કટોકટીમાં પ્રિસેન્સરશીપ વિરુદ્ધ તર્કબદ્ધ અને ધારદાર દલીલો સાથે સરકારને તેમણે આપેલી ટક્કર હંમેશાં યાદ રહેશે
લોકશાહી અધિકારોના પ્રહરી ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરુ(1916-1979)ના શતાબ્દી સ્મૃિતગ્રંથનો લોકાર્પણ કાર્યક્રમ આવતી કાલ [16 જુલાઈ 2016] શનિવારે સવારે સાડા નવ વાગ્યે અમદાવાદના મહેંદી નવાઝ જંગ સભાગૃહમાં યોજવામાં આવ્યો છે. મજૂર અદાલતમાં કામદારોને ન્યાય અપાવનારા વકીલ દરુ 1960 ના દાયકામાં ગુજરાતની વડી અદાલતમાં બંધારણપટુ તરીકે જાણીતા થયા. દરુનું નામ દેશ આખામાં જાણીતું બન્યું એ આંતરિક રાજકીય કટોકટી દરમિયાન આવેલ સેન્સરશીપની સામે તેમણે આપેલી સફળ કાનૂની લડતને કારણે.
ઇન્દિરા ગાંધીએ 26 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને અખબારોને લખાણો પ્રિસેન્સર કરાવીને એટલે કે સરકારને બતાવીને મંજૂરી મેળવ્યા પછી જ છાપવાનો હુકમ કર્યો. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની સીધી તરાપ સમા આ આદેશનો દરુ અને દેશના વિખ્યાત ન્યાયમૂર્તિ વી.એમ. તારકુંડેએ પૂરો અભ્યાસ કર્યો અને પછી અખબારી આલમને તેને અવગણવાની હાકલ કરી. એ જ અરસામાં દરુએ અમદાવાદમાં ‘બંધારણ બચાઓ’ સંમેલન યોજ્યું. તેનો દિનેશ શુક્લે લખેલો અહેવાલ ચુનીભાઈ વૈદ્યના તંત્રીપદે ચાલતા ‘ભૂમિપુત્ર’ પખવાડિકમાં, અલબત્ત સરકારની મંજૂરી વિના જ છપાયો. સામયિકના છાપખાના પરા દરોડો પાડીને, અંકો જપ્ત કરીને તેને સીલ મારી દેવામાં આવ્યું.
સરકારને નામંજૂર એવાં લખાણો માટે વિષ્ણુ પંડ્યાના તંત્રીપદે ચાલતાં ‘સાધના’ સામયિક પર પણ તવાઈ આવી. સરકારી દમનને ગુજરાતની વડી અદાલતમાં પડકારવામાં આવ્યું. દરુસાહેબે પ્રિસેન્સરશીપ વિરુદ્ધ તર્કબદ્ધ અને ધારદાર દલીલો કરી. એટલે અદાલતે પ્રિસેન્સરશીપના આદેશની કેટલીક જોગવાઈઓને ગેરબંધારણીય અને વ્યર્થ જાહેર કરી. આ જ અરસામાં દરુની પહેલથી અમદાવાદમાં નાગરિક સ્વાતંત્ર્ય અને રૅડિકલ હ્યુમૅનિઝમ વિચારધારા પરનાં રાષ્ટ્રીય સંમેલનો યોજાયાં. જયપ્રકાશ નારાયણે સ્થાપેલાં સિટીઝન્સ ફૉર ડેમૉક્રસી મંચના નેજા હેઠળ સેન્સરશીપના પ્રતિકારમાં સાયક્લોસ્ટાઈલ સમાચારપત્ર બહાર પાડવાના ગુના હેઠળ સરકારે કુખ્યાત ‘મીસા’ (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી ઍક્ટ) કાયદા હેઠળ દરુને જૂન 1976થી જાન્યુઆરી 1978 સુધી જેલમાં પૂર્યા.
કારાવાસ દરમિયાન તેમણે લોકશિક્ષણની પુસ્તિકા ‘ડેમૉક્રસી ઍન્ડ ઇન્ડિયન કન્સ્ટિટ્યૂશન’ તૈયાર કરી જેનો ચુનીભાઈએ ગુજરાતી અનુવાદ આપ્યો. ચુનીકાકા અને દરુસાહેબની ધરપકડ અને મુક્તિ એક જ દિવસે થઈ (વિષ્ણુભાઈએ પણ જેલવાસ વેઠ્યો હતો). પોતાનાં ઘરનું એર કંડિશન મશીન બગડી ગયું હોય તો કામા હૉટલની રૂમમાં જઈને સુનારા, ખાણીપીણીના રસિયા અને સિગરેટનાં બંધાણી વિખ્યાત વકીલે જેલના આઠ મહિના ઠીક સમભાવથી વીતાવ્યા. જો કે જેલવાસ કદાચ તેમની ફેફસાંના કૅન્સરની વ્યાધિનો નિમિત્ત બન્યો. લૉસ એન્જેલસમાં કૅન્સરની સારવાર દરમિયાન તેમણે પંદરમી મે 1979ના રોજ ત્રેસઠ વર્ષની વયે દેહ છોડ્યો. તેમના પછી ત્રણ જ દિવસે તેમનાથી પાંચ વર્ષ મોટા તેમના જીગરજાન દોસ્ત અને જાહેરજીવનના ત્રણેક દાયકાના અભિન્ન સાથી દશરથલાલ ઠાકરનું અવસાન થયું.
દરુના આ મિત્રના કર્મશીલ પુત્ર અને પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના સંન્નિષ્ઠ મહામંત્રી ગૌતમ ઠાકરે દરુ શતાબ્દી સ્મૃિતગ્રંથનું સંકલન-સંપાદન કર્યું છે. અહીં કેટલીક વિશિષ્ટ માહિતી છે. જેમ કે, કૅન્સરથી કોરાતાં શરીરે પર દરુએ એક કામ પૂરું કર્યું . જયપ્રકાશ નારાયણે દાઉદી વહોરા સમૂહના કેટલાક ધર્મગુરુઓની આપખુદી સામે પ્રજાકીય ધોરણે તપાસપંચ નીમ્યું હતું અને તેના મંત્રી દરુને બનાવ્યા હતા. આ પંચનો કોમે ખૂબ વિરોધ કર્યો. જુબાનીઓ લેવાની હોય કે તપાસ પંચની બેઠકો રાખવાની હોય ત્યારે લોકો હજારોની સંખ્યામાં દેખાવો કરતા. પણ નીડર અને અડગ દરુસાહેબે તેમનું કામ ચાલુ રાખ્યું. અમેરિકાની હૉસ્પિટલમાં પણ તે તપાસપંચના અહેવાલને આખરી ઓપ આપતા રહ્યા. દરુ જે કેટલાક નિર્ણાયક મુકદ્દમા લડ્યા તેમાંનો એક અંગ્રેજી ભાષા શિક્ષણને લગતો છે. મોરારજી દેસાઈએ શાળાઓમાં આઠમા ધોરણથી અંગ્રેજી ભાષા શીખવવાનો અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી માધ્યમ કાઢી નાખવાનો નિર્ણય લીધો. રાજ્ય સર્વોચ્ચ અદાલતની અપીલમાં પણ હારી ગયું. ચૂકાદો એ આવ્યો કે કોઈ રાજ્ય કે યુનિવર્સિટી શિક્ષણના એક માધ્યમ તરીકે અંગ્રેજી દૂર ન કરી શકે.
તે પહેલાં દરુ કામદારો માટેના કેસો પણ સફળતાપૂર્વક લડતા રહ્યા હતા. બ્લીચ ફોલ્ડરનું કામ જે લેબર એટલે કે માત્ર મજૂરીનું કામ ગણાતું તેને સેમિ-ક્લાર્ક તરીકેનો દરજ્જો અને વેતન અપાવવા માટે તે સુપ્રીમ કોર્ટ સુધી ગયા. સોમા ટેક્સ્ટાઇલ મિલના વાઈન્ડર ઇચ્છાબહેન લક્ષ્મીશંકરે વાઈન્ડિન્ગનું કામ મિલ કામદાર કક્ષાનું ગણાવી તે મુજબના પગાર માટે માગણી કરી. કેસ દરુસાહેબ જીત્યા. બંને ચૂકાદાથી આખા કામદાર વર્ગને મોટો લાભ થયો. ઇલેટ્રિસિટી કંપનીના એક કેસમાં સામાવાળાને દરુની બાહોશીનો અંદાજ આવતા તેમણે મજૂરોના પ્રશ્નો કોર્ટ દ્વારા નહીં પણ સીધી વાટાઘાટોથી ઉકેલાવાનું નક્કી કર્યું. ઔદ્યોગિક ધારાના વિકાસમાં દરુસાહેબનો ફાળો મહત્ત્વનો હતો એમ વિખ્યાત કાનૂનવિદ ગિરીશ પટેલ નોંધે છે.
તેમનું એક સાંભરણ બહુ રસપ્રદ છે. દરુની કાયદાકીય સમજણ, દલીલોની તીવ્રતા, ફિલસૂફીનો ઉપયોગ જેવાં કૌશલ્યો જોતાં પ્રૅક્ટિસના બેએક વર્ષમાં તેમને હાઇકોર્ટમાં જજશીપ માટે બોલાવ્યા ત્યારે ખબર પડી કે તેમની સનદ તો નીચલી કોર્ટના વકીલની છે ! અસાધારણ વ્યવસાયકુશળતા છતાં એ ધરતી પર રહ્યા. છોટા ઉદેપુર અને ત્યાર પછી અમદાવાદમાં વિજ્ઞાન શિક્ષકની નોકરી સાથે કાયદાનો અભ્યાસ કર્યો અને કામદારોને ન્યાય અપાવવા માટે વકીલાત શરૂ કરી. ચણા ફાકીને જેમણે દિવસો પસાર કર્યા હતા એ દરુ વર્ષો સુધી બાંધેલી રિક્ષાનો ઉપયોગ કરતા અને શ્રમજીવીઓના કેસની નજીવી ફી લેતા. દાણચોર સુકર નારાયણ બખિયાને તેમણે વ્યક્તિસ્વાતંત્ર્યના મુદ્દે અટકાયતી ધારા હેઠળની સજામાંથી બચાવ્યો હતો. ઑફર થયેલી ભારે ફી તેમણે લીધી ન હતી. એક મિત્રએ તેમને આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ‘તેના નાગરિક તરીકેના અધિકાર માટે લડત આપી હતી. તેના માટે હું વધુ ફી લઉં તો હું એના અન્ય કૃત્યોમાં પણ ભાગીદાર કહેવાઉં !’ દારુબંધીના કાયદાના વિરોધમાં પણ દરુનું વલણ ચર્ચાસ્પદ હતું. એ અંગેના એક કેસમાં તેમણે સામા પક્ષના વકીલને કહ્યું હતું, ‘દરેક વ્યક્તિના લોહીમાં અમુક ટકા આલ્કોહોલ હોય છે અને તે આરોગ્ય માટે જરૂરી છે. તેને દૂર કરીએ તો આરોગ્ય જોખમાય !’ આવી વકીલી ચાતુરી અલબત્ત દરુના વર્તનમાં ન હતી. તે ભોળપણની હદે સરળ હતા.
ભારતના એક પ્રખર સમાજચિંતક માનવેન્દ્રનાથ એમ.એન. રૉય (1887-1954) પ્રેરિત રૅડિકલ હ્યુમૅનિઝમ એટલે કે મૂલગામી માનવવાદની ચળવળના ગુજરાતના અગ્રદૂત હતા. આ વિચારધારામાં રૅશનાલિઝમ, વૈશ્વિક દૃષ્ટિકોણ, અનિશ્વરવાદ, ઇહલોકવાદ, ધર્મનકાર અને સર્વોચ્ચ સંપૂર્ણ વ્યક્તિકેન્દ્રિતા તેમ જ વ્યક્તિસ્વાતંત્ર્યનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પાંચમા અને છઠ્ઠા દાયકામાં દરુ અને રાવજી પટેલના રેનેસાંસ ગ્રુપના નેજા હેઠળ રૅડિકલ હ્યુમૅનિસ્ટ ચળવળ નોંધપાત્ર બની હતી. દરુના રૉયવાદી વિચારો તેમણે ત્રીસેક વર્ષ દરમિયાન સંભાળેલી ‘સ્વતંત્ર ભારત’, ‘ચેતન’ અને ‘માનવસમાજ’ પત્રિકાઓમાં વ્યક્ત થયા છે. તેમના લેખોનો સંચય ‘માનવીય ગૌરવની ખોજ’ નામે બહાર પડ્યો છે. તેમાં તે લખે છે : ‘સ્વાતંત્ર્ય માટેની ઝંખના અને સત્યની શોધ એ માનવ પ્રગતિના મુખ્ય પ્રેરક બળો છે.’
14 જુલાઈ 2016
+++++
સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 15 જુલાઈ 2016