રાજ્યોની કુલ આવકમાં આબકારી આવકનો હિસ્સો 15-20 ટકા હોવાથી સરકારો દારૂબંધીને તડકે મૂકે છે
પહેલી એપ્રિલ ૨૦૧૬થી બિહારમાં દારૂબંધી અમલી બની છે. બિહારના બંને વિધાનગૃહોએ અભૂતપૂર્વ એકમતીથી મુખ્યમંત્રી નીતિશ કુમારના આ નિર્ણયને મંજૂરીની મહોર મારી હતી. એક સદી જૂના ૧૯૧૫ના લિકર બિલમાં સુધારા કરીને બિહાર વિધાનસભાએ બિહાર એકસાઈઝ (સુધારા) બિલ, ૨૦૧૬ મારફત દારૂબંધી દાખલ કરી છે. આ કાયદા મુજબ દારૂનું ઉત્પાદન સદંતર બંધ કરવામાં આવ્યું છે. ગેરકાયદે દારૂ ગાળનાર, વેચનાર અને પીનારને પાંચ લાખ રૂપિયાના દંડ અને ૧૦ વરસથી આજીવન કારાવાસ અને મૃત્યુદંડ સુધીની ભારે સજાની જોગવાઈ નવા કાયદામાં છે.
આ સાથે દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું ત્રીજા નંબરનું રાજ્ય બિહાર પૂર્ણ દારૂબંધી ધરાવતા ગુજરાત અને નાગાલેન્ડ પછીનું ત્રીજું રાજ્ય બન્યું છે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દારૂબંધીની જોગવાઈ છે અને તે રાજ્ય યાદીનો વિષય છે. હાલમાં ગુજરાત, નાગાલેન્ડ અને બિહારમાં પૂર્ણ, તો કેરળ, લક્ષદીપ, મણિપુર અને મિઝોરમમાં આંશિક દારૂબંધી છે. તમિલનાડુ, આંધ્ર અને હરિયાણામાં અગાઉ કેટલાક વરસો દારૂબંધી દાખલ કરવામાં આવી હતી.
આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજીના રચનાત્મક કામોમાં જ દારૂનિષેધનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દારૂના સેવનની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર તો પડે જ છે, પણ તે કુટુંબ ખાસ કરીને મહિલા સભ્યો પર સવિશેષ અસર કરે છે. દારૂનું વ્યસન ગરીબોમાં મોટા પ્રમાણમાં હોવાથી તેને કારણે ગરીબી પણ વધે છે. કુટુંબની આવક નકામા વ્યસનમાં ખર્ચાય છે. દારૂડિયા પુરુષો પત્ની-બાળકોની મારઝૂડ કરે છે અને કમાણીના પૈસા ઘરમાં આપતા નથી. ઘરમાં કાયમ કજિયાકંકાસ રહે છે અને બાળકોનું શિક્ષણ બગડે છે. રાષ્ટ્રીય મહિલા પંચ અંતર્ગત ઈલાબહેન ભટ્ટના અધ્યક્ષસ્થાને ભારતની ગરીબ શ્રમજીવી સ્ત્રીઓની સ્થિતિ અંગેના ૧૯૮૭ના ‘શ્રમશક્તિ’ રિપોર્ટમાં દારૂબંધીની સ્પષ્ટ અને અગ્ર ભલામણ કરવામાં આવી હતી. જો કે એ દિશામાં હજુ ઝાઝુ કામ થયું નથી.
તમિલનાડુ દેશમાં દારૂની સૌથી વધુ (વાર્ષિક રૂ. ૨૧,૮૦૦ કરોડ) આવક ધરાવતું રાજ્ય છે. પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જયલલિતાને દારૂબંધીનું વચન આપવું પડ્યું છે અને તે અમલ માટે પ્રયત્નશીલ છે. તો કેરળમાં કોંગ્રેસે દાખલ કરેલી આંશિક દારૂબંધી દૂર કરવા નવી ડાબેરી મોરચા સરકાર કૃતનિશ્ચય છે. જે અન્ના હજારેએ પોતાના ગામમાં દારૂબંધીથી જાહેર કાર્યો આરંભ્યાં હતાં, તેમના ભૂતપૂર્વ સાથી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં મહિલા બાર ખોલી રહી છે. ઉત્તર પ્રદેશના યુવા સમાજવાદી મુખ્યપ્રધાન અખિલેશસિંઘે દારૂ સસ્તો બનાવ્યો છે. ગુજરાતમાં એના રચનાકાળ પૂર્વેના મુંબઈ રાજ્યથી જ દારૂબંધી છે, પણ અનેક બાબતોમાં અગ્રસર હોવાનો દાવો કરતું ગુજરાત એના દારૂબંધી મોડેલ અંગે મૌન જ રહે છે.
માંડ ત્રણ મહિનાનો ગાળો બિહારની દારૂબંધીના લેખાંજોખાં માટે બહુ નાનો ગણાય. નીતિશ કુમાર તબક્કાવાર દારૂબંધી દાખલ કરવાના હતા, પણ તેમ કર્યાના ચાર જ દિવસમાં લોકોનો, ખાસ કરીને મહિલાઓનો જે પ્રતિસાદ મળ્યો તેનાથી પોરસાઈને સરકારે ચાર જ દિવસમાં પૂર્ણ દારૂબંધી દાખલ કરી. એટલું જ નહીં તાડીના સેવનને પણ તેમાં સામેલ કર્યું. દારૂબંધીના અમલના મહિનાઓમાં જ પંચાયતની ચૂંટણીઓ થઈ. તેમાં દારૂબંધીને કારણે હિંસા ઓછી થઈ અને ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ ઘટ્યો.
લગ્નસરામાં સરા જાહેર દારૂડિયાઓના નાગિન-ડાન્સ જોવા ના મળ્યા! રાજ્યની મહિલાઓએ નિરાંત અનુભવી છે. અન્ય રાજ્યોની જેમ બિહારમાં પણ સરકારને પોલીસ મારફત દારૂબંધીનો અમલ કરવાનો છે. જો કે આ મહિનાઓમાં વહીવટીતંત્ર અને પોલીસે સારું કામ કર્યાના અહેવાલો છે. પોલીસે મોટા પાયે દારૂ અને દારૂડિયાને પકડ્યા છે. બિહાર સરકાર દારૂબંધીના અમલ માટે માત્ર કાયદો અને પોલીસના દંડાને જ પર્યાપ્ત માનતી નથી. એટલે જેમ કાયદામાં કડક સજા સાથે માનવતાનો અભિગમ રાખ્યો છે, તેમ જનજાગૃતિને પણ પ્રાથમિકતા આપી છે. શેરીનાટકો, જાહેરાતો, જાગૃતિસભાઓ અને શાળાઓમાં બાળકો પાસે વાલીનાં દારૂ નહીં પીવાનાં સંકલ્પપત્રો અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલાઓના વૈકલ્પિક રોજગાર જેવાં આયોજનો છે.
વિધાનસભા ચૂંટણીપૂર્વે અને દરમિયાન બિહાર સરકારને મહિલાઓની દારૂને કારણે પડતી મુશ્કેલીઓની મોટા પાયે ફરિયાદો મળી હતી. જો કે ખુદ નીતિશ કુમાર પણ આ પ્રશ્નની આટલી ગંભીરતાથી વાકેફ નહોતા. દારૂની આવક વધારીને જ તેમણે શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાઈકલો આપવાની યોજના ઘડી હતી. પરંતુ જ્યારે ખુદ આ દીકરીઓએ ‘નીતિશઅંકલ અપની સાઈકલ વાપસ લે લીજિએ, લેકિન શરાબકી દુકાન બંધ કીજિયે’નો નારો રમતો મૂક્યો, ત્યારે સરકારને દારૂબંધીની આવશ્યકતા સમજાઈ હતી. હવે તો સહયોગીપક્ષ રાષ્ટ્રીય જનતા દળનાં નેત્રી, લાલુપ્રસાદ યાદવનાં પુત્રી ડો. મીસા ભારતીનો નારો છે કે : ‘લેટ્સ મૂવ ફ્રોમ વાઈન ટુ ડિવાઈન.’ (દારૂ છોડીને દિવ્યતા ભણી)
દેશની ટોચની ઉદ્યોગસંસ્થા એસોચૈમના અંદાજ મુજબ દેશમાં દારૂનો કારોબાર વાર્ષિક રૂ. ૧.૪૫ લાખ કરોડનો છે. દેશમાં ૪૮ ટકા દેશી દારૂ, ૩૬ ટકા ભારતમાં નિર્મિત વિદેશી દારૂ (IMFL) અને ૧૩ ટકા બિયરનું વેચાણ થાય છે. રાજ્યોની આબકારી આવકનો હિસ્સો કુલ આવકનો ૧૬ થી ૨૦ ટકા જેટલો છે. એટલે આબકારી અને આરોગ્યમાંથી સરકારો આબકારી પસંદ કરી દારૂબંધીને તડકે મૂકે છે. બિહારમાં એક જ દાયકામાં આબકારીમાં અગિયાર ગણો વધારો થયો છે. ૨૦૦૫-૦૬માં બિહારને દારૂના ઉત્પાદન અને વેચાણથી રૂ.૩૨૦ કરોડ મળ્યા હતા, જે ૨૦૧૪-૧૫માં રૂ. ૩,૬૬૫ કરોડ અને ૨૦૧૫-૧૬માં રૂ. ૪,૧૦૦ કરોડ થયા હતા. પરંતુ નીતિશ કુમારની દલીલ છે કે બિહારીઓ વરસે ૧૫ થી ૨૦ હજાર કરોડ રૂપિયા દારૂ પાછળ ખર્ચે છે, તેની સરખામણીમાં સરકારની રૂ. ૪,૦૦૦ કરોડની આવકની કોઈ વિસાત નથી.
દેશમાં દારૂબંધીના તરફદારો અને વિરોધીઓ મોટા પ્રમાણમાં છે. અને તેમની પાસે તર્કબદ્ધ દલીલો પણ છે. ખાણીપીણી જેવી પાયાની બાબતમાં લોકશાહી દેશમાં સરકારની દખલ ના ચાલે તેવી પાયાની અને પહેલી નજરે બહુ વાજબી લાગે તેવી દલીલ થાય છે ત્યારે લીંબુઉછાળ સમય માટે જો સત્તા મળે તો પહેલાં દારૂબંધી જ દાખલ કરવાનું કહેનાર ગાંધીજી કહેતા : ‘પ્રજા પાસે પરાણે દારૂ કેમ છોડાવાય? જેમને પીવો છે તેમને સારુ સગવડ હોવી જ જોઈએ — એ દલીલથી તમે રખે ભરમાતા. પોતાની પ્રજામાંના દુર્ગુણોને પોષવાનું રાજ્યનું કામ નથી.
વ્યભિચારખાનાંઓને આપણે વ્યભિચારના ઈજારા દઈને કે નિયમો બાંધી આપીને સગવડો કરી આપતા નથી. ચોરને આપણે તેની ચોરી કરવાની વૃત્તિને સંતોષવાની સોઈ નથી કરી આપતાં. દારૂ તો મારે હિસાબે ચોરી કે કદાચ વ્યભિચાર કરતાં પણ બૂરી ચીજ છે. કારણ ઘણી વાર આ બંને કુકર્મનું પિતૃપદ દારૂને જ હોય છે.’ જનતાની સુરક્ષાની જ નહીં, સુખાકારીની પણ જવાબદારી રાજ્યની છે. જો તે વ્યાપક લોકશિક્ષણથી થઈ શકે તો સારું છે. નહીં તો રાજ્યે દારૂબંધી જેવા પગલાં લેવાં જ જોઈએ અને જ્યાં એ પગલાં ભરાયેલાં હોય, ત્યાં તેનો ચુસ્તીથી અમલ થાય તે પણ જોવું જોઇએ.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ઉદાસીનતાનું મૂળ’, “દિવ્ય ભાસ્કર”, 14 જુલાઈ 2016