બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ અપેક્ષા મુજબનાં છે. મેં બે મહિના પહેલાં બંગલાદેશનો પ્રવાસ કર્યો ત્યારે જ સર્વત્ર નજરે પડતું હતું કે બંગલાદેશમાં શાસક પક્ષ અવામી લીગ સામે વિપક્ષ કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતો. અસ્તિત્વ નથી ધરાવતો એનો અર્થ એ નથી કે બંગલાદેશમાં વડાં પ્રધાન શેખ હસીના લોકપ્રિયતાની ટોચે છે અને ભૂતપૂર્વ વડાં પ્રધાન અને બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાનો પક્ષ લોકોની નજરમાં સાવ ઊતરી ગયો છે. આનું કારણ એ છે કે શાસક પક્ષે બંગલાદેશમાં વિરોધ પક્ષોને અને મુખ્યત્વે ખાલેદા ઝિયાને તેમ જ તેમનાં પક્ષને કચડી નાખ્યો છે. આને કારણે બંગલાદેશનું રાજકારણ એકપક્ષીય બની ગયું છે. શાસક મોરચો કહેવા પૂરતો છે, રાજ હસીના વાજેદ એકહથ્થુપણે ભોગવી રહ્યાં છે. લગભગ આવી જ સ્થિતિ બે દાયકા પહેલાં પણ હતી જ્યારે બેગમ ખાલેદા ઝિયા વડાં પ્રધાન હતાં.
બંગલાદેશમાં દરેક કિશોરે તરુણાવસ્થામાં પહોંચતાં પહેલાં એક નિર્ણય લેવો પડતો હોય છે; મુસ્લિમ ફર્સ્ટ કે બંગાળી ફર્સ્ટ. જ્યાં મુસ્લિમ હોવાની ઓળખ અને બંગાળી હોવાની ઓળખ વચ્ચે સમાન સ્તરે સહઅસ્તિત્વ શક્ય નથી, ત્યાં પૂરક હોવાનો તો સવાલ જ નથી. ઇસ્લામિસ્ટો મુસ્લિમપણા સિવાયની બીજી ઓળખો ભૂંસી નાખવાનો આગ્રહ રાખે છે, એટલે તેમને મન હિંદુ-મુસ્લિમ-પહાડી બૌદ્ધોની સંયુક્ત બંગાળી અસ્મિતા ઇસ્લામિક અસ્મિતાને વિકસાવવામાં તેમ જ ઘનીભૂત કરવામાં અવરોધરૂપ લાગે છે. બીજી બાજુ બંગલાદેશીઓનો ભાષાપ્રેમ પણ એટલો જ તીવ્ર છે. રવીન્દ્રનાથના ભોગે તેઓ મૌલવીની આંગળી પકડવા તૈયાર નથી, પછી રવીન્દ્રનાથ ભલે ભારતીય હિંદુ રહ્યા. આમ પરસ્પર બે દિશાના વિરોધભાસી ખેંચાણને કારણે બંગલાદેશી કિશોરે નિર્ણય લેવો પડે છે કે તે પહેલાં ઇસ્લામપરસ્ત મુસલમાન છે કે બંગાળીપરસ્ત બંગાળી છે.
બહુ ઓછા બંગલાદેશી સ્પષ્ટ નિર્ણય લઈ શકે છે. સરેરાશ બંગલદેશી બે અંતિમો વચ્ચે ફંગોળાય છે. જેનો જુવાળ તીવ્ર હોય તેની પાછળ સામાન્ય લોકો જાય એને કારણે ઘડિયાળના લોલકની માફક બંગલાદેશનું રાજકારણ એક અંતિમેથી બીજા અંતિમે જાય છે. છેલ્લાં કેટલાક સમયથી જુવાળ બંગાળી અસ્મિતાની તરફેણમાં છે. પરંતુ એનો અર્થ એવો નથી કે વિરુદ્ધ દિશાનો પ્રવાહ સાવ થંભી ગયો છે. સપાટીની નીચે ઇસ્લામિક અસ્મિતાનો પ્રવાહ મજબૂત છે અને તે વધુને વધુ મજબૂત થતો જાય છે. જાણકારો કહે છે કે બંગલાદેશ આઝાદ થયો ત્યારે જેટલો ઇસ્લામિક મુસ્લિમ હતો એનાં કરતાં આજ વધુ છે. મૂળભૂતવાદી આક્રમક ઇસ્લામીકરણના પ્રભાવથી બંગલાદેશ પણ મુક્ત નથી. બંગાળી અસ્મિતા જમીન ગુમાવી રહી છે એનો સ્વીકાર બંગાળી અસ્મિતાપરસ્ત લોકો પણ કરે છે.
વિડંબના એવી છે કે સેક્યુલર લિબરલ બંગલાદેશીઓએ સેક્યુલર લિબરલ બંગાળી બંગલાદેશને બચાવવા માટે શેખ હસીના વાજેદની નખશીખ સરમુખત્યારશાહી, એક પક્ષીય શાસન અને ખાનદાની શાસનવ્યવસ્થાને ટેકો આપવો પડે છે. તેઓ એ હોંશેહોંશે કરે છે, કારણ કે તેમને તેમના દેશને ઇસ્લામિક મૂળભૂતવાદીઓના જડબામાં જતો બચાવવો છે. એકવાર તાનાશાહી પરવડશે, પણ ઇસ્લામિક રાજ્ય નહીં પરવડે. બીજું ઇસ્લામિક રાજ્યમાં પણ ક્યાં લોકતંત્ર હોવાનું. તેઓ આટલેથી અટકતા નથી, શેખ હસીનાની એકાધિકારશાહીને તેઓ અનિવાર્ય અનિષ્ટ તરીકે જુએ છે, તેનો બચાવ કરે છે અને શેખ મુજીબુર રહેમાનને આધુનિક બંગલાદેશના જનક અને પોષક તેમ જ શેખ હસીનાને આધુનિક બંગલાદેશના રક્ષક તરીકે જુએ છે. શેખ મુજીબુર રહેમાનને ગાંધીજીની સાથે સરખાવવામાં આવે છે.
આવું થોડું ક એક સમયે પાકિસ્તાનમાં પણ બનતું હતું. પાકિસ્તાનના સેક્યુલર લિબરલ મુસલમાનો લશ્કરી સરમુખત્યારોને ટેકો આપતા હતા અને લોકતંત્રનો આગ્રહ જતો કરતા હતા. એક ઝિયા-ઉલ-હક્કનો અપવાદ બાદ કરતાં પાકિસ્તાનના તમામ લશ્કરી સરમુખત્યારો પ્રમાણમાં સેક્યુલર-લિબરલ હતા. આને કારણે અમેરિકા અને પાશ્ચાત્ય દેશો પણ સરમુખત્યારોને ટેકો આપતા હતા. લોકતંત્ર ઇસ્લામનું રાજકારણ કરનારા ધર્મઝનૂની શાસકો માટે રસ્તો કંડારી આપે એનાં કરતાં સરમુખત્યારી સારી. ૧૯૭૯માં સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનનો કબજો કર્યા પછી અમેરિકાએ પાકિસ્તાનના પહેલા ધર્મઝનૂની સરમુખત્યાર ઝિયા-ઉલ-હક્ક સાથે મળીને ઇસ્લામિક મૂળભૂતવાદને ખાતર-પાણી આપ્યાં અને ત્રાસવાદીઓ પેદા કર્યા એ જુદી વાત છે. વાતનો સાર એટલો કે ઇસ્લામનો સીધો કે આડકતરો સહારો લેનારા રાજકીય પક્ષોને કોઈ પણ ભોગે, બિનલોકશાહી ધોરણે સુધ્ધાં, કચડી નાખવામાં આવે તેને ઉદારમતવાદી બંગાળીઓ ટેકો આપી રહ્યા છે. ડેમોક્રસી કેન વેઇટ.
એક સમયની પાકિસ્તાનની અને અત્યારની બંગલાદેશની સ્થિતિ ભારતનાં સંદર્ભમાં પણ સમજવા જેવી છે. ૧૯૪૭માં દેશને આઝાદી મળી એ પછી પહેલીવાર ભારતમાં હિન્દુત્વવાદી જુવાળ પ્રગટપણે તીવ્ર બન્યો છે. આને કારણે જે સેક્યુલર લિબરલો એક સમયે કોંગ્રેસની એકાધિકારશાહી સામે લડતા હતા તે અત્યારે ફાસીવાદીઓ સામે લડી રહ્યા છે. જો બંગલાદેશ જેવી પરસ્પર વિરોધી બે અંતિમોની સ્થિતિ પેદા થાય અને તેમાં જો હિન્દુત્વવાદીઓ સરસાઈ મેળવે તો ભારતમાં પણ સેક્યુલર-લિબરલ સેક્યુલર ડીકટેટરશીપને સમર્થન આપવા સુધી જાય એવી પૂરી શક્યતા છે. ધર્મઝનૂની રાજકારણ કેટલું ખતરનાક છે એની તો એને જ ખબર હોય જેણે તે ભોગવ્યું હોય.
આમ બંગલાદેશના ભણેલા-ગણેલા, પ્રગતિશીલ, સેક્યુલર લિબરલોની સમંતિ સાથે તેમ જ બંગાળી હોવાનો ગર્વ ધરાવનારા બંગાળી અસ્મિતાવાદીઓના ટેકા સાથે શેખ હસીનાની એકાધિકારશાહીને વિજયની મહોર મારવામાં આવે છે. કચડી નાખો ઇસ્લામિસ્ટોને, પછી એક પક્ષનું શાસન હશે તો પણ ચાલશે. આનો અર્થ એ થયો કે બંગલાદેશમાં લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે. બંગલાદેશને ઇસ્લામિસ્ટોના જડબામાં જતું રોકવાનું છે.
બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષને ૮૦ ટકા મત મળ્યા છે અને કુલ ૨૯૮ બેઠકોમાંથી ૨૮૭ બેઠકો મળી છે. કોઈ ત્રીજી મુદ્દત માટે ચૂંટણી લડતું હોય એને આટલાં મત અને આટલી બેઠકો મળે? આ બંગાળી સેક્યુલર ડિક્ટેટરશિપનું પરિણામ છે. સામે બંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાએ પણ કુકર્મો ઓછાં નથી કર્યાં. તેઓ ભ્રષ્ટ છે. તેમનો પુત્ર પણ ભ્રષ્ટાચારના આરોપમાં સજા પામેલો છે. તેમણે ૧૯૭૧ની બંગલાદેશની મુક્તિ માટેની લડાઈ વખતે પાકિસ્તાનને ટેકો આપનારા બંગલાદેશ જમાત એ ઇસ્લામીનો ટેકો લીધો હતો અને તેમને મદદ કરી હતી. બંગલાદેશનું ઇસ્લામીકરણ કરવામાં ખાલેદા ઝિયાનો હાથ હતો અને અત્યારે લોલક જ્યારે બીજા અંતિમે છે ત્યારે ખાલેદા ઝિયાને તેની કિંમત ચૂકવવી પડે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2019