ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 4
ગાંધીજીના અવસાન બાદ, યુનાઇટેડ નેશન્સની કચેરી પર ભારતનો ત્રિરંગો અર્ધી કાઠીએ લહેરાવવામાં આવેલો, ત્યારે જોનારાને વિમાસણ થયેલી અને હોદ્દેદારોને પૂછેલું પણ ખરું કે આ એમ.કે. ગાંધી શું કોઈ દેશના વડા પ્રધાન અથવા પ્રેસિડેન્ટ હતા, કે કોઈ ધર્મના સર્વોચ્ચ વડા હતા? જવાબ ‘ના’માં હતો, અને તેથી તો અચરજ ઑર વધ્યું અને સહુને સવાલ થયો, તો એ કેવી હસ્તી હતી જેનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ હોઈ શકે અને તે પણ કોઈ ઔપચારિક હોદ્દો ધારણ ન કર્યો હોય તેમ છતાં?
હકીકત એ છે કે ઓછામાં ઓછું બોલવું અને વધુમાં વધુ આચરણ કરવું એ જેનો મંત્ર હતો તેવા ગાંધીજીએ પોતાના સીધા સંસર્ગમાં આવ્યા હોય તેમના જીવનનું સૂકાન તો બદલ્યું જ પણ જેમણે કદી ગાંધીજીને જોયા ન હોય કે તેમના પછીની પેઢીમાં જન્મ લીધો હોય તેવા નર-નારીઓ પણ એક યા બીજી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને સમાજની સેવા કરી ગયા અને કેટલાક હજુ આજે પણ આપણી વચ્ચે કાર્ય કરી રહ્યા છે. આજે તેમાંનાં એક એવાં દંપતીની વાત માંડવી છે, જેમનું નામ અને કાર્ય કદાચ ઘણા વાચકોને પરિચિત હોઈ શકે.
ડો.અભય બંગનો પરિચય મેળવતા પહેલાં તેમના પિતાશ્રીનો એક કિસ્સો જાણીએ. કોલેજના અર્થશાસ્ત્રના અધ્યાપક ઠાકુરદાસ બંગ, કે જેમણે આઝાદીની લડતમાં ભાગ લીધેલો. સ્વાતંત્ર્ય એક હાથ છેટું આવી પહોંચ્યાનો અણસાર થયો એટલે અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરવા તેમણે પરિયાણ આદર્યું. ગાંધીજીના આશીર્વાદ લેવા ઠાકુરદાસ વર્ધા ગયા. હંમેશની જેમ ચશ્માંમાંથી નજર ઊઠાવી ગાંધીજી માત્ર એક વાક્ય બોલ્યા, “તારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો અમેરિકા જવાની કોઈ જરૂર નથી. ભારતનાં ગામડાંઓમાં જા.”
એક વાક્યના સંવાદનો અહીં અંત આવ્યો, પણ ગ્રામ્ય પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનની એક લાંબી યાત્રાનો પ્રારંભ થયો. ઠાકુરદાસ બંગ ભૂદાન અને ગ્રામદાન જેવી અનેક ચળવળો અને રચનાત્મક કાર્યોમાં આજીવન રત રહ્યા. ગાંધીજી તો ભારતમાં રહી ગ્રામ્ય પ્રજા પાસેથી અર્થશાસ્ત્રના પાઠ ભણવાનો અભિપ્રાય આપે, પણ તેનું પાલન કરનાર પણ કેવા વિદેશી ભણતરના વ્યામોહથી મુક્ત અને દેશદાઝથી રસાયેલા હશે એ સમજાય તો ઘણું.
ઠાકુરદાસ અને સુમન બંગને ઘેર બે પુત્ર રત્ન જન્મ્યા, અને તે પણ ગાંધીજીના અવસાન બાદ. પણ માતા-પિતાનાં મૂલ્યો અને વિચારધારાનો વારસો લઈને વર્ધામાં ઉછરેલા આ બંને ભાઈઓએ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ છેવાડાના લોકોના ઉત્થાન માટે કર્યો. અશોક અને અભય બંગ વર્ધામાં આચાર્ય વિનોબાજીની નિગરાની હેઠળ નઈ તાલીમ પદ્ધતિનું શિક્ષણ પામ્યા અને હૈયું, હાથ અને મસ્તકનો ઉપયોગ કરવા સજ્જ થયા. ભારતની પ્રજાની બે મૂળભૂત જરૂરિયાત અન્ન અને સ્વાસ્થ્યની છે એ આ બન્ને તરુણો સમજતા હતા. આથી 16 વર્ષના અશોકે ખેતીના ક્ષેત્રમાં અને અભયે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરીને ગ્રામવાસીઓની સેવા માટે જ ભેખ લેવાનો નિર્ણય કર્યો.
ડો. અભય બંગને તેમના જેવા જ કુશળ ડોક્ટરનો ભેટો થયો – ડો. રાની અને તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. ડો. અભય બંગે મેડિસિનમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી અને ડો. રાની બંગે ઓબ્સ્ટ્રેટિક્સ અને ગાયનેકોલોજીમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી. બંને ડોક્ટર્સ જેમ અન્ય ડોક્ટર્સ કરતાં હોય છે તેમ જ અમેરિકાની કોઈ મોટી યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે જઈ શક્યાં હોત અને વિદેશમાં જ સ્થાયી થઇ શક્યાં હોત, પણ તેમના માંહ્યલાએ તેમના પગ આદિવાસી વિસ્તાર તરફ વાળ્યા. મધ્યપ્રદેશના ગઢચિરોલી જિલ્લામાં સંશોધન સાથેનું ચેતના વિકાસ નામનું આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું. તેમણે લઘુતમ વેતન વધારવા માટે સરકારને ફરજ પાડી અને સ્વાસ્થ્યની સમસ્યાઓ સુધારવા પબ્લિક હેલ્થ વિષે વધુ સંશોધન જરૂરી છે તેમ સમજયાં. પરિણામે બૉલ્ટીમોર – અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી બંનેએ પબ્લિક હેલ્થ વિષય સાથે માસ્ટર્સની ઉપાધિ મેળવી.
મહારાષ્ટ્ર્નો ગઢચિરોલી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ જેવી કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવાસ વેગેરથી ખાસ્સો વંચિત. આથી જ બંગ દંપતીએ તેને પોતાનાં કાર્યક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. વર્ષોની જહેમત બાદ એ વિસ્તારના ગરીબ લોકોનાં સ્વાસ્થ્યની જાળવણીમાં ક્રાંતિ લાવ્યાં. સંશોધન આધારિત નિદાન અને સારવારના અવિરત પ્રયાસોને પરિણામે બાળમરણનું પ્રમાણ ઘણું ઓછું થયું. World Health Organization (WHO) અને UNICEF આ બંને સંગઠનોએ ડો. અભય અને ડો. રાની બંગના આ પ્રયાસોને માન્યતા આપી અને ભારતભરમાં તથા આફ્રિકાના કેટલાક દેશોમાં નવજાત શિશુઓ માટેનો તેમનો આ નિદાન તથા સારવારનો અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ દંપતીએ 'Society For Education, Action and Research in Community Health' (SEARCH) નામક એક નફા ઉપર આધારિત નહીં તેવું સંગઠન સ્થાપ્યું જે ગ્રામ્ય પ્રદેશના લોકોના સ્વાસ્થ્યની જાળવણી અને સંશોધનમાં કાર્યરત રહે છે.
પાંચ પાંચ પંચવર્ષીય યોજનાઓને અંતે હજુ ભારતના અંતરિયાળ ગામડાંઓની સ્થિતિ જોઈએ તેવી સુધરી નહોતી, એની પ્રતીતિ આ ડોક્ટર દંપતીને તેમના કાર્યકાળના આરંભ દરમ્યાન થઇ. એક ગરીબ વિધવા પોતાની મજૂરીમાંથી મોટાં ત્રણ બાળકોને પોષે કે ચોથા બિમાર બાળકને દૂરના ગામમાં સારવાર માટે લઇ જાય એવા વિકલ્પો વચ્ચે જીવતી મહિલાનો કિસ્સો જોઈ-સાંભળીને ડો. રાની બંગ અત્યંત વ્યથિત થયાં અને એ વિષે વધુ અભ્યાસ કરતાં તારણ નીકળ્યું કે એ ગામડાંઓમાં 92% જેટલી મહિલાઓ સ્ત્રીઓને થતા રોગો અને તેમાં ય જાતીય સંસર્ગથી થતી બિમારીઓથી પીડાતી હતી. આથી એ વિસ્તારમાં પ્રથમ ગાઈનોકોલિસ્ટ તરીકે રાની બંગ સેવા આપવા લાગ્યાં. તેમનાં સંશોધનનું એવું તારણ આવ્યું કે ઝાડા-ઊલટી નહીં પણ ન્યુમોનિયા એ પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મરણ માટે જવાબદાર છે. આ હકીકતથી WHOની માન્યતાઓ હલબલી ગઈ અને તેમને દવાઓ બનાવવાની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી.
નોંધનીય બાબત એ છે કે પા સદીથી વધુ વર્ષોથી બંગ દંપતી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં બાળમરણનું પ્રમાણ ઘટાડવામાં સફળ થયાં તેની પાછળ પશ્ચિમી તબીબી વિજ્ઞાનની તાલીમ અને એ ઊસૂલોનો અમલ કારણભૂત હશે તેમ માનવાનું સહેજે મન થાય, પરંતુ હકીકત એ છે કે એ સિદ્ધિનો યશ ગ્રામ્ય મહિલાઓ કે જેમને તેઓએ નવજાત શિશુઓની સંભાળ રાખવા તાલીમબદ્ધ કરી તેમને વિશેષ કરીને જાય છે. આવું ઉદાહરણ સ્વરૂપ કાર્ય કરનારાઓ પણ ટીકાને પાત્ર બનતા હોય છે. અશિક્ષિત મહિલાઓને આધુનિક સારવાર આપવાની જટિલ પ્રક્રિયાઓની જવાબદારી સોંપવા વિશેના તેમના નિર્ણય વિષે ટીકા થયેલી. એ અલ્પશિક્ષિત ગણાતા કાર્યકરોએ 15,000 ઇન્જેક્શન આપ્યાં જેનાથી કોઈ વિપરીત અસર થવાનો એક પણ બનાવ નથી બન્યો, એ હકીકત જાણ્યા બાદ ટીકાકારોનો વિરોધ શમ્યો. જ્યાં તમામ પ્રકારની અતિ આધુનિક સગવડો હોય તેવાં શહેરોમાં સારવાર લેવા જવાનું ગ્રામવાસીઓ માટે સંભવ નથી, કેમ કે ત્યાં યાતાયાતનાં સાધનો જૂજ છે જેથી બિમાર વ્યક્તિ લાચારીથી સારવાર મેળવવાથી દૂર રહેતી હોય છે. જે વ્યવસ્થા ઇંગ્લેન્ડ કે અમેરિકામાં લોકોને મેળવવી સુલભ હોય છે, તે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પૂરી પાડવી શક્ય નથી. દરેક સમાજની જરૂરિયાતો જુદી હોય છે તો તેને પૂરી પાડવાની રીતો પણ અલગ હોવાની જ એ વાસ્તવિકતા સમજી અને સ્વીકારીને બંગ દંપતીએ સુવિધાઓને આમ જનતા સુધી લઇ જવાનું કામ કર્યું.
ગાંધીજીના ‘સ્વ-રાજ’ના ખ્યાલોથી ડો. અભય બંગ ઘણા પ્રભાવિત છે. ગાંધીનાં સ્વપ્નના ભારતમાં દરેક નાગરિક કઈ રીતે સ્વ-રાજ ભોગવશે એ વાત તેઓ સુપેરે સમજ્યા હોવાથી આદિવાસી કોમ અને તેમની દરેક વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે સ્વતંત્ર અને સ્વનિર્ભર બનાવવાનો મહાયજ્ઞ તેમણે આદર્યો. આથી જ તો લંડનમાં ‘સેવ ધ ચિલ્ડ્રન’ના નેજા હેઠળ ‘No Child Born to Die’ પરિકલ્પના લોકાર્પણ સમયે ડો. અભય બંગે કહેલું કે “આપણે આપણા સમાજના અભિન્ન અંગ છીએ.” તેમને પોતાને જેમને માટે તેઓ કાર્ય કરે છે તે સમુદાય અને પોતાની વચ્ચે કોઈ ભેદરેખા નથી જણાતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે એ સંશોધનો આદિવાસી પ્રજાની સાથે મળીને થાય છે, તેમના ઉપર નહીં. અહીં એ યાદ અપાવવું ઊચિત થશે કે ગાંધીજી પોતે જેમની સેવા કરવા માગતા હતા તેમની વચ્ચે તેમના જેવા ઘરોમાં રહીને, તેમના જેવાં કપડાં પહેરીને તેમના જેવો જ ખોરાક લઈને જ એ કાર્ય પાર પાડી શકેલા.
આ અજોડ યુગલ ડો. અભય અને રાની બંગને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ મળ્યો છે. સંજય ગાંધી પોસ્ટગ્રેડયુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા બંને પતિ-પત્નીને માનદ્દ ડોક્ટરેટની પદવી મળી ચૂકી છે. એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીએ ડો. રાની બંગને Honoris Causaનું માન એનાયત કર્યું, તો The Lancet (બ્રિટનમાંથી પ્રકાશિત થતું મેડિકલ વિજ્ઞાનનું ગણમાન્ય સામયિક) દ્વારા આ દંપતીને ‘ભારતના ગ્રામ્ય પ્રદેશમાં સ્વાસ્થ્યનો પાયો નાખનાર’ તરીકે બિરદાવવામાં આવ્યાં, એ પણ એક નોંધનીય સિદ્ધિ છે. આ સઘળાં માન અકરામના તેઓ અધિકારી છે.
ડો. અભય બંગ 1950માં ગાંધીજીની હત્યા બાદ જન્મ્યા, આમ છતાં ગાંધીજીને પ્રત્યક્ષ જોયા હોવાની તેમને લાગણી થાય અને ગાંધીજીના વંશમાં પેદા થયા ન હોવા છતાં તેમની રગોમાં ગાંધીનું લોહો દોડતું હોય એવી પ્રતીતિ થાય છે તેની પાછળ ગાંધી વિચારનાં મૂલ્યોનું સિંચન તેમના માતા-પિતા દ્વારા થયું અને વિનોબાજી જેવા આજીવન શિક્ષકની કેળવણીએ તેમને સેવાકીય પ્રવૃત્તિઓ માટે કટિબદ્ધ કર્યા એ બે પરિબળોને કારણભૂત ગણાવી શકાય. વિદેશમાં જઈને આગળ અભ્યાસ કરીને ત્યાં સ્થાયી થવાને બદલે આદિવાસી વિસ્તારમાં ધૂણી ધખાવીને બેસવાની પ્રેરણા પણ ગાંધીજીએ જ તેમને આપી તેવું ડો. અભય બંગને લાગે છે. ડો. અભય અને રાની બંગને પોતાની કારકિર્દી દરમ્યાન જ્યારે જ્યારે નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવાનું આવ્યું ત્યારે તેઓ ગાંધીજી પાસે પહોંચી જાય છે. તેમના સમાજ નવનિર્માણના કાર્યક્રમોની રૂપરેખામાંથી માર્ગદર્શન મેળવીને પોતાની સંભાળ હેઠળ જીવતી પ્રજાનો હળવે હળવે ઉદ્ધાર કરતાં જાય છે.
ગાંધીજીની ઉક્તિ, “ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી, એ તો એક સિદ્ધાંત છે.” તેને ગાંઠે બાંધીને આ બંગ દંપતી સેવાના માર્ગે આગળ ધપ્યે જાય છે અને માને છે કે ગાંધીજી હજુ ક્યાં ય ગયા જ નથી, આપણે ચાહીએ તો ગમે ત્યારે મળતા જ રહે.
નીચે આપેલ લિંક પરથી વધુ માહિતી મળી શકશે :
[સ્રોત : “શાશ્વત ગાંધી”; પુસ્તક 57, ‘વિકિપીડિયા’ અને “ભૂમિપુત્ર”]
e.mail : 71abuch@gmail.com