મને ખાલી હાથે વિદાય આપ
રખેને પ્રેમની તેં ચૂકવેલી કિંમત
મારા હૃદયની નિર્ધનતાને ઉઘાડી પાડે
એટલે એ જ સારું છે હું નિઃશબ્દ રહું
અને મને ભૂલી જવામાં તને મદદ કરું
રવીન્દ્રનાથ ટાગોરે આર્જેન્ટિનાની વિક્ટોરિયા ઓકામ્પો નામની એક સન્નારીને 'આશંકા' નામનું આ કાવ્ય (અહીં મૂળ બંગાળી કાવ્યના અંગ્રેજી અનુવાદનો ભાવાનુવાદ મૂક્યો છે.) અર્પણ કર્યું હતું. આ કવિતામાં ટાગોર વિક્ટોરિયાને કહે છે કે, હું નિઃશબ્દ થઈ જાઉં એ સારું છે જેથી મને ભૂલી જવામાં તને મદદ કરી શકું. જો કે, ટાગોર અને ઓકામ્પો જીવનના અંત સુધી એકબીજાને ભૂલી શક્યા ન હતાં. ઊલટાનું ટાગોર જીવનનાં અંતિમ ૧૭ વર્ષ વિક્ટોરિયાને લાગણીમય પત્રો લખીને 'લાઈવ કોન્ટેક્ટ'માં રહ્યા હતા.
વિક્ટોરિયા નવેમ્બર ૧૯૨૪માં આર્જેન્ટિનાથી ટાગોરને પત્ર લખીને આ કવિતાનો જવાબ આપતા લખે છે કે, ''ફરી નિહાળવાની કોઈ તક મળવાની ન હોય તો પણ ભારતનું તમારું પોતાનું આકાશ તમે ભૂલી શકો ખરા? મારે માટે તમે એ આકાશ જેવા છો. પ્રત્યેક કળી અને એકેએક પર્ણથી પોતાને પ્રકાશમાં દૃઢમૂળ કરવા વૃક્ષ જેમ શાખાઓ પ્રસારે છે તેમ મારાં હૃદય ને મન તમારા તરફ વળ્યાં છે. બારીમાંથી ડોકાઈ સૂર્યનો અણસાર પામવાથી વૃક્ષને કદી સંતોષ થાય ખરો? એને તો થાય કે સૂરજ એના પર વરસે, તેને ભીંજવી નાંખે અને સૂર્યનું તેજ ચૂસી તેનું નાનામાં નાનું જીવડું પણ ફૂલમાં ખીલી ઊઠવાનો આનંદ ઊજવે. આકાશમાંથી વરસતા પ્રકાશને લઈને જ વૃક્ષ પોતાની જાતને ઓળખે છે, પ્રકાશ સાથે એકાકાર થઈને જ વૃક્ષ મહોરે છે. વૃક્ષ પ્રકાશને કદી ભૂલી ન શકે, કારણ કે પ્રકાશ જ તેનું જીવન છે …''
નવેમ્બર ૧૯૨૪માં ટાગોર આર્જેન્ટિનામાં પહેલીવાર વિક્ટોરિયાને મળે છે ત્યારે તેમની ઉંમર હતી ૬૩ વર્ષ, જ્યારે વિક્ટોરિયાની ઉંમર હતી ૩૪ વર્ષ. આ મુલાકાત પછી ટાગોર અને વિક્ટોરિયાએ અજાણતા જ સર્જેલું 'પત્ર સાહિત્ય' વાંચતા આપણી સમક્ષ ટાગોર અને વિક્ટોરિયાનાં જીવનનું, તેમનાં વ્યક્તિત્વનું એક અનોખું પાસું ખૂલે છે. ટાગોર-વિક્ટોરિયાની મુલાકાત એક રસપ્રદ અકસ્માત હતો. વર્ષ ૧૯૧૩માં 'ગીતાંજલિ' માટે નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોર વૈશ્વિક સ્તરની ખ્યાતનામ હસ્તી હતા. બંગાળમાં શાંતિનિકેતન અને વિશ્વભારતીની સ્થાપના થઈ ગઈ હતી અને તેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી રહી હતી. આ સંસ્થાઓ માટે ભંડોળ ભેગું કરવા ટાગોર વિશ્વભ્રમણ કરી રહ્યા હતા.
આ દરમિયાન ઓક્ટોબર ૧૯૨૪માં ટાગોરને લેટિન અમેરિકાના નાનકડા દેશ પેરુના સ્વાતંત્ર્ય સંગ્રામની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. ટાગોર હાજર રહે તો પેરુ સરકાર વિશ્વભારતી માટે એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. એ પછી ટાગોરે મેક્સિકોની મુલાકાતે જવાનું હતું અને ત્યાંની સરકાર પણ એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. આ આમંત્રણ પહેલાં જ ૬૦ વર્ષ વટાવી ચૂકેલા ટાગોર ચીન-જાપાનના ચાર મહિનાના પ્રવાસેથી થાકીને પરત ફર્યા હતા. આમ છતાં, શાંતિનિકેતનને આર્થિક મજબૂતી આપવાના હેતુથી તેઓ દરિયાઈ માર્ગે લેટિન અમેરિકા જવા નીકળ્યા. જો કે, જહાજમાં ટાગોરની તબિયત બગડતા તબીબોએ તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી. ટાગોરને એવી પણ સલાહ અપાઈ કે, પેરુની સરમુખત્યાર સરકાર તેમના જેવી વિભૂતિને 'સરકારી કાર્યક્રમ'માં હાજર રાખે તો વિશ્વમાં અયોગ્ય સંકેતો જઈ શકે છે! (આ સલાહ કોણે આપી હતી એ જાણી શકાયું નથી.) આ કારણોસર ટાગોર અને તેમના અમેરિકન સેક્રેટરી લિયોનાર્ડ એમહર્સ્ટે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરિસમાં રોકાવું પડ્યું.
જો કે, ટાગોરને અનિશ્ચિત દિવસો સુધી હોટેલમાં રોકાવું પોસાય એમ નહોતું એટલે લિયોનાર્ડે મદદ માટે સંપર્કો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેને જાણકારી મળી કે, બ્યુનોસ એરિસથી થોડે દૂર સાન ઈસિદ્રોમાં વિક્ટોરિયા ઓકામ્પો નામની ટાગોરની એક ઘેલી વાચક અને ચાહક રહે છે. વિક્ટોરિયાએ ફક્ત ૨૨ વર્ષની વયે મનગમતા યુવક સાથે લગ્ન કર્યા હતાં પણ લગ્નજીવન ભંગાણે ચડતા તેમણે 'લિગલ સેપરેશન' મેળવ્યું હતું. એ દુઃખદ દિવસોમાં 'ગીતાંજલિ'નો ફ્રેન્ચ અનુવાદ વાંચીને વિક્ટોરિયાના મનને શાંતિ મળી હતી. તેમણે ટાગોરના અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેિનશ અનુવાદો પણ વાંચ્યા હતા. આર્જેન્ટિનાના અગ્રણી અખબારોમાં પણ વિક્ટોરિયા પ્રસંગોપાત લખતાં હતાં. તેમણે ગાંધી, રસ્કિન (બ્રિટિશ કળા વિવેચક, વિચારક) અને દાંતે વિશે લેખો લખ્યા હતા. ટાગોર આર્જેન્ટિના આવ્યા, ત્યારે યોગાનુયોગે તેમણે 'રવીન્દ્રનાથને વાંચવાનો આનંદ' શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. આર્જેન્ટિનાના સાહિત્ય જગતમાં વિક્ટોરિયા ઓકામ્પો એક ઊભરતું નામ હતું. તેમનું એક નાનકડું પુસ્તક પણ પ્રગટ થયું હતું અને એક નાટકના પ્રકાશનની તૈયારી થઈ રહી હતી. તેઓ પણ ટાગોરની જેમ સ્કૂલમાં નહીં પણ ઘરે ભણ્યાં હતાં અને જમીનદાર પરિવાર સાથે સંકળાયેલાં હતાં.
વિક્ટોરિયાને જ્યારે ખબર પડી કે, ટાગોર આર્જેન્ટિના આવ્યા છે ત્યારે તેની ખુશીનો પાર ના રહ્યો. તેમણે ટાગોર જેવા મહાન યજમાનને નદી કિનારે આવેલો 'વિલા મિરાલરિયો' રહેવા આપી દીધો અને પોતે પિતાના ઘરે રહેવા જતાં રહ્યાં. આ વિલામાં ટાગોર ૫૦ દિવસ રોકાયા. અહીં એક આર્મચેર (આરામખુરશી) પર બેસીને ટાગોરે ઘણી બધી કવિતાઓ-ગીતોનું સર્જન કર્યું. આર્જેન્ટિનાથી પરત ફરતી વખતે વિક્ટોરિયાએ તેમને આ આર્મચેર ભેટ આપી હતી, જેને ભારત લાવવા માટે ટાગોરે જહાજના કેબિનનો દરવાજો તોડાવી નંખાવ્યો હતો. આ આર્મચેર આજે ય શાંતિનિકેતનમાં છે. નવેમ્બર ૧૯૨૪માં વિલા મિરાલરિયોમાંથી જ તેઓ વચ્ચે પત્રવ્યવહાર અને રોમેન્ટિક સંબંધ શરૂ થયો હતો. ટાગોર-વિક્ટોરિયાએ એકબીજાને ૬૦ પત્ર લખ્યા હતા, જે તેમના વચ્ચે કેવો શારીરિક આકર્ષણયુક્ત અને નાજુક લાગણીમય પ્રેમસંબંધ હતો એ વાતના લેખિત પુરાવા છે. તેઓનો સંબંધ એટલી નાજુક ક્ષણે પહોંચ્યો હતો કે, નવેમ્બર-ડિસેમ્બર ૧૯૨૪માં એક જ સ્થળે અને ક્યારેક એક જ ઘરમાં હોવા છતાં તેમણે રુબરુ વાત કરવાના બદલે એકબીજાને પત્રો લખ્યા હતા. આવા કુલ નવ પત્ર છે. એક પત્રમાં વિક્ટોરિયા લખે છે કે, ''લાગણી હૃદયતંત્રને હલબલાવી મૂકે ત્યારે બોલી શકાતું નથી …'' વિક્ટોરિયાએ અનેક પત્રો વહેલી પરોઢે અને મધરાત્રે લખ્યા છે, જે પત્રો પર લખેલા સમય પરથી ખબર પડે છે. ૧૫મી જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ વિક્ટોરિયાએ ટાગોરને લખેલા પત્રમાં 'ગુરુદેવ' સંબોધન કર્યું છે અને કૌંસમાં એક મુગ્ધ પ્રેમિકાની જેમ લખ્યું છે કે, વન થાઉઝન્ડ ટાઈમ્સ ડિયર.
વિક્ટોરિયાનો ટાગોર પ્રત્યેનો પ્રેમ ઉત્કટ હતો. આ ઉત્કટતા પાછળ વિક્ટોરિયાની ઉંમર જવાબદાર હોઈ શકે. ટાગોર મધરાત્રે વાતો કરે, કવિતાઓ બોલે અને વિક્ટોરિયા મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા કરે એવું પણ ઘણીવાર થયું હશે, એવું પત્રો વાંચીને ખબર પડે છે. ટાગોરે લખ્યું છે કે, ''એકલતાનો ભારે બોજ લઈને હું જીવી રહ્યો છું … મારા અંતરને કોઈ પામે એવી મારી અભિલાષા ફક્ત સ્ત્રીના પ્રેમ વડે સંતોષોઈ શકે એમ છે … તું મને ચાહે છે એટલે જ આ બધી વાતો તને કહી શકું છું …'' આ પ્રકારના લખાણોમાં ટાગોરની ઊંડી એકલતાની વેદનાનું પ્રતિબિંબ પડે છે. અંગ્રેજીના 'વિક્ટરી' શબ્દ પરથી જ વિક્ટોરિયા શબ્દ બન્યો હોવાથી ટાગોરે પાછળથી તેમને 'વિજ્યા' કહેવાનું શરૂ કર્યું હતું. વિક્ટોરિયાએ પણ અનેક પત્રોમાં પોતાની સહી 'વિજ્યા' કરી છે. ટાગોરના જીવનમાં વિજ્યાનું આગમન ઠંડી હવાની લહેરખી સમાન હતું. આ મુલાકાત પછી જ ટાગોરે જીવનના ઢળતા પડાવે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જ્યું હતું અને ચિત્રો દોરવાનું પણ શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૩૦માં ટાગોરે વિજ્યાની મદદથી જ પેરિસમાં પોતાના સિલેક્ટેડ ચિત્રોનું પ્રદર્શન કર્યું હતું. આ ચિત્ર પ્રદર્શન જ તેમની વચ્ચેની બીજી અને આખરી મુલાકાત માટે નિમિત્ત બન્યું હતું. ટાગોર પેરિસ ગયા ત્યારે તેમની પાસે ૪૦૦ ક્લાસિક ચિત્રોનો પોર્ટફોલિયો હતો.
ટાગોરે આર્જેન્ટિના જતી વખતે જહાજમાં લખેલા તેમ જ આર્જેન્ટિના પહોંચીને લખેલા કાવ્યો-ગીતો વર્ષ ૧૯૨૫માં પ્રકાશિત 'પૂરબી' કાવ્યસંગ્રહમાં સમાવાયાં છે, જે તેમણે વિજ્યાને અર્પણ કર્યા છે. 'પૂરબી'ની એક કવિતામાં તેઓ વિજ્યાને 'ગેરસમજ નહીં કરવા' અને 'પાછું વળીને નહીં જોવા'ની સલાહ આપે છે. જો કે, આવી કવિતા લખનારા ટાગોર ૨૬મી જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ વિજ્યાને એવું પણ લખે છે કે, ''… આપણે જુદા જ વાતાવરણ વચ્ચે મળીએ એ ગોઠવવાનો વારો હવે તારો છે. એવી મુલાકાત તારા જીવનની વિરલ ઘટના બની રહેશે એની ખાતરી આપું છું…'' આમ, ટાગોરે પ્રેમમાં સભાનતા-સંયમની વાત કરતી કવિતાઓ જરૂર લખી પણ જીવનના અંતિમ વર્ષોમાં લખેલા પત્રોમાં વિજ્યાને મળવાની ટાગોરની આતુરતા છુપી રહી શકી નથી. ટાગોર-વિક્ટોરિયાના પ્રેમમાં ઉંમર આડે નહોતી આવી શકી કારણ કે, તેઓ બાહ્ય દેખાવના નહીં પણ એકબીજાનાં વ્યક્તિત્વના પ્રેમમાં હતાં. આર્જેન્ટિનાના એ ૫૦ દિવસ પછીયે તેઓ સતત ૧૭ વર્ષ 'જીવંત પત્રો' થકી સહવાસમાં રહ્યાં અને સાથે વિકસ્યાં પણ ખરાં.
વર્ષ ૧૯૮૦માં શાંતિનિકેન, વિશ્વભારતી અને રવીન્દ્ર ભવને ટાગોર-વિક્ટોરિયાના પત્રોનું સંપાદન કરવાનું કામ બ્રિટન સ્થિત કેતકી કુશારી ડાયસન નામના સંશોધક-લેખિકાને સોંપ્યું હતું. આ પ્રોજેક્ટના ભાગરૂપે તેમણે 'ઈન યોર બ્લોસમિંગ ફ્લાવર-ગાર્ડન' નામના દળદાર પુસ્તકમાં આ પત્રો અને તેની સાથે સંકળાયેલો સંપૂર્ણ ઇતિહાસ આલેખ્યો છે. સંદર્ભો સમજવામાં મુશ્કેલી ના પડે એટલે આ પુસ્તકમાં પત્રો સાથે નોંધો-ટિપ્પણીઓ પણ છે. આ જ પુસ્તક પરથી ગુજરાતીમાં મહેશ દવેએ 'રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ' નામે નાનકડું સંકલિત પુસ્તક પણ તૈયાર કર્યું છે.