વડા પ્રધાન પાસેથી પત્રકાર પરિષદની અપેક્ષા છે. પત્રકાર પરિષદમાં અને એક પત્રકારને આપવામાં આવતી મુલાકાતમાં જમીન-આસમાનનો ફેર છે. મુલાકાત પઢાવેલી હોઈ શકે છે અને આવી એક મુલાકાત તેમણે અર્નબ ગોસ્વામીને આપી પણ હતી. એ મુલાકાત અર્નબ ગોસ્વામીએ નરેન્દ્ર મોદીના ખોળામાં બેસીને દૂધ પીતાં પીતાં લીધી હોય, એવી હતી એટલે આ વખતે મુલાકાતી પત્રકારને થોડે છેટેથી અઘરાં પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી હતી. આમાં પાછી ધારદાર પેટા પ્રશ્નો પૂછવાની છૂટ નહોતી. પ્રશ્ન પૂછવાનો અને જે જવાબ મળે એ સ્વીકારી લેવાનો. આનો અર્થ એ થયો કે જવાબના સ્વરૂપમાં નિવેદનો કરવામાં આવ્યાં હતાં, જે રીતે ‘મન કી બાત’માં કરવામાં આવે છે. ‘મન કી બાત'માં સામે અરીસો હશે અહીં પત્રકાર હતો, એટલો ફરક.
પત્રકાર પરિષદમાં આવી મોકળાશ હોતી નથી. ત્યાં કોઈ પણ પત્રકાર કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને પેટા પ્રશ્ન પણ પૂછે છે. એક પત્રકાર કોઈ કારણસર પ્રશ્નની પૂંઠ પકડવાનું છોડી દે તો બીજો પત્રકાર એને પકડી લે. શાસકોને મૂંઝવણમાં મૂકવા, તેમને ઘેરવા, માહિતી કઢાવવી, વિરોધાભાસો અને વિસંગતિઓ ઉઘાડાં પાડવાં એ પત્રકારનો ધર્મ છે. બાહોશ પત્રકાર એને કહેવાય જે આ કરી શકે.
મારા પત્રકારત્વકીય અનુભવ મુજબ પત્રકાર પરિષદના ચાર પ્રકાર છે. સર્વોચ્ચ સ્થાનેથી એટલે કે મુખ્યત્વે વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાનો સમયાંતરે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરે છે. દેશમાં કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે અને શું યોજનાઓ કે અવરોધો છે તેનાથી પ્રજાને માહિતગાર કરવા માટે આવી પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. આમ તો પ્રશ્નોની અને મુદ્દાઓની લોકોને જાણ હોય જ છે, પરંતુ સર્વોચ્ચ સ્થાનેથી તેનો ખુલાસો કરવામાં આવે તેનું મહત્ત્વ વિશેષ હોય છે. લોકશાહી દેશમાં દેશનો ચૂંટાયેલો શાસક પત્રકાર પરિષદ દ્વારા પ્રજા સાથે સંવાદ કરે છે. આ વડા પ્રધાનનો અને રાજ્યોનાં મુખ્ય પ્રધાનોનો રાજધર્મ છે.
બીજો પ્રકાર કોઈ મોટો નિર્ણય લેવાયો હોય અથવા કોઈ મોટી ઘટના બની હોય ત્યારે બોલાવવામાં આવતી પત્રકાર પરિષદ. પ્રજાના મનમાં સ્વાભાવિકપણે અનેક પ્રશ્નો હોય, કદાચ ભય પણ હોય, ખોટી ભ્રમણા હોય કે જોખમનું ભાન ન હોય ત્યારે શાસકો શંકાઓનું સમાધાન કરવા, ભય દૂર કરવા કે પછી સંભવિત જોખમો સામે સાવધ કરવા ખાસ પત્રકાર પરિષદ બોલાવે છે.
ત્રીજો પ્રકાર જાહેર સ્થળે પત્રકારો સાથે કરવામાં આવતી વાત. શાસક કોઈ સ્થળે કોઈ કાર્યક્રમ માટે આવ્યો હોય કે કોઈને મળવા ગયો હોય, અથવા વિદેશ મુલાકાતેથી પાછો ફર્યો હોય ત્યારે જે તે સ્થળે પત્રકારો તેમને આંતરે છે અને સવાલો પૂછે છે. એ સવાલો મુખ્યત્વે એ ઘટના અંગેના જ હોય છે, પણ આયોજિત નથી હોતા. જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને મળવા જાય કે આર.એસ.એસ.ના સરસંઘચાલક મોહન ભાગવતને મળવા જાય તો સ્વાભાવિકપણે લોકોના મનમાં ઉદ્દેશ વિષે પ્રશ્નો થશે. નરેન્દ્ર મોદી મળીને જ્યારે બહાર આવે ત્યારે પત્રકારો પ્રશ્ન પૂછતા હોય છે. જો કોઈ કારણસર જવાબ ન આપવો હોય તો ‘નો કમેન્ટ્સ’ કહીને હાથ જોડીને જતા રહે, પણ પત્રકારોનો સામનો કર્યા વિના બારોબાર જતા ન રહે. તમે આવાં ઘણાં દૃશ્યો જોયાં હશે.
ચોથો પ્રકાર પત્રકાર સંઘ દ્વારા બોલાવવામાં આવતી પત્રકાર પરિષદ. દરેક શહેરમાં પત્રકાર સંઘો વરસમાં એકકાદ બે વાર રાજકારણીઓને બોલાવતા હોય છે. આવી પત્રકાર પરિષદ સાધારણ રીતે શરદ પવાર જેવા પીઢ નેતાઓ સાથે યોજાતી હોય અને તેઓ પણ વિશાળ કેનવાસ પર વાત કરતા હોય છે. એમાં તાત્કાલિક પ્રશ્નો પણ હોય છે અને અતીત તેમ જ ભવિષ્યની પણ વાત થતી હોય છે.
નેતાઓ સાથેના વાર્તાલાપનો એક પાંચમો પ્રકાર પણ છે. એમાં જાહેર જનતાની હાજરીમાં વિશાળ હોલ કે મેદાનમાં પ્રશ્નકર્તાઓની પેનલ શાસકને સવાલ પૂછતી હોય છે. કેટલાક પ્રશ્નો જાહેર જનતા પાસેથી પણ લેવામાં આવે છે. પ્રશ્નકર્તાઓની પેનલમાં પ્રતિસ્પર્ધી પક્ષના નેતાઓને પણ લેવામાં આવ્યા હોય એવું પણ બને છે. આ છેલ્લો પ્રકાર બહુ સમાન્ય નથી, પણ મહારાષ્ટ્રમાં એ વધારે પ્રચલિત છે.
અહીં પત્રકારો સાથેની વાતચીતના જે ચાર પ્રકાર ગણાવ્યા છે એ અત્યંત રાબેતાના છે. ઘરે જેમ દૂધવાળો આવે એમ નેતાને પત્રકાર મળે, કારણ કે એ નેતા છે. જેને કાંઈક કહેવાનું હોય એને જ પૂછવાનું હોય! પ્રણવ મુખર્જી બહુ મોટા નેતા છે, પરંતુ પત્રકારો તેમને મળવા ટળવળતા નથી કારણ કે એક નિવૃત્ત શાસક તરીકે અત્યારે તેમણે કાંઈ જ કહેવાનું જ નથી. બહુ બહુ તો તેઓ અતીત વાગોળશે. આમ નેતાનો અને પત્રકારનો સંબંધ આર્ટિસ્ટ અને મેકઅપ મેન જેવો છે. પત્રકાર મોટાભાગે મેકઅપ ઉતારતો હોય છે. નેતાનો મેકઅપ ઉતારવો એ પત્રકારનો ધર્મ છે તો બીજી બાજુ પ્રજાનો, પ્રશ્નોનો અને લોકપ્રતિનિધિગૃહનો સામનો કરવો એમાં શાસકની ખરી મર્દાનગી છે.
મને યાદ નથી કે જગતના કોઈ નેતાએ પત્રકારને પીઠ બતાવી હોય. મને તો એક પણ નામ યાદ નથી આવતું. સામાન્ય કદ ધરાવનારા, કોઈ વાતે કુખ્યાતિ ધરાવનારા, હાસ્યાસ્પદ મેનરીઝમ ધરાવનારા શાસકો પણ પત્રકારોને મળતા રહ્યા છે. નરેન્દ્ર મોદી આધુનિક વિશ્વના કદાચ પહેલા શાસક છે જેઓ પત્રકારોના ઉપર વર્ણવ્યા એવા ચારે ય પ્રકારથી દૂર ભાગે છે. છેલ્લા કેટલાક સમયથી માગણી થઈ રહી છે કે નરેન્દ્ર મોદીએ પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ. જેમને પપ્પુ તરીકે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, એ રાહુલ ગાંધી ઉપર ગણાવ્યા એવા ચારે ય પ્રકારે પત્રકારોને મળે છે. તેમણે પોતાની પત્રકાર પરિષદનો ફોટો લઈને વડા પ્રધાનને ટ્વીટ કર્યો હતો અને વડા પ્રધાનને પત્રકારોને મળવાનો પડકાર ફેંક્યો હતો. એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને પત્રકારોથી દૂર ભાગવાના વલણ વિષે ટોણો મારતા કહ્યું હતું કે તેઓ ઓછું બોલતા હતા એ ખરું, પણ પત્રકારોના સવાલોથી ડરતા નહોતા કે ભાગતા નહોતા. હવે જ્યારે મુદ્દત પૂરી થવામાં છે, ત્યારે કમસેકમ એક વાર પત્રકારોનો સામનો કરવાની માગણી મોટેથી થવા લાગી છે.
ન્યુઝ એજન્સીને આપવામાં આવતી મુલાકાત ઉઘાડી પત્રકાર પરિષદની જગ્યા ન લઈ શકે! પત્રકાર પ્રજા વતી સવાલ કરે છે. તેના જબાવ આપવાની હિંમત પણ હોવી જોઈએ અને ફરજપરસ્તી પણ હોવી જોઈએ. બાકી દૂર ઊભા રહીને કોઈ પડકારે નહીં એમ હાકલા પડકારા તો બધા જ કરી શકે છે. જે દેવગૌડા કરી શકે, એ નેહરુ કરતાં પણ પોતાને મોટા માનનારા વિરાટપુરુષ ન કરી શકે?
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જાન્યુઆરી 2019
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય