્યો કે, ‘નારાયણ, તને એમ લાગે છે કે મને એક વાત પર વિશ્વાસ હોય અને હું બીજી વાત કરું ? તને ખબર છે, કે જ્યારે હું કોમ્યુિનસ્ટ પાર્ટીનો સભ્ય હતો ત્યારે પણ આસ્તિક હતો !’ એ પછી મેં ક્યારે ય તેમના પર સંદેહ નથી કર્યો. એ સમયે પણ એમની ઈશ્વર ઉપર શ્રદ્ધા હતી. એમની શ્રદ્ધા મનુષ્ય જાતિ પર હતી, એમની શ્રદ્ધા તેમના સાથીઓ પર હતી, તેમને શ્રદ્ધા પોતે લીધેલા રસ્તા પર હતી અને એમને શ્રદ્ધા એમનું જે લક્ષ્ય હતું તેના પર હતી. આ પાંચે ય પ્રકારની શ્રદ્ધા સાથે હોવી તેનો અર્થ જ એ કે ઈશ્વરમાં શ્રદ્ધા છે.
સંકલન : શશીબહેન મિસ્ત્રી
અનુવાદ/સંપાદન : પદ્મા ભાવસાર
(સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી દ્વારા આયોજિત જે.પી. વ્યાખ્યાનમાળા અંતર્ગત તા. 3-10-2014 (દશેરા)ના રોજ આપેલ વ્યાખ્યાન)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 અૉગસ્ટ 2015; પૃ. 12-15 & 23