મૂળ આંબો તો આદમજીનો
આદિઅનાદિ કાળથી ઉગેલો.
એમની પચાસમી પેઢીએ પરભુજી પેદા થયેલા,
એ પછીની અઢારમી પેઢીએ અવતર્યા રાંમજી.
રાંમજીના થયા લવજી ન કુશજી.
લવજીના થયા લેઉવોજી,
ન કુશજીના થયા કડવોજી.
લેઉવોજી જીભે થોડા હુવાળા, પણ કાંમેકાજે ખંતીલા ન રૂદિયાના રાજા.
કડવોજી નામ પરમાણે કાઠા ન કડવા, પણ પરગજુ ન દિલના ભોળા.
હૌએ પખાલ ભરીને પરસેવે પાયા અંબાજીન.
એમણે તો આજુબાજુના જંગલી છોડઝાડઝાડી વાઢી કાઢ્યા
આંબાને પાડોશે જીવતાં જનાવર ને મનેખ હૌ ભાગ્યા જંગલ ભણી
સંજોગે આંબોજી તો એવા ફાલ્યા એવા ફાલ્યા
તે લાખો કરોડો ડાળીપાંખડાના વસ્તારી થયા.
આંબાજીની શાખ તો વગડે ને પંથકે વખણાવા લાગી
એની કલમો તો અમેરિકા, આફ્રિકા ન વિલાયત વવામાં માંડી.
વળી આંબોજી બારમાસી,
તે હો આખું વરહ વેડી ખાય એમના અમરતના કૂપા
એમના છતરછાંયડે પશુપંખીમાણહ – હૌ કિલ્લોલ કરે !
એ તો એવા પરગજુ ન પરોપકારી તરીકે પંકાયા
ક હૌ એમને જગતનો તાત કહેવા માંડ્યા.
એ તો પરભુજી પટેલના આંબા નામે જગ આખામાં જાણીતા થયા
પણ વખત વખતની વાત :
તે ઠેઠ આ હાલની હજારમી પેઢીએ પાક્યા હાર્દિકજી જવાંનજી.
બારમીમાં બે વાર નાપાસ થયા તે રહ્યા બેકાર
ના ફાવે સાંતી ક ના ફાવે ખેતી
ના ફેરવતાં આવડે ઘંટી ક ના ફાવે ભેસ ચરાવતાં.
એમની નજર તો ફરે કલકલ ખિલેલા હૌ ડાળીપાંખડે
ને આંબાજીના છાંયે કિલ્લોલ કરતા હૌ પશુપંખીમનેખમાં.
એમની નજર તો
વલ્લભજી જેવા વડીલોએ ઉછેરેલ
બાબુજી, ચમનજી, કરસનજી, પરધાનજીએ પોષેલ
કેશાબાપા ન ભાઈકાકા ન આનંદીફોઈએ સિચેલ
ઘેઘૂર આંબાજી પર જ બગડી.
એમણે તો ગરવા આંબાજીની ગરવાઇ પર જ કારમો ઘા કરાવનું વિચાર્યું.
એને મૂળ સોતો ઉખેડીને પોતાનો આંબો વાવવાનું નકી કર્યું :
કેશરિયા કેરીને બદલે હાર્દિકજીનું મન તો ગોટલા પર લલચાણું -–
એમણે તો ગોટલા ચૂસતા ગરીબગુરબાભિખારીઓ પર નજર બગાડી.
આ જ બધી કેરીઓ વેડી ખાય છે અમારા વડવાએ રોપેલ ને સિંચેલ આંબાની.
આંબો તો એક જ ઘાએ એની આદિકાળની આબરૂ સાથે કડડભૂસ ફસડાયો.
હાર્દીક્જીએ એમના નામનો નવો આંબો તો રોપ્યો
પણ એને નથી આવતા મોર કે નથી બેસતા મારવા,
ના મળે છાયા કે ના મળે ફળ
ના એ કોઈને વિસામો દે કે ના બેસે પરબ એના કાળમૂખા પડછાયે.
હવે એ પરગજુ પટેલના આંબાના બદલે
અતિ પછાત પટેલના આંબાના નામે વગોવાય છે વાટે ને વગડે,
ચોરે ને ચૌટે.
*
(ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દ્વારા તા.૧૯ જૂન, ૨૦૧૬ના રોજ આયોજિત કવિ સંમેલનમાં વાંચેલ તથા તા. ૧ જુલાઈ, ૨૦૧૬ના ‘દલિત અધિકાર’માં પ્રગટ થયેલ કવિતા)