હું ભમું છું માત્ર ભમવા, ક્યાં ય પણ જવા નહીં,
ના વળાવો, રાહબર કે ભોમિયો થવા નહીં.
નાચનારાને હવે આંગણ વિશે વિપત્તિઓ,
ખૂંદનારો છું, મને રસ્તા જૂના-નવા નહીં.
પક્ષીઓએ કલરવેલા સ્વરની સરગમો કરી,
ગણગણું છું ગીત અમથું એ ય ગોખવા નહીં.
એ વહનની વેદનાનું બેઉ કાંઠે છે શમન,
પરકમા મારી નદીનું મૂળ શોધવા નહીં.
હું હવાની જેમ હેરાતો રહું હરેક ક્ષણ,
ચડઊતર ટૃકો-ખીણોની કૈં જ પામવા નહીં.
(પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર 2018; પૃ. 128)